વીજ સંકટથી કોલસાના વધતા ભાવ સુધીઃ MSMEનું કદ નાનું પણ સમસ્યાઓ મોટી
- Team Vibrant Udyog
- Jul 19, 2022
- 10 min read
ગુજરાતમાં વીજ સંકટ તીવ્ર બની રહ્યું છે ત્યારે નાના અને મધ્યમ ઉદ્યોગનો વધી રહેલો સંઘર્ષ
ડીઝલ, કોલસો અને PNGના વધી રહેલા ભાવને કારણે ઉદ્યોગોને કોલસાનો ઇંધણ તરીકે ઉપયોગ કરવાની ફરજ પડે તેમ છે. પરંતુ કોલસાને કારણે થતાં પ્રદુષણને રોકવા પણ નવા ઉકેલની તલાશ કરવા જરૂરી બની ગઈ છે

સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગોને દેશના અર્થતંત્રની કરોડરજ્જુ માનવામાં આવે છે. ભારતમાં 6.33 કરોડ જેટલા નાના અને મધ્યમ એકમો રજિસ્ટર્ડ થયેલા છે. જો કે આ એક અનઓર્ગેનાઈઝ્ડ સેક્ટર હોવાથી રજિસ્ટર ન થયેલા એકમોની સંખ્યા અનેક ગણી મોટી હોવાની સંભાવના છે. રજિસ્ટર થયેલા 6.33 કરોડ એકમોમાંથી 15 લાખ એકમો તો વેપારીઓની ભૂમિ ગણાતા ગુજરાતમાં જ રજિસ્ટર થયેલા છે. એક અંદાજ મુજબ રજિસ્ટર થયેલા એકમોમાંથી 65 ટકા એકમો સક્રિય છે. બાકીના કાં તો માંદા છે અથવા તો ઠપ થઈ ગયા છે.
નાના અને મધ્યમ ઉદ્યોગો રોજગારી સર્જનમાં પણ ખૂબ મોટો ફાળો આપે છે. દેશમાં અંદાજે 36 કરોડ લોકો MSME સેક્ટરમાંથી રોજગારી મેળવે છે. નિકાસની વાત કરીએ તો તેમાં MSMEનો ફાળો 45થી 49 ટકા જેટલો અને કુલ રાષ્ટ્રીય ઉપજમાં તેનો ફાળો 25થી 30 ટકા જેટલો જંગી છે. જો કે નવાઈની વાત એ છે કે 6.33 કરોડ એકમોમાંથી ફક્ત 70 લાખને જ બેન્કમાંથી ફાયનાન્સ મળ્યું છે. અન્ય એકમો કાં તો પોતાની રીતે નાણાંની વ્યવસ્થા કરે છે અથવા તો બિનપરંપરાગત સ્રોત પાસેથી ઊંચા વ્યાજે નાણાં લઈને દેવાની જાળમાં ફસાય છે.
નાણાંકીય વ્યવસ્થાથી માંડીને સરકારની બદલાતી પોલીસીઓ સાથે કદમ મિલાવવા સુધી MSME દરેક મોરચે અગણિત સમસ્યાઓનો સામનો કરી રહી છે. કાચા માલમાં થનારા અધધ વધારા, બેન્કિંગ ફાયનાન્સ અને પોલ્યુશન બોર્ડ તરફથી અવારનવાર જારી કરાતા જુદા જુદા પરિપત્રો સહિત નાના-મધ્યમ ઉદ્યોગો સામે સમસ્યાઓ મોં ફાડીને જ ઊભી છે જે તેની વિકાસની ગતિ પર સતત બ્રેક મારી રહી છે.

FISA- ફેડરેશન ઑફ ઈન્ડિયન SME એસોસિયેશન દ્વારા વટવા ખાતે નાના-મધ્યમ ઉદ્યોગોની સમસ્યાની ચર્ચા કરવા અને તેનો ઉકેલ શોધવા માટે ખાસ બેઠક યોજવામાં આવી હતી. FISAના રાષ્ટ્રીય વાઈસ પ્રેસિડન્ટ અને ગુજરાતના ઈન્ચાર્જ કે.ટી પટેલ, સંસ્થાના સેક્રેટરી ધર્મેન્દ્ર જોશી અને રાષ્ટ્રીય મહામંત્રી જયેન્દ્ર તન્ના દ્વારા FISAની બેઠક યોજવામાં આવી હતી. આ બેઠકમાં નાના-મધ્યમ ઉદ્યોગોને લગતી સમસ્યાઓની વિગતે ચર્ચા કરાઈ હતી અને તેના ઉકેલ પણ સૂચવવામાં આવ્યા હતા.
