સરકારની ‘RELIEF’ યોજના હેઠળ નિકાસકારોને મળશે 95 ટકા સુધીનું જોખમ કવરેજ મળશે
સરકારની ‘RELIEF’ યોજના હેઠળ નિકાસકારોને મળશે 95 ટકા સુધીનું જોખમ કવરેજ મળશે
નિકાસકારોને દરિયાઈ ભાડાં અને વીમા ખર્ચના બોજમાંથી મળશે મોટી રાહતઃ સરકારે નિકાસકારોને લાભ આપતી ‘RELIEF’ યોજનાના કોમ્પોનન્ટ-ટુની મુદત વધુ છ મહિના લંબાવીને 31 માર્ચ, 2027 સુધી લંબાવી
સરકારે પશ્ચિમ એશિયાના દરિયાઈ માર્ગો પર ચાલુ રહેલી અશાંતિ વચ્ચે ભારતીય નિકાસકારોને મદદ કરવા માટે ‘RELIEF’ (Resilience & Logistics Intervention for Export Facilitation) યોજનાના કોમ્પોનન્ટ-ટુની મુદત વધુ છ મહિના લંબાવીને 31 માર્ચ, 2027 સુધી કરી દીધી છે. પશ્ચિમ એશિયામાં જીઓપોલિટિકલ તણાવને કારણે ફ્રેટ (માલભાડું) અને વીમા પ્રીમિયમમાં થયેલા અસાધારણ વધારા સામે નિકાસકારોને રક્ષણ આપવા આ નિર્ણય લેવાયો છે. આ યોજના હેઠળ પાત્રતા ધરાવતા નિકાસકારોને 95 ટકા સુધીનું રિસ્ક કવરેજ (જોખમ રક્ષણ) મળે છે અને પૂર્વ-અશાંતિના સમયગાળા કરતાં વધી ગયેલા વીમા પ્રીમિયમ સામે પણ સુરક્ષા પૂરી પાડવામાં આવે છે, જેનાથી નિકાસકારોને ભાડાં અને વીમાના સતત વધતા આર્થિક બોજમાંથી કરોડો રૂપિયાની મોટી રાહત મળી શકે છે.
યોજનાના મુખ્ય પાસાઓનું વિશ્લેષણ
આ યોજના વાણિજ્ય મંત્રાલયના ‘એક્સપોર્ટ પ્રમોશન મિશન’નો ભાગ છે, જેનું અમલીકરણ ‘એક્સપોર્ટ ક્રેડિટ ગેરંટી કોર્પોરેશન ઓફ ઈન્ડિયા’ (ECGC) દ્વારા કરવામાં આવે છે. 16 માર્ચ, 2026 કે ત્યાર પછી મેળવેલી ‘સ્ટેન્ડઅલોન’ અને ‘હોલ-ટર્નઓવર’ ECGC પૉલિસીઓ આ યોજના હેઠળ પાત્ર છે. ફૂલ કન્ટેનર લોડ (FCL), લેસ ધેન કન્ટેનર લોડ (LCL) અને રેફ્રિજરેટેડ કન્ટેનરને આવરી લેવામાં આવ્યા છે. જોકે ઊર્જા-એનર્જી શિપમેન્ટ્સને આમાંથી બાકાત રાખવામાં આવ્યા છે. આ યોજનાનો લાભ મેળવવા માટે નિકાસકારોએ ECGC પોર્ટલ (www.ecgcltd.in) પર જરૂરી દસ્તાવેજો અપલોડ કરવાના રહેશે. નિકાસકારોની સુવિધા માટે ECGC ના યુટ્યુબ ચેનેલ પર વીડિયો ટ્યુટોરીયલ્સ પણ ઉપલબ્ધ કરાવવામાં આવ્યા છે.
નિકાસકારો માટે ફાયદા અને પડકારો
નાણાકીય સ્થિરતા અને જોખમમાં ઘટાડો: 95 ટકા જોખમ કવરેજ મળવાને કારણે જો દરિયાઈ માર્ગો પર યુદ્ધ કે તણાવને કારણે માલને નુકસાન થાય અથવા ડિલિવરીમાં વિલંબ થાય, તો નિકાસકારો મોટું નાણાકીય નુકસાન વેઠવામાંથી બચી જશે. બીજું, પશ્ચિમ એશિયા સંકટને કારણે વીમા કંપનીઓએ ‘વોર રિસ્ક પ્રીમિયમ’ ખૂબ વધારી દીધા હતા. આ યોજના ભૂતકાળના સામાન્ય દરથી ઉપરના વધારાને કવર કરતી હોવાથી નિકાસ ખર્ચ નિયંત્રણમાં રહેશે. ત્રીજું, લોજિસ્ટિક્સ ખર્ચ ઓછો રહેવાથી ભારતીય ઉત્પાદનો આંતરરાષ્ટ્રીય માર્કેટમાં મોંઘા નહીં થાય અને તેમની સ્પર્ધાત્મકતા જળવાઈ રહેશે.
તકલીફો અને વિલંબના કારણો
એક, નાના અને મધ્યમ નિકાસકારો માટે પોર્ટલ પરથી તમામ સપોર્ટિંગ ડોક્યુમેન્ટ્સ સાથે ક્લેમ દાખલ કરવાની પ્રક્રિયા થોડી જટિલ અને સમય માંગી લે તેવી બની શકે છે. બે, ઊર્જા ક્ષેત્રના શિપમેન્ટ્સને આ યોજના બહાર રાખવામાં આવ્યા છે, જેથી એ ક્ષેત્રના વેપારીઓને આ સુરક્ષા કવર મળશે નહીં. ત્રણ, આ યોજનાનો વાસ્તવિક લાભ નિકાસકારો કેટલી ઝડપથી ECGC પૉલિસીઓ લે છે અને તેમાં ભાગ લે છે તેના પર નિર્ભર છે.

