top of page

લાઈવ સ્ટ્રીમ શોપિંગઃ ખરીદનાર-વેચનાર બંનેને જબરદસ્ત ફાયદો કરાવી આપતો ઈ-કોમર્સ ટ્રેન્ડ

  • Team Vibrant Udyog
  • Mar 21, 2022
  • 4 min read
- ખાલી ફોટોઝ જોઈને નહિ, હવે લાઈવ વીડિયો જોઈને શોપિંગ કરો
- ઓનલાઈન શોપિંગમાં દુકાનમાંથી ખરીદી જેવી મજા નથી એવી ગ્રાહકની ફરિયાદ દૂર કરે છે લાઈવ સ્ટ્રીમ શોપિંગ
- વેબસાઈટ બનાવવાનો ખર્ચ બચી જાય છે, કસ્ટમરના સીધા ફીડબેક મળતા કયો માલ કેટલો ખરીદવો તેની સ્પષ્ટતા આવે છે
- ઈ-કોમર્સમાં ઝંપલાવવું હોય તો નવા ઉભરતા આ ટ્રેન્ડ પર ચોક્કસ નજર રાખજો


ટેક્નોલોજીને કારણે બિઝનેસ કરવાની ઢબ ખૂબ ઝડપથી બદલાઈ રહી છે. આપણને એવું થાય કે હવે તો બધું જ જોઈ લીધું છે ત્યાં કોઈ એવો નવો ટ્રેન્ડ આવે જે આખી દુનિયાને ચકડોળે ચડાવે. કોવિડ-19ને કારણે ઘરની બહાર જવાનું ઓછું થઈ જતા હવે તો મોટી ઉંમરના વડીલો પણ ડિજિટલ પેમેન્ટ કરતા અને ઓનલાઈન શોપિંગ કરતા શીખી ગયા છે. આમ છતાં ઘણી વાર લોકોના મોઢે ફરિયાદ સાંભળવા મળે છે કે ઓનલાઈન શોપિંગમાં દુકાન જેવી મજા નથી આવતી. હવે ઈ-કોમર્સ ક્ષેત્રે નવા ટ્રેન્ડે જોર પકડ્યું છે જે લાઈવ સ્ટ્રીમ શોપિંગ કે લાઈવ કોમર્સ તરીકે ઓળખાય છે. ઈ-કોમર્સ ક્ષેત્રના નિષ્ણાંતો માને છે કે નજીકના ભવિષ્યમાં આ ટ્રેન્ડ ઓનલાઈન શોપિંગ ક્ષેત્ર પર રાજ કરશે.


લાઈવ કોમર્સ એટલે શું?


ઈન્ટરનેટનો પ્રચાર વધતા હવે વધુને વધુ લોકો ઓનલાઈન શોપિંગ તરફ વળ્યા છે. કોવિડ 19 લોકડાઉનને કારણે ઓનલાઈન શોપિંગ કરનારા લોકોની સંખ્યામાં અભૂતપૂર્વ વધારો થયો છે. આમ છતાં ઘણા લોકોને દુકાનમાંથી ખરીદી કરવા જેવી મજા નથી આવતી. ઘણીવાર ફોટો જોઈને કંઈક મંગાવીએ અને ઘરે ડિલિવરી આવે ત્યારે લાગે કે વસ્તુ જોઈ હતી એના કરતા તો સાવ અલગ જ લાગે છે. લાઈવ સ્ટ્રીમ શોપિંગ આ બધી જ સમસ્યાને દૂર કરી દે છે.


