• 24 October, 2026 - 4:56 PM

શું તમારું આયુષ્ય વધારવું છે? મોડા વૃદ્ધ થવું છે? આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ નવો માર્ગ ચીંધી રહ્યો છે

શું માણસનું આયુષ્ય વધી શકે? આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સની મદદથી તૈયાર કરાયેલી દવાથી ‘ઝોમ્બી કોષો’નો નાશ કરવાનો નવો રસ્તો મળ્યો

કોષો શરીરમાં ઝેરી અને સોજો ઉત્પન્ન કરતા રસાયણો છોડતા હોવાથી હૃદયરોગ, ફેફસાની બીમારી, મગજની નબળાઈ અને કેન્સર જેવી ગંભીર બીમારીઓ થાય છે તેમજ શરીર ઝડપથી વૃદ્ધ થવા લાગે છે

શું મનુષ્ય લાંબા સમય સુધી યુવાન રહી શકે અથવા તેનું આયુષ્ય વધી શકે? સાયન્સ અને બાયોટેકનોલોજીની દુનિયામાં આ સવાલનો સકારાત્મક જવાબ શોધવા માટે અમેરિકાની બાયોટેક કંપની ઇમ્મોર્ટા બાયોએ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સની મદદથી એક મોટી સફળતા મેળવી છે. કંપનીએ સેનોમ્યુન-0257-‘SenoMune-0257’ નામનું એક પ્રોટીન પેપ્ટાઇડ તૈયાર કર્યું છે, જે શરીરમાંથી નકામા અને નુકસાનકારક કોષોને દૂર કરવામાં મદદ કરશે.

‘ઝોમ્બી સેલ્સ’એટલે શું?

આપણા શરીરમાં કાયમ નવા કોષો બને છે અને જૂના કોષો નાશ પામે છે. પરંતુ કેટલીકવાર ડીએનએમાં ખામી સર્જાવાને કારણે કે શારીરિક તણાવને લીધે કેટલાક કોષો વિભાજિત થવાનું (વધવાનું) કાયમ માટે બંધ કરી દે છે, પરંતુ તે મરતા નથી. આવા કોષોને વિજ્ઞાનની ભાષામાં સેલ્યુલર સેનેસન્સ (Cellular Senescence – કાયમી ધોરણે કામ અટકાવી ચૂકેલા કોષો) અથવા તો સામાન્ય ભાષામાં ‘ઝોમ્બી સેલ્સ’ (Zombie Cells) કહેવામાં આવે છે. જેમ મુવીઝમાં ઝોમ્બી જીવતા કે મરેલા નથી હોતા, તેમ આ કોષો નવા નથી બનતા પણ શરીરમાં જ પડ્યા રહે છે. આ કોષો શરીરમાં ઝેરી અને સોજો ઉત્પન્ન કરતા રસાયણો છોડે છે. આના કારણે હૃદયરોગ, ફેફસાની બીમારી, મગજની નબળાઈ (Neurodegeneration), અને કેન્સર (Cancer) જેવી ગંભીર બીમારીઓ થાય છે તેમજ શરીર ઝડપથી વૃદ્ધ થવા લાગે છે.

AI અને ઈમ્યુનિટી (રોગપ્રતિકારક શક્તિ) ની મદદથી બનેલી નવી દવા

ઇમ્મોર્ટા બાયોના પ્રમુખ અને મુખ્ય વૈજ્ઞાનિક ડૉ. થોમસ ઇચિમે (Dr. Thomas Ichim) સોશિયલ મીડિયા પર જાહેરાત કરી હતી કે તેઓએ ઉંમર વધવાની પ્રક્રિયા સામે લડતી પ્રથમ ‘કેન્સર ઈમ્યુનોથેરાપી’ શોધી કાઢી છે, જે એક પેપ્ટાઇડ (Peptide – પ્રોટીનનો નાનો ભાગ) છે.

આ દવા કેવી રીતે કામ કરે છે?

અત્યાર સુધી ‘સિનોલિટિક્સ’(Senolytics-ઝોમ્બી કોષોને સીધા મારતી દવાઓ)નો ઉપયોગ થતો હતો, જે ઘણીવાર સારા કોષોને પણ નુકસાન પહોંચાડતી હતી.પરંતુ SenoMune-0257 નામની આ નવી દવા અલગ રીતે કામ કરે છે:  આ ૯ એમિનો એસિડ (Amino Acids) ધરાવતો એક કૃત્રિમ (Synthetic) મોલેક્યુલ છે, જેને શોધવા માટે AI નો ઉપયોગ કરાયો હતો. આ દવા ઝોમ્બી કોષોને સીધી મારવાને બદલે આપણી પોતાની રોગપ્રતિકારક શક્તિના સાયટોટોક્સિક ટી-સેલ્સ (Cytotoxic T-cells – રોગ સામે લડતા કિલર કોષો) ને સક્રિય કરે છે. આ દવા આપણા શરીરના સૈનિકો (T-cells)ને એ ઓળખવામાં મદદ કરે છે કે કયા કોષો ‘ઝોમ્બી’ બની ગયા છે, જેથી આપણા પોતાના સૈનિકો માત્ર ખરાબ કોષોને જ વીણી-વીણીને મારી નાખે અને સારા કોષો સુરક્ષિત રહે છે.

