બેન્કો પાસેથી ફાયનાન્સ મેળવવામાં MSMEને પડી રહી છે પારાવાર મુશ્કેલી
- Team Vibrant Udyog
- Jul 19, 2022
- 4 min read
સરકાર આત્મનિર્ભર યોજના, મુદ્રા યોજના જેવી યોજનાઓ તો જાહેર કરે છે પરંતુ તેનો લાભ જરૂરિયાતમંદને મળે છે ખરો?
સરકારની અવારનવાર જાહેરાત છતાં કોલેટરલ સિક્યોરિટી વિના બેન્કો નાના ઉદ્યોગોને લોન આપતી નથી

રિઝર્વ બેન્ક ઑફ ઈન્ડિયા (RBI) એ જાન્યુઆરી-ફેબ્રુઆરી એ બે જ મહિનાના ટૂંકા ગાળામાં 600 જેટલી ગેરકાયદેસર મોબાઈલ એપ્લિકેશનની પરખ કરી છે જેમાંથી સરકારે 27 એપ્લિકેશનને તો બ્લોક પણ કરી નાંખી છે. રસપ્રદ વાત એ છે કે આ એપ્લિકેશનો વિરુદ્ધ રિઝર્વ બેન્કને 2500થી વધુ ફરિયાદો મળી હતી. આ એપ્લિકેશનો ઈન્સ્ટન્ટ લોન આપવાના નામે ગ્રાહકો સાથે કરોડો રૂપિયાની છેતરપિંડી કરતી હતી.
મૂળ વાત એ છે કે પૈસાની ખરેખર તાતી જરૂર હોય તેવા લોકોને બેન્કો પાસેથી લોન મળતી નથી. આવી મોબાઈલ એપ્લિકેશનો ઈન્સ્ટન્ટ લોન આપવાનું ગાજર લટકાવીને ગ્રાહકો સાથે લાખો-કરોડો રૂપિયાની છેતરપિંડી કરી જાય છે.
વળી, લોનના પ્રોસેસિંગ વખતે આપવામાં આવતા આધાર કાર્ડ, પાન કાર્ડ, વોટર આઈડી વગેરે જેવા ઓળખના પુરાવાનો પણ દુરૂપયોગ થાય છે.
સવાલ એ છે કે હજારો લોકો કેમ આવી એપ્સની જાળમાં ફસાયા? બધી સમસ્યાનું મૂળ બેન્કિંગ સિસ્ટમમાં રહેલું છે. બિઝનેસ શરૂ કરવા માંગતા ઉદ્યોગ સાહસિકોથી માંડીને લઘુ, નાના અને મધ્યમ ઉદ્યોગોને પણ બેન્ક પાસેથી ફાયનાન્સ મેળવવામાં પારાવાર મુશ્કેલી પડી રહી છે. આથી કાં તો તે બિઝનેસમાં ટકી નથી શકતા, અથવા તો તેમણે NBFC (નોનબેન્કિંગ ફાયનાન્સ કંપની) પાસેથી ઊંચા દરે વ્યાજ લેવું પડે છે અથવા તો ડેસ્પરેટ થઈને તે આવા ઈન્સ્ટન્ટ લોનના સકંજામાં ફસાઈ જાય છે.
સરકાર MSMEને દેશના અર્થતંત્રની કરોડરજ્જુ ગણાવે છે અને તેને મજબૂત કરવા માટે અનેક યોજના પણ લોન્ચ કરે છે. પરંતુ શું આ યોજનાનો લાભ ખરેખર નાના ઉદ્યોગો સુધી પહોંચે છે ખરો તેનું મોનિટરિંગ થતું નથી. આના પગલે રિઝર્વ બેન્ક અને સરકારની ગાઈડલાઈન્સનું સરેઆમ ઉલ્લંઘન કરીને બેન્કો નાના-મધ્યમ ઉદ્યોગોને લોન આપતી વખતે મનમાની કરીને તેમનું નાક દબાવવાની કોશિશ કરે છે.

