વજન ઘટાડવાના ઇન્જેક્શનને નામે ઓનલાઈન કંપનીઓએ મહિલાઓ સાથે કરોડોની છેતરપિંડી કરી
વજન ઘટાડવાના ઇન્જેક્શનને નામે ઓનલાઈન કંપનીઓએ મહિલાઓ સાથે કરોડોની છેતરપિંડી કરી
કિડની સુધી લોહી પહોંચતું બંધ થવાથી કિડની ફેલ્યોર થઈ શકે છે અને કાયમી ધોરણે ડાયાલિસીસ પર જવાની નોબત આવી શકે છે
તાજેતરમાં સુરત શહેર પોલીસના સાયબર ક્રાઇમ બ્રાન્ચે વજન ઘટાડવાની અને કિડનીની ખોટી દવાઓ તથા ઇન્જેક્શનના નામે દેશભરની મહિલાઓ સાથે કરોડો રૂપિયાની છેતરપિંડી આચરનાર એક મોટા રેકેટનો પર્દાફાશ કર્યો છે. સુરત સાયબર ક્રાઇમ બ્રાન્ચની અખબારી યાદીમાં જણાવવામાં આવ્યું છે કે ક્યુરેસ્ટ સાયન્સ એન્ડ વેલનેસ-Curest Science & Wellness કંપનીના નામે ચાલતા આ ગોરખધંધામાં માસ્ટરમાઇન્ડ ગણાતા ચાર આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. આ કૌભાંડે ઓનલાઈન ફિટનેસ અને વજન ઘટાડવાના દાવા કરતી કંપનીઓની અસલિયત સામે લાલબત્તી ધરી છે.
ઓનલાઈન વજન ઘટાડવાના ઇન્જેક્શનના નામે આચરવામાં આવતી છેતરપિંડીની ‘મોડસ ઓપરેન્ડી’
લોકોને ફસાવવા માટે આ ફ્રોડ કંપનીઓ ખૂબ જ આયોજનબદ્ધ રીતે કામ કરતી હોય છે. સોશિયલ મીડિયાના માધ્યમથી આકર્ષક પેકેજિંગ અને વજન ઘટાડવાના ચમત્કારી દાવાઓ દર્શાવીને જાહેરાતો કરવામાં આવે છે. ફોન પર ડૉક્ટર કે હેલ્થ એક્સપર્ટ તરીકે ખોટી ઓળખ આપીને ગ્રાહકોનો વિશ્વાસ જીતવામાં આવે છે. સુરત સાયબર ક્રાઇમની તપાસ મુજબ આ કંપનીઓ ક્યૂરેસ્ટ સાયન્સએન્ડ વેલનેસ, વેદિક વર્લ્ડ, દિવ્ય અંતરા વેલનેસ એલએલપી અને ગ્લોઝેનિક સ્કિન કેરના નામથી સક્રિય છે. આ કંપનીઓએ એ માત્ર થોડા જ મહિનાઓમાં બેંક ખાતાઓ અને પેમેન્ટ ગેટવે દ્વારા કરોડો રૂપિયાની ઠગાઈ આચરી છે. અંદાજે રૂ. આઠ કરોડની ઠગાઈ કરી છે.
ડિલિવરીની અસલ પદ્ધતિ: આ કંપનીઓ સામાન્ય કુરિયર કંપનીઓ દ્વારા માલ મોકલવાને બદલે પોતાના જ કર્મચારીઓને ‘કુરિયર બોય’ તરીકે ટ્રેન કે બસ દ્વારા મોકલીને ગ્રાહકો પાસેથી હાથોહાથ રોકડા રૂપિયા પડાવતી હતી. એકવાર નાણાં લીધા પછી અસલી દવાને બદલે નકામી કે નુકસાનકારક પ્રોડક્ટ્સ પકડાવી દેવામાં આવતી હતી.
છેતરાયા બાદ પીડિતોના અનુભવો અને વાસ્તવિકતા
દેશભરની અને અનેક મહિલાઓ આ પ્રકારના ઓનલાઈન પ્રોગ્રામ્સનો ભોગ બની છે. સુરતની જ એક મહિલા સાથે આ જ કંપનીએ રૂ. ૧.૭૭ કરોડથી વધુની ઠગાઈ આચરી હોવાનું પોલીસ રેકોર્ડ પર બહાર આવ્યું છે. પીડિત મહિલાઓ જ્યારે વજન ઘટાડવાની આશાએ રૂ. ૧૫,૯૯૦ થી શરૂ કરીને લાખો રૂપિયાનું સબસ્ક્રિપ્શન લે છે, ત્યારે તેમને વજન ઘટવાને બદલે શારીરિક અને માનસિક આઘાતનો સામનો કરવો પડે છે. ઓનલાઈન ખરીદેલી કિટ્સમાં આપવામાં આવતી દવાઓની ગુણવત્તા શંકાસ્પદ હોય છે અને તેના ગંભીર દુષ્પરિણામો ભોગવવા પડે છે.
વજન ઘટાડવાના ઇન્જેક્શન (Yurpeak- Tirzepatide) શરીરમાં કેવી રીતે કામ કરે છે?
ઘણી ઓનલાઈન કંપનીઓ જે Yurpeak_GLP કે Tirzepatide જેવા ઇન્જેક્શન આપે છે, તે વૈજ્ઞાનિક રીતે પાચન અને હોર્મોન સિસ્ટમ પર કામ કરે છે.
