દેશની દરેક હાઈકોર્ટમાં ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટીના કેસો ચલાવવા IPD રચાશે
- Team Vibrant Udyog
- Jul 19, 2022
- 4 min read
ગુજરાત હાઈકોર્ટમાં માત્ર ટ્રેડમાર્કનું ખોટું રજિસ્ટ્રેશન થયું હશે તો તેવા કેસમાં રજિસ્ટ્રેશન રદ કરાવવા માટે ગુજરાત હાઈકોર્ટમા જઈ શકશે.
ટ્રેડમાર્કની કોપીના કેસ, મનાઈ હુકમના કેસ કે નુકસાનીના કેસો માટે જિલ્લા કોર્ટમા જ જવું પડશે

બૌદ્ધિક સંપદાના કેસો વધી રહ્યા છે. કોઈ ટેક્નોલોજી કે ડિઝાઈન પરના પોતાના અધિકાર પર કોઈએ તરાપ મારી હોય તેવી સ્થિતિમાં ઈન્ટલેક્ચુઅલ પ્રોપર્ટી રાઈટ્સના કાયદા હેઠળ કેસ થઈ શકે છે. આઈપીએબી-ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટી એપેલેટ ટ્રેડમાર્કના 2020માં 4000 કેસો પેન્ડિંગ હતા. પેટન્ટના 1600 કેસો અને ટ્રેડમાર્કના 2400નો કેસોનો તેમાં સમાવેશ થાય છે. 2021માં પેન્ડિંગ કેસોની સંખ્યા 3000થી વધુની હતી. ગુજરાતમાં દર વર્ષે આ પ્રકારના 200ની આસપાસ નવા કેસો થાય છે. કોપી રાઈટના, ડિઝાઈનની નકલ કરી લેવાના વ્યક્તિના કે કંપનીના અધિકાર પર કે પછી પ્રોડક્ટ્ની પેટન્ટના ભંગના કેસો આ ઇન્ટલેક્ચ્યુઅલ પ્રોપર્ટી એપેલેટ બોર્ડમાં થતાં આવ્યા છે. પરંતુ ઇન્ટલેક્ચ્યુઅલ પ્રોપર્ટી એપેલેટ બોર્ડનું અસ્તિત્વ જ ન હોવાથી કેસ અટકી પડતા હતા. હવે આ કેસો દરેક હાઈકોર્ટમાં ઊભા કરવામાં આવનારા ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટી ડિવિઝન (IPD)માં ચલાવવામાં આવશે.

દિલ્હી હાઈકોર્ટે તો ગત ફેબ્રુઆરી મહિનામાં જ આ માટેના નિયમો બનાવી દીધા છે. તેના નિયમોને હવે દેશની દરેક હાઈકોર્ટે અનુસરવા પડશે. એપેલેટ બોર્ડ ન હોવાથી મહિનાઓથી આ કેસ ચાલતા નહોતા. પરંતુ હવે સંસદની સ્ટેન્ડિગ કમિટી ઓન કોમર્સે કેન્દ્ર સરકારને દરેક હાઈકોર્ટમાં ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટી ડિવિઝન ચાલુ કરવાની સૂચના આપી છે. દિલ્હી હાઈકોર્ટમાં ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટી ડિવિઝન ચાલુ કરી દેવામાં આવ્યું છે. આ પહેલા ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટી એપેલેટ બોર્ડ વિખેરી નાખવામાં આવ્યું હતું.
સંસદીય સમિતિના વડા વી. વિજયસાંઈ રેડ્ડીનું કહેવું છે કે ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટી એપેલેટ બોર્ડ (IPAB)ને વિખેરી નાખવાના પગલાંને પરિણામે ઇન્ટલેક્ચ્યુઅલ પ્રોપર્ટી-બૌદ્ધિક સંપદા અંગેના તમામ કેસો હવે હાઈકોર્ટમાં ટ્રાન્સફર થઈ જશે. તેથી હાઈકોર્ટને માથે વધારાના કેસ ચલાવવાનો બોજો વધશે. તેના માટે દરેક હાઈકોર્ટમાં અલગ બેન્ચની રચના પણ કરવામાં આવશે. ઇન્ટલેક્ચ્યુઅલ પ્રોપર્ટીના કેસો ચલાવવા માટે ખાસ કુનેહ ધરાવતી વ્યક્તિઓની પણ અછત જ છે. આ સમસ્યાને પણ હાઈકોર્ટમાં ઊભા થનારા ડિવિઝને ઉકેલવી પડશે.