વન અ મીમ એડવાઈઝરી સર્વિસિસ પ્રાઈવેટ લિમિટેડના મેનેજિંગ ડિરેક્ટર ઈદ્રિસ મનસૂરી જણાવે છે, "મોટી કંપનીઓ કે MNC પાસે નિષ્ણાંતોનો કાફલો હોય છે આથી તેમને બેંકિંગ કે લોનની કોઈ પ્રક્રિયામાં મુશ્કેલી નથી પડતી. નવા ઉદ્યોગ સાહસિકો જ્યારે નાના પાયે શરૂઆત કરે ત્યારે તેમને બેન્કિંગ કે ફાયનાન્સની આંટીઘૂંટીનું વધુ જ્ઞાન હોતું નથી. SIDBI, ભારત સરકાર અને MSME મિનિસ્ટ્રીએ સાથે મળીને ક્રેડિટ ગેરન્ટી ફંડ ટ્રસ્ટ ફોર માઈક્રો એન્ડ સ્મોલ એન્ટરપ્રાઈઝિસ (CGTMSE)ની સ્થાપના કરી છે. આ અંતર્ગત 2 કરોડ સુધીની લોનમાં સિક્યોરિટીઝની જરૂર નથી. આ વ્યવસ્થા છતાં પણ કોલેટરલ સિક્યોરિટી વિના લઘુ-મધ્યમ ઉદ્યોગોને કોઈ બેન્ક ફાયનાન્સ આપવા તૈયાર નથી."
અમદાવાદ ચેમ્બર ઑફ કોમર્સ એન્ડ વેલ્ફેર ફાઉન્ડેશન (ACCWF)ના પ્રમુખ જયેન્દ્ર તન્ના પણ ભારપૂર્વક જણાવે છે કે, "સરકારની અનેક જાહેરાતો છતાંય બેન્કરો કોલેટરલ સિક્યોરિટીનો આગ્રહ રાખે છે. અગાઉ બુક વેલ્યુ કે ઓર્ડર પર પણ લોન મળતી હતી હવે તે સાવ બંધ થઈ ગઈ છે. કોલેટરલ સિક્યોરિટી વિના નાના વેપારીઓને લોન મેળવવી મુશ્કેલ થઈ ગઈ છે."

GCCI (ગુજરાત ચેમ્બર ઑફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીઝ)ની MSME કમિટીના કો ચેરમેન શૈલેષ પટેલ આ મુદ્દા સાથે સહમત થતા જણાવે છે, "રિઝર્વ બેન્કના નિયમ મુજબ 30થી 40 ટકા રકમ માટે જ કોલેટરલ આપવું પડે, પણ ઘણી બેન્કો 50 ટકા રકમ સુધીની કોલેટરલ સિક્યોરિટીની ડિમાન્ડ કરતી હોય છે. કેટલીક બેન્કો તો નોન ફંડિંગ લોન, LC લિમિટને પણ કોલેટરલની લિમિટમાં ગણી લે છે જેને કારણે ફંડિંગ મેળવવામાં નાના ઉદ્યોગોની મુશ્કેલી વધી જાય છે. હવે તો મોટા કોર્પોરેટ સાથે બિઝનેસ કરવા માટે કે HT કનેક્શન લેવામાં પણ ગેરન્ટી આપવી પડતી હોય છે. વળી, રો મટિરિયલના ભાવ ખૂબ જ વધી ગયા છે આથી હવે નાના ઉદ્યોગોને વધારે કેપિટલની જરૂર પડી રહી છે. આવામાં ફંડિંગના અભાવે અનેક લઘુ-નાના ઉદ્યોગો અસ્તિત્વ માટે સંઘર્ષ કરી રહ્યા છે."
નાના-લઘુ ઉદ્યોગો માટે સરકારની સ્કીમો છે, પરંતુ બેન્કો તેનો લાભ યોગ્ય વ્યક્તિ સુધી પહોંચાડવામાં રસ દાખવી રહી નથી. તેના કારણ અનેક છે. પહેલું, આપણા દેશમાં 2.5 લાખની લોન પાસ કરવામાં કે 25 કરોડની લોન પાસ કરવા માટે પ્રક્રિયા સરખી જ ફોલો કરવી પડે છે. આથી બેન્કોને જો મોટા ગ્રાહક મળી જાય તો એક-બે લોનમાં જ તેમના ટાર્ગેટ અચિવ થઈ જાય છે. નાની ઈન્ડસ્ટ્રીની સાઈટ વિઝિટ કરવી, બિઝનેસ મોડેલ સમજવું, ગેરન્ટી લેવી, તે ડિફોલ્ટ થાય તેનું જોખમ ઉઠાવવું આ બધી જફામાં બેન્કો હવે પડવા માંગતી નથી. આથી તેઓ MSMEની લોન એપ્લિકેશન પર પૂરતું ધ્યાન આપતા નથી.

