top of page

અર્ફિન ઇન્ડિયા લિમિટેડઃ સ્ટીલ માર્કેટની અદભૂત તેજી વચ્ચે પ્રગતિના પંથે

  • Team Vibrant Udyog
  • Jun 9, 2021
  • 4 min read

Updated: Jul 3, 2021

જાપાનની ત્રણ ત્રણ ઓટોમોબાઈલ કંપનીઓ તેના ક્લાયન્ટ લિસ્ટમાંઃ અમિરાત સ્ટીલ, કતાર સ્ટીલ અને સાઉદી સ્ટીલ ઉપરાંત થાયસન ગ્રુપ, આર્સેલર મિત્તલ તથા કોરિયાનું પોસ્કો ગ્રુપ કંપનીના ગ્રાહકોની યાદીમાં
2021નું વર્ષ સ્ટીલ માર્કેટ માટે ગોલ્ડન યર પુરવાર થવાની આશા



સ્ટીલના 40થી 50 ટકાના પ્રોડક્શન સામે ડિમાન્ડ લગભગ બમણી એટલે કે 100 ટકાની છે. પરિણામે લોખંડના બજારમાં ભયંકર તેજી છે. કોરોનાના કહેરને પરિણામે માર્ચથી જૂન 2020 સુધી ઇન્ફ્રાસ્ટ્રક્ચરના તમામ પ્રોજેક્ટ્સ સંપૂર્ણ બંધ થઈ ગયા હતા. તેથી ડિમાન્ડ તૂટી ગઈ હતી. સમગ્ર વિશ્વના અર્થતંત્રને મોટો ફટકો પડ્યો હતો. પરંતુ લૉકડાઉન પાછું ખેંચાતા અને અનલૉકનો આરંભ થતાં ઇન્ફ્રાસ્ટ્રક્ચરના પ્રોજેક્ટ્સ ચાલુ થઈ ગયા હતા. કોરોના પ્રસાર માટે ચીન જવાબદાર હોવાની માન્યતા દરેકના મનમાં ઘર કરી ગઈ હોવાથી વિશ્વના ખાસ્સા દેશો ચીન સાથે વેપાર કરવાની બાબતમાં નકારાત્મક બની ગયા છે. પરિણામે ખરીદારો ભારત તરફ લોખંડના સપ્લાય માટે વળ્યા છે. ભારતના લોખંડના સૌથી મોટા ઉત્પાદક ટાટા સ્ટીલ, જિન્દાલ સ્ટીલ, આર્સેલર મિત્તલ-એસ્સાર સ્ટીલ, સેઈલ-સ્ટીલ ઓથોરિટી ઓફ ઇન્ડિયા લિમિટેડ સહિતના તમામ ઉત્પાદકો નિકાસ તરફ વળી ગયા છે. હા, માત્ર સ્ટીલ ઓથોરિટી ઓફ ઇન્ડિયા લિમિટેડે સરકારના પ્રોજેક્ટ્સ માટે લોખંડનો સપ્લાય ફરજિયાત આપવો પડી રહ્યો છે. ભૂષણ સ્ટીલને ટાટા સ્ટીલે ટેકઓવર કરી છે. પરિણામે ભારતમાં લોખંડની શોર્ટેજ જોવા મળી રહી છે. ઓર્ડર મૂક્યા પછી 30 દિવસે માલ મળે છે. તે પણ ઓર્ડરના 50 ટકા જેટલો જ માલ મળે છે.


