top of page

MEESHO: ધૂમ કમાણી કરાવી આપતા આ શોપિંગ પોર્ટલ પર બિઝનેસ કેવી રીતે શરૂ કરશો?

  • Team Vibrant Udyog
  • Mar 7, 2022
  • 6 min read

તમે રૂ.25,000 કે રૂ.50,000ના ભંડોળ સાથે પણ MEESHO પર બિઝનેસ શરૂ કરી શકો છો.
MEESHO હાલ સેલર્સ પાસે 0 ટકા કમિશન ચાર્જ કરી રહી છે.
આ પ્લેટફોર્મ પર સેલર તરીકે રજિસ્ટ્રેશન કરાવવાની પ્રક્રિયા સાવ સરળ છે.
- તમારા રિટેલ બિઝનેસને ઓનલાઈન લઈ જવો હોય તો MEESHO મજબૂત પ્લેટફોર્મ છે.

અત્યાર સુધી ભારતમાં ઈ-કોમર્સ માર્કેટપ્લેસ ઉપર એમેઝોન અને ફ્લિપકાર્ટ શાસન કરતા હતા. પરંતુ 2021થી ઓનલાઈન શોપિંગ એપ MEESHO આ સેગમેન્ટમાં ગેમ ચેન્જર બનીને આવી છે. ઓક્ટોબર 2021માં MEESHO આખા વિશ્વમાં સૌથી વધુ ડાઉનલોડ થયેલી એપ બની હતી અને ફક્ત ચાર જ મહિનાના ગાળામાં 5.7 કરોડ લોકોએ આ એપ ડાઉનલોડ કરી હતી. સોફ્ટબેન્કનું બેકિંગ ધરાવતી આ ઓનલાઈન શોપિંગ એપ ભારતમાં ઈ-કોમર્સનું ચિત્ર બદલી રહી છે. રસપ્રદ વાત એ છે કે MEESHO દેશના અનેક નાના વેપારીઓ-સપ્લાયર્સને બિઝનેસની ધૂમ તક આપી રહી છે. MEESHOની USPએ છે કે અહીં બીજા ઈ-કોમર્સ પ્લેટફોર્મ પર મળતી વસ્તુ જ ઘણા સસ્તા ભાવમાં મળે છે. આ કારણે તેના વપરાશકર્તાઓની સંખ્યા કૂદકે ને ભૂસકે વધી રહી છે.


બીજું, ઓનલાઈન પ્લેટફોર્મ અને યુઝરબેઝ પૂરો પાડવાના બદલે MEESHO હાલ 0 ટકા કમિશન ચાર્જ કરી રહી છે. આ કારણે તે સેલર્સમાં સૌથી લોકપ્રિય એપ બની ગઈ છે. તેને પગલે એમેઝોન અને ફ્લિપકાર્ટે પણ પોતાના કમિશન ઘટાડીને 0 કરી દેવા પડ્યા છે.


MEESHO પર સપ્લાયર તરીકે રજિસ્ટ્રેશન કેવી રીતે કરાવશો?


મીશો પર સપ્લાયર બનવું સાવ સરળ છે. તેના માટે તમારે ખાસ દસ્તાવેજની પણ જરૂર નથી. મીશો એક એવું પ્લેટફોર્મ છે જેના પર તમે GST ન હોય તો પણ વેચાણ કરી શકો છો. જી હા, તમે મીશો પર રિસેલર તરીકે પણ રજિસ્ટ્રેશન કરાવી શકો છો અને નાના પાયે રિસેલર તરીકે બિઝનેસ કરવા માટે તમારે GST નંબરની પણ જરૂર નથી.




- આ દસ્તાવેજ તૈયાર થઈ જાય એટલે supplier.meesho.com સાઈટ પર જઈને તમારુ સેલર એકાઉન્ટ ક્રિએટ કરો.