કાચો માલ મોંઘો થતા વર્કિંગ કેપિટલની જરૂરિયાત વધીઃ
ગુજરાતના નાના અને મધ્યમ એકમોની સમસ્યાઓ મોટી છે. પહેલી મોટી સમસ્યા છે કાચા માલના વધેલા ભાવ અને વર્કિંગ કેપિટલની વધી રહેલી જરૂરિયાત. ઉદાહરણ આપીને વાત કરીએ. એચ.એસિડના કિલોદીઠ ભાવ રૂ. 490ની આસપાસના છે. તેને માટે કાચા માલ તરીકે નેપ્થાલિનનો ઉપયોગ કરવામાં આવે છે. તેના કિલોદીઠ ભાવ 30થી 40 ટકા વધી ગયા છે. સલ્ફ્યુરિક એસિડ બનાવવા માટે આયાતી સલ્ફરનો ઉપયોગ કરવો પડે છે. તેના ભાવ વધી ગયા છે. તેની સામે સલ્ફ્યુરિક એસિડના કિલોદીઠ ભાવ રૂ. 12ની આસપાસના છે. તેની સાથે સાથે જ કોલસાના ભાવમાં 150 ટકાથી વધુનો વધારો થયો છે. ઔદ્યોગિક એકમોમાં વપરાતા ગેસનો ભાવ પણ 30 ટકા જેટલા વધી ગયા છે. ટોરેન્ટ પાવરની વીજળીના દર ઊંચા જઈ રહ્યા છે. આ સ્થિતિ ઉદ્યોગોની હાલત કફોડી બનાવી રહ્યા છે. કોસ્ટિક સોડા બનાવનારાઓના ઉત્પાદન ખર્ચમાં 40 ટકા ખર્ચ વીજળીનો જ આવે છે. રૂ. 4000ના ટનદીઠ ભાવે મળતો કોલસો આજે રૂ. 12000થી વધુ કિંમતનો થઈ ગયો છે. ચોમેર વધારો છે. પરંતુ તેમના ફિનિશ્ડ પ્રોડક્ટમાં આ વધારાનો બોજ પાસ કરી શકાતો નથી. તેથી તેમના માર્જિન કપાઈ રહ્યા છે. તેમને માટે ટકવું કઠિન બની રહ્યું છે.

વટવામાં સીએનજી વાપરનારા એકમોએ જાન્યુઆરી 2022માં જે સ્ટાન્ડર્ડ ક્યુબિક મીટર ગેસના રૂ. 59.29 આપતા હતા તે ગેસના ભાવ 25મી માર્ચે રૂ. 70.84 થઈ ગયા હતા. આ જ રીતે ઉદ્યોગોએ બુક કરાવેલા ગેસ કરતાં વધુ ગેસ વાપરે તો જાન્યુઆરીમાં તેના સ્ટાન્ડર્ડ ક્યુબિક મીટરે રૂ. 63.79 ચૂકવવા પડતા હતા. તે જ ગેસના 25મી માર્ચે 96.79 ચૂકવવા પડી રહ્યા છે. આ વધારો અંદાજે 50 ટકાથી વધુનો છે. આ સમસ્યાને હળવી કરી શકાય છે. અંકલેશ્વર ઇન્ડસ્ટ્રીઝ એસોસિયેશનના પૂર્વ પ્રમુખ એન.કે. નાવડિયાની માગણી છે કે, “નેચરલ ગેસનો સમાવેશ ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સમાં કરી દેવામાં આવવો જોઈએ. તેમ કરવાથી નેચરલ ગેસનો ઉપયોગ કરનારા ઉદ્યોગોનો ખાસ્સી રાહત મળ જશે. તેઓ નેચરલ ગેસ પર જીએસટીમાં મળતા રિફંડનો તો લાભ લઈ શકશે. ”
આમ દરેક મોરચેથી નાના અને મધ્યમ કદના ઉદ્યોગો નીચોવાઈ રહ્યા છે. તેના ફિનિશ્ડ પ્રોડક્ટ્સ પર ભાવ વધારો નાખી શકાતા નથી, કારણે રશિયા યુક્રેનના યુદ્ધને કારણો યુરોપિયન સંઘના દેશોમાંથી લેવાલી પર બ્રેક લાગી ગઈ છે. નાના અને મધ્યમ ઉદ્યોગો માટે પરિસ્થિતિ વિકટ થઈ ગઈ છે.
