• 30 October, 2026 - 9:52 AM

પહેલી જાન્યુઆરીથી ઇ-કોમર્સના નવા નિયમો લાગુ પડશે, છુપા ચાર્જ વિદાય લેશે

પહેલી જાન્યુઆરીથી ઇ-કોમર્સના નવા નિયમો લાગુ પડશે, છુપા ચાર્જ વિદાય લેશેઃ
ડાર્ક પેટર્ન, ભ્રામક લિસ્ટિંગ અને છુપાયેલા ચાર્જ પર લગામ કસવામાં આવશે
અમદાવાદઃ કેન્દ્ર સરકારે ઓનલાઇન પ્લેટફોર્મ પર ગ્રાહક ફરિયાદો, સર્ચ રેન્કિંગ, સ્પોન્સર્ડ લિસ્ટિંગ, ડિસ્કાઉન્ટ, ડાર્ક પેટર્ન, સેલરની માહિતી અને ગ્રાહકના ડેટાના ઉપયોગ અંગેના નિયમો કડક બનાવ્યા છે. ગ્રાહક બાબતોના વિભાગે ઈ-કોમર્સ (સંશોધન) નિયમો, ૨૦૨૬ બહાર પાડ્યા છે, જે ૧ જાન્યુઆરી ૨૦૨૭થી લાગુ થશે. આ નિયમો ગ્રાહક સુરક્ષા મજબૂત કરવા અને ઈ-કોમર્સ ક્ષેત્રે પારદર્શિતા લાવવા માટે બનાવવામાં આવ્યા છે.
નેશનલ કન્ઝ્યુમર હેલ્પલાઇન: દરેક ઈ-કોમર્સ કંપનીએ નેશનલ કન્ઝ્યુમર હેલ્પલાઈન સાથે જોડાણ કરવું ફરજિયાત બનશે, જેથી ફરિયાદોનું ઝડપી નિવારણ થઈ શકે. ૨૦૨૫માં નેશનલ કન્ઝ્યુરમ હેલ્પલાઈનને મળેલી ફરિયાદોમાંથી ૨૯ ટકા ઈ-કોમર્સ ક્ષેત્રની હતી.
સર્ચ રિઝલ્ટમાં ચેડાં પર પ્રતિબંધ: પ્લેટફોર્મ ગ્રાહકોને ભ્રામક માહિતી આપીને કે સ્વાર્થ માટે સર્ચ રિઝલ્ટ બદલી શકશે નહીં. સ્પોન્સર્ડ (પેઇડ) લિસ્ટિંગને સ્પષ્ટ રીતે અલગ દર્શાવવું પડશે.
ડિસ્કાઉન્ટ અને ભાવ ઘટાડાના નવા નિયમો: હવેથી ડિસ્કાઉન્ટ સાથે પ્રોડક્ટનો પાછલા ૩૦ દિવસનો સૌથી ઓછો ભાવ દર્શાવવો પડશે, જેથી બોગસ ડિસ્કાઉન્ટ આપી ન શકાય.
ડાર્ક પેટર્ન પર વાર્ષિક તપાસ: ગ્રાહકોને ભ્રમિત કરતી ડાર્ક પેટર્ન અટકાવવા માટે કંપનીઓએ દર વર્ષે સેલ્ફ-ઓડિટ કરીને તેનું પ્રમાણપત્ર વેબસાઇટ પર મૂકવું પડશે.પ્રોડક્ટ અને સેલરની પૂરી વિગત: એક્સપાયરી ડેટ, રિટર્ન-રિફંડ પોલિસી, વોરંટી અને વિદેશી માલ માટે ઇમ્પોર્ટર તથા દેશનું નામ દર્શાવવું ફરજિયાત છે. ગ્રાહકની મંજૂરી વગર તેના ડેટાનો ઉપયોગ કરી શકાશે નહીં.
છુપાયેલા અને વધારાના ચાર્જ પર રોક: પ્લેટફોર્મ સેવાઓ સાથે અનિચ્છનીય કે બિનજરૂરી વધારાના ચાર્જ (બંડલ્ડ ફી) વસૂલી શકશે નહીં.
ફરિયાદની કોપી: ગ્રાહક જ્યારે ફરિયાદ નોંધાવશે ત્યારે ગ્રીવન્સ ઓફિસરે તેની રેકોર્ડ કરેલી નકલ ગ્રાહકને પણ આપવાની રહેશે.
