• 24 October, 2026 - 4:09 PM

જામનગરથી વોશિંગ્ટન: ભારત કેવી રીતે બન્યું વિશ્વનું ‘રિફાઇનિંગ સુપરપાવર’

જામનગરથી વોશિંગ્ટન: ભારત કેવી રીતે બન્યું વિશ્વનું ‘રિફાઇનિંગ સુપરપાવર’

તાજેતરમાં યુએસ સેક્રેટરી ઓફ સ્ટેટ માર્કો રુબિયો અને એમ્બેસેડર સેર્ગીયો ગોરની જામનગરમાં આવેલી રિલાયન્સની રિફાઇનરી ટાઉનશીપની મુલાકાતે ભારતીય રાજકારણ અને મીડિયામાં મોટી ચર્ચા જગાવી છે. દિલ્હી કે બેંગલુરુ જેવા મેટ્રો શહેરોના બદલે ગુજ૨ાતના જામનગરની મુલાકાત લેવી અને રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ (અંબાણી) સાથે વેનેઝુએલાના ક્રૂડ ઓઇલ (કચા તેલ) અંગે ચર્ચા કરવી, આ પગલાએ દેશમાં શંકા, આશંકા અને રાજકીય વિવાદોને જન્મ આપ્યો છે.

પરંતુ આ મુલાકાત પાછળનું સાચું ગણિત ભારતની વધતી જતી સર્વગ્રાહી રાષ્ટ્રીય શક્તિ અને વિશ્વમાં ભારતનું રિફાઇનિંગ ક્ષેત્રે વર્ચસ્વ દર્શાવે છે. ભારત પાસે પોતાના પૂરતા હાઇડ્રોકાર્બન કે તેલના કુદરતી ભંડારો નથી. સ્વ. ધીરુભાઈ અંબાણીના દૂરંદેશી વિઝનને કારણે ભારતે વિશ્વમાં અન્ય દેશો દ્વારા જમીન કે સમુદ્રમાંથી બહાર કાઢવામાં આવતા કચા તેલને મોટા પાયે ‘રિફાઇન’ (શુદ્ધ) કરવાનું શરૂ કર્યું. વૈશ્વિક સ્તરે ઊર્જાનો વપરાશ વધી રહ્યો હતો પરંતુ રિફાઇનિંગ ક્ષમતા વધી નહોતી. ભારતે આ ખાલી જગ્યા પૂરી કરી. જામનગર રિફાઇનરી વિશ્વની એવી જટિલ રિફાઇનરીઓમાંની એક છે જે વેનેઝુએલાના સૌથી અઘરા અને મીણ યુક્ત ક્રૂડ ઓઇલને પણ પ્રોસેસ કરીને પ્રીમિયમ ફ્યુઅલમાં બદલી શકે છે. જેમ બેંગલુરુની આઈટી ઇન્ડસ્ટ્રી બંધ પડે તો વિશ્વ અટકી જાય, તેમ ભારતની રિફાઇનિંગ ક્ષમતા આજે વૈશ્વિક ઉર્જા સુરક્ષા માટે અનિવાર્ય બની ગઈ છે.

અમેરિકાની જરૂરિયાત: વ્યૂહાત્મક, રાજકીય અને આર્થિક ગણિત

અમેરિકા દ્વારા ભારત અને અંબાણીને વેનેઝુએલાનું ઓઇલ ખરીદવાનો આગ્રહ કરવા પાછળ ૩ મુખ્ય કારણો છે: એક, વેનેઝુએલા વિશ્વમાં સૌથી વધુ ક્રૂડ તેલનો ભંડાર ધરાવે છે. ત્યાં સત્તાપરિવર્તન બાદ અમેરિકા વેસ્ટર્ન હેમિસ્ફિયરમાં પોતાના આર્થિક હિતો મજબૂત કરવા માંગે છે. બે, ઈરાન અને મધ્ય-પૂર્વમાં વધી રહેલા તણાવ વચ્ચે વૈશ્વિક બજારમાં તેલનો પુરવઠો વધારવો જરૂરી છે જેથી વૈશ્વિક સ્તરે તેલના ભાવ નિયંત્રણમાં રહી શકે છે. ત્રણ, અમેરિકાની પોતાની હેવી-ક્રૂડ રિફાઇનરીઓ સમય જતાં બંધ થઈ ગઈ છે, કારણ કે અમેરિકન અર્થતંત્ર ટેકનોલોજી, ફાયનાન્સ અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ તરફ વળી ગયું છે. અમેરિકામાં મોંઘવારી અને પેટ્રોલ-ડીઝલના ભાવ ઘટાડવા માટે તેમને વધુ શુદ્ધ બળતણની જરૂર છે, જે માત્ર ભારત પૂરી પાડી શકે છે. ઉપરાંત, રશિયા પાસેથી ભારતની તેલ ખરીદીમાં કોઈ મોટા ઘટાડાની શક્યતા નથી, જેથી આ બાબત માત્ર રાજદ્વારી કે ધમકીભરી નથી પરંતુ પરસ્પર આર્થિક હિતો પર આધારિત છે.