પ્રયોગશાળાના પરિણામો અને ભવિષ્યની ટ્રાયલ

પ્રયોગશાળા અને પ્રાણીઓ પર કરાયેલા પ્રી-ક્લિનિકલ પરીક્ષણોમાં જોવા મળ્યું છે કે આ થેરાપીથી ઝોમ્બી સેલ્સ દૂર થાય છે અને શારીરિક ક્ષમતા સુધરે છે. કંપની ૨૦૨૬ ના અંત સુધીમાં માણસો પર તેનું પ્રથમ ક્લિનિકલ ટ્રાયલ (Clinical Trial) શરૂ કરવાની તૈયારી કરી રહી છે. આ પેપ્ટાઇડ થેરાપી હોવાથી તેનું ઉત્પાદન સરળ અને પ્રમાણમાં ઓછું ખર્ચાળ રહેશે, જેથી ભવિષ્યમાં તે સામાન્ય દર્દીઓ સુધી પહોંચી શકશે.

શું આનાથી વૃદ્ધાવસ્થા સંપૂર્ણ અટકી જશે?

વૈજ્ઞાનિકો સ્પષ્ટતા કરે છે કે આ કોઈ ‘અમૃત’ અથવા જાદુઈ દવા નથી. મનુષ્યનું વૃદ્ધ થવું એ માત્ર ઝોમ્બી કોષો પર આધારિત નથી. તેમાં ડીએનએનું ડેમેજ થવું, માઇટોકોન્ડ્રિયા એટલે કે કોષનું પાવરહાઉસનું નબળું પડવું જેવા અનેક પરિબળો ભાગ ભજવે છે. તેથી, આ દવા ભવિષ્યમાં ઉંમર સંબંધિત બીમારીઓમાં રાહત આપી શકે છે, પરંતુ તે મનુષ્યનું આયુષ્ય સીધું વધારી જ દેશે તેમ કહેવું હાલ વહેલું ગણાશે. માણસો પર થનારા પરીક્ષણોના આંકડા આવ્યા બાદ જ તેની આખરી અસર જાણી શકાશે.

કુદરતી રીતે ‘ઝોમ્બી કોષો’ ઘટાડવાના વૈજ્ઞાનિક ઉપાયો

કોષીય વૃદ્ધાવસ્થા (Cellular Senescence) અને ઝોમ્બી કોષો માત્ર દવાઓ કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સની થેરાપીથી જ નહીં, પરંતુ ચોક્કસ કુદરતી પ્રક્રિયાઓ અને આહાર પદ્ધતિઓથી પણ ઘટાડી શકાય છે. વિશ્વની અગ્રણી સંશોધન સંસ્થાઓ દ્વારા કરવામાં આવેલા પ્રયોગો અને તેની સંશોધન તારીખો સાથેની વિગતો નીચે મુજબ છે.

ઇન્ટરમાિટન્ટ ફાસ્ટિંગ 

સેલ પ્રેસના અગ્રણી વિજ્ઞાન જર્નલ Cell Metabolism માં ૧૬ જૂન ૨૦૨૧ ના રોજ પ્રકાશિત થયેલા સંશોધન મુજબ, ઉપવાસ (ફાસ્ટિંગ) કરવાથી શરીરમાં ‘ઓટોફેજી’-Autophagy નામની કુદરતી સફાઈ પ્રક્રિયા સક્રિય થાય છે. ઓટોફેજી એટલે શરીરની પોતાની કોષીય સફાઈ સિસ્ટમ. જ્યારે આપણે ૧૪ થી ૧૬ કલાકનો ઉપવાસ કરીએ છીએ, ત્યારે શરીર ઊર્જા માટે બહારથી ખોરાક ન મળવાને કારણે અંદર રહેલા નકામા, ક્ષતિગ્રસ્ત અને ઝોમ્બી કોષોને પોતે જ ખાવાનું (પચાવવાનું) શરૂ કરે છે. જોન્સ હોપકિન્સ યુનિવર્સિટીના રિસર્ચ (ડિસેમ્બર ૨૦૧૯) મુજબ, અઠવાડિયામાં કે રોજબરોજ ૧૬:૮ ના રેશિયોમાં ફાસ્ટિંગ કરવાથી કોષોમાં ઓક્સિડેટિવ સ્ટ્રેસ ઘટે છે અને ઓટોફેજી વધે છે.

  • ૧૬ કલાક ઉપવાસ (ફાસ્ટિંગ): દિવસના ૨૪ કલાકમાંથી સળંગ ૧૬ કલાક સુધી કશું પણ ખાવાનું નથી. આ ગાળામાં માત્ર પાણી, બ્લેક ટી કે મોળી ગ્રીન ટી પી શકાય છે. દિવસના બાકીના આઠ કલાક દરમિયાન જ તમારો દૈનિક આહાર કે ખોરાક લેવાનો રહે છે. આમ જો તમે રાત્રે ૮ વાગ્યે જમી લો છો, તો બીજે દિવસે બપોરે ૧૨ વાગ્યા સુધી કશું ખાવાનું નથી. તેને ૧૬ કલાકનો ઉપવાસ ગણવામાં આવે છે. ત્યારબાદ બપોરે ૧૨ થી રાત્રે ૮ વાગ્યાની વચ્ચે જ તમારે જમવાનું કે નાસ્તો કરવાનો રહેશે. 

