ના ઑફિસ ખરીદવાની ઝંઝટ, ના ભાડું ભરવાની જફાઃ વધી રહી છે કો-વર્કિંગ સ્પેસની લોકપ્રિયતા
- Team Vibrant Udyog
- Jun 9, 2021
- 5 min read
Updated: Jul 3, 2021
એક સાથે 30થી 70 કંપનીઓ કામ કરી શકે તેવી કો-વર્કિંગ સ્પેસની વધી રહી છે બોલબાલા ઑફિસની ખરીદી કે જગ્યા ભાડે લેવામાં મોટું રોકાણ ન કરવા માંગતા સ્ટાર્ટ-અપ્સ માટે કો-વર્કિંગ સ્પેસ આકર્ષક વિકલ્પ

શું પોતાનો બિઝનેસ શરૂ કરવા કે ચલાવવા માટે ઑફિસ ખરીદવી કે જગ્યા ભાડે લેવી ફરજિયાત છે? બિલકુલ નહિ. હવે જમાનો આવી રહ્યો છે કો-વર્કિંગ સ્પેસનો. હાલ સુધી મુંબઈ, દિલ્હી, ચેન્નાઈ, હૈદ્રાબાદ જેવા શહેરોમાં પ્રચલિત કો-વર્કિંગ સ્પેસનું કલ્ચર હવે અમદાવાદ, વડોદરા અને સુરતમાં પણ લોકપ્રિય બની રહ્યું છે. ખાસ કરીને જે લોકો બિઝનેસના શરૂઆતના ગાળામાં ઑફિસની ખરીદીમાં મોટું રોકાણ કરવા ન માંગતા હોય અથવા તો ભાડાની જગ્યાની જફામાં પડવા ન માંગતા હોય તેમના માટે કો-વર્કિંગ સ્પેસ આશીર્વાદરૂપ પુરવાર થઈ રહી છે. આખા દેશમાં સ્ટાર્ટ-અપ હબ તરીકે ઊભરી રહેલા ગુજરાતમાં સ્ટાર્ટ અપ્સ કો-વર્કિંગ સ્પેસના મોટા ગ્રાહકો છે. આ ઉપરાંત કુશમન એન્ડ વેકફિલ્ડ, જીઈ ઓઈલ એન્ડ ગેસ, ફ્લિપકાર્ટ, હ્યુઝ જેવી દિગ્ગજ કંપનીઓ પણ ઑફિસ ખરીદવા કે ભાડે લેવાને બદલે કો-વર્કિંગ સ્પેસમાં જગ્યા લેવાનું પસંદ કરી રહી છે.
કેમ વધી રહ્યું છે કો-વર્કિંગ સ્પેસનું ચલણ?

ઉમેશ ઉત્તમચંદાની, કો-ફાઉન્ડર, દેવએક્સ
ગુજરાતના મોટા શહેરોમાં પ્રોપર્ટી, અને ખાસ કરીને કોમર્શિયલ પ્રોપર્ટીના ભાવ દિવસે ને દિવસે વધતા જ જાય છે. આવામાં નવો-નવો બિઝનેસ શરૂ કર્યો હોય તેવા ધંધાર્થી ઑફિસની ખરીદીમાં મોટું રોકાણ કરવા માંગતા નથી. તેમને ઑફિસની ખરીદીમાં પૈસા રોકવા કરતા એટલા જ રૂપિયા ધંધામાં રોકવાનું વધુ વાજબી લાગે છે. ઑફિસ સ્પેસ ભાડે લેવામાં જફા ઘણી છે. ગુજરાતની મોટામાં મોટી કો-વર્કિંગ સ્પેસ અને અમદાવાદ, વડોદરા તથા મુંબઈમાં ફેસિલિટી ધરાવનાર દેવએક્સ (DevX)ના કો-ફાઉન્ડર ઉમેશ ઉત્તમચંદાની જણાવે છે, "કોઈપણ કંપની ઝીરો કમિટમેન્ટ સાથે કો-વર્કિંગ સ્પેસમાં જગ્યા લઈ શકે છે. પોતાની ઑફિસ હોય કે પછી ભાડાની જગ્યા લો તો તેમાં તમારે ચારથી પાંચ મહિનાની ડિપોઝિટ એડવાન્સમાં જમા કરાવવી પડે છે.
