શું ભારત સરકારને સુગર પરની સબસિડી બંધ કરવાની ફરજ પડશે?
- Team Vibrant Udyog
- Jan 7, 2022
- 10 min read
WTO પેનલના ચૂકાદાથી કૃષિ નિર્ભર ભારતીય અર્થતંત્રના ગણિતો ખોરવાઈ જશે?
ગુજરાતના શેરડીમાંથી ખાંડ, ગોળ બનાવતા વેપારીઓને ફટકો પડવાની સંભાવના
શેરબજારના ખેલાડીઓ સુગર મિલોના શેર્સ પર નજર રાખે

એક તરફ ખેડૂતો શેરડી અને ખાંડના સારા ભાવ મળી રહે તે માટે આકાશપાતાળ એક કરી રહ્યા છે. શેરડીના ક્વિન્ટલદીઠ રૂ. 290થી 295 ખેડૂતોને આપવામાં આવી રહ્યા છે. પ્રોડક્શન સહાય, બફર સ્ટોક અને માર્કેટિંગ તથા ટ્રાન્સપોર્ટેશનની સ્કીમ હેઠળ ભારત સરકાર દ્વારા સબસિડી આપવામાં આવી રહી છે. પરંતુ હવે પછી ભારત સરકાર તેમને આ ભાવ આપી શકશે કે કેમ તેના પર હવે પ્રશ્નાર્થ મૂકાઈ ગયો છે. માત્ર ખાંડ જ નહિ, બીજી કૃષિ ઉપજો પર સબસિડી આપવા પર પણ પૂર્ણવિરામ મૂકાઈ શકે છે. પૂર્ણવિરામ ન મૂકવામાં આવે તો તેની સંપૂર્ણ નિકાસ બંધ થઈ શકે છે. તમે પૂછશો, કેમ ભાઈ શું થયું?
WTOનો એક ચૂકાદો ખેડૂતોની હાલત ખરાબ કરી શકેઃ

વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઈઝેશન(WTO)ની ડિસ્પ્યૂટ સેટલમેન્ટ પેનલે આપેલો એક ચૂકાદો ભારતના ખેડૂતો અને તેમાંય ખાસ કરીને શેરડીની ખેતી કરતાં ખેડૂતોની હાલત ખરાબ કરી શકે છે. તેમ જ દક્ષિણ ગુજરાત, ઉત્તર પ્રદેશ અને મહારાષ્ટ્રમાં આવેલી સુગર મિલોના ગણિતો પણ બદલી નાખી શકે છે. વિશ્વ વેપાર સંઘ-વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઈઝેશનનું માનવું છે કે શેરડી માટે ટેકાના ભાવ તેના ખેડૂતોને આપીને ભારત સરકાર એગ્રીમેન્ટ ઓન એગ્રીકલ્ચરનો ભંગ કરી રહી છે. આમ કરીને ભારત સરકાર સબસિડીના ભાવની ખાંડની નિકાસને પ્રોત્સાહન આપી રહી છે. વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઈઝેશનના નિયમનો તેનાથી ભંગ થાય છે. વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઈઝેશનની ડિસ્પ્યૂટ સેટલમેન્ટ પેનલે આ ચૂકાદો આપ્યો છે.
ખેડૂતો, સુગર મિલો હાલ નિશ્ચિંત છેઃ
જોકે ભારતમાં તેને કારણે ફફડાટ ફેલાયો નથી. આ સ્થિતિમાંથી બહાર આવી જવાની શક્યતા સરકારને અને સુગર મિલો બંનેને લાગી રહી છે. તેથી જ ભારત સરકારના વાણિજ્ય મંત્રાલયે ડિસ્પ્યૂટ સેટલમેન્ટ પેનલના નિર્ણય સામે અપીલમાં જવાનો નિર્ધાર કરી લીધો છે. ગણદેવી સુગર મિલના વર્તમાન ડિરેક્ટર અને 40 વર્ષ સુધી ચેરમેન તરીક સેવા આપનાર જયંતી પટેલનું કહેવું છે કે ભારત સરકારે રિટેઈલ પ્રાઈસ અને ક્વોટા પણ જાહેર કર્યો હતો. સુગર ફેક્ટરીઓને પણ તેને કારણે કોઈ જ તકલીફ પડવાની સંભાવના અત્યારે તો જણાતી નથી.
