ભારતના ફાર્મા ઉદ્યોગ માટે ખૂલી રહ્યા છે નિકાસના દ્વાર
- Team Vibrant Udyog
- Jul 19, 2022
- 8 min read
ફાર્માસ્યૂટિકલ્સનું ટર્નઓવર વધીને 130 અબજ ડૉલર પર પહોંચશે
ભારતની મોટામાં મોટી કેમિકલ ઇન્ડસ્ટ્રી ગુજરાતમાં જ હોવાથી APIના ઉત્પાદનમાં ગુજરાત મોટો ફાળો આપી શકે તેમ છે
APIના ઉત્પાદનના નવા થતાં પ્લાન્ટ્સમાંથી 40 ટકા પ્લાન્ટ્સ ગુજરાતમાં
ભારત પાસે આખા વિશ્વમાં ફાર્મા ક્ષેત્રે નંબર 1 બનવાની ક્ષમતા, ગુજરાતમાં દસ વર્ષમાં ફાર્મા ક્ષેત્રનો વિકાસ બમણો થઈ શકે છે

ગુજરાતમાં વરસે દહાડે 1450 કરોડ ડૉલરની દવાઓનું ઉત્પાદન થાય છે. બીજી તરફ ભારત આજે વર્લ્ડ ફાર્મસી તરીકે ખ્યાતિ મેળવી ચૂક્યું છે. પેટન્ટનો સમયકાળ વીતાવી ચૂકેલી અને દરેક કંપનીને ઉત્પાદનની છૂટ મળી હોય તેવી કુલ દવાના ઉત્પાદનમાંથી 20 ટકા દવાનું ઉત્પાદન એકલા ભારતમાં થાય છે. ભારતની ખાસિયત એ છે કે સારામાં સારી ક્વોલિટી દવા બનાવે છે, તે પણ સસ્તા દામથી. ઇન્ડિયન ડ્રગ મેન્યુફેક્ચરિંગ એસોસિયેશન-નેશનલ પ્રેસિડન્ટ વિરંચી શાહ કહે છે, “ભારતમાં બનતી દવાઓની દુનિયાના 200 દેશમાં નિકાસ થાય છે. ભારતમાંથી 2020-21ના વર્ષમાં 2500 કરોડ ડૉલરની દવાઓની નિકાસ થઈ હતી. તેમાંથી 50 ટકા દવાઓની નિકાસ અમેરિકા અને યુરોપિયન સંઘના દેશોમાં કરવામાં આવી હતી. ભારતમાં વર્ષે દહાડે 50 અબજ કરોડ ડૉલરના મૂલ્યની દવાઓનું ઉત્પાદન થાય છે. ફાર્મા ઉદ્યોગનો અંદાજ છે કે આગામી આઠ વરસમાં અંદાજે આ ઉત્પાદન વધીને 130 અબજ ડૉલરને આંબી જશે.”
API ક્ષેત્રે વધી રહી છે ભારતની આત્મનિર્ભરતાઃ

અત્યારે ભારત એક્ટિવ ફાર્માસ્યૂટિકલ ઇન્ગ્રેડિયન્ટ્સમાં ચીન પર ખાસ્સો નિર્ભર છે. પરંતુ આગામી વરસોમાં ભારતમાં એક્ટિવ ફાર્માસ્યૂટિકલ્સ ઇનગ્રેડિયન્ટ્સના સેગમેન્ટનો પણ ખાસ્સો વિકાસ થશે. ભારત સરકારે તેને માટે પ્રોડક્શન લિન્ક ઇન્સેન્ટિવ સ્કીમની યોજના જાહેર કરી દીધી છે. મોટી કંપનીઓએ તેનો લાભ લેવાનો શરૂ કરી દીધો છે. ઇડમાના અમદાવાદ ચેપ્ટરના પ્રેસિડન્ટ શ્રેણિક શાહ કહે છે, “હજી એક્ટિવ ફાર્માસ્યૂટિકલ્સ માટે જોઈતા રૉ મટિરિયલ માટે આપણે ચીન પર થોડોગણો મદાર બાંધવો પડી રહ્યો છે તે પણ સમય જતાં ઓછો થઈ જશે. ત્યારબાદ ભારત આત્મનિર્ભર બની જશે. બે વર્ષમાં નવા 280 લાઈસન્સની અરજી આવી છે. તેમાંથી 40 ટકા અરજીઓ API માટેની છે.”