આ ઉપરાંત ફર્નિચર પાછળ ખર્ચ કરવો પડે છે, ઑફિસના ઈન્ફ્રાસ્ટ્રક્ચરને મેનેજ કરવા કે સાફ-સફાઈ માટે ખાસ સ્ટાફની વ્યવસ્થા કરવી પડે છે. કો-વર્કિંગ સ્પેસમાં આવું નથી. તમે ફક્ત તમારું લેપટોપ કે સિસ્ટમ સાથે લઈને આવો એટલે તમારી ઑફિસ ચાલુ થઈ જાય. તમારે ઑફિસ ચલાવવાની બીજી કોઈ માથાકૂટમાં પડવાની જરૂર નથી. કો-વર્કિંગ સ્પેસમાં તમે તમારું પૂરેપૂરું ધ્યાન તમારા કામ પર આપી શકો છો."
સામાન્ય રીતે કો-વર્કિંગ સ્પેસમાં ઉપલબ્ધ સુવિધા મુજબ એક સીટ પાછળ રૂ. 8500-10,000 રૂપિયાનો ખર્ચ કરવો પડે છે. અર્થાત્ કે કોઈ સ્ટાર્ટઅપ શરૂઆતમાં ચાર કે પાંચ જણાના સ્ટાફ પર ચાલતું હોય તો રૂ. 40થી 50,000માં તેમના મહિનાનો ઑફિસનો ખર્ચ નીકળી જાય છે. ઉપરાંત તેમને કોઈ ક્લાયન્ટ મળવા આવે તો અત્યાધુનિક ઈન્ફ્રાસ્ટ્રક્ચર વાળી ઑફિસથી તેઓ સારી ઈમ્પ્રેશન પણ જમાવી શકે છે. પહેલી દૃષ્ટિએ કો-વર્કિંગ સ્પેસમાં જગ્યા લેવી થોડી મોંઘી લાગી શકે છે પરંતુ ભાડા માટે જમા કરાવવી પડતી ડિપોઝિટ, ફર્નિચર, ઇન્ટિરિયર ડિઝાઈનિંગ કે ઈન્ફ્રાસ્ટ્રક્ચરના ખર્ચા, હાઉસકીપીંગ સ્ટાફનો પગાર વગેરે બધુ ધ્યાનમાં લેવામાં આવે તો આ સરવાળે કંપનીઓ માટે ફાયદાનો સોદો પુરવાર થાય છે.

હર્ષિલ ખજાનચી, ઓનર, પેરેગ્રાફ
એસ.જી હાઈવે પર આવેલી કો-વર્કિંગ સ્પેસ 'પેરેગ્રાફ'ના ઓનર હર્ષિલ ખજાનચી તેના ફાયદા ગણાવતા જણાવે છે, "સામાન્ય રીતે કંપનીઓ પોતાનું સરનામું વારેઘડીએ બદલવાનું પસંદ નથી કરતી. આવામાં તેઓ ભાડાની જગ્યાએ પણ લગભગ પાંચથી છ વર્ષ સુધી તો રહે જ છે. ભાડાની ઑફિસમાં તેમને જગ્યાની મર્યાદા નડી જાય છે. નાની જગ્યા હોય તો તેમાં કેફેટેરિયા, રિસેપ્શન સહિતની વ્યવસ્થા ઊભી કરવી તેમના માટે મુશ્કેલ બની જાય છે. જ્યારે કો-વર્કિંગ સ્પેસમાં તેઓ ફક્ત એક મહિના માટે પણ જગ્યા ભાડે લઈ શકે છે અને તેમાં તેઓ બધી જ અત્યાધુનિક સુવિધાઓ મેળવી શકે છે. પોતાની ઑફિસ સ્પેસ કે પછી ભાડાની જગ્યામાં ઘણી હિડન કોસ્ટ છૂપાયેલી હોય છે જેમ કે મ્યુનિસિપલ ટેક્સ, મેઈન્ટેનન્સ કોસ્ટ, વીજળીનું બિલ, ખાણીપીણીનો ખર્ચ વગેરે. કો-વર્કિંગ સ્પેસમાં કોઈપણ જવાબદારી વિના કંપનીઓ પૈસા ચૂકવીને ફક્ત પોતાના કામ પર ફોકસ કરી શકે છે." વળી, જો એ.