ભારત સામે પડ્યા વિશ્વના અનેક દેશોઃ
ભારત સરકાર ખેડૂતોને સબસિડી આપી રહી હોવાની ફરિયાદ ઓસ્ટ્રેલિયા સરકારે 27મી ફેબ્રુઆરી 2019ના કરી હતી. શેરડીની ખેતી કરતાં ખેડૂતોને તથા ખાંડનું ઉત્પાદન કરતી મિલોને ભારત સરકાર દ્વારા આપવામાં આવતી કથિત સબસિડીને મુદ્દે તેણે વિરોધ નોંધાવ્યો હતો. ઓસ્ટ્રેલિયાની સરકારનું માનવું છે કે આર્ટિકલ ઓન એગ્રીકલ્ચરની કલમ 3.2, 6.3 અને 7.2 (બી)નો તેનાથી ભંગ થાય છે. જીએટીટી-ગાટ એગ્રીમેન્ટનો પણ તેને કારણે ભંગ થાય છે. 14મી ડિસેમ્બર 2021ના આ અંગેનો ચૂકાદો આપવામાં આવ્યો છે. આ ચૂકાદાની નકલ પેનલે બ્રાઝિલ, કેનેડા, ચીન, કોલંબિયા, કોસ્ટારિકા, અલ સાલ્વાડોર, યુરોપિયન સંઘના દેશો, ગ્વાટેમાલા, હોન્ડુરાસ, ઇન્ડોનેશિયા, જાપાન, પનામા, રશિયન સંઘના દેશો, થાઈલેન્ડ અને અમેરિકાને મોકલી આપ્યો છે. આ તમામ દેશોએ થર્ડ પાર્ટી તરીકે તેમના અધિકારનો મુદ્દો આ વિવાદના સંદર્ભમાં ઊભો કર્યો હોવાથી તેમને પણ આ રિપોર્ટ મોકલી આપવામાં આવ્યો છે.

શું છે ભારત સરકારનો બચાવ?
ઓસ્ટ્રેલિયા, ગ્વાટેમાલા અને બ્રાઝિલે ડબ્લ્યુટીઓની વિવાદ નિવારણ સંસ્થાને ફરિયાદ કરી હતી કે શેરડીની ખેતી કરતાં ખેડૂતોને વાજબી અને નફાકારક ભાવ, લઘુત્તમ ભાવ ખાંડ મિલોએ ચૂકવવા જ જોઈએ. રાજ્ય સરકારે આપેલી સૂચના મુજબના ભાવ પણ ખેડૂતોને અપાવા જોઈએ. પરંતુ આ ભાવ વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનઆઈઝેશનના નિયમ મુજબ યોગ્ય નથી. ભારતમાંથી ખાંડની નિકાસ વધારવા માટે સરકાર દ્વારા લેવામાં આવતા પગલાંને પણ તેમણે વિરોધ કર્યો છે. તેનાથી એગ્રીમેન્ટ ઓન એગ્રીકલ્ચરની શરતોનો ભંગ થતો હોવાની વાત તેમણે છેડી છે. ફરિયાદ કરનારા દેશોનું કહેવું છે કે શેરડીના ઉત્પાદનના કુલ ખર્ચના 10 ટકાથી વધુ રકમની સબસિડી આપી જ શકાય નહિ. ભારત વિશ્વ વેપાર સંઘમાં જોડાયું ત્યારે જાહેર કર્યું હતું કે તેણે 1986થી 1988ના ગાળામાં કૃષિ સબસિડી આપી જ નથી. એગ્રીમેન્ટ ઓન એગ્રીકલ્ચર હેઠળ સબસિડીની ગણતરી કરવા માટે એક પદ્ધતિ દર્શાવવામાં આવી છે. આ પદ્ધતિ મુજબ ભારત સરકારે ચોક્કસ પાક માટે લાગુ કરેલા ભાવ (ટેકાના ભાવ) અને 1986-88ના ગાળામાં આંતરરાષ્ટ્રીય બજારમાં તેના પ્રવર્તતા ભાવ વચ્ચેના ગાળાને સબસિડીની રકમ તરીકે ગણવામાં આવે છે. 1988ના ગાળામાં ભારતમાં મોટા ભાગની કોમોડિટીના ભાવ આંતરરાષ્ટ્રીય બજારના ભાવ કરતાં નીચે હોવાથી 1986-88ના ગાળામાં ભારત સરકારે આપેલી સબસિડીનું મૂલ્ય (માઈનસ) 19861 કરોડ અથવા માઈનસ 18 ટકા હતું. કૃષિ ઉપજના મૂલ્યના માઈનસ અઢાર ટકા જેટલું તેનું મૂલ્ય હતું. આજ દિન સુધી સબસિડીની ગણતરી કરવાની પદ્ધતિમાં કોઈ જ ફેરફાર કરવામાં આવ્યો નથી. તેનો અર્થ એ થયો કે 2021માં આપવામાં આવેલી સબસિડી, વર્તમાન ટેકાના ભાવની તુલના આજે પણ 1986-88ના ભાવ સાથે જ કરવામાં આવે છે.
