રેપો રેટ વધતા હોમલોન-ઔદ્યોગિક લોન મોંઘી થશે, લોનના હપતા વધશે, ઉદ્યોગોના વિસ્તરણ મંદ પડશે
આરબીઆઈના બે પરસ્પર વિરોધી નિર્ણયો: વ્યાજદરમાં વધારો પણ અર્થતંત્રમાં ₹2.5 લાખ કરોડ ઠાલવ્યા – જાણો અર્થતંત્ર પર શું અસર પડશે
ભારતીય રિઝર્વ બેન્કે ઓક્ટોબર ૨૦૨૬ની મોનેટરી પોલિસી કમિટીની બેઠકમાં રેપો રેટ ૨૫ બેઝિસ પોઇન્ટ વધારીને ૫.૫૦ ટકા કરવાની જાહેરાત કરી છે. બીજી તરફ, બેન્કિંગ સિસ્ટમમાં રૂ. ૨.૫ લાખ કરોડની લિક્વિડિટી (રોકડ નાણાં) પણ ઉમેરી છે. આરબીઆઈના આ બેઉ પગલાંથી નાણાકીય બજારોમાં દ્વિધા ઊભી થઈ છે. સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયાના રિસર્ચ રીપોર્ટમાં આ અંગે સવાલ ઉઠાવવામાં આવ્યો છે કે એક તરફ વ્યાજદર વધારીને મોંઘવારી ડામવાનો પ્રયાસ થઈ રહ્યો છે અને બીજી તરફ બેંકોને રોકડ પૂરી પાડવામાં આવી રહી છે. રીઝર્વ બેન્ક ખરેખર શું સંકેત આપવા માગે છે.
આરબીઆઈના બંને નિર્ણયોની કેવી અસર પડી શકે
જે વ્યાજદરે રિઝર્વ બેન્ક દેશની વાણિજ્યિક બેંકોને ધિરાણ (લોન) આપે છે તેને રેપો રેટ કહેવામાં આવે છે. સપ્ટેમ્બર મહિનામાં દેશમાં છૂટક ફુગાવો વધીને ૫.૫૪ ટકા પર પહોંચી ગયો હતો, જે આરબીઆઈની ઉચ્ચતમ મર્યાદા ૬ ટકાની ખૂબ નજીક છે. તેલ અને ખાદ્ય ચીજોના વધતા ભાવને કારણે ફુગાવાને ડામવા માટે આરબીઆઈની તમામ ૬ સભ્યોની કમિટીએ એકમતે રેપો રેટ ૨૫ બેઝિસ પોઈન્ટ- પા ટકા વધારવાનો નિર્ણય લીધો છે. પરિણામે બેંકો માટે ધિરાણ મોંઘું થશે, જેથી હોમ લોન, ઓટો લોન અને પર્સનલ લોનના વ્યાજદરો વધી શકે છે.
સિસ્ટમમાં રૂ. ૨.૫ લાખ કરોડ ઠાલવ્યા
આરબીઆઈએ ૧૯ ઓક્ટોબરથી રેપો ઓપરેશન્સ દ્વારા બેન્કિંગ સિસ્ટમમાં રૂ. ૨.૫ લાખ કરોડની રોકડ ઉમેરી છે. ઓક્ટોબર-નવેમ્બર તહેવારોની સિઝન હોવાથી બજારમાં રોકડની માંગ વધુ હોય છે. તેમ જ બેંકો પાસે ધિરાણ આપવા માટે પૂરતાં નાણાં રહે અને નાણાકીય સ્થિરતા જળવાઈ રહે તે માટે રોકડ રકમ ઉમેરવામાં આવી છે.
બંને પગલાંની દેશના અર્થતંત્ર પર શું અસર પડશે?