તમારો કેટેલોગ ક્રિએટ કરોઃ


કેટેલોગ એટલે પ્રોડક્ટની એક કરતા વધારે ડિઝાઈન. દાખલા તરીકે, તમારી પાસે જુદા જુદા રંગની અને ડિઝાઈનની સાડી છે તો તમે કમસે કમ બે જુદા રંગ કે ડિઝાઈનને વાપરીને કેટેલોગ ક્રિએટ કરી શકો છો. 3-4 પ્રોડક્ટ ધરાવા કેટેલોગ બનાવશો તો તમને ઓર્ડર મળવાના ચાન્સ વધી જશે. મીશો સપ્લાયર્સને શરૂઆતના તબક્કામાં 5થી 7 કેટેલોગ્સ ક્રિએટ કરવાની સલાહ આપે છે.


કેટેલોગ અપલોડ કેવી રીતે કરવા?


આ પ્રક્રિયા સાવ સરળ છે. તમે મીશો સપ્લાયર પેનલ મારફતે એક કે વધારે કેટેલોગ એક સાથે અપલોડ કરી શકો છો. તમારા કેટેલોગ લાઈવ થતા જ MEESHOના કરોડો એક્ટિવ કસ્ટમર તેને જોઈ શકશે, ખરીદી શકશે. તમે જેટલા વધુ કેટેલોગ ઉમેરશો, તેટલા ઓર્ડર મળવાના ચાન્સ વધી જશે.


સમજી વિચારીને કિંમત નક્કી કરોઃ


- પ્રોડક્ટની કિંમત નક્કી કરો. કિંમત નક્કી કરતી વખતે તેની માર્કેટ પ્રાઈઝ, તમારુ માર્જિન વગેરે ધ્યાનમાં લો. તમારી પ્રોડક્ટની કિંમત બધા કરતા વધારે હશે તો ગ્રાહકો તેના તરફ આકર્ષાશે નહિ.

- મીશો પ્રોડક્ટની કિંમત નક્કી કરવા માટે પ્રાઈઝ રેકમન્ડેશન ટૂલ પણ આપે છે. તેમાં તમને તમારા સેગમેન્ટમાં બીજી બ્રાન્ડ્સની કિંમત કેટલી છે તે જાણવા મળશે. આનાથી પ્રોડક્ટની કિંમત નક્કી કરવામાં તમને ઘણી આસાની રહેશે. યોગ્ય કિંમત નક્કી કરશો તો ઓર્ડર મળવાના ચાન્સ આપોઆપ વધી જશે.


આટલું કરશો તો ઓર્ડર મળવાના ચાન્સ વધી જશેઃ


- બીજું, ગ્રાહકોને જે ટ્રેન્ડમાં હોય તે જ ખરીદવું ગમે છે. આથી એવી પ્રોડક્ટ લિસ્ટ કરો જે ટ્રેન્ડિંગ હોય.

- નેક્સ્ટ ડે ડિસ્પેચનો વિકલ્પ પસંદ કરો. જે સપ્લાયર પ્રોડક્ટ બીજા જ દિવસે ડિસ્પેચ કરી શકતા હોય તેમની પ્રોડક્ટ્સને મીશો હાઈલાઈટ કરે છે. અભ્યાસ મુજબ આવી પ્રોડક્ટ્સ તરફ સાધારણ કરતા 12 ટકા વધુ ગ્રાહકો આકર્ષાય છે.



ઓર્ડર મળે પછી શું કરશો?


- તમને તમારી કોઈ પ્રોડક્ટ માટે ઓર્ડર મળે ત્યારે મીશો તમને સપ્લાયર પેનલ અને ઈ-મેઈલથી જાણ કરે છે.

-પ્રોડક્ટની ડિલિવરી કરવાની જવાબદારી મીશો લે છે. આથી સપ્લાયરને તેનો કોઈ ખર્ચ ઊઠાવવો પડતો નથી. આ માટે મીશોએ અનેક લોજિસ્ટિક્સ પાર્ટનર સાથે ટાઈ-અપ કર્યું છે. તે તમે આપેલા લોકેશન પરથી આઈટમ પીક-અપ કરશે અને ગ્રાહકને ડિલિવર કરી આપશે.