ડબ્લ્યુટીઓની ડિસ્પ્યૂટ સેટલમેન્ટ પેનલે તારણ કાઢ્યું કે વાજબી ને વળતરદાયક ભાવ (ફેર એન્ડ રેમ્યુનરેટીવ પ્રાઈસ-એફઆરપી) તથા એસએપી-સ્ટેટ એડવાઈઝરી પ્રાઈસને કારણે બજાર ભાવનો ટેકો ઊભો થાય છે. તેવા ફરિયાદીના અવલોકનને ડિસ્પ્યૂટ સેટલમેન્ટ પેનલે માન્ય રાખ્યું હતું. તેથી તેને એક પ્રકારની સબસિડી જ ગણી શકાય. જોકે ભારતે તેમના આ અવલોકનનો વિરોધ કર્યો હતો. ભારતે કહ્યું હતું કે “એગ્રીમેન્ટ ઓન એગ્રીકલ્ચર જણાવે છે કે બજેટમાં તેને માટે ખાસ જોગવાઈ કરવામાં આવી હોય અથવા તો પછી સરકાર તેની મહેસૂલી આવક જતી કરે કે પછી તેમના એજન્ટનું કમિશન જતું કરે તો જ તેને સબસિડી તરીકે ઓળખાવી શકાય છે. ભારત તરફથી સ્પષ્ટતા કરવામાં આવી હતી કે કેન્દ્ર સરકાર કે રાજ્ય સરકારો શેરડીની ખરીદી કરતી નથી. તેમ જ વાજબી અને વળતરદાયક ભાવ કે સ્ટેટ એડવાઈઝ પ્રાઈસ ખેડૂતોને ચૂકવતી નથી. આ નાણાંની ચૂકવણી સુગર મિલ્સ દ્વારા કરવામાં આવે છે. સુગર મિલ એ સરકારી નહિ, અસ્તિત્વ ધરાવતી ખાનગી સંસ્થા છે.”
ભારત સરકારની દલીલનો અસ્વીકારઃ
અલબત્ત ડિસ્પ્યૂટ સેટલમેન્ટ પેનલે ભારત સરકારની આ દલીલનો સ્વીકાર કર્યો નહોતો કે એફઆરપી અને એસએપીને સબસિડી તરીકે ઓળખાવી શકાય જ નહિ. તેની સામે ડિસ્પ્યૂટ સેટલમેન્ટ પેનલે એવી દલીલ કરી હતી કે કૃષિ ઉપજનો બજાર ભાવ તે ભાવ છે જે બજારમાં બોલાય છે. તેની સામે ટેકાનો ભાવ એ ભાવ છે કે જેમાં સરકારી સહાય અથવા તો ભાવની જાળવણી કરતી અન્ય સરકારી સંસ્થાની સહાય હોય છે. તેમાં સપ્લાય ને ડીમાન્ડના પાંસાની સાવ જ અવગણના કરવામાં આવે છે. તેથી ફરજિયાતપણે નક્કી કરવામાં આવતો લઘુત્તમ ભાવને સરકાર તરફથી આપવામાં આવેલી સહાયને સ્થાનિક-ડોમેસ્ટિક સપોર્ટ જ ગણી શકાય છે. આ સપોર્ટ કૃષિ ઉત્પાદકોને આપેલો ગણાય, પછી ભલેને તે રકમની ચૂકવણી સુગર મિલના માધ્યમથી કરવામાં આવેલી હોય.