 ભારતીય રાજકારણમાં રહેલો ‘એન્ટિ-અમેરિકનિઝમ’ અને ‘કાર્પોરેટ વિરોધ’

ભૂતકાળમાં વિદેશી નેતાઓ ઇન્ફોસિસ કે ટેક કેમ્પસની મુલાકાત લેતા ત્યારે દેશમાં ગૌરવની લાગણી થતી હતી. પરંતુ જ્યારે અંબાણી, અદાણી કે ટાટા જેવા ઉદ્યોગપતિઓને વિદેશી પ્રતિનિધિઓ મળે છે ત્યારે શંકા કેમ સેવાઈ રહી છે? ભારતીય રાજકારણમાં (પછી તે ડાબેરી હોય, જમણેરી હોય કે મધ્યમ માર્ગી) ૧૯૭૧ના સમયથી ચાલી આવતો અમેરિકા પ્રત્યેનો અવિશ્વાસ હજુ પણ ઊંડે સુધી ઘર કરી ગયો છે. નેહરુ-ઇંદિરા યુગમાં “બિરલા-ટાટા” અને આજના સમયમાં “અંબાણી-અદાણી” ને માત્ર નફો કમાતા ઉદ્યોગપતિ તરીકે જોવાની જે સમાજવાદી માનસિકતા છે, તે દેશના હિતને નુકસાન પહોંચાડે છે. રાજીવ ગાંધીએ ૧૯૮૫માં ટેક્સાસ ઇન્સ્ટ્રુમેન્ટ્સ અને જનરલ ઇલેક્ટ્રિક (GE) જેવી અમેરિકી કંપનીઓને ભારતમાં લાવીને જ દેશમાં આઈટી ક્રાંતિનો પાયો નાખ્યો હતો. તે જ રીતે, ભારતીય ઉદ્યોગપતિઓ દેશના નિર્માતા (Nation Builders) છે.

આગળનો રસ્તો અને નિષ્કર્ષ

ભારતે પોતાના રાષ્ટ્રીય હિતોને પ્રાધાન્ય આપીને એન્ટી-અમેરિકનિઝમ અને ઉદ્યોગ સાહસિકો પ્રત્યેના પૂર્વગ્રહમાંથી બહાર આવવું પડશે. ભારતે જામનગર જેવી વધુ રિફાઇનરીઓ પૂર્વ કિનારે સ્થાપવી જોઈએ, જે સ્મોલ મોડ્યુલર રિએક્ટર્સ અને તેમાંય ખાસ કરીને પરમાણુ ઉર્જા સાથે કનેક્ટેડ હોય તેવી રિફાઈનરીઓ સ્થાપવી જોઈએ. ભારત પાસે અંબાણી, ટાટા, અદાણી, બિરલા, જિંદાલ અને મિત્તલ જેવા ઉદ્યોગપતિઓની સંખ્યા વધવી જોઈએ જેથી દેશ ગ્લોબલ મેન્યુફેક્ચરિંગ, સ્ટીલ, આઈટી અને એનર્જી હબ બની શકે છે. 

Read Previous

શું તમારું આયુષ્ય વધારવું છે? મોડા વૃદ્ધ થવું છે? આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ નવો માર્ગ ચીંધી રહ્યો છે

Read Next

ઇન્સાઇડર ટ્રેડિંગથી નાના અને સામાન્ય રોકાણકારોના ખિસ્સા પર ફેરવવામાં આવી રહેલી કાતર

Most Popular