પરિણામે એક્ટિવ ફાર્માસ્યૂટિકલ્સ ઇન્ગ્રેડિયન્ટ્સ સહિતના સ્થાનિક સ્તરના ઉત્પાદનોમાં ભારત કાઠું કાઢશે. અત્યારે બલ્કડ્રગ બનાવવા માટેનું રૉ મટિરિયલ પણ ચીનથી મંગાવે છે. તેને કી સોર્સિંગ મટિરિયલ તરીકે ઓળખાવવામાં આવે છે. કી સોર્સિંગ મટિરિયલમાં પણ પાંચેક વર્ષમાં ભારત આત્મનિર્ભર થઈ જાય તેવી સંભાવના છે. સ્થાનિક બજાર માટે જોઈતી દવાઓ તથા સંકુલ કોમ્બિનેશનવાળી દવાઓ વિકસાવવાના અને પેટન્ટ ધરાવતી દવા જેવી જ દવાઓ-બાયોસિમિલર દવાઓ વિકસાવવાના મોરચે સારુ કાઠું કાઢશે. આ ક્ષેત્રમાં રોકાણ કરનારાઓને રોકાણ પર સારુ વળતર મળી રહેશે.

ભારતનું ફાર્મા હબ છે ગુજરાતઃ
ભારતમાં ગુજરાત ફાર્મા ઉદ્યોગનું હબ છે. ગુજરાતમાં 110 વરસ પહેલા ફાર્માસ્યૂટિકલ ઇન્ડસ્ટ્રીનો આરંભ થયો હતો. દવાનું ઉત્પાદન કરનાર ગુજરાત ભારતનું પહેલું રાજ્ય છે. 110 વર્ષથી ગુજરાતનો ફાર્માઉદ્યોગ સતત વિકાસની કેડી પર આગળ વધી રહ્યો છે. વિરંચી શાહનું કહેવું છે, “ભારતમાંથી થતી દવાની નિકાસમાંથી 28 ટકા નિકાસ એકલા ગુજરાતમાંથી થાય છે. તેમ જ દેશમાં થતા દવાના કુલ ઉત્પાદનમાંથી 30 ટકા દવા ગુજરાતમાં બને છે.”
છેલ્લા 10 વરસથી ફાર્માસ્યૂટિકલ્સ ઇન્ડસ્ટ્રીઝનો ગ્રોથરેટ દેશના જીડીપીના 1.5 ટકા જેટલો રહ્યો છે. આગામી વરસોમાં પણ ફાર્મા ઉદ્યોગનો વિકાસ દર તેનાથી વધારે રહેવાની ધારણા છે. તેથી તેમાં રોકાણ કરવા ઇચ્છનારાઓ માટે પણ કમાણી કરવાની સારી તક છે.