ખેડૂતોનું શોષણ અટકે છેઃ
ડિસ્પ્યૂટ સેટલમેન્ટ પેનલ દ્વારા કાઢવામાં આવેલા આ બે તારણને પરિણામે બે સવાલો ઊભા થાય છે. એક, પેનલને સ્ટેચ્યુટરી મિનિમમ પ્રાઈઝ નક્કી કરવા પાછળના સૌથી મહત્વના કારણ કે પછી હેતુની સમજ છે કે નહિ. સુગર મિલ્સ દ્વારા ખેડૂતોને આ ભાવ ચૂકવવામાં આવે છે. આ ભાવ પ્રમાણે રાજ્ય સરકાર કે કેન્દ્ર સરકાર ખેડૂતોને નાણાં ચૂકવવાનો આદેશ કરે છે તેની પાછળનું મૂળ કે સાચું કારણ એ છે કે સુગર મિલ તરફથી ખેડૂતોને વાજબી કિંમત મળી રહે. આમ કેન્દ્ર અને રાજ્ય સરકારોનો હેતુ તો ખેડૂતો સારી રીતે ગુજરાન ચલાવી શકે તેવા ભાવ તેમને અપાવવાનો છે. આ ખેડૂતો સતત ખાસ્સા આર્થિક દબાણ હેઠળ જ જીવતા હોય છે. ડિસ્પ્યૂટ સેટલમેન્ટ પેનલે તે રકમને સબસિડી તરીકે દર્શાવતો આપેલો ચૂકાદો પેનલના સભ્યો વાસ્તવિકતાથી અજાણ જ હોવાનું દર્શાવે છે. સુગર મિલને સૂચના ન આપવામાં આવે તો ખેડૂતોને તેમની મહેનતના પ્રમાણમાં પણ વળતર મળે નહિ. તેથી તેમને મહેનતના પ્રમાણમાં વળતર મળી રહે તેની ખાતરી રાખવા માટે પણ સરકારે સૂચના આપવી પડે છે.
ડિસ્પ્યુટ પેનલના ચુકાદા પાછળનો તર્ક અસ્પષ્ટઃ
શેરડીનો સપ્લાય આપતા ખેડૂતોને સુગર મિલ દ્વારા આપવામાં આવતી એફઆરપી અને એસએપી ટેકાનો જ ભાવ કે સબસિડી જ છે તેવું તારણ કાઢીને ડિસ્પ્યૂટ સેટલમેન્ટ પેનલે ભારતની વિરુદ્ધમાં જે ચૂકાદો આપ્યો છે તેના કારણે બીજો એક એવો પણ સવાલ ઊભો થાય છે કે તેણે કાઢેલું તારણ કે કરેલું અવલોકન ઉચિત નથી. ડિસ્પ્યૂટ સેટલમેન્ટ પેનલે કરેલું આ અવલોકન ડબ્લ્યુટીઓના એગ્રીમેન્ટ ઓન સબસિડીઝ એન્ડ કાઉન્ટરવેઇલિંગ (એએસસીએમ)ની સબસિડી અંગેની વ્યાખ્યાને જ સાવ ઉલટાવી નાખી છે. સબસિડી અંગે ડબ્લુટીઓ-વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઈઝેશન દ્વારા કરવામાં આવેલી વ્યાખ્યામાં સૌ પ્રથમ તો નાણાંકીય ફાળાના, ડબ્લ્યુટીઓના સભ્યના કાર્યક્ષેત્રમાં પબ્લિક બૉડી કે પછી સરકાર દ્વારા અપાતી સહાય હોય કે પછી તેમને વિશેષ લાભ આપવામાં આવતો હોય તેને જ સબસિડી ગણવામાં આવે છે. આ ત્રણેય બાબતનો જેમા સમાવેશ થતો હોય તેને સબસિડી ગણવી તેવી વ્યાખ્યા ડબ્લ્યુટીઓ દ્વારા કરવામાં આવેલી હતી. આ સંજોગમાં સુગરમિલ જેવી બિનસરકારી સંસ્થા દ્વારા ખેડૂતોને એફઆરપી કે એસએપી ચૂકવવામાં આવે તો તેને સબસિડી તરીકે ઓળખાવતું તારણ ડિસ્પ્યૂટ સેટલમેન્ટ પેનલે કેમ કાઢ્યું.
