બેટરી સ્વેપિંગ પોલીસી શું છે? તેનાથી કેવી રીતે નીચી આવી શકે EVની કિંમત?
- Team Vibrant Udyog
- Feb 4, 2022
- 3 min read

હાઈલાઈટ્સઃ
- EVને સપોર્ટ કરવા બેટરી અને એનર્જી સોલ્યુશન વિકસાવનારી ખાનગી કંપનીઓને પ્રોત્સાહન આપવામાં આવશે.
- શહેરી વિસ્તારમાં પબ્લિક ટ્રાન્સપોર્ટ અને EVને પ્રોત્સાહન આપવા માટે સ્પેશિયલ મોબિલિટી ઝોન વિકસાવવામાં આવશે.
- શહેરમાં અમુક વિસ્તારો એવા જાહેર કરાશે જ્યાં પેટ્રોલ-ડીઝલથી ચાલતા વાહનો ડ્રાઈવ નહિ કરી શકાય.
- શહેરી વિસ્તારમાં ચાર્જિંગ સ્ટેશન ઊભા કરવા જગ્યાની તાણ હોવાથી બેટરી સ્વેપિંગ પોલિસી લાગુ પડાશે.
- હાલમાં રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ અને મહિન્દ્રાએ બેટરી સ્વેપિંગ ટેક્નોલોજી માટે જોઈન્ટ વેન્ચર હાથ ધર્યું છે.
- હીરો મોટોકોર્પ અને તાઈવાનની ગોગોરો પણ બેટરી સ્વેપિંગની દિશામાં કામ કરી રહ્યા છે.
નાણાંમંત્રી નિર્મલા સીતારમણે 2022ની બજેટ સ્પીચમાં જણાવ્યું છે કે ભારત સરકાર ટૂંક સમયમાં ઈલેક્ટ્રિક વ્હીકલ (EV) માટે બેટરી સ્વેપિંગ પોલીસીની જાહેરાત કરશે. આ ઉપરાંત EV માટે સરકાર સ્પેશિયલ મોબિલીટી ઝોન પણ વિકસાવશે. સરકાર આ રીતે EV ઈન્ફ્રાસ્ટ્રક્ચર તથા પ્રદૂષણ ઘટાડવાના પ્રયત્નોને બળ આપવા માંગે છે. નાણાંમંત્રીએ એમ પણ જણાવ્યું કે આખા દેશમાં EVને સપોર્ટ કરવા માટે ચાર્જિંગ ઈન્ફ્રાસ્ટ્રક્ચર વિકસાવવામાં આવશે જેનાથી લોકો સરળતાથી, કનેક્ટિવિટીની ચિંતા કર્યા વિના EV તરફ ઢળી શકે.
ઉલ્લેખનીય છે કે ભારતે 2030 સુધીમાં ખાનગી કાર્સમાં 30 ટકા ઈલેક્ટ્રિક વ્હીકલ, કોમર્શિયલ વ્હીકલમાં 70 ટકા EV, બસમાં 40 ટકા EV અને દ્વિચક્રી તથા ત્રિચક્રી વાહનોમાં 80 ટકા EVનું મહત્વકાંક્ષી લક્ષ્ય રાખ્યું છે.
મિનિસ્ટ્રી ઑફ રોડ ટ્રાન્સપોર્ટ અને હાઈવેઝના ડેટા અનુસાર ભારતમાં કુલ 9,74,313 ઈલેક્ટ્રિક વ્હીકલ્સ રજિસ્ટર થયા છે. બ્યુરો ઑફ એનર્જી એફિશિયન્સિનો રિપોર્ટ જણાવે છે કે લગભગ 10 લાખ EV માટે દેશમાં ફક્ત 1028 ચાર્જિંગ સ્ટેશન જ ઉપલબ્ધ છે. EVની ઊંચી કિંમત અને ચાર્જિંગ ઈન્ફ્રાસ્ટ્રક્ચરનો અભાવ, આ બંને કારણોસર હાલ ભારતીયો EV ખરીદતા ખચકાઈ રહ્યા છે.

EV સસ્તો અને પ્રદૂષણની દૃષ્ટિએ પણ લાભકારક વિકલ્પ છે. આમ છતાં તેને હજુ સુધી જોઈએ એવી લોકપ્રિયતા મળી નથી. તેના અનેક કારણો છે. પહેલું, તેની કિંમત ઊંચી છે, તે પેટ્રોલ-ડીઝલની કાર કરતા રેન્જ ઓછી આપે છે, બેટરી રિપ્લેસમેન્ટનો ખર્ચ ઊંચો છે અને બેટરી ચાર્જ કરવામાં ઘણી વાર લાગે છે. આ તમામ પડકારોનો સામનો બેટરી સ્વેપિંગ અથવા તો બેટરી-એઝ-અ-સર્વિસ મોડેલથી લાવી શકાય તેમ છે.
આમાં ગ્રાહક બેટરીને કારથી અલગ હિસ્સા તરીકે વાપરી શકે છે. એટલે કે ડિસ્ચાર્જ થયેલી બેટરીને કાઢીને તમે ફૂલ ચાર્જ થયેલી બેટરીથી તેને રિપ્લેસ કરી શકો છો. આનાથી તમારે નવી બેટરી ખરીદવાની જરૂર નથી પડતી, રેન્જ વધુ મળે છે અને સમયની પણ બચત થાય છે.
તેનો બીજો ફાયદો એ છે કે બેટરી ચાર્જિંગ સ્ટેશન કરતા ઓછા ઈન્ફ્રાસ્ટ્રક્ચરની જરૂર પડે છે. સ્વીડન, નોર્વે, નેધરલેન્ડ્સ જેવા યુરોપિયન દેશોમાં બેટરી સ્વેપિંગ મોડેલ પર ઈલેક્ટ્રિક વ્હીકલ ચાલે જ છે. બેટરી એઝ અ સર્વિસમાં એક વિકલ્પ એવો પણ મળે છે કે EV ઓનર બેટરી વિનાનું વાહન ખરીદી શકે છે અને પછી કોઈ એનર્જી ઓપરેટર પાસેથી બેટરી લીઝ ઉપર લઈ લે છે. બેટરી સ્વેપિંગની પ્રક્રિયામાં પાંચ મિનિટ કરતા પણ ઓછો સમય લાગે છે. તેને કારણે પૈસા, સમય, ઈનફ્રાસ્ટ્રક્ચર બધાની જ બચત થાય છે.
બેટરી સ્વેપિંગ પોલીસીથી EVના ઉપયોગને પ્રોત્સાહન મળશેઃ સોહિન્દર ગિલ