લાઈવ સ્ટ્રીમ શોપિંગમાં વેચાણકર્તા ઈન્સ્ટાગ્રામ, ફેસબુક, ટિકટોક જેવા માધ્યમથી લાઈવ વીડિયો શરૂ કરીને પોતાની પ્રોડક્ટ બતાવે છે. તેની સાથે સાથે તે પ્રોડક્ટની ખાસિયત, કિંમત વગેરે પણ જણાવતા જાય છે. લાઈવ વીડિયોમાં જોડાનારા જે ગ્રાહકને પ્રોડક્ટ ગમે તે કોમેન્ટ સેક્શનમાં લખીને કે પછી પ્રોડક્ટનો સ્ક્રીન શોટ પાડીને પાછળથી વેચાણકર્તાને મોકલીને, ઓનલાઈન પેમેન્ટ કરીને ચીજ ખરીદી શકે છે.


ઉદાહરણના માધ્યમથી સમજીએ. જ્વેલ કોશ જ્વેલરી શોપના ઓનર હેતલ શાહ નિયમિત ઈન્સ્ટાગ્રામ અને ફેસબુક જેવા પ્લેટફોર્મ્સ પર લાઈવ સ્ટ્રીમિંગ કરે છે. તેમાં તે પોતાની સાથે જોડાનારા કસ્ટમર્સને જુદા જુદા નેકલેસ, બુટ્ટી, રિંગ્સ વગેરે પહેરીને બતાવે છે. આ કલેક્શનમાંથી પછી કસ્ટમર્સ તેમને જે પીસ ગમે તે વ્હોટ્સએપ કે અન્ય માધ્યમથી ઓનલાઈન ઓર્ડર કરી દે છે.


આ રીતે ગેજેટ્સ, સાડી, કૂર્તી, ડ્રેસ, કોસ્મેટિક્સ, હોમ ડેકોરની ચીજો કે પછી કિચન એપ્લાયન્સીસ પણ ઓનલાઈન વેચી શકાય છે. તમને જાણીને નવાઈ લાગશે કે ચીનમાં તો 2019થી લાઈવ સ્ટ્રીમ શોપિંગ ખૂબ જ પોપ્યુલર છે. અલીબાબાના લાઈવ સ્ટ્રીમ પ્લેટફોર્મ તાઓબાઓ લાઈવના લગભગ 4 કરોડ ફોલોઅર્સ છે. 2020માં સિંગલ્સ ડે શોપિંગ ફેસ્ટિવલમાં તાઓબાઓ માર્કેટ પ્લેસ પર અડધો જ કલાકની અંદર કુલ $7.5 બિલિયનની કિંમત ધરાવતી ચીજો વેચાવા મૂકાઈ હતી. હાલ વિશ્વભરમાં લાઈવ સ્ટ્રીમ શોપિંગનું માર્કેટ લગભગ $60 બિલિયન જેટલું છે.


લાઈવ સ્ટ્રીમ શોપિંગથી શું ફાયદો થાય?


હવે મોટા ભાગના ઘરોમાં મહિલાઓ નોકરી કરતી થઈ જ ગઈ છે. આવામાં તેમને ફક્ત રવિવારે જ થોડો ફ્રી ટાઈમ મળે છે. ઘરના પેન્ડિંગ કામ કે પછી કરિયાણું વગેરેની ખરીદીમાં કપડા, જ્વેલરી જેવી લાઈફસ્ટાઈલ પ્રોડક્ટ્સ સ્ત્રીઓના પ્રાયોરિટી લિસ્ટમાં ક્યાંય પાછળ આવે છે. લાઈવ સ્ટ્રીમ શોપિંગથી તે ઓફિસમાં બેઠા બેઠા પણ શોપિંગ કરી શકે છે. તેમને ચીજો ખરીદવા માટે અલગથી સમય ફાળવવાની જરૂર નથી.



