શેર વેચનારા રોકાણકારોને માર્જિનમાંથી મુક્તિ આપવાનો સેબીનો નિર્ણય
શેર વેચનારા રોકાણકારોને માર્જિનમાંથી મુક્તિ આપવાનો સેબીનો નિર્ણય
૨૨ ફેબ્રુઆરી ૨૦૨૭ થી નવો નિયમ દેશભરના શેરબજારો અને ક્લિયરિંગ કોર્પોરેશન્સમાં અમલી બનશે
જ્યારે કોઈ રોકાણકાર પોતાના ડીમેટ ખાતામાંથી શેર વેચે છે અને તેને ‘અર્લી પે-ઇન’ (EPI) દ્વારા ક્લિયરિંગ કોર્પોરેશનને અગાઉથી સોંપી દે છે, ત્યારે હવે તેણે તે જ દિવસે નવા શેર ખરીદવા કે વેચવા માટે વધારાનું માર્જિનબ્લોક કરાવવું પડશે નહીં.ભારતીય શેરબજારના નિયામક સેબીએ ૨૨ ઓક્ટોબર ૨૦૨૬ના રોજ એક અત્યંત મહત્વપૂર્ણ પરિપત્ર બહાર પાડવામાં આવ્યો છે. આ નિર્ણયથી શેરબજારના સામાન્ય ટ્રેડર્સ અને રોકાણકારોને કેશ સેગમેન્ટમાં ટ્રેડિંગ કરતી વખતે મોટી રાહત મળશે. અત્યાર સુધી શેર વેચ્યા પછી પણ સેટલમેન્ટ પૂરું ન થાય ત્યાં સુધી રોકાણકારનું માર્જિન રોકાયેલું રહેતું હતું. સેબીના આ નવા ફ્રેમવર્કથી રોકાણકારોની કાર્યકારી મૂડી વધશે, ટ્રેડિંગ કરવું સરળ બનશે અને બ્રોકર્સ પર પડતું વધારાનું માર્જિન બોજ ઘટશે. બાવીસમી ઓક્ટોબર 2026ના બહાર પાડવામાં આવેલો આ પરિપત્ર પાડ્યાના ૪ મહિના પછી એટલે કે ૨૨ ફેબ્રુઆરી ૨૦૨૭ થી નવો નિયમ દેશભરના શેરબજારો અને ક્લિયરિંગ કોર્પોરેશન્સમાં અમલી બનશે. સેબીએ તમામ ક્લિયરિંગ કોર્પોરેશન્સ અને બ્રોકર્સને ૨૨ ફેબ્રુઆરી ૨૦૨૭ પહેલાં તેમના સિસ્ટમ અને સોફ્ટવેરમાં જરૂરી ફેરફારો કરી લેવાની સૂચના આપી છે.
નવો નિયમ અને નવો ફાયદો
ધારો કે તમારી પાસે રિલાયન્સના રૂ. ૨,૦૦,૦૦૦ ના શેર છે. સવારે દસ વાગ્યે તમે રૂ. ૨,૦૦,૦૦૦ના રિલાયન્સના શેર વેચો છો અને ‘Early Pay-In’ (EPI) દ્વારા શેર ક્લિયરિંગ કોર્પોરેશનને સોંપી દો છો. બીજીતરફ સવારે 11 વાગ્યે તમને TCS માં ખરીદીની સારી તક દેખાય છે. નવા નિયમ હેઠળ ફાયદો: હવે ક્લિયરિંગ કોર્પોરેશન તમારા વેચેલા ₹૨,૦૦,૦૦૦ ને માન્ય ગણીને તેટલી રકમ સુધી નવા સોદા માટે તમારી પાસેથી કોઈ વધારાનું માર્જિન માંગશે નહીં. પરિણામે તમારી કાર્યકારી મૂડી બે ગણી થઈ જશે. તમારે નવા શેર ખરીદવા વધારાની કેશ-રોકડ પોતાના બેંક એકાઉન્ટમાંથી બ્રોકરને આપવી પડશે નહીં.
બ્રોકર્સ અને ટ્રેડિંગ મેમ્બર્સને ફાયદો
જ્યારે ક્લાયન્ટ પાસે પૂરતું માર્જિન ન હોય પરંતુ તેણે અગાઉથી શેર પે-ઇન કરી દીધા હોય, ત્યારે પણ સેબીના પેનલ્ટીના નિયમોથી બચવા માટે બ્રોકરે પોતાના ફંડમાંથી ક્લિયરિંગ કોર્પોરેશન પાસે માર્જિન જમા કરાવવું પડતું હતું. બ્રોકર્સને હવે ક્લાયન્ટના સેટલમેન્ટ માટે શોર્ટ-ટર્મ માર્જિન પૂરું પાડવા બેંકો કે અન્ય સંસ્થાઓ પાસેથી ભંડોળ લેવું નહીં પડે, જેથી તેમના વ્યાજ ખર્ચમાં મોટો ઘટાડો થશે. માર્જિન શોર્ટફાલને કારણે બ્રોકર્સ પર લાગતી પેનલ્ટીનું જોખમ ઘટી જશે.