યુરિયાનો પણ ઉદ્યોગોમાં ખાસ્સો વપરાશ છે. અંકલેશ્વર ઇન્ડસ્ટ્રીજ એસોસિયેશનના એન.કે નાવડિયા કહે છે, “યુરિયાનું ઉત્પાદન કરતી કંપનીઓએ તેના કિલોદીઠ ભાવ રૂ.28થી વધારીને રૂ.82 કરી દીધા છે. તેને પરિણામે યુરિયાનો ઉપયોગ કરતાં નાના ઉદ્યોગોની હાલત કફોડી થઈ ગઈ છે. તેમના પર આર્થિક બોજો વધી ગયો છે. અત્યારે સરકારે કોમર્શિયલ યુરિયાની મોટી ક્વોન્ટીટી મોટા ઉદ્યોગોને માટે ફાળવી દીધી છે. આ સંજોગોમાં ઉદ્યોગો માટે ફાળવવામાં આવેલા ક્વોટામાંથી નાના અને મધ્યમ કદના ઉદ્યોગોને માટે ઓછામાં ઓછા 50 ટકા કોમર્શિયલ યુરિયા અનામત રાખવો જોઈએ. ” (અહીં એક આડવાત એ છે કે ખેડૂતો માટેના સબસિડાઈઝ યુરિયાને કોમર્શિયલ યુરિયાની બેગમાં ભરીને તેના કાળાં બજાર કરવાની સમસ્યાનો પણ તેનાથી ઉકેલ આવી શકશે. એપ્રિલ મહિનામાં જ અમદાવાદના ખંભાત, રાજકોટ, અંકલેશ્વર તથા સુરતના વિસ્તારોમાં આ પ્રકારની ગેરરીતિ આચરનારાઓને ડિરેક્ટોરેટ જનરલ ઓફ ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ ઇન્ટેલિજન્સ – ડીજીજીઆઈની કચેરીએ સપાટામાં લીધા હતા. તેને કારણે કોઈપણ વાજબી કારણ વિના ઉદ્યોગોને પણ પરેશાન થવું પડે છે. પ્રીવેન્શન ઓફ બ્લેક મની એક્ટ હેઠળ અમદાવાદ-ખંભાતના વેપારીને જેલમાં નાખી દેવામાં આવ્યા છે.)
તેમણે વધુમાં એ પણ જણાવ્યું કે સરકારે ભાવવધારાના સંજોગોમાં ઈન્ડસ્ટ્રી ટકી રહે તે આશયથી PSU એટલે કે જાહેર ક્ષેત્રની કંપનીઓની સ્થાપના કરી હતી. સરકારે એક પછી એક PSU કંપનીઓ ખાનગી કંપનીઓના હાથમાં સોંપી દેતા કાચા માલના ભાવમાં બેફામ વધારો થઈ રહ્યો છે અને ઈન્ડસ્ટ્રીઓને અસ્તિત્વ ટકાવી રાખવા માટે પણ સંઘર્ષ કરવો પડી રહ્યો છે.
જૂના મોર્ટગેજ પર વધુ 50 ટકા ફાયનાન્સની જોગવાઈ જરૂરીઃ

વટવા ઇન્ડસ્ટ્રીઝ એસોસિયેશનના વર્તમાન પ્રમુખ ડિમ્પલ પટેલનું કહેવું છે, “અત્યારે કેમિકલ ઉદ્યોગ સાથે સંકળાયેલા એકમો કાચા માલના ભાવ અંદાજે 30થી 40 ટકા વધી ગયા છે. તેની સામે ફિનિશ્ડ ગુડ્સનું વેચાણ થતું નથી.” તેથી ઔદ્યોગિક એકમને વધારાના ફાઈનાન્સની એટલે કે વર્કિંગ કેપિટલની વધારે જરૂર પડે છે. તેમને અત્યારના સંજોગોમાં 50 ટકા જેટલી વધુ વર્કિંગ કેપિટલની જરૂર પડી રહી છે. આ સમસ્યાનો ઉકેલ અનિવાર્ય બની ગયો છે. સરકાર MSME માટે મશીનરીની ખરીદી માટે લોનના વ્યાજમાં સબસિડી આપે છે. આ સબસિડીનો વ્યાપ વધારી દેવામાં આવે તો ઉદ્યોગોની સમસ્યા ખાસ્સી હળવી થઈ શકે છે. આ યોજનામાં દસથી બાર ટકા વ્યાજે મળતા નાણાં પર સરકાર પાંચેક ટકાની વ્યાજની સબસિડી આપે છે.” બીજું, જૂના મોર્ટગેજ પર જ બેન્કો તેમને વધારાના-એડિશનલ 50 ટકા ફાઈનાન્સની સુવિધા આપે તે જરૂરી બની ગયું છે.