કુદરતી ‘ફાઇસેટિન’ અને ‘ક્વેરસેટિન’ આહારમાં ઉપયોગ

અમેરિકાની વિશ્વપ્રસિદ્ધ મેયો ક્લિનિક (Mayo Clinic) અને EBioMedicine (લેન્સેટ ગ્રુપ) માં ૨૯ સપ્ટેમ્બર ૨૦૧૮ ના રોજ પ્રકાશિત થયેલા ક્લિનિકલ સંશોધનમાં સાબિત થયું કે ફળો અને શાકભાજીમાં રહેલા કુદરતી ફ્લેવોનોઇડ્સ (Flavonoids) શક્તિશાળી ‘કુદરતી સિનોલિટિક્સ’ (Natural Senolytics) તરીકે કામ કરે છે.

  • કયા ખોરાકમાં મળે છે?:

    • ફાઇસેટિન (Fisetin): સ્ટ્રોબેરી, સફરજન, પર્સિમોન, અને ડુંગળીમાં વિપુલ પ્રમાણમાં મળે છે. (મેયો ક્લિનિકના રિસર્ચ અનુસાર ફાઇસેટિન ઝોમ્બી કોષોનું પ્રમાણ ઘટાડવામાં સૌથી વધુ અસરકારક કુદરતી ઘટક છે).

    • ક્વેરસેટિન (Quercetin): લીલી ચા (Green Tea), સફરજનની છાલ, લાલ ડુંગળી અને બેરીઝ-બોરમાં જોવા મળે છે. આ કુદરતી તત્વો શરીરમાં જઈને ઝોમ્બી સેલ્સને પોતાની જાતે નાશ પામવાની (Apoptosis) પ્રક્રિયા તરફ દોરી જાય છે, જેનાથી સારા કોષોને નુકસાન થતું નથી.

હાઇ-ઇન્ટેન્સિટી ઇન્ટરવલ ટ્રેનિંગ (HIIT Exercise)

Aging Cell જર્નલમાં ૧૫ ઓગસ્ટ ૨૦૨૦ ના રોજ પ્રકાશિત થયેલા માયો ક્લિનિક અને ઓક્સફોર્ડના સંયુક્ત અભ્યાસ અનુસાર, નિયમિત કસરત કરવાથી પેશીઓ (Tissues) માં ઝોમ્બી સેલ્સ જમા થવાનો દર નોંધપાત્ર રીતે ઘટી જાય છે. જ્યારે આપણે અઠવાડિયામાં ૩ થી ૪ દિવસ ૨૦-૩૦ મિનિટ માટે ઝડપી કસરત (Cardio, HIIT અથવા એરોબિક્સ) કરીએ છીએ, ત્યારે સ્નાયુઓમાંથી ‘માયોકાઇન્સ’ (Myokines) નામના કેમિકલ્સ છૂટા પડે છે. આ રસાયણો ઇમ્યુન સિસ્ટમના NK સેલ્સ (Natural Killer Cells) ને સક્રિય કરે છે, જે ઝોમ્બી સેલ્સને શોધીને તેનો નાશ કરે છે.

ઊંઘ અને કેલરી રિસ્ટ્રિક્શન (Caloric Restriction)

Nature Aging જર્નલમાં ૧૪ જાન્યુઆરી ૨૦૨૨ ના રોજ પ્રકાશિત સંશોધનમાં દર્શાવવામાં આવ્યું હતું કે જે લોકો દૈનિક કેલરીના વપરાશમાં ૧૫ ટકાથી ૨૦ ટકાનો ઘટાડો કરે છે અને ૭ થી ૮ કલાકની ગાઢ ઊંઘ લે છે, તેમના શરીરમાં કોષીય સોજો (Cellular Inflammation – SASP) ખૂબ જ ઓછો ઉત્પન્ન થાય છે. વધુ પડતો ખોરાક અને ઓછી ઊંઘ શરીરમાં ડીએનએ ડેમેજ વધારે છે, જેનાથી ઝોમ્બી સેલ્સ ઝડપથી બને છે. પૂરતી ઊંઘ લેવાથી શરીરમાં કોષીય સમારકામ (DNA Repair Mechanism) કુદરતી રીતે થયા જ કરે છે.

Read Previous

સેબીએ રિસર્ચ એનાલિસ્ટ્સ માટે કોલ રેકોર્ડિંગના નિયમો સરળ કર્યાઃ એનાલિસ્ટ્સ અને રોકાણકારો પર શું અસર પડશે?

Read Next

જામનગરથી વોશિંગ્ટન: ભારત કેવી રીતે બન્યું વિશ્વનું ‘રિફાઇનિંગ સુપરપાવર’

Most Popular