દેશમાં સાયબર હુમલા વધતાં સાયબર ઇન્સ્યોરન્સની માગમાં ઉછાળો, સાયબર ઇન્સ્યોરન્સ લેનારા વધી રહ્યા છે
દેશમાં સાયબર હુમલા વધતાં સાયબર ઇન્સ્યોરન્સની માગમાં ઉછાળો, સાયબર ઇન્સ્યોરન્સ લેનારાઓ વધી રહ્યા છે
ડિજિટલ ક્રાંતિની સાથે ભારતમાં ક્રિટીકલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને સોફ્ટવેર ખામીઓનો લાભ ઉઠાવીને થતા સાયબર હુમલામાં ચિંતાજનક વધારો થયો છે. ગ્લોબલ લેવલે ૭૦ ટકા વેબસાઇટ્સ જે ભાષા પર નિર્ભર છે તે પીએચપી-પર્સનલ હોમ પેજની ખામી અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (એજન્ટ્સ દ્વારા થતા હુમલાના કારણે ભારત સહિત વિશ્વભરમાં સાયબર સુરક્ષા સામે સવાલો ઊભા થયા છે. વર્ષ ૨૦૨૫ માં સર્ટ-ઈન (ઇન્ડિયન કોમ્પ્યુટર ઇમરજન્સી રિસ્પોન્સ ટીમ) દ્વારા ૨૯.૪૪ લાખથી વધુ સાયબર ઇન્સિડન્ટ્સ હેન્ડલ કરવામાં આવ્યા હતા. આ સ્થિતિમાં ભારતમાં કંપનીઓ માટે સાયબર ઇન્સ્યોરન્સ હવે મરજિયાતમાંથી એક અત્યંત આવશ્યક સાધન બની રહ્યું છે.
ઇન્સ્યોરન્સ કવરેજ સાઇઝમાં મોટો વધારો
વીમા ઉદ્યોગોના કદ અને જોખમના આધારે કંપનીઓ દ્વારા લેવાતા સાયબર કવરેજના કદમાં સ્પષ્ટ વધારો જોવા મળી રહ્યો છે. પાંચ વર્ષ પહેલાં જ્યાં કવરેજ સિંગલ ડાઉન/મિલિયન ડોલરમાં લેવાતું હતું, ત્યાં આજે ભારતીય મોટી લિસ્ટેડ કોર્પોરેટ કંપનીઓ $૧૦ થી $૫૦ મિલિયન (અંદાજે ₹૮૩ કરોડ થી ₹૪૧૫ કરોડ) અને તેથી વધુનું કવરેજ ખરીદી રહી છે. મોટા બૅન્કિંગ અને નાણાકીય જૂથો પોતાનું એક્સપોઝર જોઈને $૫૦ થી $૧૦૦ મિલિયન કે તેથી વધુનું કવરેજ માંગી રહ્યા છે.
BFSI અને ફાઇનાન્શિયલ સેક્ટર પર સૌથી વધુ જોખમ
બેન્કિંગ, ફાઇનાન્શિયલ સર્વિસિસ અને ઇન્સ્યોરન્સ-બીએફએસઆઈ સેક્ટર પર ગ્લોબલ એવરેજ કરતાં ૧.૬ ગણા વધુ સાયબર હુમલા થાય છે. ૨૦૨૧ થી ૨૦૨૫ વચ્ચે નોંધાયેલી ઘટનાઓ બે ગણાથી વધુ વધી છે. સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા (SBI) ના આશરે ૩,૭૫,૦૦૦ રેકોર્ડ્સ ડાર્ક વેબ પર ઉપલબ્ધ થયા હોવાની માહિતી સામે આવી હતી. આ ઉપરાંત તાજેતરના વર્ષોમાં બેન્ક ઓફ બરોડા, આઈસીઆઈસીઆઈ બેન્ક અને સ્ટાર હેલ્થ ઇન્સ્યોરન્સ પણ સાયબર અને રેન્સમવેરના જોખમનો સામનો કરી ચૂક્યા છે.
ભારતીય સાયબર ઇન્સ્યોરન્સ માર્કેટની વર્તમાન સ્થિતિ
ભારતમાં જનરલ ઇન્સ્યોરન્સ ઇન્ડસ્ટ્રી રૂ. ૩ લાખ કરોડથી વધુની છે, જ્યારે સાયબર ઇન્સ્યોરન્સનું પ્રીમિયમ હાલ માત્ર રૂ. ૯૦૦ થી ૧,૧૦૦ કરોડ ($૬૫-$૭૦ મિલિયનની આસપાસ છે. વૈશ્વિક સ્તરે સાયબર ઇન્સ્યોરન્સનું માર્કેટ $૧૪ થી $૧૬ બિલિયનનું છે, જેમાં ભારતનો હિસ્સો ૧% ટકા કરતાં પણ ઓછો છે. ભારતીય સાયબર ઇન્સ્યોરન્સ માર્કેટ વાર્ષિક ૨૫ ટકાથી ૩૦ ટકાના દરે વધી રહ્યું છે. સૌથી વધુ પ્રીમિયમ બીએફએસઆઈ, ટેકનોલોજી, ટેલિકોમ, હેલ્થકેર અને ઈ-કોમર્સ ક્ષેત્ર દ્વારા ચૂકવવામાં આવે છે.