તેમની વાતનો પડઘો પાડતા FISAના વાઈસ પ્રેસિડન્ટ કે.ટી. પટેલે કહ્યું હતું કે, “વર્કિંગ કેપિટલની વધારાની જરૂરિયાતને પૂરી કરવી તકલીફદાયક છે. તેનો નાના ઉદ્યોગોને કોઈ જ રસ્તો દેખાતો નથી. અત્યારે બેન્કમાંથી એક કરોડની લોન લીધી હોય અને તેમાં એક લાખનો પણ વધારો માગવામાં આવે તો બેન્કમાં અરજી કરવી પડે છે. તેમાં રિ-મોર્ટગેજ પણ માગવામાં આવે છે. રિ-રજિસ્ટ્રેશનની પ્રક્રિયા કરાવવામાં આવે છે. આ પ્રક્રિયા થતાં બીજા છ મહિના લાગી જાય છે. આ ગાળામાં ઉદ્યોગોને માટે અસ્તિત્વ ટકાવવું કઠીન બની જાય છે. તેથી જૂના મોર્ટગેજ પર જ કોઈપણ વધારાની જફા વિના તેમને વધારાનું ફાઈનાન્સ આપી દેવું જોઈએ.” આ સમસ્યાનો ઉકેલ પણ સરકાર ઇચ્છે તો લાવી શકે છે. સબસિડીની સરકારી યોજનાનો વ્યાપ વધારીને તે શક્ય બનાવી શકાય છે. ડિમ્પલ પટેલ જણાવે છેઃ “બેન્ક લોન પર ઇન્ટરેસ્ટ સબસિડી આપવાની જોગવાઈ એમએસએમઈ માટે કરવામાં આવી છે. આ જ જોગવાઈને એડિશનલ લોન માટે પણ લાગુ કરવામાં આવે તે જરૂરી છે.”
MSME માટે લોન સિસ્ટમ સરળ બનાવોઃ

વટવા ઇન્ડસ્ટ્રીઝ એસોસિયેશનના પૂર્વ પ્રમુખ કે.ડી. પટેલનું કહેવું છે, “બેન્ક લોનની સિસ્ટમમાં પણ જફા ઘણી જ છે. ઈન્ડિયન કોન્ટ્રેક્ટ એક્ટની સેક્શન 28 બેન્ક લોન લેનારાઓ માટે મોટી તકલીફ ઊભી કરે છે. કોઈપણ પાર્ટીએ ફાયનાન્સ માટે પરફોર્મન્સ બેન્ક ગેરન્ટી આપવાની થાય છે. મશીનની ખરીદી પર પણ આ રીતે બેન્ક ગેરન્ટી લેવાતી હોય છે. એક વર્ષ પછી પાર્ટી પરફોર્મન્સ બેન્ક ગેરન્ટી પરત આપે ત્યારે બેન્કે તે રિઇમ્બર્સ કરી આપવી જરૂરી છે. પરફોર્મન્સ બેન્ક ગેરન્ટી માગનાર તરફથી કોઈ ક્લેઈમ આવ્યો ન હોય તેવા સંજોગોમાં પણ બેન્કે ગેરન્ટી પરત કરવાની હોય છે.
હાલ સમસ્યા એ થાય છે કે બેન્ક પરફોર્મન્સ ગેરન્ટી બીજા એક વર્ષ સુધી તે પરત કરતી નથી જેને કારણે બેન્ક ગેરન્ટી આપનારના નાણાં વધુ એક વરસ સુધી અટવાયેલા રહે છે. તે નાણાં જમા ન થતાં બેન્કોમાં તો FD વધે છે પણ બેન્ક ગેરન્ટી લેનાર વેપારીની લિમિટ વધુ વપરાય છે. બેન્ક આ રકમ એક્સ્ટ્રા એક વર્ષ સુધી એફડી રાખી મૂકે છે. તે એફડી બેન્ક રેટ કરતાં અડધા દરથી લીધેલી હોય છે. તેમાં ઈન્ડસ્ટ્રીને વ્યાજનું ભારે નુકસાન થાય છે. બીજી મુશ્કેલી એ છે કે 1 કરોડની લિમિટ હોય તો બીજા કસ્ટમરને પરફોર્મન્સ બેન્ક ગેરન્ટી આપવા માટે નવેસરથી બેન્ક ગેરન્ટીના ડોક્યુમેન્ટ કરવા પડે છે. ઈન્ડસ્ટ્રીની આમ એક મોટી રકમ વપરાયા વિનાની પડી રહે છે. આ ઉપરાંત તેણે નવી પરફોર્મન્સ બેન્ક ગેરન્ટી માટે નવેસરથી ખર્ચ કરવો પડે છે."