અમદાવાદના આઈપીઆર અને કોપી રાઈટના કેસોના નિષ્ણાત સમ્રાટ મહેતા કહે છે, “IPABની રચના પાછળનો હેતુ સ્પેશિયલ રચના કરવામાં આવી હતી. તેમાં ટ્રેડમાર્ક, પેટન્ટ જેવા કાયદાઓને સારી રીતે સમજીને યોગ્ય નિર્ણયો લઈ શકે અને તેમના નિર્ણયમાં ટેકનિકલ એરર્સ ન આવે તે માટે તેની રચના કરવામાં આવી હતી. વરસો સુધી IPAB કામ કરતી હતી, પરંતુ તેનું હેડક્વાર્ટર ચેન્નઈ ખાતે હતું. આખા ભારત દેશમા સરકિટ બેન્ચમાં એટલે કે અમદાવાદ, મુંબઈ, દિલ્હી અને કોલકાતામાં કેસ ચલાવતા હતા. એક ચેરમેન અને બે મેમ્બર મળીને કેસ ચલાવતા હતા. આખા દેશ માટે માત્ર ત્રણ જ જણ હતા. તેથી કેસનો બોજો વધી ગયો હતો.”

સમ્રાટ મહેતા કહે છે કે ચેરમેન અને ટેકનિકલ મેમ્બરની નિમણૂંક માટે ભારત સરકાર અને કાયદા ખાતાને અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હતો. નિવૃત્ત હાઈકોર્ટ જજ આઈપીએબીના ચેરમેન તરીકે નિયુક્ત થઈ શકતા હતા. તેમાં તકલીફ પડતી હતી. તેથી IPABનો અખતરો સફળ થયો નહોતો. 2004ના અરસામાં IPAB અસ્તિત્વમાં આવ હતી. ત્યારથી આ જ સ્થતિ હતી. તેથી કાયદામાં સુધારો કરવામાં આવ્યો હતો. IPABને બંધ કરીને ફરીથી 1958ના કાયદા મુજબ હાઈકોર્ટને ફરીથી તેના કેસો ચલાવવાની સિસ્ટમ ચાલુ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
આમ તો ભારત સરકારે IPABનો વાવટો સંકેલા લેવાતા દરેક પેન્ડિંગ કેસો હાઈકોર્ટમાં ટ્રાન્સફ કરી દેવામાં આવશે. ટ્રેડમાર્ક કેન્સલ કરવાની અરજીઓ, રજિસ્ટ્રારરના હુકમ સામેની અપીલના કેસો હવે પછી હાઈકોર્ટ સાંભળશે અને તેનો નિર્ણય આપશે. તેનો એક ફાયદો એ થશે કે દરેક હાઈકોર્ટમાં ટ્રેડમાર્ક, પેટન્ટ કે કોપી રાઈટની અલગ બેન્ચ આવતા કેસો ઝડપથી ચાલશે. વરસો સુધી ચૂકાદો આવવાની રાહ જોવી પડશે નહિ. ટ્રેડમાર્ક કે આઈપીઆરને લગતી સ્પેશિયલ જજની નિમણૂક કરવા માટે આઈપી ડિવિઝન ઊભું કરાશે અને મેટરો ચલાવવામાં આવશે.