- ઓર્ડર મળે પછી તેને એક્સેપ્ટ કરો. લેબલ અને મેનિફેસ્ટ ડાઉનલોડ કરો.

- પ્રોડક્ટ પેક કરીને તેના પર લેબલ ચોંટાડો. લોજિસ્ટિક પાર્ટનરને પાર્સલ આપી દો.


ઓર્ડરનું પેમેન્ટ કેવી રીતે મળે છે?


- તમારો ઓર્ડર ડિલિવર થાય તેના 15 દિવસમાં રકમ તમારા બેન્ક એકાઉન્ટમાં સુરક્ષિત રીતે જમા થઈ જાય છે. તેમાં કેશ ઓન ડિલિવરી ઓર્ડર્સનો પણ સમાવેશ થાય છે. દાખલા તરીકે, 1 માર્ચે તમારી પ્રોડક્ટ ડિલિવર થઈ તો 16 માર્ચે પૈસા તમારા ખાતામાં જમા થઈ જશે.

- મીશો સપ્લાયર પેનલમાંથી તમે તમારી ડિપોઝિટનું બેલેન્સ જોઈ શકો છો.


જો કૂરિયર રિટર્ન થાય તો?


કૂરિયર બે કારણસર રિટર્ન થઈ શકે છે.

પહેલું, તમે જે એડ્રેસ આપ્યું છે તે એડ્રેસ પર કોઈ ઓર્ડર લેવા માટે હાજર નથી. આવા કેસમાં કૂરિયર રિટર્ન થાય તો મીશો કોઈ ચાર્જ લેતું નથી.

બીજું, ગ્રાહક પ્રોડક્ટ ખોલે, એને ન ગમે અને કૂરિયર રિટર્ન થાય. આનો અર્થ કે તમે વાયદા મુજબ સારી ગુણવત્તાની પ્રોડક્ટ સપ્લાય કરી નથી. આવા કિસ્સામાં MEESHO 120 રૂ. ચાર્જ વસૂલે છે.


MEESHO પર વધુમાં વધુ વેચાણ થાય તે માટે શું કરશો?



છેલ્લા સાત વર્ષથી ઈ-કોમર્સ ક્ષેત્રે સક્રિય અને આ બિઝનેસ કેવી રીતે કરવો તેની ટ્રેનિંગ આપતા બિઝનેસ કન્સલ્ટન્ટ ઈશાન સુરાનીએ વાઈબ્રન્ટ ઉદ્યોગ સાથે અમુક ગોલ્ડન ટિપ્સ શેર કરી હતી જેનાથી ઓનલાઈન બિઝનેસને વેગ મળી શકે છે.


- લોકો ઓનલાઈન ક્યારેય કોઈ પ્રોડક્ટ નથી ખરીદતા, તેઓ પ્રોડક્ટના ફોટોગ્રાફ્સ ખરીદે છે. આથી પ્રોડક્ટનું ફોટોશૂટ પ્રોફેશનલ ફોટોગ્રાફર પાસે જ કરાવો. જાતે ફોનમાં ફોટા પાડવાની કોશિશ ન કરશો. જેટલા આકર્ષક ફોટોઝ, એટલા વધુ ઓર્ડર.


-ઓનલાઈન વેચવા માટે એવી જ પ્રોડક્ટ પસંદ કરો જેની કિંમત રૂ. 500થી ઓછી હોય. આવી પ્રોડક્ટ ખરીદવાનું ડિસિઝન ગ્રાહકો વધુ આસાનીથી લઈ શકે છે. અર્થાત્ તમને ઓર્ડર મળવાની શક્યતા વધી જાય છે.