સોસાયટી ઑફ મેનુફેક્ચરર્સ ઑફ ઈલેક્ટ્રિક વ્હીકલ્સ (SMEV)ના ડિરેક્ટર જનરલ સોહિન્દર ગિલે ભારત સરકારના બેટરી સ્વેપિંગની પહેલને બિરદાવી હતી. તેમણે જણાવ્યું, "આનાથી EV ઈન્ડસ્ટ્રીને ખૂબ બળ મળશે. આનાથી EVનું ઈન્ફ્રાસ્ટ્રક્ચર વધુ ઝડપથી વિકસશે અને પબ્લિક ટ્રાન્સપોર્ટેશનમાં પણ EVનો ઉપયોગ વધી શકશે. ડિલિવરી અને કાર એગ્રીગેશન (ઓલા, ઉબર વગેરે) બિઝનેસ સાથે જોડાયેલા બિઝનેસ પણ આ કારણે પબ્લિક ટ્રાન્સપોર્ટેશનમાં EVનો ઉપયોગ કરવા પ્રેરાશે. સરકારની આ જાહેરાતે બેટરી સ્વેપિંગ ક્ષેત્રે અનેક કંપનીઓ માટે અઢળક તકોના દરવાજા ખોલી નાંખ્યા છે. EV માટે સ્પેશિયલ ક્લીન ઝોન બનાવવાની પહેલથી EVને વધુ સ્વીકૃતિ મળશે અને નાગરિકોમાં ઈલેક્ટ્રિક વ્હીકલ અંગે જાગૃતિ ફેલાશે. સરકારના આ પગલાને કારણે E2W, E3W, E-cars તથા બસ એમ બધાને જ પ્રોત્સાહન મળશે."
તેમણે વધુમાં જણાવ્યું કે EV ઈન્ડસ્ટ્રીમાં કુશળ લોકોની તાતી જરૂર છે અને બજેટમાં તેના પર પણ ફોકસ કરાયું છે. IIT મારફતે સરકાર EV ઈન્ડસ્ટ્રી માટે વધુ નિષ્ણાંતો ઉત્પન્ન કરવા પર ફોકસ કરશે. સરકારે બજેટમાં લીધેલા પગલાને કારણે ગ્રીન વ્હીકલ્સની માંગમાં વધારો થશે એમ પણ SMEVના ડિરેક્ટર જનરલે જણાવ્યું હતું.
EV સેક્ટરને બૂસ્ટ મળશે, પણ સ્વેપિંગ પોલીસી અંગે વધુ સ્પષ્ટતા જરૂરીઃ પ્રણવ શાહ

ફેડરેશન ઑફ ઓટોમોબાઈલ ડીલર્સ એસોસિયેશન્સ ઑફ ઈન્ડિયા (FADA) ગુજરાતના ચેરપર્સન પ્રણવ શાહે જણાવ્યું, "EVના ગ્રોથ માટે બેટરી ઈન્ફ્રાસ્ટ્રક્ચર આવશ્યક છે. અત્યાર સુધી ચાર્જિંગ સ્ટેશન બનાવવા સરકારે સબસિડીની જાહેરાત કરી હતી પરંતુ બેટરી સ્વેપિંગ વધારે અનુકૂળ પડે છે. વિદેશમાં પણ સ્વેપિંગ વધુ પ્રચલિત છે. જો કે ડ્રાફ્ટ આવે પછી જ આ અંગે વધુ કંઈ કહી શકાશે. તેના સેન્ટર બનાવવાના ઈન્ફ્રાસ્ટ્રક્ચર વિકસાવવા માટે સરકાર કેવો સહયોગ આપશે તે જાણવું જરૂરી છે." તેમણે એમ પણ જણાવ્યું કે EV માટે સ્પેશિયલ મોબિલિટી ઝોન બનાવવાથી ઈલેક્ટ્રિક વ્હીકલના વપરાશને પ્રોત્સાહન મળશે. તેણે કહ્યું, "હાલમાં ગુજરાતમાં નળ સરોવર વિસ્તારમાં ફક્ત EV જ ચલાવવાની પરવાનગી છે, IEC પર પ્રતિબંધ છે. EV માટે આવા વધુ મોબિલિટી ઝોન બનાવવાથી તેનો વપરાશ વધશે." ઉલ્લેખનીય છે કે હાલ દ્વિચક્રી EV ખરીદવા માટે સરકાર રૂ. 50,000 અને ફોર વ્હીલર EV ખરીદવા માટે રૂ. 1 લાખ સુધીની સબસિડી આપે છે.
Comments