સી કે કોઈ એપ્લાયન્સ ખરાબ થાય તો કંપનીએ પોતાના કોઈ સ્ટાફને તેના રિપેરિંગ કામમાં રોકવાની જરૂર નથી પડતી. તેઓ એક વ્હોટ્સએપ મેસેજ કરીને ફરિયાદ કરે તો તેમની સમસ્યાનું તાત્કાલિક સમાધાન આવી જાય છે. અમુક કો-વર્કિંગ સ્પેસમાં તો વર્કિંગ વુમનના બાળકો માટે ક્રેશ (ડે કેર સેન્ટર) અને કર્મચારીઓ પોતાનું સ્વાસ્થ્ય જાળવી શકે તે માટે ફિટનેસ સેન્ટરની પણ સુવિધા હોય છે. ટૂંકમાં કો-વર્કિંગ સ્પેસ એવો માહોલ ઊભો કરવાની કોશિશ કરે છે જેથી કર્મચારીઓને ઑફિસ આવવાની મજા આવે. ઑડિટોરિયમ અને 80થી 100 વ્યક્તિ સમાઈ શકે તેવા થિયેટર ધરાવતી કો-વર્કિંગ સ્પેસમાં કંપનીઓને પ્રોડક્ટ લોન્ચ કરવા માટે અને કોર્પોરેટ ઈવેન્ટ યોજવા માટે પણ અલગથી જગ્યા શોધવાની જરૂર પડતી નથી.

નેટવર્કિંગની તકઃ સામાન્ય રીતે ઓછો સ્ટાફ ધરાવતા સ્ટાર્ટ-અપ્સ કે નવા બિઝનેસ ઑફિસમાં 450-500 સ્ક્વેર ફીટની જગ્યા ભાડે લે તો બાથરૂમ, પેન્ટ્રી, રિસેપ્શન એરિયા જેવી નોન-પ્રોડક્ટિવ જગ્યાને બાદ કરતા કામ કરવા માટે ઘણી ઓછી જગ્યા મળે છે. વળી, આ જગ્યા માટે તેમણે ઈન્ફ્રાસ્ટ્રક્ચર, એ.સી સહિતના ઈલેક્ટ્રોનિક એપ્લાયન્સીસ, ઈન્ટરનેટ કનેક્ટિવિટી, ઈન્ટિરિયર ડિઝાઈનિંગ વગેરેનો ખર્ચ કરવો પડે છે. જો નજીકના ભવિષ્યમાં સ્ટાફ વધારવો પડે તો જગ્યા નાની પડવા માંડે તે તકલીફ નફામાં. કો-વર્કિંગ સ્પેસમાં એક સાથે 500થી 1200 લોકો બેસી શકે તેવી સુવિધા હોય છે. મોટા ભાગની કો-વર્કિંગ સ્પેસ એ રીતે ડિઝાઈન કરાયેલી હોય છે કે તેઓ નાની-મોટી કંપનીઓને તેમની જરૂર મુજબ અલગ જગ્યા ફાળવી આપે છે. આથી કંપનીને પોતે કો-વર્કિંગ સ્પેસમાં કામ કરતા હોવા છતાં પર્સનલ સ્પેસમાં જ કામ કરતા હોય તેવું લાગે છે. દેવેક્સની જ વાત કરીએ તો ત્યાં કુલ 70-75 કંપનીઓ એક સાથે કામ કરી શકે તેટલી કેપેસિટી છે. આવામાં વિવિધ કંપનીના લોકોને એક-બીજા સાથે હળવા મળવાની એકબીજાના કામને સમજવાની અને તેમાંથી બિઝનેસ વિકસાવવાની અમૂલ્ય તક કોઈપણ વધારાના ખર્ચ વિના મળી રહે છે.

