લારીગલ્લાંને નામે GST નંબર કે IEC આપનારા અધિકારીઓ જ જવાબદાર
- Team Vibrant Udyog
- Jan 9, 2022
- 2 min read

કસ્ટમ્સ કચેરી દ્વારા નિકાસકારો કે આયાતકારોના પાનકાર્ડ અને આધારકાર્ડ સહિતના કે.વાય.સી.ને વેરીફાય કરવાની કસ્ટમ્સ હાઉસ એજન્ટ પર નાખવામાં આવેલી જવાબદાર અનુચિત હોવાનું જણાવતો એક સીમાચિહ્નરૂપ ચૂકાદો સેન્ટ્રલ એક્સાઈઝ એપેલેટ ટ્રિબ્યુનલ – દિલ્હી ત્રીજી જાન્યુઆરીએ આપ્યો છે. આ ચૂકાદા મારફતે કે.વાય.સી.ની ખરાઈ કરવાની જવાબદારી કસ્ટમ્સ હાઉસ એજન્ટ કે કસ્ટમ્સ બ્રોકરની નહિ, પરંતુ જે ઓથોરીટીએ આ ડોક્યુમેન્ટ્સ(પાનકાર્ડ કે આધારકાર્ડ, આવકવેરાનું રિટર્ન, ઇલેક્શન કાર્ડ કે કેન્સલ ચેક, પાસપોર્ટ, રેશનકાર્ડ) ઇશ્યુ કરનાર ઓથોરીટીની છે. તેની ખરાઈ કરી આપવાની જવાબદારી કસ્ટમ્સ બ્રોકરને માથે નાખી શકાય નહિ.
ખોટી વ્યક્તિને નામે આધારકાર્ડ કે પાનકાર્ડ ઇશ્યૂ કરવામાં આવ્યા હોય તો તે માટે અધિકારીઓ જ વધુ જવાબદાર ગણાય
તાજેતરના મહિનાઓમાં આયાતનિકાસ કરનારાઓએ આધારકાર્ડ કે પાનકાર્ડના આપેલા પુરાવા ધરાવનારા આયાતનિકાસકારો ન મળતા કસ્ટમ્સ કચેરીએ ગુજરાત સહિત ભારતભરમાં 100થી વધુ કસ્ટમ્સ બ્રોકરના લાઈસન્સ રદ કર્યા હતા. પરિણામે મામલો કોર્ટમાં પહોંચ્યો હતો. કસ્ટમ્સ બ્રોકરના લાઈસન્સ સસ્પેન્ડ કર્યા હતા. ત્યારબાદ કાયમી ધોરણે રદ પણ કરી દેતા કસ્ટમ્સ બ્રોકરો ગિન્નાયા હતા અને એપેલેટ ટ્રિબ્યુનલમાં પહોંચ્યા હતા.
કસ્ટમ્સ બ્રોકરને માથે માછલાં ધોવાનું બંધ કરે
બેન્ક અને સ્ટોક માર્કેટના કે પછી મ્યુચ્યુઅલ ફંડના ઇન્વેસ્ટમેન્ટ માટે સરકારે સી-કેવાયસી એટલે કે સેન્ટ્રલ કેવાયસીની વેરિફિકેશન સિસ્ટમ ઊભી કરેલી છે. આ સિસ્ટમમાં જઈને કે તેની સાથે જોડાઈને કસ્ટમ્સ કચેરી કે.વાય.સી.ની ખરાઈ કરી શકે છે. તેમ કરવાને બદલે આ જવાબદારી કસ્ટમ્સ બ્રોકરને માથે નાખીને આયાતનિકાસમા થતી ગેરરીતિઓ માટે સંપૂર્ણપણે કસ્ટમ્સ બ્રોકરને જ જવાબદાર ઠેરવવાની અધિકારીઓની માનસિકતાને આ ચૂકાદા સાથે મોટો ઝાટકો લાગ્યો છે. કારણ કે કસ્ટમ્સ બ્રોકરને માથે જવાબદારી નાખી દઈને તેમણે કરેલા સેટિંગ્સમાંથી તેઓ આબાદ રીતે છટકી જતાં હતા.
લાઈસન્સ રદ કરવાના કસ્ટમ્સ કચેરીના 80 ટકાથી વધુ કેસો એપેલેટ ટ્રિબ્યનલમાં નીકળી જ જાય છે. આ સંજોગોમાં કસ્ટમ્સ બ્રોકરો અને આયાતનિકાસકારોના માથે જવાબદારી નાખવા પાછળના સરકારી અધિકારીઓનો ઇરાદો સ્પષ્ટ થવો જોઈએ. અન્યથા આ સમગ્ર કવાયત એપેલેટ ટ્રિબ્યુનલમાં કેસોનું ભારણ વધારવાનુ જ કામ કરે છે.

સેન્ટ્રલ એક્સાઈઝ એપેલેટ ટ્રિબ્યુનલે સીઆરએમ લોજિસ્ટિક્સ પ્રાઈવેટ લિમિટેડ વિરુદ્ધ કમિશનર ઓફ કસ્ટમ્સ નવી દિલ્હીની અપીલ નંબર 50389-2021ના સંદર્ભમાં ચૂકાદો આપતા જણાવ્યું હતું કે કેવાયસીની ચકાસણી કરતાં દસ્તાવેજોમાં દર્શાવેલી વ્યક્તિ જો મળી ન આવે તો તેને એક ગંભીર ઇશ્યૂ ગણી શકાય અને આ દસ્તાવેજ ઇશ્યૂ કરી આપનાર સત્તા સાથે સંકળાયેલા ઓફિસર સામે વધુ મોટો અને વધુ ગંભીર ગુનો બને છે.
કસ્ટમ્સ વિભાગ દ્વારા આધારકાર્ડ ધારક, પાનકાર્ડ ધારક કે પછી આઈઈસી કોડ ધારકની ખરાઈ કરવાની જવાબદારી કસ્ટમ્સ હાઉસ એજન્ટને માથે નાખીને તેમના લાઈસન્સ રદ કરી દેવાતા આયાત અને નિકાસની કામગીરી પર ગંભીર અસર પડી રહી છે. આયાતકારના આવી રહેલા કન્સાઈનમેન્ટ અને નિકાસકારોના જઈ રહેલા કન્સાઈનમેન્ટ પોર્ટ કે એરપોર્ટ પર અટવાયેલા પડી રહે છે. તેમણે લાખો રૂપિયા ડેમરેજ ચાર્જ અને ડિટેન્શન ચાર્જ પેટ કોઈપણ જાતની ભૂલ વિના ચૂકવવા પડી રહ્યા છે. આ સ્થિતિમાં તેમની હાલત દયનીય બની જાય છે અને મોટી નુકસાની ભોગવવાની આવે છે. આતંરરાષ્ટ્રીય સ્તરેથી તેમને મળેલા ઓર્ડર પણ રદ થઈ જવાના કિસ્સાઓ બને છે.
Comments