ભ્રષ્ટાચારીઓ સાવધાન: અપ્રમાણસર સંપત્તિ કેસમાં અમદાવાદનાં એક્સાઇઝ ઇન્સ્પેક્ટરને 5 વર્ષની સજા, પત્નીને પણ કેદ
સીબીઆઈની એક ખાસ કોર્ટે સેન્ટ્રલ એક્સાઇઝ એન્ડ સર્વિસ ટેક્સ વિભાગના ઇન્સ્પેક્ટર કૌશિક અનવંતરાય કરેલિયાને અપ્રમાણસર સંપત્તિ કેસમાં પાંચ વર્ષની સખત કેદની સજા ફટકારી છે. તેમને 63 લાખનો દંડ પણ ફટકારવામાં આવ્યો છે. તેમની પત્ની પૂજા કારેલિયાને ગુનામાં મદદ કરવા અને પ્રોત્સાહન આપવા બદલ એક વર્ષની જેલ અને 50,000નો દંડ ફટકારવામાં આવ્યો છે.
ભ્રષ્ટાચાર અને અપ્રમાણસર મિલકત ભેગી કરતા સરકારી અધિકારીઓ માટે અમદાવાદની સિટી સિવિલ એન્ડ સેશન્સ કોર્ટે એક લાલબત્તી સમાન ચુકાદો આપ્યો છે. કેન્દ્રીય એક્સાઇઝ અને સર્વિસ ટેક્સ વિભાગના એક ઇન્સ્પેક્ટરને કોર્ટે કડક સજા ફટકારીને સમાજમાં દાખલો બેસાડ્યો છે.
આ કેસની વિગત એવી છે કે, વર્ષ 2013માં સેન્ટ્રલ એક્સાઇઝ અને સર્વિસ ટેક્સ ઇન્સ્પેક્ટર કૌશિક કાલેરીયા વિરુદ્ધ અપ્રમાણસર મિલકતનો ગુનો સીબીઆઇ (CBI) માં નોંધાયો હતો. તપાસ દરમિયાન સામે આવ્યું હતું કે, જ્યારે તેઓ કંડલા SEZ માં પ્રિવેન્ટીંગ ઓફિસર તરીકે કાર્યરત હતા, ત્યારે તેમણે પોતાની કાયદેસરની આવક કરતા અનેકગણી વધુ સંપત્તિ ભેગી કરી હતી.
CBI ની તપાસમાં ચોંકાવનારા ખુલાસા થયા હતા. આરોપી કૌશિક કાલેરીયા પાસેથી 57.60 લાખની અપ્રમાણસર મિલકત મળી આવી હતી. તપાસમાં સાબિત થયું હતું કે આ મિલકત તેમની કાયદેસરની આવક કરતા 183 ટકા વધારે હતી.
અમદાવાદની સિટી સિવિલ એન્ડ સેશન્સ કોર્ટે આ કેસમાં મુખ્ય આરોપી (કૌશિક કાલેરીયા): 5 વર્ષની સખત જેલની સજા અને 63 લાખનો દંડ ફટકાર્યો છે. નોંધનીય છે કે કોર્ટે ઝડપાયેલી મિલકત (57.60 લાખ) કરતા પણ વધુ દંડ ફટકારીને કડક આર્થિક ફટકો માર્યો છે.
પત્નીને પણ સજા
આ ગુનામાં સહાયતા કરવા બદલ આરોપીની પત્નીને પણ દોષિત ઠેરવવામાં આવી છે. તેમને એક વર્ષની સજા અને 50,000નો દંડ ફટકારવામાં આવ્યો છે.
આ ચુકાદો એવા અધિકારીઓ માટે ચેતવણી સમાન છે જેઓ હોદ્દાનો દુરુપયોગ કરી અપ્રમાણસર સંપત્તિ વસાવે છે. કોર્ટે સ્પષ્ટ કર્યું છે કે ભ્રષ્ટાચારના કેસમાં માત્ર જેલ જ નહીં, પરંતુ ગેરકાયદે કમાણી કરતા પણ વધુ દંડ ભોગવવાની તૈયારી રાખવી પડશે.