| ક્રમ | ક્ષેત્ર / પરિબળ | અર્થતંત્ર પર પડનારી સંભવિત અસર |
| ૧ | મોંઘવારી (Inflation) | રેપો રેટ વધારવાથી બજારમાં માંગ થોડી અંકુશમાં આવશે, જેનાથી મોંઘવારી ડામવામાં મદદ મળશે. આરબીઆઈએ ચાલુ નાણાકીય વર્ષ માટે ફુગાવાનો અંદાજ ૫ ટકાથી વધારીને ૫.૨ ટકા કર્યો છે. |
| ૨ | ધિરાણ અને લોન (Loans & EMIs) | હોમ લોન, કાર લોન અને બિઝનેસ લોન લેનારા ગ્રાહકો માટે EMI માં વધારો થઈ શકે છે, કારણ કે બેંકો પોતાના ધિરાણ દર (Lending Rates) માં વધારો કરશે. |
| ૩ | બેન્કિંગ અને લિક્વિડિટી (Liquidity) | રૂ.૨.૫ લાખ કરોડ ઉમેરવાને કારણે બેંકો પાસે નાણાંની તંગી નહીં સર્જાય. તહેવારોમાં અને ઉદ્યોગોને લોન આપવા માટે બેંકો પાસે પૂરતી રોકડ ઉપલબ્ધ રહેશે. |
| ૪ | સરકારી બોન્ડ યીલ્ડ (Bond Yields) | SBI રિસર્ચના જણાવ્યા મુજબ, સરકારી બોન્ડ યીલ્ડ ઘટીને નીચે આવવાની શક્યતા ઓછી છે અને તે ૭.૬ ટકાના ઊંચા સ્તરે જળવાઈ રહેશે. આનાથી સરકાર માટે પણ દેવું લેવાનો ખર્ચ ઊંચો રહેશે. |
| ૫ | આર્થિક વિકાસ (Economic Growth) | વ્યાજદર વધારવાથી આર્થિક વિકાસ દર (GDP Growth) ધીમો પડી શકે છે. તેથી જ આરબીઆઈ કમિટીના કેટલાક સભ્યોએ ભવિષ્યમાં આક્રમક રીતે વ્યાજદર વધારવા સામે ચેતવણી આપી છે. |
બજારમાં દ્વિધા કેમ છે?
SBI રિસર્ચ અહેવાલ મુજબ, જ્યારે મધ્યસ્થ બેન્ક વ્યાજદર વધારે છે, ત્યારે સામાન્ય રીતે તે બજારમાંથી રોકડ ખેંચી લે છે જેથી ફુગાવો ઘટે છે. પરંતુ અહીં વ્યાજદર વધારવાની સાથે સાથે રૂ. ૨.૫ લાખ કરોડ બજારમાં મૂકવામાં આવ્યા છે. આનાથી નાણાકીય બજારમાં અનિશ્ચિતતા ઊભી થાય છે કે આરબીઆઈ ફુગાવો અટકાવવા માંગે છે કે પછી આર્થિક વૃદ્ધિ અને રોકડ સપોર્ટને પ્રાથમિકતા આપી રહી છે.
લોનના ઉદાહરણો અને EMI માં થનારો અંદાજિત વધારો
રેપો રેટમાં ૨૫ બેઝિસ પોઇન્ટ (૦.૨૫%)ના વધારા બાદ હોમ લોન ધારકો પર આ પ્રમાણેની અસર પડી શકે છે. અહીં રૂ. ૩૦ લાખ, રૂ. ૫૦ લાખ અને રૂ. ૭૫ લાખ ની લોનના અલગ-અલગ ઉદાહરણો આપવામાં આવ્યા છે. ધારણા મુજબ: જૂનો વ્યાજદર ૮.૫૦ ટકા હતો, જે ૦.૨૫ ટકા વધીને ૮.૭૫ ટકા થયો છે. તમામ લોન 20 વર્ષના સમયગાળા માટે લીધેલી છે.
| લોનની રકમ (Loan Amount) | જૂનો વ્યાજદર (8.50 ટકા) પર EMI | નવો વ્યાજદર (8.75 ટકા) પર EMI | માસિક EMI માં વધારો | ૨૦ વર્ષમાં ચૂકવવાપાત્ર વધારાનું કુલ વ્યાજ |
| રૂ. ૩૦ લાખ | રૂ. ૨૫,૯૯૪ | રૂ. ૨૬,૪૯૫ | + રૂ. ૫૦૧ / મહિને | રૂ. ૧.૨૦ લાખ |
| ₹ ૫૦ લાખ | રૂ. ૪૩,૩૯૧ | રૂ. ૪૪,૨૨૫ | રૂ.૮૩૪ / મહિને | રૂ. ૨.૦૦ લાખ |
| ₹ ૭૫ લાખ | રૂ. ૬૫,૦૮૬ | રૂ.૬૬,૩૩૭ | રૂ. ૧,૨૫૧ / મહિને | રૂ.૩.૦૦ લાખ |
તમે માસિક હપતા ન વધારવા માંગો તો શું થશે?
