• 24 October, 2026 - 8:56 AM

RBIના ફોરેક્સ નિયમોના ૨૩ દિવસ પછી પણ અસમંજસમાં, સ્પષ્ટતાના અભાવથી નિકાસકારો તકલીફમાં

રીઝર્વ બેન્કના ફોરેક્સ નિયમોના ૨૩ દિવસ પછી પણ અસમંજસમાં, સ્પષ્ટતાના અભાવથી નિકાસકારો તકલીફમાં: સેવા નિકાસકારો અને ફ્રીલાન્સર્સ મૂંઝવણમાં, બેંકો પાસે સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજરનો અભાવ

ભારતીય રિઝર્વ બેન્કના ફોરેન એક્સચેન્જ મેનેજમેન્ટ સંબંધિત નવા નિયમો લાગુ થયાને ૨૩ દિવસ વીતી ગયા હોવા છતાં, દેશના વ્યક્તિગત સેવા નિકાસકારો, કન્સલ્ટન્ટ્સ અને ફ્રીલાન્સર્સ ભારે તકલીફ અને અસ્પષ્ટતાનો સામનો કરી રહ્યા છે, કારણ કે આરબીઆઈ તરફથી કોઈ લેખિત સ્પષ્ટતા ન હોવાને કારણે અલગ-અલગ ઓથોરાઇઝ્ડ ડીલર્સ અને બેંકો મનસ્વી રીતે અને પરસ્પર વિરોધાભાસી રીતે નિયમોનું અર્થઘટન કરી રહ્યા છે.  બેન્ક ખાતાઓમાં વિદેશથી આવતી કમાણીના માટે ચાર સ્પ્રિડશીટ ધરાવતું જટિલ એક્સપોર્ટ ડિલેરેશન ફોર્મ ભરવું કે નહીં તે અંગે સેવા નિકાસકારો મોટી દ્વિધામાં મુકાયા છે.

નિયમ અને ગવર્નરના નિવેદન વચ્ચેનો વિરોધાભાસ

પહેલી ઓક્ટોબર ૨૦૨૬થી લાગુ થયેલા નવા માળખા અનુસાર વિદેશથી નાણાં મેળવતા તમામ નિકાસકારોએ એક્સપોર્ટ ડિલેરેશન ફોર્મ-ઈડીએફ ભરવું જરૂરી છે. જોકે, ઓક્ટોબરની મોનેટરી પોલિસી બાદ આરબીઆઈ ગવર્નરે એવા સંકેત આપ્યા હતા કે અંગત સ્વરૂપના એટલે કે Personal Natureના ટ્રાન્ઝેક્શન કરતા વ્યક્તિગત યુઝર્સને આ ફોર્મ ભરવામાંથી મુક્તિ મળશે. પરંતુ બેંકો પાસે આ અંગે કોઈ લેખિત પરિપત્ર ન હોવાથી તેઓ દરેક નિકાસકાર પાસે આ જટિલ ફોર્મ ભરાવવાનો આગ્રહ રાખી રહી છે.

સોશિયલ મીડિયા પર વાયરલ થયેલો કિસ્સો

આ અસમંજસ ત્યારે સામે આવી જ્યારે જાણીતા માર્કેટર રમેશ શ્રીવત્સે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘X’ પર પોસ્ટ કરી કે તેમની બેંકે કન્સલ્ટિંગ સેવાઓ માટે વિદેશથી આવેલા નાણાં માટે ૪ સ્પ્રિડશીટનું જટિલએક્સપોર્ટ ડિલેરેશન ફોર્મ-ઈડીએફ ફોર્મ ભરવા કહ્યું છે. તેમની આ પોસ્ટ વાયરલ થયા બાદ અનેક ફ્રીલાન્સર્સે આવી જ તકલીફ વ્યક્ત કરી હતી. જોકે, વિવાદ વધતાં બેંકે પાછળથી તેમને ફોર્મ ભરવામાંથી છૂટ આપી હતી.

૯૦માંથી માત્ર બે જ બેંકોએ SOP જાહેર કરી

આરબીઆઈએ તમામ એડી બેંકોને નવા રિપોર્ટિંગ ફ્રેમવર્ક માટે ‘સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજર’ જાહેર કરવા નિર્દેશ આપ્યો હતો. પરંતુ ફોરેન એક્સચેન્જ ડીલર્સ એસોસિએશન ઓફ ઇન્ડિયાની વેબસાઇટના વિશ્લેષણ મુજબ તેને માટેની નિશ્ચિત યાદીમાં સામેલ ૯૦ બેંકોમાંથી માત્ર ૨ બેંકોએ જ પોતાની સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજરની વિગતો પ્રકાશિત કરી છે.