-
કુદરતી હોર્મોનની નકલ: શરીરમાં કુદરતી રીતે બનતા GLP-1 અને GIP હોર્મોન્સ જેવા જ કૃત્રિમ ઘટકો આ ઇન્જેક્શનમાં હોય છે.
-
મગજ પર નિયંત્રણ: આ દવા મગજને સતત એવો સંકેત આપે છે કે પેટ ભરેલું છે, જેનાથી ગળ્યું કે તળેલું ખાવાની ઈચ્છા (Food Cravings) અચાનક ઘટી જાય છે.
-
પાચનક્રિયા ધીમી કરવી: તે પેટમાંથી ખોરાક આગળ વધવાની ગતિને ધીમી કરે છે જેથી લાંબો સમય સુધી ભૂખ લાગતી નથી અને કેલરી ઘટે છે.
શરીરના મુખ્ય અવયવો પર આ ઇન્જેક્શનના ગંભીર અને જીવલેણ જોખમો
અધિકૃત મેડિકલ સ્ત્રોતો (US FDA અને CDSCO ગાઇડલાઇન્સ, ઓક્ટોબર ૨૦૨૬) મુજબ, વગર ડૉક્ટરની સલાહે કે ઓનલાઈન માધ્યમથી લેવામાં આવતી આ થેરાપીથી શરીરના મહત્વના અંગો પર વિનાશક અસરો થઈ શકે છે.
-
હૃદય (Heart): આરામની અવસ્થામાં પણ હૃદયના ધબકારા અચાનક ખૂબ વધી જવા (Tachycardia), હૃદયની નસો પર તાણ આવવી અને અચાનક બ્લડ પ્રેશર ઘટી જવાથી ચક્કર આવવા કે બેભાન થવાનું જોખમ રહે છે.
-
કિડની (Kidneys): દવાની શરૂઆતની આડઅસર તરીકે અતિશય ઉબકા, ઉલટી અને ઝાડા થાય છે, જેનાથી શરીરમાં ગંભીર ડિહાઇડ્રેશન થાય છે. પરિણામે, કિડની સુધી લોહી પહોંચતું બંધ થવાથી Acute Kidney Injury (કિડની ફેલ્યોર) થઈ શકે છે અને કાયમી ધોરણે ડાયાલિસીસ પર જવાની નોબત આવી શકે છે.
-
લીવર અને પિત્તાશય (Liver & Gallbladder): અતિશય ઝડપથી વજન ઘટવાને કારણે શરીરમાં રહેલી ચરબી એકસાથે લીવરમાં જમા થાય છે, જેનાથી લીવરમાં સોજો (NASH) આવી શકે છે. તેમજ પિત્તાશયમાં પથરી બનવાનું અને પિત્તની નળી બ્લોક થવાનું જોખમ અનેકગણું વધી જાય છે.
-
સ્વાદુપિંડ (Pancreas): આ ઇન્જેક્શનના કારણે સ્વાદુપિંડમાં તીવ્ર સોજો (Acute Pancreatitis) આવી શકે છે. પેટના ઉપલા ભાગમાં અસહ્ય દુખાવો ઉપડે છે, જે એક અત્યંત જીવલેણ મેડિકલ ઇમરજન્સી છે જેમાં દર્દીને આઈસીયુ (ICU) માં દાખલ કરવા પડે છે.
-
પાચનતંત્રની નિષ્ક્રિયતા (Gastroparesis): આંતરડાના સ્નાયુઓ કામ કરતા બંધ થઈ જાય છે, જેથી ખાધેલું અન્ન પચ્યા વગર પેટમાં સડવા લાગે છે અને સતત ઉલટીઓ થયા કરે છે.
મહિલાઓએ આવા ફ્રોડથી બચવા શું કરવું જોઈએ?
-
લોભામણી જાહેરાતોથી દૂર રહો: સોશિયલ મીડિયા પર “મહિનામાં ૧૦ થી ૧૫ કિલો વજન ઘટાડો” જેવા દાવા કરતી કોઈપણ ઓનલાઈન કંપની કે એજન્સી પર આંખ બંધ કરીને ભરોસો ન કરો.
-
અધિકૃત ડૉક્ટરનો જ સંપર્ક કરો: જો વજન ખરેખર નિયંત્રિત કરવું જ હોય, તો કોઈ ફ્રોડ ઓનલાઈન ક્લિનિક કે ફિટનેસ એપ્લિકેશનના બદલે કોઈ પ્રતિષ્ઠિત હોસ્પિટલના લાયકાત ધરાવતા એન્ડોક્રિનોલોજિસ્ટ (Endocrinologist) અથવા અનુભવી MD ફિઝિશિયન નો જ રૂબરૂ સંપર્ક કરો. ડૉક્ટર તમારા બ્લડ ટેસ્ટ એટલે કે થોઈરોઈડ, સુગર લેવલ, લીવર અને કીડનીના ટેસ્ટ કર્યા પછી જ યોગ્ય સલાહ આપશે.
-
સાયબર હેલ્પલાઇન: જો તમે કે તમારા પરિચિતો આ પ્રકારના કોઈ ઓનલાઈન ફ્રોડનો ભોગ બન્યા હોવ, તો તુરંત જ રાષ્ટ્રીય સાયબર હેલ્પલાઇન નંબર ૧૯૩૦ (1930) પર કૉલ કરો જેથી નાણાં ફ્રીઝ થઈ શકે. તમને તમારા નાણાં પરત મળવાનો અવકાશ રહેલો છે.