પ્રાઈવસી સાથે કોઈ બાંધછોડ નહિઃ એક સાથે આટલી કંપનીઓ કામ કરતી હોવા છતાં દરેક કંપનીને પોતાની પ્રાઈવેટ સ્પેસ મળી રહે છે. દેવેક્સના કો-ફાઉન્ડર ઉમેશ ઉત્તમચંદાની જણાવે છે, "દરેક કેબિન પર કંપનીને પોતાનું બ્રાન્ડિંગ કરવાની છૂટ આપવામાં આવે છે. આ ઉપરાંત તેમને મીટીંગ ગોઠવવી હોય તો કંપનીઓ કલાકના ધોરણે કોન્ફરન્સ રૂમ બુક કરાવી શકે તેવી સુવિધા પણ આપવામાં આવે છે. આ કારણે જો કર્મચારી ક્લાયન્ટ સાથે ખાનગીમાં મીટીંગ કરવા માંગતા હોય તો તે માટે પૂરેપૂરી સુવિધા તેમને મળી જ રહે છે." અરે, અમુક હાઈ નેટવર્થ ક્લાયન્ટ્સ તો પોતાની ઑફિસ હોય તો પણ કો-વર્કિંગ સ્પેસમાં જગ્યા બુક કરાવે છે. આ નવા ટ્રેન્ડ અંગે વાત કરતા 'પેરેગ્રાફ'ના હર્ષિલ ખજાનચી જણાવે છે, "ઘણા કિસ્સામાં એવું પણ બનતું હોય કે અમુક પ્રોફેશનલ્સ ખાસ ક્લાયન્ટ્સને પોતાના સ્ટાફની હાજરીમાં ઑફિસે નથી બોલાવવા માંગતા. આવા લોકો મીટીંગ ગુપ્ત રાખવા માટે કો-વર્કિંગ સ્પેસમાં કેબિન બુક કરાવે છે અને ત્યાં ખાનગીમાં મીટીંગ્સ યોજવાનું પસંદ કરે છે." કંપનીના ડિરેક્ટર્સ, કાઉન્સેલર્સ, ન્યુટ્રિશનિસ્ટ્સ વગેરેમાં આ રીતે કો-વર્કિંગ સ્પેસમાં અંગત કેબિન બુક કરાવવાનું ચલણ હવે વધી રહ્યું છે. કો-વર્કિંગથી કામ ચાલતું હોય તો ઑફિસ શા માટે લેવી? ઈ-કોમર્સ ક્ષેત્રની દિગ્ગજ કંપની ફ્લિપકાર્ટ પણ અમદાવાદમાં કો-વર્કિંગ સ્પેસમાં જ પોતાની ઑફિસ ધરાવે છે. ફ્લિપકાર્ટના ગુજરાતના રિજનલ હેડ અશ્વાની ભટ્ટ જણાવે છે, "અમારું કામ એવું છે કે ઑફિસમાં ફક્ત 14 જ લોકોના સ્ટાફની જરૂર છે. મોટા ભાગના કર્મચારીઓ ફિલ્ડમાં કામ કરે છે. હવે આટલા ઓછા લોકો માટે આખી ઑફિસ લેવાનો કોઈ અર્થ નથી. કો-વર્કિંગ સ્પેસમાં અમને અલગથી આખી જગ્યા ફાળવવામાં આવી છે. અમારા ટીમના દરેક સભ્ય માટે આ જગ્યામાં પ્રવેશવા માટે વિશેષ એક્સેસ કાર્ડ છે. આ ઉપરાંત અમને ઑફિસમાં જોઈએ તે તમામ અવ્વલ કક્ષાની સુવિધાઓ મળી રહે છે. ઑફિસ ચલાવવાની બીજી કોઈ જફામાં અમારે નથી પડવું પડતું. ફ્લિપકાર્ટ અમદાવાદ ઉપરાંત પુણે અને સુરતમાં પણ કો-વર્કિંગ સ્પેસમાંથી જ ઓપરેટ કરે છે."