આ અવ્યવસ્થાની મુખ્ય ત્રણ અસર પડે છે. એક, ગેરન્ટી ઇશ્યૂ ચાર્જ એક વર્ષને બદલે બે વર્ષનો થાય છે. બીજું, ફિક્સ્ડ ડિપોઝિટ એક વર્ષને બદલે બે વર્ષની થાય છે. ત્રીજું, ઈન્ડસ્ટ્રીની લિમિટ એક વર્ષને બદલે બે વર્ષની થઈ જાય છે. તેથી તેનો માર પણ ઉદ્યોગોને પડે છે.

મોટાભાગના નાના ઉદ્યોગોને પરફોર્મન્સ બેન્ક ગેરન્ટીની આ સમસ્યા નડે છે. આજે બેન્ક ગેરન્ટી વિના કોઈ કામ કરતાં જ નથી. CGTMSE અંતર્ગત રૂ. 2 કરોડના ફાયનાન્સ સુધી કોઈપણ એક્સ્ટ્રા ચાર્જ ન વસૂલવાની સરકારની સ્પષ્ટ સૂચનાને પણ બેન્કો ઘોળીને પી ગઈ છે. તેમને વેપાર-ઉદ્યોગ માટે નાનામાં નાના ફાયનાન્સ માટે પણ ગેરન્ટી કે મોર્ટગેજ આપવું જ પડે છે.
બેન્ક લિમિટ પર સ્ટેમ્પ ડ્યુટી મોર્ટગેજની સમસ્યા પણ વિકટ છે. એક ઉદાહરણ લઈને સમજીએ. મેનુફેક્ચરર બેન્ક પાસેથી 20 કરોડની લોન લે છે તો ઈન્ડસ્ટ્રીએ તેના પર રૂ. 11.80 લાખ સ્ટેમ્પ ડ્યુટી મોર્ટગેજ અને હાઈપોથિકેશન રૂપે ચૂકવવા પડે છે. હવે જો બેન્ક બીજા વર્ષે તેની નવી રૂ. 20 કરોડની લિમિટ મંજૂર કરે તો ઈન્ડસ્ટ્રીએ ફરી તેના પર રૂ. 11.80 લાખની સ્ટેમ્પ ડ્યુટી ચૂકવવી પડે છે. આમ એક જ પ્રોપર્ટી પર ઉદ્યોગોએ વારંવાર સ્ટેમ્પ ડ્યુટીની ભારે ભરખમ રકમ ચૂકવવી પડે છે. ઉલ્લેખનીય છે કે લોનની રકમ પ્રમાણે 0.6 ટકા અને જો મર્યાદા કરતા વધુ રકમની લોન હોય તો 1.2 ટકાના દરે સ્ટેમ્પ ડ્યુટી ચૂકવવાનો નિયમ છે. વેરાની આવક વધારવાની લ્હાયમાં સરકાર નાના ઉદ્યોગો પરબિનજરૂરી સ્ટેમ્પ ડ્યુટીનો બોજો નાંખી રહ્યો છે. કે.ડી પટેલનું માનવું છે, "એક પ્રોપર્ટી પર એક જ વખત સ્ટેમ્પ ડ્યુટી નંખાવી જોઈએ. જો બેન્ક બીજા વર્ષે લિમિટ મંજૂર કરે તો સ્ટેમ્પ ડ્યુટી પેટે ફક્ત ટોકન એમાઉન્ટ જ લેવાવી જોઈએ."
સરકારી ટેન્ડરમાં વેપારીઓને ખોટ ખાવાનો વારો આવે છેઃ
આ ઉપરાંત સરકારના ટેન્ડર ભરવા માટે 3 ટકા રકમથી વધુ બેન્ક ગેરન્ટી ન માંગી શકાય તેવો નિયમ હોવા છતાં હાલ 5થી 10 ટકા રકમ માટે ગેરન્ટી માંગવામાં આવી રહી છે. કે.ડી પટેલે જણાવ્યું કે વર્કિંગ કેપિટલમાં વધારા માટે ઉદ્યોગો અરજી કરે અને તેમનો પાસ્ટ રેકોર્ડ સારો હોય તો બેન્કોએ તાત્કાલિક 30 ટકા વધારી આપવી જોઈએ. આમ કરવાથી કઠિન સંજોગોમાં ઉદ્યોગોને ખાસ્સી રાહત મળશે.