પોલિસી લેતી વખતે ધ્યાનમાં રાખવા જેવા મુદ્દા અને અંકુશના ઉપાયો
વીમા કંપનીઓ હવે અંડરરાઇટિંગ (પોલિસી આપવા) બાબતે વધુ કડક બની રહી છે. કંપનીઓએ સાયબર ફ્રોડ, રેન્સમવેર અને બિઝનેસ ઈન્ટરપ્શન (કામગીરી અટકી જવી) અંગે પોતાની પોલિસી કવરેજને બરાબર સમજવી પડશે. કંપનીઓએ પોલિસી લેતી વખતે એક્સક્લુઝન્સ (જે પોલિસીમાં કવર ન થતું હોય), સબ-લિમિટ્સ, વેઇટિંગ પીરિયડ, સાયબર ફ્રોડ નોટિફિકેશન અને થર્ડ-પાર્ટી વેન્ડરથી થતા જોખમોનું ઝીણવટપૂર્વક મૂલ્યાંકન કરવું જોઈએ. માત્ર મોટી કંપનીઓ જ નહીં, પરંતુ વ્યક્તિગત ગ્રાહકો પણ ઓનલાઇન ફ્રોડ અને ફિશિંગ એટેકથી બચવા માટે રિયાક્ટિવને બદલે પ્રોએક્ટિવ બનીને સાયબર કવર લઈ રહ્યા છે.
ભારતમાં ગવર્નન્સ અને કાનૂની નિયમો જેવા કે CERT-In ની માર્ગદર્શિકા, RBIનું સાયબર સિક્યોરિટી ફ્રેમવર્ક અને DPDP Act (ડિજિટલ પર્સનલ ડેટા પ્રોટેક્શન એક્ટ)ના કારણે સાયબર ઇન્સ્યોરન્સની માંગ બોર્ડરૂમ સુધી પહોંચી ગઈ છે. આજના સમયે નાની અને મધ્યમ કક્ષાની કંપનીઓ (MSME & SMEs) માં આ ઇન્સ્યોરન્સ અંગે જાગૃતિ લાવીને બજારનો વ્યાપ વધારવાની મોટી તક રહેલી છે.
વ્યક્તિગત સાયબર ફ્રોડ વીમો (Personal Cyber Insurance)
ભારતમાં છૂટક/વ્યક્તિગત સાયબર વીમો આપતી મુખ્ય સામાન્ય વીમા કંપનીઓમાં બજાજ એલાયંઝ, જનરલ ઇન્સ્યોરન્સ, એચડીએફસી એર્ગો, આઇસીઆઇસીઆઇ લોમ્બાર્ડ અને યુનિવર્સલ સોમ્પોનો સમાવેશ થાય છે. આ પોલિસીઓનું નિયમન IRDAI (ઇન્સ્યોરન્સ રેગ્યુલેટરી એન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા) ની માર્ગદર્શિકા હેઠળ થાય છે.
વ્યક્તિગત સાયબર વીમાનું પ્રીમિયમ તમે પસંદ કરેલી વીમા રકમ કવર કરવામાં આવતા ઉપકરણોની સંખ્યા અને પસંદ કરેલા રિસ્ક કવરેજ (દા.ત. યુપીઆઇ/ક્રેડિટ કાર્ડ ફ્રોડ, સોશિયલ મીડિયા હેકિંગ, કાનૂની ખર્ચ) પર આધારિત હોય છે.
તેના પ્રીમિયમ પર 18 ટકા જીએસટી લાગે છે. આ જીએસટી સિવાયના અંદાજિત વાર્ષિક પ્રીમિયમનું પત્રક નીચે મુજબ છે.
| વીમાની રકમ / કવરેજ (Sum Insured) | અંદાજિત વાર્ષિક પ્રીમિયમ (Annual Premium) | મુખ્ય કવરેજનો સમાવેશ (Risk Covered) |
| રૂ. ૫૦,૦૦૦ | રૂ. ૩૫૦ થી રૂ. ૫૦૦ / વર્ષ | યુપીઆઇ ફ્રોડ, ઓનલાઇન શોપિંગ સ્કેમ, ફિશિંગ એટેક |
| રૂ. ૧,૦૦૦૦૦ (૧ લાખ) | રૂ. ૬૫૦ થી રૂ. ૯૦૦ / વર્ષ | ઓનલાઇન બેન્કિંગ ફ્રોડ, ક્રેડિટ/ડેબિટ કાર્ડ ડેટા ચોરી, યુપીઆઇ સાયબર ફ્રોડ |
| રૂ. ૫,૦૦૦૦૦ (૫ લાખ) | રૂ. ૧,૫૦૦ થી રૂ. ૨,૨૦૦ / વર્ષ | સાયબર એક્સટોર્શન (રેન્સમવેર), આઇડેન્ટિટી થેફ્ટ, કાનૂની સલાહ ખર્ચ, સોશિયલ મીડિયા હેકિંગ |
| રૂ. ૧૦,૦૦૦૦૦ (૧૦ લાખ) | રૂ. ૩,૦૦૦ થી રૂ. ૪,૫૦૦ / વર્ષ | સમગ્ર ફેમિલી કવર (અપ ટુ ૪ સભ્યો), આઇટી સપોર્ટ ખર્ચ, સાયબર બુલિંગ કાઉન્સેલિંગ થશે |