વિદેશમાં ભારતીય દવાને સારો પ્રતિભાવઃ

વિરંચી શાહ કહે છે, “હૃદયરોગની, ડાયાબિટીસની, કેન્સરની, સીએનએસ-સેન્ટ્રલ નર્વસ સિસ્ટમ તથા કરોડરજ્જુ અને મગજની નસોની દિવાલોમાં સોજા આવવાની બીમારીઓની દવાના બજારમાં ખાસ્સો વધારો કે સુધારો થતો જોવા મળી શકે છે. તેની નિકાસ માટે પણ બહુ જ સારો અવકાશ છે. તદુપરાંત ચેપ વિરોધી, દુઃખાવાની દવાઓનો વેપાર પણ સારો જ રહેવાની ધારણા છે.” આજની વાત કરતાં શ્રેણિક શાહ કહે છે, “વિશ્વના દેશોની વેક્સિન (રસી)ની 50 ટકા ડિમાન્ડ ભારત સંતોષે છે. અમેરિકાની જેનરિક દવાની કુલ ડિમાન્ડની 40 ટકા ડિમાન્ડ ભારતીય ફાર્માસ્યૂટિકલ્સ કંપનીઓ પૂરી કરે છે. બ્રિટનની જેનરિક દવાની કુલ ડિમાન્ડના 25 ટકા ડિમાન્ડ ભારતીય ફાર્મા કંપનીઓ પૂરી કરે છે. એઈડ્સ જેવી જીવલેણ બીમારીની સારવાર માટે જોઈતી દવાઓમાંથી 80 ટકા દવાઓ ભારતની ફાર્મા કંપનીઓ દુનિયાના દેશોને પૂરી પાડે છે.” ભારતમાંથી આફ્રિકન કંટ્રી, લેટિન અમેરિકાના દેશો, રશિયાના દેશો અને ફ્રેન્ચ ભાષા બોલતા દેશોમાં ભારતીય દવાઓને સારો પ્રતિભાવ મળી રહ્યો છે. રોગપ્રતિકારક દવાઓનું વેચાણ ખાસ્સું વધી રહ્યું છે. શ્રેણિક શાહ કહે છે કે હિમાચલ પ્રદેશ સહિતના ટેક્સ બેનિફિટના લાભ આપતા રાજ્યોમાં લાભ મળતો બંધ થઈ જતાં તેના એકમો હવે ફરી ગુજરાત ભણી આવવા માંડ્યા છે. તેનો લાભ પણ ગુજરાતને મળશે. ગુજરાતનું ઉત્પાદન અને નિકાસ બંને વધશે.
આયુર્વેદિક દવા ક્ષેત્રે પણ ભારતનું વર્ચસ્વઃ

ભારતની એલોપથી દવાઓની માફક આયુર્વેદિક દવાઓએ પણ વિશ્વબજારમાં વર્ચસ જમાવવા માંડ્યું છે. શ્રેણિક શાહ કહે છે, “કોરોના કાળ પછી પ્રીવેન્ટિવ એટલે કે રોગપ્રતિકારક શક્તિ વધારતી દવાઓનો વેપાર પણ સતત વધી રહ્યો છે, આવનારા દિવસોમાં પણ વધતો રહેશે. આ વેપારમાં એલોપથી ઉપરાંત આયુર્વેદિક દવાઓના બજારમાં પણ ખાસ્સો વેપાર વધતો જોવા મળશે.” ભારતમાંથી થતી કુલ થતી નિકાસમાંથી યુક્રેનમાં 19 કરોડ ડૉલરની નિકાસ થાય છે. તેમાંથી રશિયામાં થતી નિકાસનું પ્રમાણ 5.8 કરોડ ડૉલરનું છે. આપણી કુલ નિકાસના ત્રણ ટકા જેટલું જ છે. રશિયા-યુક્રેનના યુદ્ધને કારણે તેના પર પણ અસર પડી છે. દેશમાંથી થતી કુલ નિકાસની તુલનામાં આ અસર બહુ મોટી નથી. શ્રેણિક શાહ કહે છે, “પેમેન્ટ આવવાની અનિશ્ચિતતા ઊભી થઈ હોવાથી વેપાર લગભગ ઠપ થઈ ગયો છે.” વિરંચી શાહ કહે છે, “ભારતની કુલ નિકાસના ત્રણ ટકા જ નિકાસ આ બે દેશોમાં થતી હોવાથી તેની મોટી અસર ભારતની નિકાસ પર બહુ જોવા મળતી નથી.” અલબત્ત દરેક યુદ્ધની વિશ્વના દરેક દેશો પર નાની મોટી ખરાબ અસર પડે જ છે. તેને કારણે આ દેશો સાથે બિઝનેસ કરવાનો ઉત્સાહ ઠરી ગયો છે. તેમ જ પ્રસ્થાપિત થવા આવેલી કે થઈ ગયેલી સપ્લાય ચેઈન તૂટી ગઈ છે. તેવી જ રીતે શિપમેન્ટની ચેઈન પણ ખોરવાઈ ગઈ છે. યુદ્ધ દરેક દેશના અર્થતંત્રને નુકસાન પહોંચાડે છે. રશિયા-યુક્રેન યુદ્ધ પણ સમગ્ર વિશ્વના અર્થતંત્ર માટે લાંબા ગાળે નુકસાનકારક જ સાબિત થવાનું છે.