કોવિડ પછી વધી રહી છે કો-વર્કિંગ સ્પેસની લોકપ્રિયતાઃ કોરોનાને કારણે માર્ચ મહિનામાં લોકડાઉન જાહેર થયા બાદ છેલ્લા આઠ મહિનાથી ઘણા કર્મચારીઓ વર્ક ફ્રોમ હોમ કરી રહ્યા છે. ઘણા લોકોને લાગે છે કે ભવિષ્યમાં વર્ક ફ્રોમ હોમનું કલ્ચર વધુ પ્રચલિત બનશે પરંતુ કો-વર્કિંગ સ્પેસના ઓનર્સ આ વાત માનવા તૈયાર નથી. દેવેક્સના ઉમેશ ઉત્તમચંદાની જણાવે છે, "વર્ક ફ્રોમ હોમ મારા મતે એક માર્કેટિંગ ગિમિક છે જે કાયમ નથી ચાલવાનું. વ્યક્તિ ઑફિસમાંથી કામ કરે અને ઘરેથી કામ કરે તેમાં ઘણો ફરક પડે છે. દરેક વ્યક્તિના ગ્રોથ માટે કૉફી બ્રેક્સ, સહકર્મચારીઓ સાથે થતી ચર્ચા ખૂબ જ જરૂરી છે. વર્ક ફ્રોમ હોમમાં તેમને આ કલ્ચર મળતું નથી." પેરેગ્રાફના હર્ષિલ ખજાનચી પણ આ વાત સાથે સંમતિનો સૂર પૂરાવતા જણાવે છે, "વર્ક ફ્રોમ હોમને કારણે વાસ્તવમાં તો લોકોનું વર્ક-લાઈફ બેલેન્સ ખોરવાઈ ગયું છે. પહેલા તો તેઓ 10થી 6 ઑફિસમાં જઈને આવે પછી ઘરે આવીને પરિવાર સાથે સમય પસાર કરતા હતા. વર્ક ફ્રોમ હોમને કારણે અમુક કંપનીઓ કર્મચારીઓને મોડી રાત સુધી લેપટોપ પરથી કામ કરવાની ફરજ પાડે છે. વળી, ક્લાયન્ટ સાથે વીડિયો કોન્ફરન્સ કે મીટીંગ કરવી હોય તો પણ ઘરે યોગ્ય માહોલ નથી મળી રહેતો. આથી ભવિષ્યમાં કર્મચારીઓ પોતે જ ઑફિસમાંથી કે કોઈ પ્રોફેશનલ સ્પેસમાંથી કામ કરવાનું વધુ પસંદ કરતા થશે એ વાતમાં શંકાને સ્થાન નથી." હવે ઈન્ટરનેટને કારણે ફ્રીલાન્સ કામ કરનારાઓની સંખ્યામાં પણ ઉછાળો આવ્યો છે. તેઓ પણ તેમને પ્રોફેશનલ માહોલ મળી રહે, નેટવર્કિંગ થાય તે માટે કોવર્કિંગ સ્પેસમાં પોતાનું ડેસ્ક બુક કરાવવાનું પસંદ કરી રહ્યા છે. લોકડાઉન સમયે કો-વર્કિંગ સ્પેસની ઓક્યુપન્સી ઘટી ગઈ હતી જે હવે ફરી 65થી 75 ટકા પર તો આવી જ ગઈ છે. નજીકના ભવિષ્યમાં તેમાં ઝડપી વધારો થશે તેવી આશા કો-વર્કિંગ સ્પેસના ઓનર્સ સેવી રહ્યા છે.
Comments