ઈદ્રિસ મનસૂરી એમ પણ જણાવે છે કે, "બેન્કો લોન આપતી વખતે ક્રેડિટ સ્કોર જુએ છે. હવે કોઈ યુવાને 22-23 વર્ષની ઉંમરે બિઝનેસ શરૂ કર્યો હોય અને તેને અત્યાર સુધી ક્રેડિટ કાર્ડ કે ફાયનાન્સની જરૂર જ ન પડી હોય તો તેનો ક્રેડિટ સ્કોર સ્વાભાવિક રીતે 0 જ હોવાનો. બેન્કો આવી અરજીઓ રિજેક્ટ કરી દે છે. વાસ્તવમાં તો જેનો ક્રેડિટ સ્કોર 0 હોય, તે એ સૂચવે છે કે વ્યક્તિ પોતાના ખર્ચ અંગે શિસ્તબદ્ધ છે અને તેને બીજેથી પૈસા ઉધાર લેવાની ખાસ જરૂર પડી નથી. બેન્કો આ મુદ્દાને ધ્યાનમાં લીધા વિના ક્રેડિટ સ્કોર જનરેટ ન થયો હોય તેવા લોકોની અરજી ફગાવી દે છે."
બીજું, સરકાર MSME ફાયનાન્સ માટે મુદ્રા લોન સહિતની યોજના લોન્ચ કરે છે પણ તેનો લાભ યોગ્ય લોકો સુધી પહોંચતો જ નથી. એજન્ટો મારફતે લોન અયોગ્ય વ્યક્તિને અપાય છે અને પછી તેમાં ડિફોલ્ટ વધારે જોવા મળે છે. શૈલેષ પટેલ જણાવે છે, "સરકાર લઘુ-મધ્યમ ઉદ્યોગો માટે યોજનાઓ તો લોન્ચ કરે છે, પરંતુ એ યોજનાઓનો લાભ યોગ્ય વ્યક્તિ સુધી પહોંચે છે? નિયમોનું પાલન થાય છે? વગેરેનું સરકાર દ્વારા મોનિટરિંગ થવું જરૂરી છે. ત્યારે જ જેન્યુઈન લઘુ-નાના ઉદ્યોગોની ફાયનાન્સની સમસ્યા દૂર થશે."

મુદ્રા યોજના એક સમયે વેપાર-ઉદ્યોગને વેગ આપનારું ક્રાંતિકારી પગલું ગણાતું હતું. તેની જગ્યાએ હવે તે ફક્ત કાગળ પરની યોજના રહી ગઈ છે. જયેન્દ્ર તન્ના આ અંગે વાત કરતા જણાવે છે, "આ પરિસ્થિતિ ઊભી થઈ તેમાં બેન્કરોનો પણ વાંક નથી. મુદ્રા યોજનામાં રાજકીય દબાણ હેઠળ ઘણા ખોટા લોકોને લોન અપાઈ છે જેમાં એનપીએ થતા બેન્કરો હવે આવી યોજનાઓ હેઠળ ફાયનાન્સ આપતા ડરે છે. એ જ રીતે કોવિડ પછી ગુજરાત સરકારે આત્મનિર્ભર યોજના અંતર્ગત કો ઓપરેટિવ બેન્કો મારફતે રૂ. 1 લાખ અને રૂ. 2.5 લાખની લોન આપવાની જાહેરાત કરી હતી. આ લોન પણ કોલેટરલ સિક્યોરિટી લીધા બાદ જ અપાઈ છે અને સહકારી બેન્કોએ પોતાના જૂના ગ્રાહકોને જ લોન આપીને ટાર્ગેટ પૂરા કરી દીધા છે. સ્ટાર્ટ અપ ઈન્ક્યુબશન સેન્ટર સરકારે ઊભા કર્યા છે પરંતુ તેમાં પ્રારંભિક થોડી આર્થિક સહાય પછી ફંડિંગ મેળવવામાં તો સ્ટાર્ટ અપને મુશ્કેલી જ પડે છે. ગુજરાતની 20 ટકા પ્રજા વેપાર કે ઉદ્યોગ કરે છે. આમાં સરકાર 3 લાખને લોન આપવાના દાવા કરે છે. તેમાંય જેને ખાસ મદદની જરૂર છે તેને તો આર્થિક સહાય પહોંચી જ નથી."
MSME ક્ષેત્ર સાથે સંકળાયેલા અનુભવીઓ અને નિષ્ણાંતો સર્વાનુમતે માને છે કે સરકાર યોજના લોન્ચ કરીને છટકી જાય તે યોગ્ય નથી. યોજના હેઠળ કોને લોન અપાઈ, કોલેટરલ સાથે અપાઈ કે વિના અપાઈ વગેરેનું મોનિટરિંગ અને ઓડિટ સમયાંતરે કરવાની વ્યવસ્થા ગોઠવવી જોઈએ. એમ થશે તો જ બેંકો નાના વેપાર-ઉદ્યોગોને ફાયનાન્સ કરવામાં રસ દાખવતી થશે.
Comments