યુરોપ-જાપાન સાથે વેપાર વધ્યોઃ
રશિયા-યુક્રેન સાથેનો દવાનો વેપાર ઠપ થયો છે. બીજી તરફ અમેરિકા, યુરોપના દેશો અને જાપાન સાથેનો દવાનો વેપાર વધી રહ્યો છે. વિરંચી શાહ કહે છે, “ભારતમાંથી દવાની કુલ થતી નિકાસમાંથી 50 ટકા નિકાસ અમેરિકા અને યુરોપિયન સંઘના દેશોમાં થાય છે. વિશ્વના કોઈપણ દેશ સાથે સરખામણી કરવામાં આવે તો દવાઓના ઉત્પાદન સાથે સંકળાયેલા અમેરિકાના ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશનની માન્યતા ધરાવતા સૌથી વધુ પ્લાન્ટ ભારતમાં છે. યુરોપિયન સંઘના દેશોમાં દવાની નિકાસ કરવાની મંજૂરી ધરાવતા પ્લાન્ટ્સની સંખ્યા પણ ખાસ્સી વધારે છે.” શ્રેણિક શાહ કહે છે, “નાના ઉત્પાદકો પણ અમેરિકાના ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશનની મંજૂરી લઈને નિકાસના બજારનો લાભ લેવા તો માગે છે, પરંતુ તેને માટે કરવો પડતો ખર્ચ ઘણો જ વધારે હોવાથી તેમના હાથ હેઠાં પડી રહ્યા છે. હા, તેઓ યુરોપિયન સંઘના ધોરણો પ્રમાણેની અને બ્રિટનના ધોરણો પ્રમાણેની મંજૂરી મેળવવા પ્રયાસ કરી રહ્યા છે. તેમાં ખાસ્સી સફળતા પણ મળી રહી છે. યુરોપિયન અને બ્રિટીશ ધોરણો પ્રમાણેની મંજૂરી મળી ગયા પછી આ દેશોમાં ભારતમાંથી થતી દવાઓની નિકાસમાં 10થી 20 ટકા સુધીનો વધારો આવી જશે.”