સબસિડી ગણતરીની પદ્ધતિ અંગે સ્પષ્ટતા જરૂરીઃ
આ સંજોગોમાં ડબ્લ્યુટીઓના સભ્ય દ્વારા તેના ખેડૂતને આપવામાં આવતા પ્રાઈસ સપોર્ટમાંથી કેટલી રકમને સબસિડી તરીકે ઓળખાવવી કે કેવી રીતે સબસિડીની રકમની ગણતરી કરવી તેની પદ્ધતિ અંગે પણ ડિસ્પ્યૂટ સેટલમેન્ટ પેનલે ફાઈનલ કોમેન્ટ કરવી જોઈએ. અગાઉ આપવામાં આવેલી સમજૂતી મુજબ કૃષિ ઉપજના નિયંત્રિત કરવામાં આવેલા ભાવ અને 1986-88ના ગાળામાં તે કોમોડિટી કે કૃષિ ઉપજના આંતરરાષ્ટ્રીય બજારમાં જે ભાવ હતા તે ભાવ વચ્ચેના ગાળાની રકમને સબસિડી તરીકે ઓળખાવી શકાય છે. સૌથી કમનસીબ બાબત તો એ છે કે આજના બજાર ભાવ સાથે 35 વર્ષ પૂર્વેના આંતરરાષ્ટ્રીય ભાવ સાથે સરખાવીને પછી સબસિડીનું પ્રમાણ નક્કી કરવામાં આવે છે. પરિણામે સબસિડીનું પ્રમાણ નક્કી કરવા માટેની આખી પદ્ધતિ જ અર્થહીન કે નકામી છે. તેમ છતાંય આ ગળે ન ઉતરે તેવી કે સહજ સ્વીકાર્ય ન લાગે તેવી પદ્ધતિને અનુસરવાનું ચાલુ રાખવામાં આવી રહ્યું છે. તેનું કારણ એ છે કે વિકસેલા દેશો તાજેતરના વરસોના આંતરરાષ્ટ્રીય ભાવનો સબસિડીનો હિસ્સો નક્કી કરવા માટે આપણને ઉપયોગ દેતા નથી. આ ખામીયુક્ત પદ્ધતિને આધારે જ સબસિડી નક્કી કરવાનું ચાલુ રાખવામાં આવશે તો ભારતમાં તમામ કોમોડિટીની કિંમતમાં સબસિડી અપાતી હોવાનો વિવાદ ચગ્યા જ કરશે. કારણ કે આજના નક્કી કરી આપેલા મોટાભાગની કોમોડિટીના ભાવ 1986-88ની સાલના તે જ કોમોડિટીઓના આંતરરાષ્ટ્રીય ભાવ કરતાં ઊંચા જ છે.

ભારતના વિરોધી દેશોની દલીલઃ
ભારત ખાંડની નિકાસ સાથે સબસિડીની પણ નિકાસ કરે છે તેવો આક્ષેપ અને ફરિયાદ કરનારા દેશોએ બે મુદ્દા ઊભા કર્યા છે. એક, ભારત પાસે સબસિડી એક્સપોર્ટ કરવાનો અધિકાર નથી. ભારતે એગ્રીમેન્ટ ઓન એગ્રીકલ્ચર પર સહી કરી ત્યારે કરેલી જાહેરાત પ્રમાણે તેની પાસે સબસિડીની નિકાસ કરવાનો અધિકાર રહેતો જ નથી. બીજું, એએસસીએમમાં નક્કી થયા મુજબ ભારતની એક્સપોર્ટ સબસિડીની સ્કીમ નિષેધાત્મમક સબસિડીની સ્કીમ હતી. તેથી સુગરમિલો દ્વારા કે સરકાર દ્વારા આપવામાં આવતી આ સબસિડી તત્કાળ પાછી ખેંચી લેવી જોઈએ.
તેની સામે ભારત તરફથી એવી દલીલ કરવામાં આવેલી છે કે ભારતની એક્સપોર્ટ પ્રમોશન સ્કીમ કૃષિ ઉપજોની માર્કેટિંગ કોસ્ટમાં ઘટાડો કરવાના ઇરાદા સાથે આપવામાં આવેલી છે. આ સ્કીમનો 2023 સુધી ઉપયોગ કરવાનો ભારત સરકાર અધિકાર ધરાવે છે. ડિસ્પ્યૂટ સેટલમેન્ટ પેનલે ભારતની આ દલીલને પણ સ્વીકારી નથી. પરંતુ ભારતને એક્સપોર્ટ પ્રમોશન સ્કીમ હેઠળ અપાતા લાભ પાછા ખેંચી લેવા માટે આ ચૂકાદો આપવામાં આવ્યો તે તારીખથી 120 દિવસનો સમય આપ્યો છે.
તમામ કૃષિ ઉપજો પરની સબસિડી બંધ થઈ જશે?
ડિસ્પ્યૂટ સેટલમેન્ટ પેનલ દ્વારા આપવામાં આવેલા આ નિર્ણયને પરિણામે ભારત સરકાર દ્વારા વિવિધ કૃષિ ઉપજો પર આપવામાં આવતી સબસિડીઓ માટે મૃત્યુઘંટ સમાન સાબિત થશે. એફઆરપી અને એસએપી સામેની ફરિયાદ સાથે જ ભારત સાથે ભેદભાવ રાખવામાં આવી રહ્યો હોવાનું પણ ફલિત થાય છે. તેની બહુ જ માઠી અસર કૃષિ ઉપજ પર સબસિડી આપવાની સિસ્ટમ પર પડી શકે છે. તેથી જ ભારતે 35 વર્ષ પૂર્વેના આંતરરાષ્ટ્રીય ભાવને આધારે સબસિડી નક્કી કરવાની સિસ્ટમનો મજબૂત વિરોધ કરવો જોઈએ. તેમ કરવામાં નહિ આવે તો ભારત સરકાર દ્વારા દરેક કૃષિ ઉપજ માટે આપવામાં આવતી સહાયને સબસિડી તરીકે ખપાવીને તેની નિકાસ ન કરી શકાય તેવી દલીલ કરીને ભારતમાંથી થતી કૃષિ ઉપજની નિકાસ પર પડદો પાડી દેશે.