કિરીટ પટેલે ટેન્ડરના મુદ્દે વાત કરતા જણાવ્યું કે ઉદ્યોગોએ 1 વર્ષના ક્લેઈમ સામે 2 વર્ષની બેન્ક ગેરન્ટી આપવી પડે છે. સરકારના ટેન્ડર ભરનારા વેપારીઓને હાલ ખોટ ખાવાનો વારો આવે તેવી હાલત ઊભી થઈ છે. ટેન્ડર એપ્રુવ થઈને આવે તેટલા ગાળામાં તો કાચા માલના ભાવ વધી જતા વેપારીઓના ગણિતો ફરી જાય છે. આ ઉપરાંત જો પ્રોજેક્ટ પછી સરકાર 5 વર્ષ માટે મેઈન્ટેનન્સનું કામ સોંપે તો ઉદ્યોગોએ 5 વર્ષ સુધીની બેન્ક ગેરન્ટી આપવી પડે છે જે કુલ રકમના 20 ટકા જેટલી હોય છે. આટલો તો વેપારીનો પ્રોફિટ પણ નથી હોતો જેટલાની સરકાર ગેરન્ટી માંગે છે. તેમણે સૂચન કર્યું કે સરકારે મેઈન્ટેનન્સને ટેન્ડરનો ભાગ ન ગણાવતા તેના માટે અલગથી કોન્ટ્રેક્ટ આપવો જોઈએ.
ઈંધણની સમસ્યા વિકરાળઃ
Federation Of Indian SME Associationના વાઈસ પ્રેસિડન્ટ, નેશનલ અને ગુજરાતના ઇન્ચાર્જ કે.ટી. પટેલનું કહેવું છે, “અત્યારે ઇન્ડસ્ટ્રીઝની સૌથી મોટી સમસ્યા ઇંધણની છે. રશિયા યુક્રેનના યુદ્ધને કારણે આ સમસ્યા વકરી રહી છે. ઉદ્યોગોની પાયાની પ્રક્રિયા માટે જરૂરી ડીઝલ, કોલસો, ગેસ અત્યંત મોંઘા થઈ ગયા છે. તેનો યોગ્ય પુરવઠો પણ નથી. અત્યારે ઉદ્યોગોને અઠવાડિયે એક દિવસનો પાવર સપ્લાય બંધ રાખીને ગુજરાતના ખેડૂતોને વીજ સપ્લાય આપવામાં આવી રહ્યો છે. હજી વીજળીનો સો ટકા કાપ પણ આવવાની સંભાવના છે. આ સમસ્યા રાષ્ટ્રીય સ્તરની છે. ગુજરાતમાં પણ તેની મોટી અસર આગામી દિવસોમાં જોવા મળશે. 1970ના અરસામાં ઉદ્યોગોએ વીજ કાપને કારણે બે બે દિવસ સુધી તેમના એકમો બંધ રાખવાની ફરજ પડી હતી. આ સ્થિતિનો સામનો કરવા માટે અત્યારથી જ આયોજન થવું જરૂરી છે. આ આયોજન ન થાય તો ઔદ્યોગિક એકમો માટે તેમના ખર્ચા કાઢવા પણ મુશ્કેલ બની જશે. વીજળીના દરમાં સરકારે સબસિડી પણ આપવી જોઈએ તેવી માગણી કરી શકાય છે.”

બીજી તરફ ઉદ્યોગો માટેના બળતણના ભાવમાં પણ વધારો થયો છે. કોલસો, ગેસ અને ડીઝલના ભાવ વધી ગયા છે. કોલસાના ભાવમાં 150 ટકાથી વધુનો વધારો આવી ગયો છે. ગેસના ભાવ વધારી દેવાયા છે. ઉદ્યોગો લાકડું વાપરી શકતા નથી અને ઇંધણનો પૂરતો જથ્થો મળતો નથી.”
આ સમસ્યાનું સમાધાન સૂચવતા એન.કે નાવડિયા જણાવે છે, "આ તબક્કે કોલસાનો વપરાશ એ ઉદ્યોગો માટે શ્રેષ્ઠ સમાધાન છે. અંકલેશ્વરની આસપાસના વિસ્તારોમાં જ વિપુલ માત્રામાં કોલસો ઉપલબ્ધ હોવા છતાં ઉદ્યોગો તે વાપરી શકતા નથી. આ માટે તેમને એન્વાયરમેન્ટલ ક્લિયરન્સ મળતું નથી. ઈન્ડસ્ટ્રીએ કોલસાને સીધો વાપરવાનો પ્રયાસ બંધ કરી દેવો જોઈએ. સંશોધન મુજબ જો કોલસાને ફાઈન મેશ કરીને એટલે કે તેની ભૂકી કરીને તેનું કમ્બશ્ચન થાય તો તે સારી એનર્જી પણ ઉત્પન્ન કરી શકે છે અને તેનાથી પ્રદૂષણ પણ ફેલાતુ નથી. હજુ ઉદ્યોગોએ આ દિશામાં પ્રયાસ જ આદર્યા નથી." તેમણે એમ પણ જણાવ્યું કે ભાવનગરની રોલિંગ મિલોએ આ દિશામાં ઘણું સારુ કામ કર્યું છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું કે સરકાર સાથે વૈકલ્પિક ફ્યુઅલ મુદ્દે ઈન્ડસ્ટ્રીઝે ચર્ચા કરવી અનિવાર્ય બની ગઈ છે.