જો કોઈ ગ્રાહક પોતાનો માસિક હપપો યથાવત રાખવા માંગે છે, તો બેન્ક તેના લોનના સમયગાળામાં હપતાની સંખ્યા વધારી દે છે.
-
ઉદાહરણ: રૂ.૫૦ લાખની ૨૦ વર્ષ-૨૪૦ મહિનાની હોમ લોન પર જો હપતો રૂ. ૪૩,૩૯૧ જ રાખવામાં આવે, તો ૦.૨૫ ટકા વ્યાજદર વધવાને કારણે લોનના આશરે ૭ થી ૮ વધારાના હપતા વધી શકે છે. એટલે કે, ૨૪૦ મહિનાની લોન પૂરી થતાં હવે આશરે ૨૪૭ થી ૨૪૮ મહિના લાગી શકે છે.
બોજ ઓછો કરવા માટે શું કરી શકાય?
જો શક્ય હોય તો દર વર્ષે ૧ કે ૨ વધારાના હપતા જેટલી રકમનું પ્રી-પેમેન્ટ કરીને લોનની રકમમાં થતા વધારાને સીમિત કરી શકાય છે. જો બીજી કોઈ બેન્ક રિડ્યુસ્ડ સ્પ્રિડ કે સસ્તો વ્યાજદર ઓફર કરતી હોય, તો લોન ટ્રાન્સફરનો વિકલ્પ વિચારી શકાય છે. જોકે તેમાં લોન ટ્રાન્સફર કરવાનો ખર્ચ પણ આવી શકે છે.
વ્યાજદરમાં કેટલો વધારો થઈ શકે?
આરબીઆઈએ રેપો રેટ ૫.૫૦ ટકા કર્યો હોવાથી, જે ગ્રાહકોની હોમ લોન EBLR (External Benchmark Lending Rate) અથવા RLLR (Repo Linked Lending Rate)સાથે જોડાયેલી હોવાથી બેન્કો અને હાઉસિંગ ફાઇનાન્સ કંપનીઓ તેમના વ્યાજદરમાં સીધો ૦.૨૫% (૨૫ bps) થી લઈને ૦.૩૦% સુધીનો વધારો કરશે. બેંકો તેમના ફંડના ખર્ચને સરભર કરવા માટે રેપો રેટના આ વધારાને તરત જ ગ્રાહકોની લોન પર પાસ-ઓન કરે છે. ફુગાવાને કાબૂમાં લેવા માટે આરબીઆઈની આ કડક મોનેટરી પોલીસીની આ સીધી કિંમત છે.
ઔદ્યોગિક અને કોર્પોરેટ લોન પર અસર
ઉદ્યોગો અને કંપનીઓ દ્વારા લેવાતી કાર્યકારી મૂડી માટેની લોન, ટર્મ લોન અને પ્રોજેક્ટ લોન મોંઘી બનશે. મોટા ભાગની કોર્પોરેટ લોન બેન્કોના MCLR- માર્જિનલ કોસ્ટ ઓફ ફંડ બેઝ્ડ લેન્ડિંગ રેટ અથવા માર્કેટ-લિંકડ રેટ્સ પર આધારિત હોય છે, જે વ્યાજદર વધારા સાથે ક્રમશઃ ઉપર જાય છે. પરિણામે પ્રોજેક્ટ કોસ્ટમાં વધારો થાય છે. ઉદ્યોગોને નવું વિસ્તરણ કરવા કે ફેક્ટરી સ્થાપવા માટે બેંકો પાસેથી વધુ વ્યાજે નાણાં મળશે, જેનાથી તેમના નવા પ્રોજેક્ટ્સનો ખર્ચ વધી જશે. બીજું, કંપનીઓ જ્યારે ઓવરડ્રાફ્ટ કે કેશ ક્રેડિટ પર વધુ વ્યાજ ચૂકવશે, ત્યારે તૈયાર થતી વસ્તુઓ અને સેવાનો ખર્ચ વધશે, જે આડકતરી રીતે મોંઘવારીમાં વધારો કરી શકે છે. ત્રીજું, ઉદ્યોગો માટે લોન મોંઘી થવાથી તેઓ મૂડીરોકાણ થોડું ધીમુ કરી શકે છે, જેનાથી આર્થિક વૃદ્ધિની ગતિ પર થોડી અસ્થાયી અસર પડી શકે છે.