દરેક બેંકોનું અલગ-અલગ વલણ

અધિકૃત બેંકોમાં કોઈ એકસરખી નીતિ નથી. એક ખાનગી બેન્ક વ્યક્તિગત સેવા નિકાસકારો પાસેથી એક્સપોર્ટ ડિલેરેશન ફોર્મ-ઈડીએફનો આગ્રહ રાખતી નથી. જ્યારે બીજી ખાનગી બેન્ક સાવચેતીના ભાગરૂપે બિઝનેસ રજિસ્ટ્રેશન હોય કે ન હોય, તમામ સેવા નિકાસકારોને એક્સપોર્ટ ડિલેરેશન ફોર્મ-ઈડીએફ મોકલી રહી છે.

નિષ્ણાતોનો અભિપ્રાય અને આગળનો રસ્તો

ક્રોસ-બોર્ડર પેમેન્ટ્સ પ્લેટફોર્મ સ્કાયડોના નિષ્ણાતોનું કહેવું છે કે પહેલી ઓક્ટોબરથી કસ્ટમર સપોર્ટ ક્વેરીઝમાં ભારે ઉછાળો આવ્યો છે. બેંકો આશા રાખી રહી છે કે આરબીઆઈ આગામી ૧ થી ૨ સપ્તાહમાં આ અંગે વારંવાર પૂછાતા પ્રશ્નોના સંદર્ભમાં વાસ્તવિક સ્થિતિ શું છે તે જાહેર કરશે, જેથી સ્વિફ્ટ સિવાયની ચેનલ્સ અને વ્યક્તિગત છૂટ અંગે સ્પષ્ટતા મળશે. બીજીતરફ રીઝર્વ બેન્કના ગવર્નરનું નિવેદન માત્ર એક ઈરાદો દર્શાવે છે. જ્યાં સુધી આરબીઆઈ સત્તાવાર નોટિફિકેશન કે વારંવાર પૂછાતા પ્રશ્નો અને તેના ખુલાસા કરતાં જવાબો  બહાર ન પાડે, ત્યાં સુધી બેંકો કાયદાકીય પાલન માટે દરેક પાસે એક્સપોર્ટ ડિલેરેશન ફોર્મ-ઈડીએફ માંગવાનું ચાલુ રાખી શકે છે. હાલના તબક્કે, વિદેશી ક્લાયન્ટ્સ પાસેથી કામ મેળવતા ભારતીય કન્સલ્ટન્ટ્સ અને ફ્રીલાન્સર્સ સંપૂર્ણપણે પોતપોતાની બેંકોના માર્ગદર્શન પર નિર્ભર છે.

સોફ્ટવેર એક્સપોર્ટ, ફ્રીલાન્સર્સ અને ડિજિટલ માર્કેટર્સ માટે CRAF અને BRCનું મહત્વ

ભારતમાંથી વિદેશી ક્લાયન્ટ્સ માટે કામ કરતા સોફ્ટવેર એજિનિયર્સ, ડિજિટલ માર્કેટર્સ, કન્ટેન્ટ રાઇટર્સ અને ફ્રીલાન્સર્સ માટે વિદેશથી નાણાં મેળવતી વખતે માત્ર પેમેન્ટ આવી જવું પૂરતું નથી, પરંતુ ટેકનિકલ અને કાયદાકીય દૃષ્ટિએ CRAF અને BRC ખૂબ જ મહત્વપૂર્ણ દસ્તાવેજો છે.

CRAF અને BRC એટલે શું?

१. BRC (Bank Realisation Certificate – બેંક રિલાઇઝેશન સર્ટિફિકેટ)

જ્યારે તમે વિદેશી ક્લાયન્ટને કોઈ સેવા (જેમ કે સોફ્ટવેર ડેવલપમેન્ટ કે ડિજિટલ માર્કેટિંગ) પૂરી પાડો છો અને તેના બદલામાં વિદેશથી વિદેશી ચલણ તમારા ભારતીય બેંક ખાતામાં આવે છે, ત્યારે તમારી બેંક તમને એક સર્ટિફિકેટ આપે છે કે “આ નાણાં ખરેખર વિદેશથી નિકાસના બદલામાં આવ્યા છે.” આને બીઆરસી કહેવામાં આવે છે. જીએસટીમાં રિફંડ મેળવવા માટે, ઇન્કમ ટેક્સમાં એક્સપોર્ટ બેનિફિટ્સ મેળવવા માટે અને સરકાર સમક્ષ નિકાસનો પુરાવો રજૂ કરવા માટે બીઆરસી અનિવાર્ય છે.