- રૂ. 500 કરતા ઓછી કિંમતની પ્રોડક્ટ રાખશો તો ઓછી મૂડીમાં વધુ નંગ ખરીદી શકશો. વધુ નંગ એટલે વધુ વેચાણ અને વધુ લિક્વિડિટી. તેનાથી બિઝનેસ જલ્દી આગળ ધપે છે. દાખલા તરીકે, તમે 1 ફોન પર રૂ. 4000નું માર્જિન રાખ્યું તેના કરતા 2000 નંગ રૂમાલ પર 3 રૂપિયાનું માર્જિન રાખ્યું તો તમને વધારે ફાયદો રૂમાલના બિઝનેસમાં થશે. વળી, તમે રૂ. 1 લાખની શરૂઆતી મૂડી લઈને બેઠા હશો તો તેમાં ફોન તમે 3-4 નંગ જ ખરીદી શકશો જ્યારે રૂમાલ તમે 10,000 નંગ પણ ખરીદી શકો છો.


- બિઝનેસ શરૂ કરતા પહેલા પ્રોડક્ટ રિસર્ચ કરો. ઓનલાઈનમાં એપરલ્સ, કિચન વેર, ઈલેક્ટ્રોનિક્સ, હોમ ડેકોર સહિત અનેક કેટેગરીમાં પ્રોડક્ટ વેચાય છે. તમે શેમાં પડવા માંગો છો તે નક્કી કરો.


- શરૂઆતથી જ તમારી પ્રોડક્ટ માટે બ્રાન્ડ ક્રિએટ કરો. આ ફરજિયાત નથી, પણ આમ કરવું ફાયદાકારક છે. આનાથી તમને ઈ-કોમર્સની દુનિયામાં આગવી ઓળખ મળશે.


- ઈકોમર્સ બિઝનેસ કરવાની પ્રોફેશનલ ટ્રેનિંગ લો. તમે કેવા પ્રકારના ફોટોઝ અપલોડ કરો, કેવું કન્ટેન્ટ લખો તો વધુ ઓર્ડર મળે તે એક આખી અલગ જ કળા છે. વળી, કઈ પ્રોડક્ટ પસંદ કરવી, કઈ રીતે કિંમત નક્કી કરવી, શરૂઆતી અડચણોનો સામનો કેવી રીતે કરવો તે બધામાં પ્રોફેશનલ ટ્રેનિંગ ખૂબ મદદરૂપ પુરવાર થાય છે. આ ટ્રેનિંગને ખર્ચને બદલે બિઝનેસ ઈન્વેસ્ટમેન્ટ તરીકે જોવી જોઈએ.


- ઓનલાઈન બિઝનેસમાં 100 ટકા પ્રોફિટ છે. જો તમને નફો નથી થઈ રહ્યો તો સમજો તમારા કેલક્યુલેશનમાં કોઈ તકલીફ છે.


- જો પ્રોડક્ટ રિટર્ન વધારે આવતી હોય તો સમજો તમારી પ્રોડક્ટની ગુણવત્તામાં તકલીફ છે.


- જો બીજા સેલર તમારા કરતા સસ્તુ વેચતા હોય તો તમારે વધારે સારો સપ્લાયર શોધવાની જરૂર છે. શરૂઆતના પડકારોને પ્રોબ્લેમને બદલે ધંધાનો ભાગ ગણી લેશો તો ઓનલાઈન બિઝનેસ કરવામાં બિલકુલ વાંધો નહિ આવે.