સરકાર સપોર્ટ કરે તો નિકાસમાં વર્ચસ્વ જમાવવાની ભારત પાસે સુવર્ણ તકઃ
રશિયા અને ચીનની નિકાસમાં હાલ દેખીતો ઘટાડો થયો છે. આ સંજોગોમાં ભારત પાસે એક્સપોર્ટમાં વર્ચસ્વ જમાવવાની ખૂબ સારી તક છે. પરંતુ સરકાર દ્વારા RodTEP (રિફંડ ઑફ ડ્યુટીઝ એન્ડ ટેક્સીસ ઓન એક્સપોર્ટેડ પ્રોડક્ટ્સ) યોજના અંતર્ગત વેપારીઓને ડ્યુટીના નાણાંનું રિફંડ હજુ સુધી આપવામાં આવ્યું નથી. આ સ્કીમમાં નિકાસકારોના રિફંડના કરોડો રૂપિયા સલવાઈ ગયા છે. આ યોજનાને વધુ અસરકારક બનાવવા માટે તેમાં ચેપ્ટર 24થી 31 અને ચેપ્ટર 72થી 73 ઉમેરવાની પણ તાતી જરૂર હોવાનું વેપારીઓ જણાવે છે.

આ ઉપરાંત કોવિડ પછી કન્ટેઈનર્સની સમસ્યા પણ નિકાસકારોની કમર તોડી રહી છે. અંકલેશ્વરની જ વાત કરીએ તો હાલ તેના ICDમાં અઠવાડિયે બે કે ત્રણ જ ગાડીઓ ઉપલબ્ધ કરાવવામાં આવે છે જેમાં તાત્કાલિક વધારો જરૂરી છે. આ ઉપરાંત જો વેપારીને એક કન્ટેઈનર કરતા ઓછો જથ્થો નિકાસ કરવો હોય તો તેમણે માલ વડોદરા કે મુંબઈ ન્હાવાશેવા પોર્ટ સુધી મોકલવો પડે છે જે વેપારીઓને ખૂબ ખર્ચાળ પડે છે. એન.કે નાવડિયા જણાવે છે, "અંકલેશ્વરથી હજીરા માલ મોકલવો સરળ પડે છે. જો ટ્રકમાં માલ મોકલવામાં આવે તો તે એક જ દિવસમાં હજીરા પોર્ટ પર પહોંચી જાય છે. જ્યારે તે અંકલેશ્વર ICDમાં આપવામાં આવે તો તે રેલ માર્ગે અને પછી ટ્રક મારફતે હજીરા પહોંચે છે જેમાં સાત દિવસથી વધુનો સમય લાગી જાય છે. વળી, આ પદ્ધતિ વધુ ખર્ચાળ છે. જે જે એસ્ટેટમાંથી નિકાસ વધુ થતી હોય ત્યાં નિકાસ માટે સરકારે વધુ સંગીન સુવિધા ઊભી કરવી જોઈએ."

ટ્રક પકડાય તેવા કેસોના નિકાલ માટે અલગથી ટ્રિબ્યુનલની રચના જરૂરીઃ
કે.ડી પટેલે જણાવ્યું કે ટ્રક પકડાય તેવા સંજોગોમાં કેસના નિકાલ કરવા માટે ખાસ ટ્રિબ્યુનલ બનવી જોઈએ. આખા દેશમાં રોજ અધિકારીઓ 1000થી 1200 ટ્રકોને આંતરે છે. તેમની પાસે જે પેનલ્ટી વસૂલાય છે તે રકમ સરકારી તિજોરી સુધી પહોંચતી પણ નથી. વળી, ટ્રક બીજા રાજ્યમાં હોય તો ત્યાં કોર્ટ કેસ કરવાની જફામાંથી બચવા માટે ઉદ્યોગો પણ મામલાની પતાવટ કરવા માટે અધિકારીઓની માંગને તાબે થઈ જાય છે. કે.ડી પટેલે આગ્રહપૂર્વક જણાવ્યું કે આ અંગે ટ્રિબ્યુનલની રચના કરવા માટે સરકારને સૂચન કરવું જ જોઈએ.