WTOના ચૂકાદાની ભારતના કયા રાજ્યને કેટલી અસર પડી શકે?

આજે ભારતના તમામ રાજ્યોમાં મળીને 24.13 લાખ હેક્ટર જમીનમાં શેરડીની ખેતી થાય છે અને 4050 લાખ ટનથી વધુ શેરડીનું ઉત્પાદન ભારતમાં કરવામાં આવે છે. ભારતમાં શેરડીનો સૌથી મોટો ફાલ ઉત્તર પ્રદેશમાં લેવામાં આવે છે. ભારતમાં થતાં શેરડીના કુલ ઉત્પાદનમાંથી 30થી 35 ટકા ઉત્પાદન એકલા ઉત્તર પ્રદેશમાં થાય છે. યુપીમાં 13 કરોડ ટનથી વધુ શેરડીનું ઉત્પાદન કરવામાં આવે છે. ભારતમાં 732થી વધુ સુગર મિલ સક્રિય છે. તેમાંથી 327 સહકારી ધોરણે ચાલે છે. 362 ખાનગી ધોરણે ચાલે છે. 43 પબ્લિક સેક્ટરની છે.
શેરડીમાંથી ખાંડનું ઉત્પાદન એ ભારતની કૃષિ આધારિત મોટી ઇન્ડસ્ટ્રી છે. આ વ્યવસાયનો લાભ શેરડીની ખેતી કરતાં અંદાજે 5 કરોડ ખેડૂતોને મળી રહ્યો છે. તેમ જ પાંચ લાખ લોકોને સુગર મિલ થકી સીધી રોજગારી મળી રહી છે. ખાંડનું ઉત્પાદન કરવાની બાબતમાં ભારત વિશ્વનો બીજા ક્રમનો દેશ છે. સૌથી વધુ ખાંડનું ઉત્પાદન બ્રાઝિલમાં થાય છે. ભારતના ખાંડ ઉદ્યોગનું કુલ ટર્નઓવર અંદાજે 85000થી 90000 કરોડ રૂપિયાનું છે. 339 લાખ મેટ્રીકટન શેરડીમાં પીલાણ કરવામાં આવે છે. તેમાંથી રિફાઈન્ડ સુગર બનાવવામાં આવે છે. તેની એક મિલ ગુજરાતમાં પણ છે.
શેરડી વાજબી અને વળતરદાયક ભાવ નક્કી કરવા માટે શેરડીનો ઉત્પાદન ખર્ચ, તેના વિકલ્પે લેવાતા પાક થકી ખેડૂતને મળતા વળતર તથા કૃષિ ઉપજના ભાવના સામાન્ય ટ્રેન્ડને ધ્યાનમાં રાખવામાં આવે છે. પ્રજાને વાજબી ભાવે ખાંડ મળી રહે તે પણ તેના ભાવ નક્કી કરતી વેળાએ ધ્યાનમાં લેવાય છે. તેમ જ ખાંડના ઉત્પાદન ખર્ચને પણ ધ્યાનમા લેવામાં આવે છે. શેરડીમાંથી પેદા થતી ખાંડની ટકાવારી ઉપરાંત મોલાસીસ, બગાસે અને રગડાના વેચાણ થકી થતી આવકને પણ ધ્યાનમાં લેવામાં આવે છે. ત્યારબાદ ખેડૂતોને વાજબી માર્જિન મળી રહે તેનું પણ ધ્યાન રાખીને એફઆરપી નક્કી કરવામાં આવે છે. શેરડીનો આ વર્ષનો ભાવ ક્વિન્ટલે રૂ. 290 અને રૂ. 5 વધારાના આપવામાં આવે છે. આમ ક્વિન્ટલે તેમને રૂ. 295 મળે છે. ગરીબી રેખા હેઠળ જીવતા લોકોને જાહેર વિતરણ વ્યવસ્થા હેઠળ ખાંડ સસ્તી આપવામાં આવે છે. આ સબસિડીનો બોજ સરકાર ઉપાડે છે. ખાંડના ઉત્પાદકોને વધારાનું પ્રોત્સાહન મળે તે માટે ઇથેનોલ બનાવવાની છૂટ આપી છે. પેટ્રોલમાં 20 ટકા સુધી ઇથેનોલ ભેળવવાની અનુમતિ આપી દેવામાં આવી છે. 2023થી આ છૂટનો અમલ કરી શકાશે.