ઇન્ટેલજન્ટ પ્રોપર્ટી ડિવિઝનનું અધ્યક્ષપણું કોઈ એક જ જજને સોંપવામાં આવશે. હાઈકોર્ટમાં ટ્રાન્સફરે થયેલા દરેક કેસનું હિયરિંગ તેમા જ થશે. કોમર્શિયલ કોર્ટ એક્ટની કલમ 13માં કરવામાં આવેલી જોગવાઈ પ્રમાણે તેના ચૂકાદાઓ આપવાના રહેશે. તેમાં અરજીઓ પાછી ખેંચવાની, અરજીઓ રદ કરવાની તથા પ્રોપર્ટી રાઈટને લગતી અપીલો ચલાવવાની કામગીરી કરવામાં આવશે. દિલ્હીની હાઈકોર્ટમાં પણ આઈપીઆરને લગતા કેસોનું ભારણ વધુ હતું તેથી દિલ્હી હાઈકોર્ટે આઈપી ડિવિઝનની રચના કરી દીધી હતી.
ટ્રિબ્યુનલ રિફોર્મ્સ રેશનાલાઈઝેશન એન્ડ સર્વિસ કન્ડિશન ઓર્ડિનન્સ 2021ના અધિનિયમ હેઠળ જ IPAB નાબૂદ ન કરવાની આરંભમાં ભલામણ સંસદની સ્ટેન્ડિંગ કમિટીએ જ કરી હતી. તેને કારણે મોટો શૂન્યાવકાશ નિર્માણ થવાની દહેશત તેણે વ્યક્ત કરી હતી. દરેક કેસનો કોમર્શિયલ કોર્ટમાં કે પછી હાઈકોર્ટમાં ટ્રાન્સફર કરવામા તકલીફ પડશે તેમ પણ સંસદીય સમિતિએ જણાવ્યું હતું. આઈપીએબીમાં અધિકારીઓ કે હોદ્દેદારોની નિમણૂક કરવામાં થઈ રહેલા બેફામ વિલંબની પણ સંસદીય સમિતિએ ટીકા કરી હતી. તેને કારણે સંખ્યાબંધ કેસો અટવાઈ જતાં હતા. હવે દરેક હાઈકોર્ટ આઈપીડી ચાલુ કરવા તૈયારી કરી રહી છે. દિલ્હી, મુંબઈ જેવા હાઈકોર્ટમાં ટ્રેડમાર્કના કેસો અત્યારે પણ સીધા ફાઈલ થઈ શકે છે. ગુજરાત, રાજસ્થાન જેવા રાજ્યોમાં ટ્રેડમાર્ક કે કોપી રાઈટના કેસો પહેલા જિલ્લા કોર્ટમાં ફાઈલ કરવા પડે છે. આ સંજોગમાં ગુજરાતના આઈપીઆરના કેસો સીધા હાઈકોર્ટમાં ફાઈલ થશે તેથી કેસ કરનારાઓને હવે ખાસ્સી સરળતા થશે. ગુજરાત હાઈકોર્ટમાં માત્ર ટ્રેડમાર્કનું ખોટું રજિસ્ટ્રેશન થયું હશે તો તેવા કેસમાં રજિસ્ટ્રેશન રદ કરાવવા માટે ગુજરાત હાઈકોર્ટમા જઈ શકશે. ટ્રેડમાર્કની કોપીના કેસ, મનાઈ હુકમના કેસ કે નુકસાનીના કેસો માટે જિલ્લા કોર્ટમા જ જવું પડશે. તેમાં કોઈ જ ફેરફાર થશે નહિ.
હાઈકોર્ટમાં ફરીથી કેસ ચાલુ થઈ જતાં જે તે રાજ્યના કાર્યક્ષેત્રમાં આવતા કેસો જે તે રાજ્યની હાઈકોર્ટમા ચાલી શકશે. તેથી કેસોનું ભારણ ઓછું થશે. જે તે રાજ્યની વ્યક્તિ કે કંપની તેના રાજ્યની હાઈકોર્ટમા જઈ શકશે. તેમણે ચેન્નઈની સર્કિટ બેન્ચ આવે તેની રાહ જોવી પડશે નહિ. સર્કિટ બેન્ચ વરસે 15થી 20 દિવસ માટે જ આવતી હતી. તેથી કેસોમાં અનહદ વિલંબ થતો હતો.
Commentaires