જ્વેલ કોશના ઓનર હેતલ શાહ જણાવે છે, "હવે લગભગ બધાની પાસે અનલિમિટેડ મોબાઈલ ડેટા હોય છે. તેને કારણે લોકો ઈન્ટરનેટ પર લાઈવ વીડિયો છૂટથી જોઈ શકે છે. બીજું, UPIની સુવિધાને કારણે પેમેન્ટની પ્રક્રિયા સરળ અને પારદર્શક બની ગઈ છે. આ કારણે લાઈવ સ્ટ્રીમિંગ લોકપ્રિય બની રહ્યું છે. ફોટોઝમાં ડિઝાઈન, ડિટેઈલ કે સાઈઝનો બહુ ખ્યાલ નથી આવતો. તમે બહુ બહુ તો ઝૂમ કરીને જોઈ શકો છો પણ તેમાં 360 ડીગ્રી વ્યુ મળતો નથી. લાઈવ શોપિંગમાં આ બધી મર્યાદા દૂર થાય છે. પ્લસ, ગ્રાહકો વેચનારને પ્રોડક્ટ અંગે કોઈપણ ક્વેરી હોય તો તરત જ કોમેન્ટ સેક્શનમાં પૂછી શકે છે. આમ લાઈવ સ્ટ્રીમિંગ ખરીદનાર અને વેચનાર બંને માટે ફાયદાકારક છે."


લાઈવ સ્ટ્રીમ શોપિંગે કોરોનાના કપરા કાળમાં પણ ઘણા બિઝનેસને ટકી રહેવામાં મદદ કરી છે. હેતલ શાહ પોતાનો જ અનુભવ શેર કરતા જણાવે છે, "મેં બિઝનેસ શરૂ કર્યો તેના બે જ મહિનામાં લોકડાઉન આવી ગયું. આવામાં લાઈવ સ્ટ્રીમ શોપિંગનું માધ્યમ નાના બિઝનેસ માટે આશીર્વાદરૂપ બનીને આવ્યું છે." દુકાનની મુલાકાત લીધા વિના જ હવે ઓનલાઈન પોર્ટલના માધ્યમથી લાખો લોકો લાઈવ શોપિંગ કરતા થઈ ગયા છે.



લાઈવ સ્ટ્રીમ શોપિંગના મુખ્ય ફાયદાઃ


- પોતાનો ઈ-કોમર્સ બિઝનેસ શરૂ કરવો હોય, વેબસાઈટ બનાવડાવવી હોય તો સારુ એવું ઈન્વેસ્ટમેન્ટ કરવું પડે છે. લાઈવ સ્ટ્રીમિંગમાં તેની કોઈ જરૂર પડતી નથી. ઈન્સ્ટાગ્રામ, ફેસબુક જેવા પ્લેટફોર્મથી તમે હજારો-લાખો લોકો સાથે જોડાઈ શકો છો.

- નાના બિઝનેસને ગ્લોબલ ઓડિયન્સ મળે છે. અર્થાત, અમદાવાદમાં બેઠા બેઠા તમે ન્યુ યોર્કના ગ્રાહક સાથે પણ જોડાઈ શકો છો.

- ગ્રાહક જો દુકાનમાં ખરીદી કરવા જાય તો 1 દિવસમાં કંઈ 50 દુકાન ફરી શકતો નથી. તેના કરતા ઓનલાઈનમાં ઓછા સમયમાં ઘણી વધારે શોપ અને ચીજો વિઝિટ કરી શકાય છે.

- ખરીદ-વેચનો રેકોર્ડ ઓનલાઈન મેઈન્ટેઈન થતો હોવાથી મહિનાને અંતે કઈ ચીજ પાછળ કેટલો ખર્ચ થયો, કેટલી આવક થઈ તેનો બરાબર હિસાબ રહે છે.

- લાઈવ સ્ટ્રીમ શોપિંગમાં ગ્રાહકના ફીડબેક તરત જ મળે છે. દાખલા તરીકે, ડ્રેસ મટિરિયલના લાઈવ સ્ટ્રીમિંગમાં તમારા 30માંથી 20 મટિરિયલ વેચાઈ જાય તો તમને તરત ખ્યાલ આવે છે કે ગ્રાહક કેવા મટિરિયલ પસંદ કરે છે, કેટલી કિંમત સુધી ખર્ચી શકે છે, કયો માલ વેચવામાં મુશ્કેલી પડે છે, પ્રોડક્ટ અંગે ગ્રાહક શું વિચારે છે વગેરે. આનાથી ભવિષ્યમાં તમને ઈન્વેન્ટરી કેવી રાખવી તેનો એકદમ સ્પષ્ટ ખ્યાલ આવી જાય છે.