શેરબજારના ખેલાડીઓ સુગર કંપનીના સ્ટોક પ્રાઈસ ઉપર નજર રાખે
ખાંડ ઉપર સબસિડી બંધ થશે તો તેની સુગર કંપનીઓના શેરની કિંમત પર અવશ્ય અસર પડશે. જો કે રોકાણકારોએ ભૂલવું ન જોઈએ કે શેરડી એ રોકડિયો પાક છે અને ખાંડ બનાવવા ઉપરાંત તેનો વિપુલ ઉપયોગ ઈથેનોલ બનાવવામાં પણ થાય છે. ભારત સરકાર ક્રૂડ ઓઈલની આયાત પાછળ થતો ખર્ચ ઘટાડવા માટે ઈથેનોલ બ્લેન્ડિંગને પ્રોત્સાહન આપી રહી છે. જો આવામાં શેરડીના ખેડૂતો તેમના પાકનો ઉપયોગ ખાંડને બદલે ઈથેનોલ તરફ વાળી દે તો સ્ટોક માર્કેટના ગણિતો બદલાઈ જશે.
ભારતમાં વિપુલ પ્રમાણમાં શેરડીનું ઉત્પાદન થાય છે. છેલ્લા સળંગ પાંચ વર્ષથી દેશમાં ખાંડનું સરપ્લસ ઉત્પાદન થાય છે, એટલે કે આખા દેશની જરૂરિયાત પૂરી થયા પછી પણ ભારતમાં નિકાસ કરવા જેટલી ખાંડ વિપુલ પ્રમાણમાં બચે છે. 2020ની જ વાત કરીએ તો ભારતમાં 60,00,000 ટન ખાંડનું સરપ્લસ ઉત્પાદન થયું હતું. હાલમાં ભારતના સંજોગો 1970માં બ્રાઝિલના જેવા સંજોગો હતા તેવા જ છે.

થોડું રિવાઈન્ડ કરીએ. 1975માં બ્રાઝિલમાં ખાંડના ભાવ તૂટી પડ્યા હતા. તેના સૌથી મોટા બે ગ્રાહક યુરોપ અને અમેરિકાને ખાંડના રિપ્લેસમેન્ટમાં બીજા સ્રોત મળી ગયા હતા. યુરોપે આફ્રિકામાંથી ખાંડ મંગાવવાની શરૂ કરી અને અમેરિકાએ કોર્ન સિરપ પર મદાર બાંધવા માંડ્યો. બીજી તરફ, એ સમયે મિડલ ઈસ્ટ અને અમેરિકા વચ્ચેના ઘર્ષણને કારણે ક્રૂડ ઓઈલના ભાવ ચરમસીમાએ હતા. એક કાંકરે બે પક્ષી મારવા માટે એ સમયે બ્રાઝિલે ઈથેનોલ પ્રોગ્રામ લોન્ચ કર્યો હતો. તેમાં સરકારે ઈથેનોલ ટેક્નોલોજી અને સુગર સેક્ટરને પ્રોત્સાહન આપ્યું. તેને પગલે શેરડીના ઉત્પાદનમાં 50 ટકા અને ઈથેનોલના પ્રોડક્શનમાં 500 ટકાનો વધારો થયો. ઈથેનોલ પ્રોડક્શન માટે માળખાગત સુવિધા ઊભી કરવા સરકારે સબસિડી આપવા માંડી. સરકારે એવી ઓટોમોબાઈલ કંપનીઓને પ્રોત્સાહન આપવા માંડ્યું જે 100 ટકા ઈથેનોલ પર ચાલતા વાહનો માટે એન્જિન બનાવી શકે. આ રીતે 1976માં બ્રાઝિલિયન ફિયાટ-147 સંપૂર્ણપણે ઈથેનોલ એટલે કે બાયોફ્યુઅલ પર ચાલતી વિશ્વની પ્રથમ કાર બની. ઓઈલની કિંમત નીચી આવતા જ્યારે ગ્રાહકો ફરી પેટ્રોલ વાહનો તરફ વળ્યા ત્યારે બ્રાઝિલ સરકારે ફ્લેક્સી ફ્યુઅલ વેહિકલ્સ લોન્ચ કર્યા. આ વાહનો સંપૂર્ણપણે પેટ્રોલ, ઈથેનોલ કે પછી બંનેના મિશ્રણથી ચાલવા માટે સક્ષમ હતા. આવી અનોખી સ્ટ્રેટેજીથી બ્રાઝિલ સરકારે 1975થી 2002ના ગાળામાં ઓઈલ ઈમ્પોર્ટમાં $50 બિલિયનની બચત કરી. આજે પણ બ્રાઝિલમાં 73 ટકા વાહનો ફ્લેક્સિ ફ્યુઅલ વાહનો છે. ભારત બ્રાઝિલ કરતા ઘણો મોટો દેશ છે. તેમાં જો ઈથેનોલ બ્લેન્ડિંગને પ્રોત્સાહન આપવામાં આવે તો બચતનો આંકડો ઘણો મોટો થઈ શકે છે.