અમદાવાદના ઇલેક્ટ્રોનિક માર્કેટના એસોસિયેશનના પ્રમુખ મેઘરાજ ડોડવાણીનું કહેવું છે કે અમે પહેલા ઈ-કોમર્સના પ્લેટફોર્મ પર અમારી વસ્તુઓ વેચવા મૂકતા હતા. તેમાં અમારી પાસે ટેક્સ, સર્વિસ ચાર્જ અને ગુડ્સ રિટર્ન ચાર્જને નામે એટલી બધી રકમ ઈ-કોમર્સ કંપનીઓ પડાવી લેતી હતી કે અમે આપેલા માલની મુદ્દલ પણ અમને મળતી નહોતી. બીજીતરફ ઇ-કોમર્સ છૂટક દુકાનદારોના ધંધાને ખાઈ જઈ રહ્યો છે. તેના પર ચોક્કસ નિયંત્રણો આપવા જરૂરી બની ગયા છે.
ડાર્ક પેટર્ન એટલે વેબસાઈટ અથવા મોબાઈલ એપમાં વપરાતી એક એવી ચાલાકી કે યુક્તિ, જેના દ્વારા યુઝરને (ગ્રાહકને) છેતરીને અથવા ગેરમાર્ગે દોરીને તેની અનિચ્છા હોવા છતાં તેની પાસે કોઈ કામ કરાવવામાં આવે છે. સરળ શબ્દોમાં કહીએ તો, આ એવી ડિજિટલ ડિઝાઇન હોય છે જે તમારો અનુભવ સરળ બનાવવાને બદલે કંપનીને ફાયદો કરાવવા માટે બનાવવામાં આવે છે. ઉદાહરણ આપીને વાત કરીએ તો તમારી પાસે વધુ પૈસા ખર્ચાવવા, બિનજરૂરી સર્વિસ સબ્સ્ક્રાઇબ કરાવવી કે તમારો પર્સનલ ડેટા મેળવવામાં આવે છે. 
છુપો ખર્ચ: તમે વસ્તુ ખરીદવાની છેલ્લી સ્ક્રીન પર પહોંચો ત્યારે જ અચાનક વધારાની ફી કે ચાર્જ ઉમેરી દેવામાં આવે છે. 
કેન્સલ કરવામાં મુશ્કેલી: કોઈ સર્વિસ કે સબ્સ્ક્રિપ્શન ચાલુ કરવું ખૂબ સરળ હોય, પણ તેને બંધ કરવા માટે અટપટા ઓપ્શન્સ કે કોલ કરવાની ફરજ પાડવામાં આવે છે. 
ખોટી ઉતાવળ ઊભી કરવી: “માત્ર ૧ જ આઇટમ બાકી છે!” અથવા “બીજા ૫ લોકો અત્યારે આ જોઈ રહ્યા છે!” જેવી ખોટી માહિતી બતાવીને ગ્રાહકને ઉતાવળમાં ખરીદી કરવા માટે ગભરાવવામાં આવે છે. 
શરમાવીને હા પડાવવી: જો તમે ડિસ્કાઉન્ટ કે સર્વિસ ના પાડો, તો “ના, મને પૈસા બચાવવા નથી ગમતા” જેવી ગ્રાહકને શરમ અનુભવાય તેવી ભાષા વાપરવામાં આવે છે. 
કાર્ટમાં ચોરીછૂપીથી ઉમેરવું: તમારી પરવાનગી વગર શોપિંગ કાર્ટમાં ઈન્સ્યોરન્સ કે ડોનેશન જેવી વધારાની વસ્તુઓ આપોઆપ ટિક કરીને ઉમેરી દેવામાં આવે છે..
સરકારે કેમ નિયમ બનાવવો પડ્યો?
આ પદ્ધતિઓ ગ્રાહકના માનસશાસ્ત્રનો ગેરફાયદો ઉઠાવે છે. ગ્રાહકો પોતાની મરજી વગર નિર્ણયો લઈ લે છે, તેથી ગ્રાહક સુરક્ષા કાયદા હેઠળ હવે સરકારે ઈ-કોમર્સ પ્લેટફોર્મ્સ પર આ પ્રકારની ચાલાકીઓ કરવા પર પ્રતિબંધ મૂક્યો છે.

Read Previous

ફ્રોડથી બચવા વેપારીઓ ખરીદનારનો જીએસટી નંબર-સોદાની રકમ મહાજને મોકલે

Read Next

આજે શેરબજારમાં શુ કરશો?

Most Popular