top of page

VGGS 2022: કોરોનાએ માથુ ઉંચકતા Vibrant Gujarat Summit 2022 મોકૂફ રાખવાનો નિર્ણય

  • Team Vibrant Udyog
  • Jan 6, 2022
  • 1 min read

ગુજરાત અને સમગ્ર ભારતમાં Covidની ત્રીજી લહેરે જોર પકડતા ગુજરાત સરકારે આખા વિશ્વમાંથી રોકાણકારોને આકર્ષતી 10મી વાઈબ્રન્ટ ગુજરાત ઈન્વેસ્ટર સમિટ મોકૂફ રાખવાનો નિર્ણય કર્યો છે. આ સમિટનું ઉદઘાટન વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા કરવાનું આયોજન કરાયું હતું. જાન્યુઆરી 10-12 વચ્ચે યોજાનારી આ પરિષદમાં આખા વિશ્વમાંથી રોકાણકારો આવે તેવી ગણતરી હતી.


રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મહામારીની સ્થિતિને ધ્યાનમાં રાખીને સમીક્ષા બેઠક ગોઠવી હતી જેમાં તેમણે સમિટને હાલ પૂરતી મોકૂફ રાખવાનો નિર્ણય જાહેર કર્યો હતો. ઉલ્લેખનીય છે કે કોરોનાના વધતા સંક્રમણ વચ્ચે વાઈબ્રન્ટનું આયોજન કરવા પ્રતિબદ્ધ ગુજરાત સરકારની ચોમેરથી ટીકા થઈ રહી હતી.


આ સમિટમાં 26 દેશોના બિઝનેસ ટાયકૂન અને રોકાણકારો ભાગ સેવાના હતા. તેમાંથી 15 ફોરેન મિનિસ્ટ્રી, 4 ફોરેન ગવર્નર અને ગ્લોબલ બ્રાન્ડ્સના સીઈઓ આ ઈવેન્ટમાં હાજર રહેશે તેવું કન્ફર્મેશન પણ મળી ગયું હતું. કોરોનાનો નવો વેરિયન્ટ Omicron વિદેશથી આવતા યાત્રીઓ થકી ફેલાઈ રહ્યો હોવાનું જોવા મળ્યું છે. આવામાં ગુજરાતમાં આખા વિશ્વમાંથી પ્રવાસીઓને આકર્ષતી વાઈબ્રન્ટ ગુજરાત સમિટને કારણે કોરોના વિસ્ફોટ થવાની ચિંતા સેવાઈ રહી હતી. આ પરિસ્થિતિને ખાળવા માટે સરકારે છેલ્લી ઘડીએ વાઈબ્રન્ટ પોસ્ટપોન કરવાનો નિર્ણય લીધો છે.


ઉલ્લેખનીય છે કે છેલ્લા થોડા સમયથી વાઈબ્રન્ટ ગુજરાત સમિટની તડામાર તૈયારીઓ ગાંધીનગરમાં ચાલી રહી હતી અને હાઈવે પર રોશની પણ કરવામાં આવી હતી. વાઈબ્રન્ટની તૈયારી સાથે સંકળાયેલા IAS ઓફિસર્સ જે.પી ગુપ્તા (પ્રિન્સિપાલ સેક્રેટરી, ફાયનાન્સ ડિપાર્ટમેન્ટ), રાજકુમાર બેનિવાલ (કમિશનર, મ્યુનિસિપાલિટીઝ) અને હરિત શુક્લા (ટૂરિઝમ સેક્રેટરી અને ધોલેરા SIR CEO)ને કોવિડ પોઝિટિવ આવતા ખળભળાટ મચી ગયો હતો. સરકારે આ સાથે વધુ સરકારી અધિકારીઓના કોવિડ ટેસ્ટ કરવાની પણ કામગીરી આદરી છે.

Opmerkingen


Related Post

ad-space-placeholder-300x250-300x250.png
bottom of page