ભારતમાં વધી રહી છે ખાનગી પોર્ટ્સની બોલબાલા, અદાણીનું મુંદ્રા પોર્ટ સૌથી મોખરે
- Team Vibrant Udyog
- Jun 9, 2021
- 2 min read
Updated: Jul 3, 2021
સરકારે આયાત-નિકાસને પ્રોત્સાહન આપવા PLI સ્કીમ જાહેર કરતા પોર્ટ્સની આવકમાં ધરખમ વધારો થવાની સંભાવના
દેશના અડધાથી વધુ નાના બંદરો હાલ અદાણી ગૃપને હસ્તક છે

કચ્છની ખાડીમાં આવેલું તથા અદાણી ગૃપ દ્વારા સંચાલિત મુંદ્રા પોર્ટ આજે ભારત દેશનું સૌથી વ્યસ્ત બંદર બની ગયું છે. મુંદ્રાએ નવી મુંબઈમાં આવેલા તેના સૌથી કટ્ટર પ્રતિસ્પર્ધી JNPT (જવાહરલાલ નહેરુ પોર્ટ ટ્રસ્ટ)ને પણ છેલ્લા થોડા સમયથી મ્હાત આપી છે. કોવિડને કારણે આખી દુનિયાના વેપાર-ધંધાને જે ધક્કો પહોંચ્યો છે તેમાંથી મુંદ્રા પોર્ટ તેના પ્રતિસ્પર્ધી JNPT કરતા પણ ઝડપથી રિકવર થઈ ગયું છે. ત્યાર પછી દરેક મહિને મુંદ્રા અને JNPT પર આવતા કન્ટેનરોની સંખ્યાનો ગાળો વધતો જ ગયો છે. નાણાંકીય વર્ષ 2021ના અંત સુધીમાં 7.22 મિલિયન TEU (ટ્વેન્ટી ફૂટ ઈક્વિવેલન્ટ યુનિટ્સ) મુંદ્રામાંથી પસાર થઈ ચૂક્યા છે જે પૂર્વ વર્ષ કરતા 16 ટકા જેટલા વધારે છે.
ભારતમાં કાર્ગો ટ્રાફિક સરકાર દ્વારા સંચાલિત બંદરો તરફથી પ્રાઈવેટ પોર્ટ્સ તરફ વળી રહ્યો છે તેનો બોલતો પુરાવો છે અદાણી પોર્ટ. આ પરિવર્તન પણ એવા સમયે આવ્યું છે જ્યારે નિકાસને પ્રોત્સાહન આપવા માટે અને જરૂરી માલની આયાત માટે સરકારે સંખ્યાબંધ PLI (પ્રોડક્શન-લિંક્ડ ઈન્સેન્ટિવ) સ્કીમ જાહેર કરી છે. સરકારને આશા છે કે નિકાસ વધતા દેશની GDPમાં વધારો થશે. જો બધું જ પ્લાન મુજબ પાર પડશે તો નજીકના ભવિષ્યમાં ખાનગી પોર્ટ્સને તગડો લાભ થશે એ વાતમાં શંકાને કોઈ સ્થાન નથી. ભારત દેશ પાસે લગભગ 7500 કિ.મી લાંબો દરિયા કિનારો છે જ્યાં અસંખ્ય નાના-મોટા બંદરો આવેલા છે. અદાણી ગૃપે થોડા જ વર્ષના ગાળામાં તેમાંથી અડધા બંદરો પોતાનામાં સમાવી લીધા છે. આજે ભારતના નાના બંદરોમાંથી અડધા જેટલા અદાણી ગૃપ દ્વારા મેનેજ કરવામાં આવી રહ્યા છે. ભારત જો 5 ટ્રિલિયનની અર્થવ્યવસ્થા બનવા માંગતું હોય તો તેણે પોતાના વેપાર ધંધા વિદેશમાં પણ વિસ્તારવા જ પડશે. આથી જ તાજેતરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે ભારત 2035 સુધીમાં પોર્ટ પ્રોજેક્ટમાં રૂ. 6 ટ્રિલિયન ($82 બિલિયન) રોકવા માંગે છે. આ રૂપિયા સાગરમાલા યોજના અંતર્ગત મેરિટાઈમ સેક્ટરમાં ક્લીન એનર્જીના વપરાશ, વોટર વેઝ બનાવવામાં, શિપ બિલ્ડિંગ અને રિપેરિંગ માટેના હબ્સ બનાવવામાં વાપરવામાં આવશે.
છેલ્લા થોડા વર્ષોથી બંદરોમાં પ્રાઈવેટ સેક્ટરના ઈન્વેસ્ટમેન્ટમાં ધરખમ વધારો થયો છે. 2020માં આ રકમ $2.35 બિલિયન જેટલી હતી. અદાણી ગૃપે ઘણા મોટા બંદરો પોતાને હસ્તગત કરી લીધા છે. તેમાં કૃષ્ણપટનમ પોર્ટ (આંધ્ર પ્રદેશના નેલ્લોર પાસે) અને નાદારી નોંધાવી ચૂકેલા દિઘી પોર્ટ (મહારાષ્ટ્ર)નો સમાવેશ પણ થાય છે. આ માર્ચ મહિનામાં APSEZએ વિશાખાપટ્ટનમ નજીક આવેલા ગંગાવરમ પોર્ટમાં રૂ. 5558 કરોડ ચૂકવીને 89.6 ટકા સ્ટેક મેળવી લીધો છે. હવે અદાણીના કુલ 13 લોકેશન પર પોર્ટ્સ આવેલા છે. નિષ્ણાંતોનું માનવું છે કે કૃષ્ણપટનમ ટૂંક જ સમયમાં મુંદ્રા પોર્ટ જેવું ધમધમતું થઈ જશે.
હાલ અદાણીના પોર્ટ્સ દેશના 30 ટકા કાર્ગો હેન્ડલ કરી રહ્યા છે જે તેના ભારતમાં આવેલા બીજા પ્રતિસ્પર્ધીઓ કરતા અનેક ગણા વધારે છે. અદાણી હવે લોકલ પ્રતિસ્પર્ધીઓને પાછળ છોડીને ચીન, સિંગાપોર અને હોંગ કોંગ જેવા આંતરરાષ્ટ્રીય શિપિંગ હબ્સ સાથે પ્રતિસ્પર્ધા કરી રહ્યું છે. માર્કેટના નિષ્ણાંતોનું માનવું છે કે અદાણી ગૃપ ટ્રાફિક પોતાના બંદર તરફ આકર્ષવા માટે જે પ્રિમિયમ સર્વિસ આપી રહ્યું છે તે જ તેનો સૌથી મોટો પ્લસ પોઈન્ટ છે. અદાણી ગૃપની જોરદાર માર્કેટ સ્ટ્રેટેજી સાથે કદમ મિલાવવા બીજા પોર્ટ્સ માટે મુશ્કેલ થઈ ગયા છે. પાર્લામેન્ટમાં ફેબ્રુઆરી મહિનામાં ધ મેજર પોર્ટ ઓથોરિટી બિલ, 2020 પસાર થઈ ગયું છે. તેને કારણે દેશમાં ખાનગી પોર્ટ્સ માટે સુવર્ણ યુગ શરૂ થાય તેવું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે. આ સંજોગોમાં તેનો સૌથી વધારે ફાયદો અદાણી ગૃપને થશે તે નિશ્ચિત છે.
Comments