ભારતમાં ફાર્મા ક્ષેત્રે નંબર 1 બનવાની ક્ષમતાઃ
આમેય કોરોના કાળ દરમિયાન ભારતે રસીઓના સપ્લાયમાં દુનિયાભરનું ધ્યાન ખેંચે તેવો સપ્લાય આપ્યો હતો. રસી ઉપરાંતની પેરાસિટામોલ, એઝિથ્રોમાઈસિન, વિટામિન્સની ગોળીઓ સહિતની આવશ્યક દવાઓ પણ દુનિયાભરના દેશોમાં પહોંચાડી હતી અને ભારત એક વિશ્વસનીય-રિલાયેબલ સપ્લાયર હોવાનું પ્રસ્થાપિત કરી દીધું છે. આમ દુનિયાભરના દેશોને વેક્સિન પૂરી પાડવામાં ભારતે દાખવેલી કુનેહના પરિણામો અત્યારે નિકાસકારોને મળવા માંડ્યા છે. આગામી વરસોમાં તેના વધુ લાભ મળતા થશે. વિરંચી શાહ કહે છે, “કોરોના પછીના કાળના અન્ડર કરન્ટ દર્શાવે છે કે ભારતે જે જે દેશોને દવાનો પુરવઠો આપ્યો હતો તે તમામ દેશો ઉપરાંતના દેશો ભારત સાથેના બિઝનેસને વધુ ગાઢ બનાવવાના તત્પર બન્યા છે.” તેથી ભારત માટે દવાના બિઝનેસ વધારવાની અસંખ્ય તક નિર્માણ થઈ રહી છે. વિશ્વના દેશોની આ માનસિકતા ભારતમાંથી દવાની નિકાસમાં વધારો કરવામાં બહુ જ મોટો ફાળો આપશે. વિરંચી શાહ કહે છે, “આ જ વલણને સહારે ભારત આગામી 25 વર્ષમાં દવાના સપ્લાયની બાબતમાં વિશ્વનો પ્રથમ ક્રમનો દેશ બની જશે. વિશ્વના દેશોને દવા પૂરી પાડવાની બાબતમાં ભારત આજે વિશ્વમાં ત્રીજા ક્રમે છે.”
ગુજરાતમાં દસ વર્ષમાં ફાર્મા ક્ષેત્રનો વિકાસ બમણો થઈ શકેઃ
ગુજરાતના ફાર્મા ઉદ્યોગને પણ તેનો મોટો ફાયદો મળશે. ભારતમાંથી દવાની થતી કુલ નિકાસમાં ગુજરાતનો ફાળો 28 ટકાનો છે. તેમ જ ભારતમાં બનતી કુલ દવાઓમાંથી 30 ટકા દવાઓ ગુજરાતમાં બને છે. ગુડ મેન્યુફેક્ચરિંગ પ્રેક્ટિશિસ (GMP)નું પ્રમાણપત્ર ધરાવતા સૌથી વધુ દવાના બનાવતા પ્લાન્ટ્સ ગુજરાતમાં છે. તેમાંય પહેલી જુલાઈ 2017થી ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ-જીએસટીની પ્રથા અમલમાં આવી ત્યારબાદ આખા દેશમાં દવાઓ પર એક સમાન ટેક્સ લાગી રહ્યો છે. પહેલા દરેક રાજ્યમાં જુદો જુદો ટેક્સ હતો. આમ ‘વન નેશન, વન ટેક્સ’ની આ નીતિને કારણે ગુજરાતના ફાર્મા સેક્ટરમાં બહુ જ મોટા પ્રમાણમાં મૂડી રોકાણ આવ્યું છે અને આવી રહ્યું છે. વિરંચી શાહ કહે છે, “ગુજરાતમાં એકદમ નવા પ્લાન્ટ નાખવાના અને જૂના પ્લાન્ટના વિસ્તરણના મળીને કુલ 225 નવા પ્રોજેક્ટ ફાર્માસ્યૂટિકલ્સના સેગમેન્ટમાં આવ રહ્યા છે.” તેમાંય ગુજરાતીઓની અને ગુજરાતવાસીઓની વેપારી કુનેહ અજીબ છે. ગુજરાતમાં ફાર્મસી કૉલેજની સંખ્યા પણ ખાસ્સી હોવાથી તાલીમ પામેલો મેનપાવર પણ ગુજરાતમાં આસાનીથી મળી રહે છે. ગુજરાતના ફૂડ એન્ડ ડ્રગ કમિશનર હેમંત કોશિયા તરફથી પણ નવા પ્રોજેક્ટ નાખનારાઓને કે જૂના પ્રોજેક્ટનું વિસ્તરણ કરનારાઓને સારો સહકાર મળી રહ્યો છે. ગુજરાતમાં મશીનરી ઉદ્યોગ પણ સારો વિકસેલો છે. તેમ જ દવાનો ઉદ્યોગ સંલગ્ન ઉદ્યોગોન પણ સારા વિકસેલા છે. નિકાસકારોને નિકાસ કરવામાં મદદરૂપ બને તેવા બંદરો પણ ગુજરાતમાં ખાસ્સી સંખ્યામાં છે. ગુજરાત સ્થિત ફાર્મા ઉદ્યોગ દસ જ વરસમાં તેનો વિકાસદર બમણો કરી શકે તેવો માહોલ મોજૂદ છે.