એમેઝોન પણ આપી રહ્યું છે લાઈવ સ્ટ્રીમ શોપિંગની સુવિધાઃ


એમેઝોનનું લાઈવ સ્ટ્રીમ શોપિંગ ફીચર હજુ સુધી ભારતમાં વધારે લોકપ્રિય નથી, પણ ઈ-કોમર્સ જાયન્ટે આ ક્ષેત્રે પણ હરીફોની પહેલા પગપેસારો કરી જ લીધો છે. amazon.com/live વેબસાઈટ ઉપર લાઈવ શોપિંગ કરી શકાય છે. આ વેબસાઈટ પર ઈન્ફ્લુઅન્સર્સ એટલે કે જેમના સોશિયલ મીડિયા પર વધુ ફોલોઅર્સ હોય તે પ્રોડક્ટ્સ લાઈવ ડિસ્પ્લે કરીને વેચે છે. બદલામાં જે બ્રાન્ડ સાથે તેમનું ટાઈ-અપ હોય તેમની પાસેથી તે ફી અને પ્રોડક્ટ્સ વેચાય તો તેના પર કમિશન મેળવે છે. એમેઝોન લાઈવ પર મોબાઈલ ફોન્સથી માંડીને એક્સરસાઈઝ કરવાના ડંબેલ્સ, બિયર્ડ ટ્રિમ કરવાના મશીન કે પછી કિચનમાં વપરાતા ચોપર સુધીની અનેક વસ્તુઓ લાઈવ સ્ટ્રીમિંગના માધ્યમથી વેચાય છે.



ઓનલાઈન તમે કોઈ પ્રોડક્ટ પરચેસ કરો પણ પછી તે પહેરવા કે યુઝ કરવામાં મજા ન આવે તો તેને રિટર્ન કરવી પડે અને તેના બદલે બીજી પ્રોડક્ટ મંગાવવી પડે. ગ્રાહકોને હવે આ જફામાંથી છૂટકારો જોઈએ છે. એટલે જ એમેઝોને ઈન્ફ્લુઅન્સર્સ પ્રોગ્રામ લોન્ચ કર્યો છે. તેમાં તે સોશિયલ મીડિયા પર સારુ એવું ફેન ફોલોઈંગ ધરાવતા ઈન્ફ્લુઅન્સર્સને વેરિફાય કરે છે. એમેઝોન સાથે આ પ્રોજેક્ટથી સંકળાયેલા ત્વરા મહેતા જણાવે છે, "તમે લૂક માટે કોઈ ઈન્સ્પિરેશન શોધતા હોવ તો એમેઝોનમાં તમે ઈન્ફ્લુઅન્સર્સનું સ્ટાઈલિંગ જોઈને આખો લૂક પરચેસ કરી શકો છો. દાખલા તરીકે કોઈ ડ્રેસ સાથે અમુક નેકલેસ અને શૂઝ સારા લાગતા હોય તો તે ત્રણેયની લિંક એમેઝોન પર અવેલેબલ હોય. તમને તે લૂક પસંદ આવે તો તમે તેને એમેઝોનથી ઓર્ડર કરી શકો છો. બદલામાં એમેઝોન ઈન્ફ્લુઅન્સર સાથે પ્રોફિટ શેરિંગ કરે છે."


ઓનલાઈન શોપિંગની પરિભાષા દિવસે-દિવસે બદલાઈ રહી છે. આથી જ ઓનલાઈન બિઝનેસ કરવા માંગતા તમામે બદલાતા સમય સાથે તાલ મિલાવવો ખૂબ જરૂરી છે.





Comments


Related Post

ad-space-placeholder-300x250-300x250.png
bottom of page