ભારતમાં 80 ટકા ઓઈલ બીજા દેશોમાંથી આયાત થાય છે, બીજી બાજુ દેશમાં ખાંડનું સરપ્લસ ઉત્પાદન થાય છે. એટલે કે ઈથેનોલના ઉત્પાદન માટે દેશમાં મબલખ પ્રમાણમાં શેરડી પાકે છે. સરકાર ઈથેનોલ બ્લેન્ડિંગ માટે સક્રિય થઈ છે. જાન્યુઆરી 2021માં ઓઈલ મિનિસ્ટર ધર્મેન્દ્ર પ્રધાને પેટ્રોલમાં 20 ટકા ઈથેનોલ બ્લેન્ડિંગનો ટાર્ગેટ પાંચ વર્ષ વહેલો કરી નાંખ્યો છે. અર્થાત્ હવે 2030ના બદલે 2025 સુધીમાં દેશ પેટ્રોલમાં 20 ટકા ઈથેનોલ બ્લેન્ડિંગ કરવા માંગે છે. ભારતની હાલ ઈથેનોલ પ્રોડક્શન કેપેસિટી 684 કરોડ લિટર છે. 20 ટકા બ્લેન્ડિંગનો ટાર્ગેટ હાંસલ કરવા આ કેપેસિટી 1000 કરોડ લિટર સુધી પહોંચવી જોઈએ. કેન્દ્રીય રોડ ટ્રાન્સપોર્ટ તથા હાઈવે મિનિસ્ટર નીતિન ગડકરી ઓગસ્ટ 2021માં ઓટોમોબાઈલ ક્ષેત્રના ટોચના પ્લેયર્સને મળ્યા હતા અને તેમણે તેમને 1 વર્ષમાં ફ્લેક્સિ ફ્યુઅલ વેહિકલ બહાર પાડવા જણાવ્યું છે. આ બધા જ ડેવલપમેન્ટ ચીંધે છે કે સુગરના સરપ્લસ ઉત્પાદનમાં વપરાતી શેરડી ઈથેનોલ પ્રોડક્શનમાં વપરાય તેવી પૂરી શક્યતા છે.
આ ડેવલપમેન્ટને પગલે સુગર કંપનીઓએ ઈથેનોલની ડિમાન્ડને પહોંચી વળવા કમર કસવા માંડી છે. અગ્રણી સુગર કંપનીઓના શેર્સના ભાવમાં આ પગલે છેલ્લા વર્ષમાં ખાસ્સો ઉછાળો આવ્યો છે. બલરામપુર ચીનીના ભાવ એક જ વર્ષમાં રૂ. 171થી વધીને રૂ. 392 પહોંચી ગયા છે. રૂ. 20ની કિંમતના દ્વારિકેશ સુગરના શેર્સ રૂ. 80ની ઉચ્ચ સપાટીને અડી આવ્યા છે, તો રેણુકા સુગર્સના રૂ.12ના શેર્સે પણ રૂ. 45ની ટોચની સપાટી જોઈ છે. સ્ટોક માર્કેટના રોકાણકારોએ WTO અને મિનિસ્ટ્રી ઓફ કોમર્સ વચ્ચે થતી વાતચીત તથા પોલિસી લેવલે ઈથેનોલ બ્લેન્ડિંગ, ફ્લેક્સી ફ્યુઅલ વ્હીકલ વગેરે અંગે લેવાતા નિર્ણયો પર બાજ નજર રાખવી જોઈએ. તેનાથી સુગર કંપનીના શેર્સનું ભવિષ્ય નિશ્ચિત થશે.
Comments