TCS, Wipro, HCL technology stock price to crash, શેરધારકોની બજાર ખૂલતા બજાર પર નજર

(પ્રતિનિધિ તરફથી) અમદાવાદ,સોમવાર
અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે એચ-1બી વિઝા માટે અરજી કરનારાઓ પાસેથી એક લાખ ડૉલરની ફી વસૂલવાનો નિર્ણય કર્યો તેને પરિણામે ઇન્ફોર્મેશન ટેક્નોલોજીના નફા પર પડનારી અસરને પરિણામે આજે શેરબજારમાં આઈટી કંપનીઓ શેર્સના ભાવમાં કડાકો બોલી જવાની સંભાવનાને નકારી શકાતી નથી.
અમેરિકાના એચ-1બી વિઝા લેનારાઓમાં 70થી 71 ટકા ભારતીયો અને ભારતીય કંપનીઓ હોવાથી ભારત પર તેની મોટી અસર પડવાની સંભાવના વચ્ચે શેરબજારના નિષ્ણાતો કહી રહ્યા છે કે ઇન્ફોસિસ અને વિપ્રોના શેર્સના ભાવમાં બજાર ઉઘડતાવેંત બેથી પાંચ ટકાના ગાબડાં પડી શકે છે. ટીસીએસ અને એચસીએલ ટેક્નોલોજી અને કોગ્નિઝન્ટના શેર્સના ભાવમાં પણ તે ઘટાડો જોવા મળી શકે છે. એનએસઈ અને બોમ્બે સ્ટોક એક્સચેન્જનો ઇન્ડેક્સ શુક્રવારની તુલનાએ ઘટાડે ખૂલવાની શક્યતા છે.
આઈટી કંપનીઓના ખર્ચમાં કેટલો વધારો થશે અને તેમના માર્જિન કેટલા ધોવાઈ જશે તે અંગે શેરધારકો ચિંતિત હોવાથી આ શક્યતા બળવત્તર બની છે. બજારમાં આંચકો જોવાય તેવી સંભાવના છે. કેટલાક નિષ્ણાતો કંપનીઓના શેર્સના ભાવમાં ત્રણ ટકા સુધીનું ગાબડું પડી જવાની ગણતરી મૂકી રહ્યા છે. ઇન્ડેક્સમાં એકથી ત્રણ ટકાનો ઘટાડો આવી શકે છે. કેટલાક તેમાં 3થી 5 ટકાનું ગાબડું પડવાની ધારણા મૂકી રહ્યા છે.
ટીસીએસ, ઇન્ફોસિસ, વિપ્રો, એચસીએલ ટેક્નોલોજી અને કોગ્નિઝન્ટના સ્ટાફના ખર્ચમાં તોતિંગ વધઆરો થઈ જવાની સંભાવના છે. તેની સીધી અસર તેમના નફાના માર્જિન પર પડવાની છે. એક અંદાજ મુજબ ટીસીએસનો સંપૂર્ણ વાર્ષિક નફો ધોવાઈ જવાની સંભાવના રહેલી છે. નવી રિક્રૂટમેન્ટ કરતાં તેમણે પાંચવાર વિચાર કરવો પડશે.
કોસ્ટ વધી જવાને પરિણામે આ કંપનીઓએ તેમના ચાલુ પ્રોજેક્ટ પડતા મૂકવાની પણ નોબત આવી શકે છે. હવે અમેરિકાની કંપનીઓ આ કોસ્ટમાંથી કેટલી કોસ્ટ પોતાને માથે લઈ લેવા અને કોસ્ટમાં વધારો કરવાની કેટલી તક ભારતીય કંપનીઓને આપે છે તેના પર પણ તેમના શેર્સના ભાવના વધારા કે ઘટાડાનો આધાર રહેલો છે. બીજા શબ્દોમાં કહીએ તો ટૂંકા ગાળા માટે સેન્ટિમેન્ટ નેગેટીવ છે. લાંબે ગાળે કે મધ્યમગાળામાં ભારતીય કંપનીઓ અને વિદેશી કંપનીઓ વચ્ચે કયા લેવલે સમાધાન થાય છે તેના પર જ શેર્સના ભાવ પર પડનારી અસરનો અંદાજ આવશે.