મહિને રૂ. 30-35 લાખના મોજાનું વેચાણ થાય છેઃ




મીશો પર સેલર તરીકે સક્રિય અલ્પેશ પટેલ જણાવે છે, "મીશોનું કમિશન માર્જિન બીજા પોર્ટલ કરતા ઓછું હોય છે એટલે અમે ગ્રાહકો સુધી સસ્તા ભાવે વસ્તુ પહોંચાડી શકીએ છીએ. હાલ અમારે રોજ 1 થી 1.5 લાખની કિંમતના મોજાનું વેચાણ થાય છે. આઈટમનું લિસ્ટિંગ, તમે કયા કીવર્ડ વાપરો છો, કેવા ફોટોઝ પોસ્ટ કરો છો તે ખૂબ અગત્યનું છે. સારી પ્રોડક્ટ હોય તો માઉથ પબ્લિસિટીથી પણ સારા ઓર્ડર મળે છે. "



શરૂઆતના ગાળામાં ધીરજ રાખવી જોઈએઃ

મીશો પર સર્જિકલ આઈટમ્સ, શર્ટ-ટીશર્ટનું વેચાણ કરતા અમીન હિમાની જણાવે છે, "હું 1 વર્ષથી મીશો પર બિઝનેસ કરું છું. શરૂઆતના ગાળામાં થોડા પડકારોનો સામનો કરવો પડે છે જેમ કે, આઈટમને વેબસાઈટ પર અપલોડ કરતા સમય લાગ્યો હોય,ડિલિવરીમાં તકલીફ થઈ હોય, પાર્સલ રિટર્ન આવ્યું હોય વગેરે. આ માટે તમે ટિકિટ રેઈઝ કરી શકો છો અને મીશો તેમાં સારુ માર્ગદર્શન આપે છે. હવે લોકો ઓનલાઈન શોપિંગ જ પ્રિફર કરે છે એટલે આ બિઝનેસનું ભવિષ્ય તો ઉજળું જ છે."


MEESHO આગળ કેમ ટકી ન શક્યું ફેસબુક માર્કેટપ્લેસ?


ફેસબુક પણ તેના યુઝર્સને માર્કેટ પ્લેસ મારફતે પ્રોડક્ટ્સ વેચવાનું પ્લેટફોર્મ આપે છે. પરંતુ ઈ-કોમર્સની લડાઈમાં તે જોઈએ તેવું આગળ આવી નથી શક્યું. તેનું કારણ જણાવતા ઈશાન સુરાની જણાવે છે, "ફેસબુક માર્કેટપ્લેસ તેના પર વેચાતી પ્રોડક્ટ્સ, ડિલિવરી કે ટ્રાન્ઝેક્શન માટે કોઈ જવાબદારી નથી લેતું. એટલે કે ગ્રાહકને વસ્તુ ગમે તો પણ પેમેન્ટ કરવાનો ભરોસો નથી બેસતો. મીશો, ફ્લિપકાર્ટ, એમેઝોન જેવા પોર્ટલ તેમના સપ્લાયર, ટ્રાન્ઝેક્શન, ડિલિવરીની જવાબદારી લે છે જેથી નિશ્ચિંત થઈને ગ્રાહકો તેના પરથી શોપિંગ કરી શકે છે."



હવે ઓનલાઈન બિઝનેસ જમાવવો વધુ આસાનઃ


અગાઉ ઓનલાઈન બિઝનેસ પ્રસ્થાપિત કરવા માટે 5-7 વર્ષ લાગી જતા હતા પરંતુ હવે આ પ્રક્રિયા વધુ ઝડપી બની ગઈ છે. તેનું કારણ એ છે કે જિયોએ ફ્રી ઈન્ટરનેટ આપતા દેશના ખૂણેખૂણામાં ઈન્ટરનેટ પહોંચી ગયું છે. આ ઉપરાંત કોવિડને કારણે લોકો મોટી સંખ્યામાં ઓનલાઈન શોપિંગ પણ કરતા થયા છે. ટૂંકમાં ઓનલાઈન શોપિંગ અંગે જાગૃતિ ઘણી વધી છે. આથી સારી પ્રોડક્ટ અને સારી ડીલ આપનારા સેલર્સને ઓનલાઈન બિઝનેસ વિકસાવવામાં બિલકુલ મુશ્કેલી પડતી નથી.



Коментарі


Related Post

ad-space-placeholder-300x250-300x250.png
bottom of page