• 29 October, 2026 - 11:28 PM

હવે GSTમાં શો કોઝ નોટિસ આપતા પહેલાં પ્રી-નોટિસ આપવી ફરજિયાત 

હવે GSTમાં શો કોઝ નોટિસ આપતા પહેલાં પ્રી-નોટિસ આપવી ફરજિયાત 

વેપારીને કરવાનો અને ભૂલ સુધારવાનો મોકો મળી જતાં મોટી રકમનો દંડ ભરવામાંથી બચી જવાની તક મળશે. 

ગુડ્સ એન્ડ સવસ ટેક્સના કાયદા હેઠળ ટેક્સ અધિકારીઓ માટે હવે કોઈપણ વેપારીને સીધી શો કોઝ નોટિસ આપતા પહેલાં પ્રી-શો કોઝ નોટિસ આપવાનું ફરજિયાત કરી દેવામાં આવ્યું છે. પ્રી કાઝ નોટિસમાં ફોર્મ જીએસટી-ડીઆરસી-૦આઈએ આપીને વિગતો માગવાનું ફરજિયાત કરી દેવામાં આવ્યું છે. આ નવી વ્યવસ્થાને કારણે વેપારીઓને મોટી રાહત આપશે. જૂની વ્યવસ્થામાં અધિકારીઓ તપાસ કે ઓડિટ પછી સીધી જ કડક કાયદાકીય નોટિસ અને દંડ ફટકારી દેતા હતા. પરિણામે વેપારીઓ પર અચાનક કાનૂની બોજ આવી જતો હતો. હવે આ પૂર્વ સૂચના ફરજિયાત મળતી થવાથી વેપારીને પોતાની વાત રજૂ કરવાનો, ભૂલ સુધારવાનો અને મોટો દંડ ભરવામાંથી બચવાનો એક સત્તાવાર મોકા મળશે. તેમની સામે કાનૂની કાર્યવાહી શરૃ થાય તે પહેલાં જ મોકો મળી જશે.

જીએસટી અધિકારીને તપાસ, ઓડિટ કે ચોપડાઓની ચકાસણી દરમિયાન એવું લાગે કે કોઈ વેપારીએ ટેક્સ ઓછો ભર્યો છે અથવા ભૂલથી વધુ ઇનપુટ ટેક્સ ક્રેડિટ મેળવી લીધી છે, ત્યારે અધિકારીઓ સીધા કોર્ટ કે કાયદાકીય કાર્યવાહી જેવા પગલાં લેવાને બદલે એક સંક્ષિપ્ત પત્ર કે સૂચના પત્ર મોકલશે. આ પત્રમાં વેપારીએ કેટલો ટેક્સ ભરવાનો બાકી નીકળે છે તેની પ્રાથમિક ગણતરી કરીને કેટલા મહિનાનો ટેક્સ ભરવાનો બાકી છે તે દર્શાવવામાં આવશે. તેના પર કેટલો દંડ અને વ્યાજ લાગુ પડશે તેની વિગતો પણ આપવી પડશે. તેની સાથે જ વેપારી પાસેથી આ રકમ કયા કારણોસર માંગવામાં આવી રહી છે તેનું સ્પષ્ટ સ્પષ્ટીકરણ પણ આપવામાં આવશે.

આ નવી પ્રક્રિયા કેવી રીતે કામ કરશે?

એક, પ્રાથમિક ગણતરીની જાણ થતાં સૌથી પહેલાં અધિકારી વેપારીને બાકી ટેક્સની ગણતરી સાથેનું પૂર્વ સૂચના પત્રક આપે છે. બે, સ્વૈચ્છિક ટેક્સ ભરપાઈની તક મળશે.   વેપારી અધિકારીની ગણતરી સાથે સહમત હોય અને પોતાની ભૂલ સ્વીકારે, તો તે કોઈ પણ કાનૂની વિવાદમાં પડયા વિના જ બાકી ટેક્સ અને વ્યાજ ભરીને કેસ ત્યાં જ પૂરો કરી શકે છે. ત્રીજું, . પોતાનો પક્ષ રજૂ કરવાનો હક્ક મળશે. જો વેપારીને લાગે કે અધિકારીની ગણતરી ખોટી છે, તો તે નિર્ધારિત સમયમાં પોતાના પુરાવા અને દસ્તાવેજો સાથે લેખિતમાં ખુલાસો રજૂ કરી શકે છે.