API માટેની PLI ગેમ ચેન્જર પુરવાર થશેઃ
દવા ઉદ્યોગ માટે એક્ટિવ ફાર્માસ્યૂટિકલ ઇન્ગ્રેડિયન્ટ્સ-એપીઆઈ ખૂબ જ મહત્વના છે. તેની મદદથી જ જુદાં જુદાં રોગની દવા બનાવી શકાય છે. ભારતમાં ક્યારેય દવાની અછત ન સર્જાય તે માટે એપીઆઈમાં ભારત આત્મનિર્ભર બને અને ચીનના રહેમ પર ન રહે તે માટેની કામગીરીનો એક-દોઢ વરસથી આરંભ કરી દેવામાં આવ્યો છે. વિરંચી શાહ કહે છે, “ભારત સરકારે એપીઆઈ-એક્ટિવ ફાર્માસ્યૂટિકલ્સ ઇન્ગ્રેડિયન્ટ્સ માટે જાહેર કરેલા પ્રોડક્શન લિન્ક ઇન્સેન્ટિવ સ્કીમને કારણે એપીઆઈ ઇન્ડસ્ટ્રી ફરી જીવંત બનવા માંડી છે.” આમ તો 1980-90ના દાયકા સુધી ગુજરાતમાં એપીઆઈ ઉદ્યોગ ધમધમતો જ હતો. પ્રદુષણને લગતી સમસ્યાને કારણે પ્રદુષણ બોર્ડની સખ્તાઈને પરિણામે તેના કામકાજ ધીમે ધીમે મંદ અને પછી બંધ થઈ ગયા હતા. તેઓ ભારતની બહાર ચાલ્યા ગયા છે. આમ આ મોરચે ગુજરાત અનુભવી છે. તેની જૂની આવડતને ફરીથી જીવંત કરવાની છે. તેમાં બહુ લાંબો સમય લાગશે નહિ. આ મોરચે ભારત અને ગુજરાત વહેલું આત્મનિર્ભર બની જશે. ભારત સરકાર અને ગુજરાત સરકારના પ્રદુષણ બોર્ડ ઉપરાંતના સરકારી વિભાગો આ બાબતમાં ઉદ્યોગો સાથે સતત ચર્ચા વિચારણા કરતાં રહીને સ્થિતિને સરળ બનાવી રહ્યા છે. ઉદ્યોગોને ઇઝ ઓફ ડૂઇંગ બિઝનેસનો પરિચય કરાવી રહ્યા છે. તેથી તેઓ ફરીથી ભારતમાં આવવા માંડ્યા છે. વિરંચી શાહ કહે છે, “આગામી સાતેક વરસના ગાળામાં એપીઆઈનું ઉત્પાદન ફૂલ ફ્લેજ ચાલુ થઈ જશે. મહત્વના એપીઆઈ-બલ્કડ્રગની બાબતમાં ભારત આત્મ નિર્ભર બની જશે.” ગુજરાત પાસે 1600 કિલોમીટર લાંબો દરિયા કિનારો છે. તેમ જ ભારતની મોટામાં મોટી કેમિકલ ઇન્ડસ્ટ્રી પણ ગુજરાતમા જ છે. તેથી ગુજરાત એપીઆઈના ઉત્પાદનના મોરચે સૌથી અગ્રીમ ક્રમે રહીને મોટો ફાળો આપી શકે તેમ છે. એપીઆઈના ઉત્પાદન માટે નવા આવી રહેલા પ્લાન્ટ્સમાંથી 40 ટકા પ્લાન્ટ્સ એકલા ગુજરાતમાં આવી રહ્યા છે.