અત્યાર સુધી ઇમ્પોર્ટ સ્થાનિક ખેલાડીઓને તોડી નાખતી હોવાથી તેના પર એન્ટિ ડમ્પિંગ ડ્યૂટી લગાડવાની વાત કરવામાં આવતી હતી, હવે ભારતમાંથી સ્ટીલની નિકાસ ન થાય તે માટે નિકાસ પર એન્ટિ ડમ્પિંગ ડ્યૂટી લગાડવી જોઈએ તેવી માગણી અર્ફિન ઇન્ડિયાના પ્રમોટર મહેન્દ્રભાઈ શાહ કરી રહ્યા છે. તેની સાથે જ સ્ટીલની આયાતનો માર્ગ મોકળો કરી દેવામાં આવે તે જરૂરી છે. કારણ કે સ્ટીલની અછતની સીધી અસર ઓટોમોબાઈલ, બાંધકામ, ઇન્ફ્રાસ્ટ્ક્રચર કંપનીઓ પર પડી રહી છે. બીજું, એક સમયે કિલોદીઠ રૂા. 40-45ના ભાવે વેચાતું લોખંડ અત્યારે રૂા. 70થી 75ના ભાવે પહોંચી ગયું છે. સ્ટીલની એક્સપોર્ટ સીમિત નહિ કરવામાં આવે તો સ્ટીલના ભાવ હજીય ઊંચા જવાની સંભાવનાને નકારી શકાતી નથી. બીજી તરફ બાંધકામ ઉદ્યોગના કામકાજ વધી રહ્યા હોવાથી સ્ટીલની ડિમાન્ડ વધી રહી છે. જમીનના ભાવ વધવા માંડ્યા છે. આમ બાંધકામ ઉદ્યોગ મંદીની પકડમાંથી ધીમી પણ મજબૂત ગતિએ બહાર આવી રહ્યો છે. આંતરરાષ્ટ્રીય બજારમાં તો સ્ટીલ ઉપરાંત એલ્યુમિનિયમ અને તાંબાના ભાવ પણ 60થી 70 ટકા વધી ગયા છે. તેની ભારતની ઓટોમોબાઈલ ઇન્ડસ્ટ્રીઝ પર મોટી અસર પડી રહી છે.


એક જમાનામાં સ્ટીલ અને એલ્યુમિનિયમના સપ્લાય માટે ચીન પર નિર્ભર જાપાન પણ ભારત તરફ સ્ટીલના સપ્લાય માટે વળ્યું છે. અર્ફિન ઇન્ડિયા તેના ઉત્પાદનનું 50 ટકા એલ્યુમિનિયમ એલોયની નિકાસ જાપાનના ઓટોમોબાઈલ ઉદ્યોગને કરે છે. રિસાક્લિંગ કરીને આ એલ્યુમિનિયમ એલોય અર્ફિન ઇન્ડિયા તૈયાર કરે છે. વિશ્વમાં જેટલી પણ કાર તૂટે છે, તેનો ભંગાર અર્ફિન ઇન્ડિયા ખરીદે છે. તેને ઓગાળીને અલગ અલગ ધાતુઓ તારવી લઈને તેમાંથી એલ્યુમિનિયમ એલોય્ઝ બનાવવામાં આવે છે. તેમાંથી ઓટોમોબાઈલના પાર્ટ્સ બનાવવામાં આવી રહ્યા છે.


ભારતમાંથી એલ્યુમિનિયમ એલોય્ઝની મહિને લગભગ 20,000થી 30,000 ટન એલ્યુમિનિયમ એલોય્ઝની નિકાસ થાય છે. આ નિકાસ ટનના 2000થી 2200 ડૉલરના ભાવે થાય છે. રૂપિયા અને ડૉલરના વર્તમાન ભાવને આધારે ત્રિસારી માંડવામાં આવે તો મહિને રૂા. 6000થી 7000 કરોડની એલ્યુમિનિયમ એલોય્ઝની નિકાસ થાય છે. મેટલમાં સૌથી વધુ નિકાસનું કામ ગુજરાતની કોઈ કંપની કરતી હોય તો તે અર્ફિન ઇન્ડિયા લિમિટેડ જ છે. તેની એકલાની મહિને 1000 ટનની નિકાસ છે. આમ નિકાસના બજારમાં અર્ફિન ઇન્ડિયાનો 50 ટકાનો હિસ્સો છે.