કરદાતાઓ અને વેપારીઓને થનારા ફાયદા

ભારે દંડમાંથી મુક્તિથ જો વેપારી પૂર્વ સૂચના મળતાની સાથે જ બાકી નીકળતો ટેક્સ અને વ્યાજ ભરી દે છે, તો તેને કાયદા હેઠળ થતા અતિશય ભારે દંડમાંથી મુક્તિ મળી જાય છે. બીજું, વેપારીઓનેકોર્ટ કચેરીના લફરાંમાંથી છૂટકારો મળશે. લાંબી અપીલો, કોર્ટના ફેરા અને વકીલોના ખર્ચમાં પડયા વિના પારસ્પરિક ચર્ચા દ્વારા મામલાનો સંતોષકારક ઉકેલ આવી જાય છે. ત્રીજું, અચાનક આવતી કડક કાનૂની નોટિસો અને દંડના ડર વગર વેપારીઓ પોતાના -રોજગાર પર પૂરેપૂરું ધ્યાન આપી શકે છે.

સરકારી અધિકારીઓને ખાસ સૂચનાઓ આપતા સીબીઆઈસીએ જણાવ્યું છે કે સરકારે સીમા શુલ્ક બોર્ડ દ્વારા તમામ ટેક્સ અધિકારીઓને કડક સૂચના આપવામાં આવી છે કે, ટેકનિકલ કે અજાણતા થયેલી ભૂલોના કિસ્સામાં સીધી આકરી નોટિસ આપવાને બદલે પહેલાં આ પૂર્વ સૂચના આપવી જ પડશે. આનો મુખ્ય હેતુ વેપારીઓ જાતે જ નીતિમતાથી ટેક્સ ભરે તેવી સકારાત્મક સિસ્ટમ ઊભી કરવાનો છે.

પ્રી-શો કોઝ નોટિસ મળ્યા પછી વેપારીએ શું કરવું જોઈએ?

  • જીએસટી વિભાગ તરફથી કરદાતા અથવા વેપારીને ફોર્મ (જીએસટી ડીઆરસી-૦૧એ) અંતર્ગત પ્રી-શો કોઝ નોટિસ મળે, ત્યારે ગભરાઈ જવાને બદલે સૌથી પહેલા તો નોટિસ અને ગણતરીની કાળજીપૂર્વક ચકાસણી કરો.
  • બીજું, અધિકારીએ મોકલેલા પત્રને શાંતિથી વાંચો અને તેમાં દર્શાવેલ ટેક્સ, વ્યાજ તથા દંડની રકમની ગણતરી બરાબર તપાસી લો. અધિકારીએ માંગેલી રકમ સાચી છે કે પછી હિસાબી અથવા ટેકનિકલ ભૂલને કારણે ગણતરીમાં કોઈ ફેરફાર છે તેની ખરાઈ કરી લો.
  • ત્રીજું, તમારા હિસાબો અને દસ્તાવેજો સાથે સરખામણી કરી લો. તમારા પોતાના પાકાં પુસ્તકો, ખરીદ-વેચાણના બિલ અને ઇનપુટ ટેક્સ ક્રેડિટ (આઇટીસી)ના રેકોર્ડ સાથે સરખાવીને અધિકારીની ગણતરીને મેચ કરો અને શોધો કે કયા મહિના કે વર્ષના વ્યવહારમાં વિસંગતતા-ફરક ઊભો થઈ રહ્યો છે. 
  • વેપારીને લાગે કે ખરેખર ટેક્સ ભરવાનો રહી ગયો છે અથવા ભૂલ થઈ છે, તો કોઈ પણ કાનૂની વિવાદમાં પડયા વગર સ્વેચ્છાએ બાકી નીકળતો ટેક્સ અને વ્યાજ ભરી દો. તેમ કરવાથી મોટાભાગના કિસ્સાઓમાં ભારે દંડ ભરવામાંથી મુક્તિ મળી જશે અને મામલો ત્યાં જ સંતોષકારક રીતે પૂરો થઈ જશે. પરંતુ જો અધિકારીની ગણતરી અથવા દાવો ખોટો હોય અને તમારા પુરાવા સાચા હોય અને તમારી પાસે પૂરતા દસ્તાવેજો હોય, તો ગભરાયા વગર લેખિતમાં વિગતવાર ખુલાસો તૈયાર કરો. નિર્ર્ધારિત સમયમર્યાદા પૂરી થાય તે પહેલાં તમારા તમામ પુરાવાઓ સાથે જવાબ અધિકારી સમક્ષ સત્તાવાર રીતે રજૂ કરી દો.

Read Previous

વજન ઘટાડવાના ઇન્જેક્શનને નામે ઓનલાઈન કંપનીઓએ મહિલાઓ સાથે કરોડોની છેતરપિંડી કરી

Most Popular