માર્કેટ લિક્વિડિટી અને ઓપરેટર્સને ફાયદો
કેશ માર્કેટમાં ટ્રેડિંગ ફ્રીક્વન્સી (ટ્રેડ કરવાની ઝડપ અને ક્ષમતા) વધશે. એક જ કેપિટલમાંથી એ જ દિવસે ઝડપી ખરીદ-વેચાણ શક્ય બનશે. અર્લી પે-ઇન પહેલાથી જ થઈ જતું હોવાથી શેર ડિલિવરી ડિફોલ્ટ થવાનું જોખમ શૂન્ય થઈ જશે.
‘અર્લી પે-ઇન’ (EPI) એટલે શું?
સામાન્ય રીતે શેર વેચ્યા પછી તેના ડિલિવરી સેટલમેન્ટમાં સમય લાગે છે. પરંતુ જો રોકાણકાર શેર વેચતાની સાથે જ અથવા તે પહેલાં પોતાના ડીમેટ એકાઉન્ટમાંથી ક્લિયરિંગ કોર્પોરેશનને શેર ટ્રાન્સફર (Pay-In) કરી દે, તો તેને Early Pay-In (EPI) કહેવામાં આવે છે.
માર્જિન વેઇવર (મુક્તિ) કેવી રીતે મળશે?
જો કોઈ ગ્રાહક સેટલમેન્ટમાં નેટ સેલ (શેર વેચવાની) જવાબદારી ધરાવે છે અને ક્લિયરિંગ કોર્પોરેશને તેની EPI રિક્વેસ્ટ સ્વીકારી લીધી છે, તો તે જ ટ્રેડિંગ દિવસે ગ્રાહક દ્વારા લેવામાં આવતા નવા સોદા માટે ક્લિયરિંગ કોર્પોરેશન બ્રોકર કે ટ્રેડિંગ મેમ્બર પાસેથી વધારાનું માર્જિન વસૂલશે જ નહીં. ક્લિયરિંગ કોર્પોરેશન ટ્રેડિંગ ડેના દિવસે સ્વીકારેલ EPIનું મૂલ્ય ગણશેય જે પૂર્ણ થયેલ EPI અથવા વેચેલા શેરની કિંમત બેમાંથી જે ઓછી હોય તે ગણાશે અને તેટલી રકમ સુધી માર્જિન ફ્રી કરી દેશે.
જો સોદો સ્ક્વેર-ઓફ કરવામાં આવે તો શું થશે?
જો ગ્રાહક એ જ દિવસે પોતાના વેચેલા સોદાને સ્ક્વેર-ઓફ (પાછો ખરીદી) કરી લે છે, તો તેને મળેલું EPI માર્જિન બેનિફિટ દૂર થઈ જશે. બે, સોદો રદ થવાના કારણે જે માર્જિનની ઘટ ઊભી થાય તો તે રકમ ટ્રેડિંગ મેમ્બર અથવા બ્રોકરના પોતાના કોલેટરલમાંથી ક્લિયરિંગ કોર્પોરેશન દ્વારા બ્લોક કરવામાં આવશે.
ટ્રેડ-ફોર-ટ્રેડ’ (TFT) શેર્સ પર આ નિયમ લાગુ નહીં પડે
સેબીએ સ્પષ્ટ કર્યું છે કે ટ્રેડ-ફોર-ટ્રેડ (TFT) સેગમેન્ટના શેર્સમાં આ માર્જિન મુક્તિનો લાભ મળશે નહીં, કારણ કે આવા શેર્સનું સેટલમેન્ટ ગ્રોસ (Gross Basis) આધારે થાય છે અને તેમાં ઇન્ટ્રાડે નેટિંગની છૂટ હોતી નથી.
અત્યાર સુધી જો તમે તમારા ડીમેટ ખાતામાંથી રૂ.૧,૦૦,૦૦૦ ના શેર વેચો અને એ જ દિવસે બીજા નવા શેર ખરીદવા માંગો તો વેચેલા શેરનું સેટલમેન્ટ પૂરું ન થાય ત્યાં સુધી તમારે નવા ટ્રેડ માટે વધારાનું માર્જિન (રોકડ અથવા સોંપેલ કોલેટરલ) આપવું પડતું હતું. આના કારણે નાણાં હોવા છતાં ટ્રેડિંગ રોકાઈ જતું હતું.
ફાયદાનો ટૂંકસાર
| સહભાગી (Participant) | મુખ્ય ફાયદો (Key Benefit) | પરિણામ (Outcome) |
| રિટેલ ટ્રેડર્સ / ઇન્વેસ્ટર્સ | કેશ બ્લોક થયા વગર એ જ દિવસે નવા સોદા કરવાની છૂટ | ટ્રેડિંગ કેપિટલમાં વધારો અને લિક્વિડિટી |
| સ્ટોક બ્રોકર્સ | ક્લાયન્ટ માટે પોતાનું માર્જિન બ્લોક કરવાની જરૂર નહીં | વર્કિંગ કેપિટલની બચત અને પેનલ્ટીમાં રાહત |
| સમગ્ર બજાર (Market) | કેશ સેગમેન્ટમાં ટ્રેડિંગ વોલ્યુમ સુધરશે | બજારમાં વધુ કાર્યક્ષમતા અને પારદર્શિતા |
