અદાણીએ ભારતના સૌર ઊર્જા નિગમ સાથે 4667 મેગાવોટ વીજ સપ્લાયનો કરાર કર્યો
- Team Vibrant Udyog
- Dec 14, 2021
- 2 min read
અદાણી એનર્જીને મળેલા 8000 મેગાવોટના ટેન્ડરમાંથી 6000 મેગાવોટ વીજ સપ્લાય માટેના કરાર પૂરા થયા, બાકીના 2000 મેગાવોટના કરાર બેથી ત્રણ મહિનામાં કરી દેશે

રિન્યુએબલ એનર્જીના સેક્ટરમાં 2030ની સાલ સુધીમાં દેશની વિરાટ કંપની તરીકેનું સ્થાન અંકે કરવા માગતી અદાણી એનર્જીએ ઉર્જા નિગમ સાથે 4667 મેગાવોટ વીજળી સપ્લાય કરવાનો અત્યાર સુધીનો ગ્રીન પાવર પરચેઝનો સૌથી મોટો કરાર સોલાર એનર્જી કોર્પોરેશન કર્યો છે. રિન્યુએબલ એનર્જી સપ્લાય કરવા માટેનો આ કરાર કરવામાં આવ્યો છે. આ સાથે જ અદાણી ગ્રીન એનર્જી લિમિટેડને ફાળવવામાં આવેલા 8000 મેગાવોટમાંથી 6000 મેગાવોટ માટેના કરાર કરી લીધા છે.
પાવર પરચેઝ એગ્રીમેન્ટની જાહેરાત કરતાં અદાણી ગ્રુપના ચેરમેન ગૌતમ અદાણીએ જણાવ્યું હતું કે આત્મનિર્ભર ભારતના આયોજન હેઠળ સ્થાનિક સ્તરે વીજ ઉત્પાદનને વેગ આપવા માટે અને રિન્યુએબલ એનર્જીના સેક્ટરમાં ભારતને સ્વાવલંબી બનાવવા માટે અમે આદરેલી સફરમાં એક વધુ ડગ માંડ્યું છે. તેનાથી બેવડો હેતુ સિદ્ધ થશે.
તેમણે કહ્યું હતું કે કાર્બનના ઓછા ઉત્સર્જન વાળી ઇકોનોમીની દિશામાં ધારણા કરતાં વધુ ઝડપથી વિશ્વ કદમ માંડી રહ્યું છે. અદાણી ગ્રુપ રિન્યુએબલ એનર્જીના સેક્ટરમાં 50થી 70 અબજ ડૉલરનું રોકાણ કરવા પ્રતિબદ્ધ છે. આ કરારની મદદથી રિન્યુએબલ એનર્જીના સેક્ટરમાં વિરાટ કંપની તરીકેનો દરજ્જો હાંસલ કરવામાં અમને મદદ મળશે.
જૂન 2020માં સોલાર એનર્જિ કોર્પોરેશન ઓફ ઇન્ડિયાએ અદાણી ગ્રીન એનર્જી લિમિટેડને 8000 મેગાવોટના ટેન્ડર ફાળવ્યા હતા. આ ટેન્ડરની ફાળવણીના ભાગરૂપે જ 4667 મેગાવોટ વીજળી સપ્લાય કરવાના કરાર પર સહીસિક્કા કરીને કરાર કરવામાં આવ્યા છે. આ દુનિયોનો એક જ સમયે કરેલો મોટામાં મોટો કરાર છે. અત્યાર સુધીમાં અદાણી ગ્રીન એનર્જીએ 6000 મેગાવોટ વીજ સપ્લાય માટે સહીસિક્કા કરી લીધા છે. આગામી બેથી ત્રણ મહિનામાં બાકીના 2000 મેગાવોટ વીજ પુરવઠા માટે પણ કરાર કરી લેવામાં આવશે.
અદાણી ગ્રીન એનર્જી લિમિટેડનો પોર્ટફોલિયો 20.3 ગિગા વોટનો છે. દુનિયામાં રિન્યુએબલ એનર્જીના ક્ષેત્રનો આ સૌથી મોટો પોર્ટફોલિયો છે. 2018માં લિસ્ટ થયેલી અદાણી ગ્રીન એનર્જી લિમિેટેડનું માર્કેટ કેપિટલાઈઝેશન આજે 28 અબજ અમેરિકી ડૉલર છે. અમેરિકા સ્થિત મેરકોમ કેપિટલ થિન્ક ટેન્કે તાજેતરમાં જ અદાણી જૂથને વૈશ્વિક સોલાર પાવર જનરેશનની અસ્ક્યામતોના સૌથી મોટા માલિક તરીકે ઓળખાવ્યા હતા.
Comments