મહેન્દ્રભાઈ શાહ, પ્રમોટર, અર્ફિન ઈન્ડિયા

મહેન્દ્રભાઈ શાહનું કહેવું છે કે 2021નું વર્ષ સ્ટીલના બિઝનેસ માટે ગોલ્ડન યર સાબિત થશે. દરેક કનેક્ટેડ સેક્ટરમાં તેજી જોવા મળશે. બજાર અદભૂત ઊંચાઈને આંબી જશે. અત્યારે પણ સ્ટીલના ઉત્પાદનના ક્ષેત્રની તમામ મોટી કંપનીઓની માર્ચ 2021 સુધીની ઓર્ડર બુક ફૂલ થઈ ગઈ છે. તેનાથીય આગળના ઓર્ડર મળવા માંડ્યા હોવાની શક્યતા રહેલી છે. તેમ જ કોરોનાના અસર થોડી ઓછી થવાના નિર્દેશો મળી રહ્યા છે તથા કોરોનાની રસી કારગત નીવડવા માંડી હોવાના નિર્દેશ મળતા વેપાર ધંધા નોર્મલ થવાની શક્યતા વધી ગઈ છે. અર્ફિન ઇન્ડિયા લિમિટેડનું કામકાજ 1992માં શરૂ થયું હતું. 1996માં કંપનીનું અમદાવાદ, કોલકાતા અને દિલ્હી સ્ટોક એક્સચેન્જમાં નાણાંકીય પ્રવૃત્તિ એટલે કે એનબીએફસી-નોન બેન્કિંગ ફાઈનાન્સ કંપની તરીકે રજિસ્ટ્રેશન કરાવ્યું હતું. ફાઈનાન્સિયલ એક્ટિવિટીમાંથી હાથ પાછો ખેંચી લઈને પછી એલ્યુમિનિયમ મેન્યુફેક્ચરિંગમાં હાથ અજમાવ્યો હતો. મેટલનું રિસાઈક્લિંગ ઓછું થાય છે તેવા વિચાર પરથી આ કંપનીનો આરંભ થયો હતો. તેનાથી આરંભ કરીને આજે તેણે રિસાઈક્લિંગને એક મોટા ઉદ્યોગમાં રૂપાંતરિત કરી દીધો છે. પહેલા કોલ્ડડ્રિન્ક્સના ટીનનું રિસાઈક્લિંગ કરીને તેમાંથી ક્લિન મેટલ બનાવવાથી તેમણે આરંભ કર્યો હતો. જે ધાતુને એક જમાનામાં ભંગાર જ ગણવામાં આવતી હતી, તેને આજે મૂલ્યવાન ધાતુમાં રૂપાંતરિત કરી આપી છે. 2001માં માત્ર 500 કિલોના રિસાઈક્લિંગના કામથી આરંભ કર્યો હતો. એલ્યુમિનિયમ રિસાઈક્લિંગ અને ફેરો એલોય્ઝના સેક્ટરમાં માત્ર સાત માણસ સાથે કામનો આરંભ કર્યો હતો. આજે આ કંપનીમાં 700 માણસો નોકરી કરી રહ્યા છે. કંપની ઓટો એલોય્ઝનું મહિને 4000 ટન, ટાટેનિયમનું મહિને 300 ટન, ફેરો એલોય્ઝનું મહિને 500 ટન તથા એલ્યુમિનિયમ કન્ડક્ટર્સનું મહિને 3000 ટનનું ઉત્પાદન કરે છે. આજે કંપનીનું ટર્નઓવર રૂા. 500 કરોડનું છે. 2025 સુધીમાં રૂા. 1000 કરોડના ટાર્ગેટને આંબી જવાની ગણતરી મૂકવામાં આવી છે. કંપનીએ તેની કાર્યશૈલી વેશ્વિક ધોરણોની લેવલ પર સતત રાખીને તેની સ્ટીલ તૈયાર કરવાની પ્રોસેસને મહત્તમ ઉત્પાદકતામાં રૂપાંતરિત કરવાની કોશિશ કરી છે. કંપનીએ સમયાંતરે નવી નવી ટેક્નોલોજીને અપનાવવાનું ચાલુ રાખ્યું છે. તેના ઉત્પાદનોની ગુણવત્તામાં સાતત્ય રહેતા અને કસ્ટમર્સની જરૂરિયાત પ્રમાણેનો માલ પૂરો પાડીને તેને સંબંધિત સેવાઓ તત્કાળ આપવામાં આવતી હોવાથી તેને સારા ક્લાયન્ટ્સ મળ્યા હતા. આજે તેના ક્લાયન્ટ્સમાં જાપાનની ટોયેટા, હોન્ડા અને નિસાનનો સમાવેશ થાય છે. અમિરાત સ્ટીલ, કતાર સ્ટીલ અને સાઉદી સ્ટીલ પણ તેના ક્લાયન્ટ્સ છે. કોરિયાની પોસ્કો સ્ટીલ અને યુરોપિનય સંઘમાં આર્સેલર મિત્તલ અને થાયસન ગ્રપનો તેના ક્લાયન્ટ્સ લિસ્ટમાં સમાવેશ થાય છે. જાપાનની જીએફઈ સ્ટીલ કંપની તેની સ્ટ્રેટજિક પાર્ટનર છે. જાપાનની આ કંપની જાપાનના સ્ટીલના સેક્ટરની ત્રીજા ક્રમની મોટી કંપની છે

Comments


Related Post

ad-space-placeholder-300x250-300x250.png
bottom of page