ગુજરાતમાં વરસે દહાડે 1450 કરોડ ડૉલરની દવાઓનું ઉત્પાદન થાય છે. ભારતના દવા ઉદ્યોગનું 2021-22નું ટર્નઓવર 50 અબજ ડોલરનું એટલે કે 5000 કરોડ ડૉલરનું રહ્યું છે. તેમાંથી 2500 કરોડ ડૉલરની દવાની નિકાસ થાય છે. ભારતમાં જ દવાનું બજાર રૂપિયા 2 લાખ કરોડનું છે. તેમાં દર વર્ષે 8થી 10 ટકાનો વધારો થતો રહે છે.
EUGMP ધરાવતા પ્લાન્ટ્સની સંખ્યા વધીઃ
અત્યારે યુરોપિયન સંઘના જીએમપી (EUGMP)નું પ્રમાણપત્ર ધરાવતા 650થી વધુ પ્લાન્ટ્સ ભારતમાં છે. તેમ જ યુએસ-એફડીએની મંજૂરી ધરાવતા 600 પ્લાન્ટ્સ છે. ભારતની સન ફાર્મા, ઝાયડસ કેડિલા, સિપ્લા, ઇન્ટાસ, કેડિલા ફાર્મા, ટોરેન્ટ ફાર્મા સહિતની કંપનીઓ અમેરિકા અને યુરોપના જીએમપી-ગુડ મેન્યુફેક્ચરિંગ પ્રેક્ટિશિસનું પ્રમાણપત્ર ધરાવે છે. આ દેશો જ ભારતમાંથી નિકાસ કરાતા દવામાંથી 50 ટકા દવાઓ ખરીદે છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પ્રમોટ કરેલા મેક ઇન ઇન્ડિયાના કોન્સેપ્ટનો પણ તેમાં મોટો ફાળો છે. વિરંચી શાહ કહે છે, “પ્રધાનમંત્રીના મેક ઇન ઇન્ડિયાના કોન્સેપ્ટને કારણે ભારતનું મેન્યુફેક્ચરિંગ સેક્ટર વધુ મજબૂત બનશે. ગુજરાત અને ભારતના મેન્યુફેક્ચરિંગ સેક્ટરને મજબૂત બનાવવામાં મેક ઇન્ડિયા મોટો ફાળો આપશે. મેક ઇન ઇન્ડિયાને વધુ સંગીન બનાવવા માટે પણ પ્રોડક્શન લિન્ક ઇન્સેન્ટિવ સ્કીમ જાહેર કરી દેવામાં આવેલી છે.” પીએલઆઈને કારણે ઇઝ ઓફ ડૂઇંગ બિઝનેસનો માહોલ સંગીન બની રહ્યો છે. ડિક્રિમિનલાઈઝેશન ઓફ માઈનોર ઓફેન્સને કારણે પણ દવા ઉદ્યોગ પરના નિયંત્રણો તેનાથી હળવા થઈ રહ્યા છે. તેનાથી પારદર્શકતા વધી જશે, ગુડ ગવર્નન્સ આવશે. તેનાથી મેક ઇન ઇન્ડિયાની ઝુંબેશને વેગ મળે તેવું પરિવર્તન આવશે. જે લાંબાગાળે ભારતને ફાર્માસ્યૂટિકલ્સ પ્રોડક્સના મેન્યુફેક્ચરિંગનું વર્લ્ડ લેવલનું હબ બનાવી દેશે. તેના થકી રોકાણની અનંત શક્યતાઓ નિર્માણ થશે. તેમ જ રોજગારીની નવી તક પણ નિર્માણ કરશે.

