• 23 October, 2026 - 11:37 PM

૨૦૩૦થી નવી કારોમાં ‘ઓટોમેટિક ઇમરજન્સી બ્રેકિંગ’ બની શકે છે ફરજિયાત

અકસ્માતો ઘટાડવા ૨૦૩૦થી નવી કારોમાં ‘ઓટોમેટિક ઇમરજન્સી બ્રેકિંગ’ બની શકે છે ફરજિયાત: માર્ગ પરિવહન ખાતાનો પ્રસ્તાવ

વાહન ઉત્પાદકો અને નિષ્ણાતો પાસેથી ૩૦ દિવસમાં સૂચનો અને વાંધાઓ મંગાવ્યા

હવે કાર બનાવતી કંપનીઓએ ભવિષ્યમાં પોતાની દરેક નવી કારમાં ઓટોમેટિક ઇમરજન્સી બ્રેકિંગ સિસ્ટમ (AEBS) ફરજિયાતપણે આપવી પડશે. ભારતમાં રસ્તા પર અકસ્માતોનું પ્રમાણ ઘટાડવા અને વાહનોની સુરક્ષા સુધારવા માટે કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રાલય દ્વારા એક અત્યંત મહત્વપૂર્ણ પ્રસ્તાવ રજૂ કરવામાં આવ્યો છે. , 

સરકારે સેન્ટ્રલ મોટર વહીકલ્સ રૂલ્સ, ૧૯૮૯ માં સુધારા માટે ૧૯ ઓક્ટોબર ૨૦૨૬ ના રોજ એક પ્રસ્તાવિત નોટિફિકેશન બહાર પાડ્યું છે. આ નિયમ લાગુ થયા બાદ ભારતની તમામ પેસેન્જર કારોમાં અકસ્માત રોકતી આધુનિક સેફ્ટી ટેકનોલોજી ઇન-બિલ્ટ મળશે. આ નિર્ણયથી આવનારા વર્ષોમાં ભારતીય ઓટોમોબાઇલ ઉદ્યોગમાં મોટી ટેકનોલોજિકલ ક્રાંતિ આવશે અને વાહનચાલકોની સુરક્ષાનું સ્તર ઊંચું જશે.

ઓટોબ્રેક સિસ્ટમ એટલે શું?

ઓટોમેટિક ઇમરજન્સી બ્રેકિંગ સિસ્ટમએ એક એવી સ્માર્ટ ટેકનોલોજી છે, જે કારની આગળના રસ્તા પર સતત નજર રાખે છે. જો કારની સામે અચાનક કોઈ વાહન, પદાર્થ કે પગપાળા ચાલનાર વ્યક્તિ આવી જાય અને કારચાલક બ્રેક મારવામાં નિષ્ફળ રહે, તો આ સિસ્ટમ પોતાની જાતે જ (ઓટોમેટિક) બ્રેક લગાવી દે છે. તેનાથી અકસ્માત થવાનું જોખમ અટકે છે અથવા અકસ્માત થાય તો પણ તેનું નુકસાન ખૂબ ઓછું થાય છે. હાલમાં આ ફીચર માત્ર મોંઘી કારોમાં અથવા એડવાન્સ ડ્રાઈવર આસિસ્ટન્ટ સિસ્ટમ ધરાવતી કારોમાં જ મળે છે.

ક્યારથી લાગુ થશે આ નવા નિયમો? 

સરકારે આ નિયમો તબક્કાવાર અમલમાં મૂકવાની યોજના બનાવી છે:

૧. ૧ ઓક્ટોબર ૨૦૩૦ થી: નવી લોન્ચ થનારી તમામ નવી મોડેલની પેસેન્જર કાર (M1 કેટેગરી) માં AEBS ફરજિયાત રહેશે.

૨. ૧ ઓક્ટોબર ૨૦૩૨ થી: બજારમાં વેચાતી તમામ કારો (જૂના અને નવા તમામ મોડેલ્સ) માટે આ નિયમ ફરજિયાત બની જશે.

૩. ૧ ઓક્ટોબર ૨૦૨૮ થી: જે M1 (પેસેન્જર કાર) અને N1 (૩.૫ ટન સુધીના ગુડ્સ વાહનો) માં અગાઉથી ઓટોમેટિક ઇમરજન્સી બ્રેકિંગ સિસ્ટમ આપેલું હોય, તેમણે ભારતીય ‘AIS-185’ સેફ્ટી સ્ટાન્ડર્ડનું પાલન કરવું પડશે.

૪. ૧ ઓક્ટોબર ૨૦૨૯ થી: ટ્રાન્સપોર્ટ વાહનો તરીકે રજિસ્ટર થતી કારો માટે લેન-કીપિંગ સિસ્ટમ અને ડ્રાઇવરને ઊંઘ/સુસ્તી આવે તો ચેતવણી આપતી સિસ્ટમ (Driver Drowsiness Warning) પણ ફરજિયાત બનાવવામાં આવશે.

ભારતના રસ્તાઓ પર સૌથી મોટો પડકાર

હાલમાં જે કારોમાં આ ઓટો-બ્રેકિંગ સિસ્ટમ આવે છે, તેના ચાલકો ઘણીવાર તેને બંધ કરી દે છે. તેનું મુખ્ય કારણ એ છે કે ભારતનું વાહનવ્યવહારનું વાતાવરણ અત્યંત ભીડભાડ વાળું હોય છે. અચાનક કોઈ કારની આગળ આવી જાય ત્યારે કાર પોતે જ જોરથી બ્રેક મારે છે, જેથી પાછળથી આવતું બીજું વાહન અથડાઈ જવાનું જોખમ વધી જાય છે. આથી જ સરકારે તમામ ઉત્પાદકો માટે ભારતીય રસ્તાઓ અનુકૂળ આટોમોટિવ ઇન્ડસ્ટ્રી સ્ટાન્ડર્ડ નક્કી કરવાની જોગવાઈ કરી છે.

આગળ શું થશે?

મંત્રાલયે આ પ્રસ્તાવિત ડ્રાફ્ટ ગેઝેટમાં જાહેર કર્યા પછી દેશના નાગરિકો, વાહન ઉત્પાદકો અને નિષ્ણાતો પાસેથી ૩૦ દિવસમાં સૂચનો અને વાંધાઓ મંગાવ્યા છે. આ સમયગાળો પૂરો થયા બાદ જ આ નિયમોને આખરી ઓપ આપવામાં આવશે.

Read Previous

શેર વેચનારા રોકાણકારોને માર્જિનમાંથી મુક્તિ આપવાનો સેબીનો નિર્ણય

Read Next

ઇન્ટરનેટ સિક્યોરિટી કીમાં મોટી ખામી નેટ યુઝર્સ માટે અત્યંત જોખમીઃ રિસ્ક ટાળવા શું કરવું જોઈએ

Most Popular