પોલિસી અંગે સૂચનો કરવા ઈન્ડસ્ટ્રીને પૂરતો સમય આપોઃ

વટવા ઈન્ડસ્ટ્રીઝ એસોસિયેશનના પૂર્વ પ્રમુખ અંકિત પટેલે જણાવ્યું કે હાલ NGT કે સરકાર દ્વારા કોઈ પોલિસીમાં સુધારા-વધારા અંગે સૂચનો મંગાવવામાં આવે તો 24 કલાક કે 1 અઠવાડિયાનો જ સમય આપવામાં આવે છે. સરકારના પરિપત્રો કે પોલિસીમાં સુધારા ઘણા લાંબા હોય છે અને તેના ઊંડાણપૂર્વક અભ્યાસ માટે ઉદ્યોગોને કમસેકમ 30 દિવસનો સમય આપવો જ જોઈએ. સાવ ઓછા સમયમાં તેનો અભ્યાસ કરી જવાબ આપવો ઉદ્યોગો માટે શક્ય બનતો નથી. આ ઉપરાંત વટવા ઈન્ડસ્ટ્રીઝ એસોસિયેશનના પૂર્વ પ્રમુખ મિહિર પટેલે જણાવ્યું કે, "સરકાર જ્યારે પોલિસી ઘડે ત્યારે તેમાં લાભકર્તા એટલે કે વેપારીઓને શામેલ કરવા જ જોઈએ. ઘણીવાર બ્યુરોક્રેટ્સ વેપારીઓને નડતી સમસ્યાઓને યોગ્ય રીતે સમજી નથી શકતા. જો વેપારીના પ્રતિનિધિ પોલિસી બનાવનાર કમિટીનો હિસ્સો હશે તો સરકાર વધુ સંગીન પોલિસી બનાવી શકશે."

એક્સિડન્ટના કેસમાં કોમ્પેન્સેશનનું ભારણ ઉદ્યોગો પર ન આવવું જોઈએઃ
ઔદ્યોગિક એકમમાં કે પછી માલપરિવહન સમયે કોઈ અકસ્માત થાય અને તેને કારણે આસપાસના પર્યાવરણ કે જીવને નુકસાન થાય તો હાલ NGT ઉદ્યોગો સામે આકરું વલણ દાખવી પેનલ્ટી ફટકારી દે છે અથવા તો ક્લોઝર નોટિસ પણ મોકલાવી દે છે. અંકલેશ્વર ઈન્ડસ્ટ્રીઝ એસોસિયેશનના પૂર્વ પ્રમુખ એન.કે નાવડિયા જણાવે છે કે 1991થી સરકારે PLI (પબ્લિક લાયેબિલિટી ઈન્શ્યોરન્સ) એક્ટ લાગુ પાડ્યો છે. આમાં ઉદ્યોગો ભારત સરકાર જેટલું જ પ્રીમિયમ ભરે છે. આ ફંડ ભારત સરકાર મેનેજ કરે છે અને તેના સંચાલનની સત્તા કલેક્ટરને આપવામાં આવી છે. નિયમ મુજબ અકસ્માતમાં ડેમેજ થાય તો અરજીનું એસેસમેન્ટ કરી કેટલી રાહત આપવી તે નિશ્ચિત કરવાની જવાબદારી કલેક્ટરની છે. આ રકમ PLI ફંડમાંથી આપવાની રહે છે. હાલ આ નિયમ ક્યાંય લાગુ પડતો જ નથી. અકસ્માત થાય તો સીધી NGTમાં અરજી થાય છે અને ઈન્ડસ્ટ્રીને કાં તો ક્લોઝર નોટિસ મોકલાય છે અથવા તો તગડું કોમ્પેન્સેશન ચૂકવવા જણાવવામાં આવે છે. આવા કેસમાં PLI ફંડમાંથી પૈસા ચૂકવાયા હોય તેવા કિસ્સા જોવા મળ્યા નથી. 1991 મુજબ ઉદ્યોગોએ ભરવાપાત્ર પ્રીમિયમની રકમ રૂ.25,000 હતી. સરકારે હાલના રેટ પ્રમાણે પ્રીમિયમનો દર રિવાઈઝ કરીને પણ અકસ્માતના સંજોગોમાં PLI અંતર્ગત ઉદ્યોગોને રાહત આપવી જોઈએ.
Comments