ક્રોસ બોર્ડર રેમિટન્સ રિપોર્ટિંગ ફ્રેમવર્ક

વિદેશથી આવતા નાણાં કયા હેતુ માટે આવ્યા છે, કઈ સેવાના બદલામાં આવ્યા છે અને તેના કાયદાકીય નિયમોનું પાલન થયું છે કે નહીં તેની ઓનલાઈન નોંધણી અને રિપોર્ટિંગ કરવાની સિસ્ટમને ક્રોસ બોર્ડર રેમિટન્સ ફંડ તરીકે ઓળખાવવામાં આવે છે. એક્સપોર્ટ ડિલેરેશન ફોર્મ-ઈડીએફની માફક ક્રોસ બોર્ડર રેમિટન્સ પણ એક્સપોર્ટ ડિલેરેશન ફોર્મ-ઈડીએફ જેવું રિપોર્ટિંગનું એક માળખું જ છે. 

ફ્રીલાન્સર્સ અને સોફ્ટવેર એક્સપોર્ટર્સ પર તેની કેવી અસર પડે છે?

અગાઉ ફ્રીલાન્સર્સ માટે વિદેશથી પેમેન્ટ લેવું ઘણું સરળ હતું. પરંતુ નવા નિયમો અને  એક્સપોર્ટ ડિલેરેશન ફોર્મ-ઈડીએફ તથા ક્રોસ બોર્ડર રેમિટન્સ રિપોર્ટિંગ ફ્રેમવર્ક માટેના આગ્રહને કારણે હવે નાની રકમ માટે પણ બેંકો દ્વારા વિગતવાર માહિતી માંગવામાં આવે છે. બીજું, સોફ્ટવેર એક્સપોર્ટ અને ડિજિટલ માર્કેટિંગ મોટેભાગે ‘ઝીરો-રેટેડ સપ્લાય’ ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ હેઠળ આવે છે. જો બેંકમાંથી સમયસર બોર્ડર રેમિટન્સ સર્ટિફિકેટ ન મળે, તો જીએસટી ઓથોરિટીઝ રિફંડ અટકાવી શકે છે. ત્રીજું, વર્કિંગ કેપિટલ અને સમયનો બગાડ થાય છે. જ્યાં સુધી બેંકો પાસે આ અંગે સ્પષ્ટ ‘સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજર’ નહીં આવે, ત્યાં સુધી ફ્રીલાન્સર્સે દર વખતે બેંકના ધક્કા ખાવા પડશે અથવા ક્વેરીઝના જવાબ આપવા પડશે, જેનાથી તેમનો પ્રોડક્ટિવ ટાઈમ બગડે છે.

મુશ્કેલીમાંથી બહાર નીકળવા માટે શું કરવું જોઈએ?

પેમેન્ટ ગેટવેનો સહારો લઈ શકાય છે. પે પાલ, પેયોનિયર, સ્કાયડો કે સ્ટ્રાઈપ જેવા ક્રોસ-બોર્ડર પ્લેટફોર્મ્સનો ઉપયોગ કરવો જોઈએ. તેનો ઉપયોગ કરવાથી ઓટોમેટિક બોર્ડર રેમિટન્સ સર્ટિફિકેટ અને કમ્પ્લાયન્સ ડેટા જનરેટ કરવામાં મદદ કરે છે. ટેક્સ અને એક્સપોર્ટ કમ્પ્લાયન્સ માટે તમારા ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ સાથે ચર્ચા કરીને ફોરેન ઇન્વર્ડ રેમિટન્સ સર્ટિફિકેટ-ફાયર અને બોર્ડર રેમિટન્સ સર્ટિફિકેટ ની નિયમિત નોંધ રાખવી પણ ખૂબ જ મહત્વની છે. બેંકો જ્યારે સત્તાવાર વારંવાર પૂછાતા સવાલો અંગેના લેખિત ખુલાસાઓ કરતા જવાબો બહાર પાડે ત્યારે તમારા યુઝર પ્રોફાઇલને અપડેટ કરી લેવું જોઈએ.

Read Previous

જિયો પ્લેટફોર્મના લિસ્ટિંગમાં 20 ટકાથી વધુનો લાભ થવાની સંભાવના

Read Next

સેબીએ રિસર્ચ એનાલિસ્ટ્સ માટે કોલ રેકોર્ડિંગના નિયમો સરળ કર્યાઃ એનાલિસ્ટ્સ અને રોકાણકારો પર શું અસર પડશે?

Most Popular