યુરોપિયન સંઘના સર્ટિફિકેશન મેળવી યુરોપના દેશોમાં નિકાસ કરવાનો ટાર્ગેટ
- પિક્સના ધોરણોનું પાલન ન કરી શકનારા નાના ઉદ્યોગો માટે અસ્તિત્વ ટકાવવું કઠિન
ગુજરાતમાં નવી આવી રહેલી ફાર્મા કંપનીઓ ઇન્ટરનેશનલ સ્ટાન્ડર્ડની જ બની રહી છે. ઘણી કંપનીઓનો ટાર્ગેટ ઈયુ-જીએમપીનું સર્ટિફિકેશન મેળવવાનું ટાર્ગેટ રાખીને આવી રહી છે. આ પ્રમાણપત્ર મેળવવામાં આવે તો યુરોપિયન સંઘના 60 જેટલા દેશોમાં નિકાસ કરવાની તક મળી શકે છે. USFDA અને યુકે MHRA મેળવવા માટે ખર્ચ વધુ કરવો પડે છે. તેની ઓપરેટિંગ કોસ્ટ પણ વધે છે.
જો કે યુ.એસ અને યુરોપમાં દવાની નિકાસ આસાન નથી. તેના માટે ફાર્મા કંપનીઓએ મિનિમમ સ્ટાન્ડર્ડ મેઈન્ટેઈન કરવા માટે સ્ટાફ અને મશીનરી ઉચ્ચતમ ગુણવત્તાની રાખવી પડે છે. તેવી જ રીતે બેકફ્રી એરિયા બનાવવા પડે છે. તેથી ઇલેક્ટ્રિસિટી કન્ઝમ્શન અને મેનપાવર મોંઘા પડે છે. તેની અસર દવાના ભાવ વધે છે. માત્ર યુએસને ટાર્ગેટ કરવા કરતાં વધુ કંટ્રીમાં બિઝનેસ માટેનો માર્ગ ખુલ્લો થાય તેવો હોવાથી EUGMP લેવા ઇચ્છનારા વધી રહ્યા છે. વિયેટનામ કે ફિલિપિન્સ જેવા દેશો પણ EUGMP માંગી રહ્યા છે. ગુજરાતમાં EUGMPનું સર્ટિફિકેશન મેળવનારી કંપનીઓની સંખ્યા 125 જેટલી છે. EUGMP મળે તો 60થી 62 દેશોમાં નિકાસનો માર્ગ મોકળો થાય છે, એમ શ્રેણિક શાહનું કહેવું છે. ભારતમાં EUGMPના 450થી 500 પ્લાન્ટ છે. સાગા લેબોરેટરીઝ, સ્વિસ પેરેન્ટ્રલ્સે EUGMP મેળવેલા છે. મોટી કંપનીઓ તો આગળથી જ EUGMP મેળવી ચૂકી છે. તે મળ્યા પછી વધારાનો 10થી 12 ટકા એક્સપોર્ટ થઈ શકે છે. આમ નોર્મલ 10 ટકાના નિકાસના ગ્રોથ રેટ સાથે ગણીએ તો કુલ નિકાસ 16થી 18 ટકા વધી શકે છે. EUGMP કર્યા પછી પ્રોડક્ટ્સના ભાવમાં 15થી 20 ટકાનો વધારો મળી શકે છે. વેલ્યુની દ્રષ્ટિએ નિકાસમાં વિશ્વના દસ ટોચના દેશોની હરોળમાં આપણે આવી શકીએ છીએ. ભારત ફાર્માસ્યુટીકલ્સના ઇન્સ્પેક્શન સ્કીમ-ગ્રુપનું સભ્ય બનવા માગે છે. તેના સભ્ય બન્યા પછી નાના ઉદ્યોગો કોમ્પ્લાય ન કરી શકે તો તેમના અસ્તિત્વ સામે જોખમ આવી શકે છે. તેઓ સજ્જ નહિ થાય તો એકમો બંધ થવાથી બેરોજગારી વધી શકે છે.
Comments