કંપનીઓને વાર્ષિક રિટર્ન ફાઈલ કરવાની મુદત 31મી જાન્યુઆરી 2027 સુધી લંબાવી આપી
કંપનીઓને વાર્ષિક રિટર્ન ફાઈલ કરવાની મુદત 31મી જાન્યુઆરી 2027 સુધી લંબાવી આપી
કોર્પોરેટ બાબતોના મંત્રાલય દ્વારા વાર્ષિક રિટર્ન અને ફાઇનાન્શિયલ સ્ટેટમેન્ટ્સ ભરવામાં વધારાની ફીમાંથી મોટી રાહત
મિનિસ્ટ્રી ઓફ કોર્પોરેટ અફેર્સ (MCA)એ એક પરિપત્ર બહાર પાડીને ભારતમાં નોંધાયેલી તમામ પ્રાઇવેટ લિમિટેડ કંપનીઓ, પબ્લિક લિમિટેડ કંપનીઓ, એનબીએફસી તથા કોર્પોરેટ બિઝનેસ ક્લાસને નાણાકીય વર્ષ ૨૦૨૫-૨૬ ના વાર્ષિક હિસાબો અને રિટર્ન ફાઇલ કરવા માટેની છેલ્લી તારીખ 31મી જાન્યુઆરી 2027 સુધી લંબાવી આપી છે. આમ સમયમર્યાદા લંબાવવાને કારણે બિઝનેસમેન અને કંપનીઓ કોઈપણ પ્રકારની વધારાની પેનલ્ટી કે એડિશનલ ફી ચૂકવ્યા વગર ટેક્સ અને કાયદાકીય પાલન સરળતાથી પૂરું કરી શકશે. આમ કંપનીઓને મોટી રાહત આપવામાં આવી છે.
સરકારે લીધેલો મુખ્ય નિર્ણય અને એક્સટેન્શનની મુદત
કોર્પોરેટ બાબતોના મંત્રાલય (MCA) ના ૨૪ ઓક્ટોબર ૨૦૨૬ ના પરિપત્રમાં જણાવ્યા અનુસાર કંપનીઓએ તેમના નાણાંકીય હિસાબો અને સરવૈયાઓની વિગતો ફોર્મ એઓસી-4માં આપવાની હોય છે. તેની સાથે જ નાણાકીય વર્ષ 2025-26ના વર્ષ માટે વિવિધ AOC-4 ફોર્મ્સ ભરવાની અંતિમ તારીખ વધારીને ૩૧ ડિસેમ્બર ૨૦૨૬ કરવામાં આવી છે.
તેમ જ વાર્ષિક રિટર્ન ફાઇલ કરવાની અંતિમ તારીખ વધારીને ૩૧મી જાન્યુઆરી ૨૦२૭ સુધી કરવામાં આવી છે. આ સમયગાળા દરમિયાન કોઈ જ વધારાની ફી લેવામાં આવશે નહીં. આ પરિપત્ર માત્ર ફોર્મ ભરવાની ફી અને સમયમર્યાદા માટે છે. વાર્ષિક સામાન્ય સભા યોજવાની મુદતમાં કોઈ વધારો કરવામાં આવ્યો નથી.
ફોર્મ AOC-4 માં કઈ વિગતો માંગવામાં આવે છે?
કંપનીના વાર્ષિક હિસાબો રજૂ કરવા માટે વપરાતા AOC-4 ફોર્મમાં સામાન્ય રીતે નીચે મુજબની મહત્વપૂર્ણ વિગતો માંગવામાં આવે છે: તેમાં કંપનીનું બેલેન્સ શીટ અને નાણાકીય વર્ષનું પ્રોફિટ એન્ડ લોસ અકાઉન્ટની વિગતો આપવી પડે છે. બીજું, ડિરેક્ટરોનો વાર્ષિક અહેવાલ અને ઓડિટરનો અહેવાલ પણ તેની સાથે જ રજૂ કરવાનો હોય છે. ત્રણ, કંપનીની કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબિલિટી અંગેની પ્રવૃત્તિઓ અને તેની વિગતો પણ તેની સાથે જ રજૂ કરવાની હોય છે. ચાર, કંપનીના શેરહોલ્ડિંગ પેટર્ન, સંબંધિત પક્ષકારો સાથેના વ્યવહારો અને નાણાકીય અનુપાલન સંબંધિત ઘોષણાઓ- જાહેરાતોને લગતી માહિતી પણ પૂરી પાડવાની હોય છે. આ તમામ માહિતી પૂરી પાડવા માટેનો સમયગાળો પણ લંબાવી આપવામાં આવ્યો હોવાનું કંપની સેક્રેટરી હિતેશ બૂચનું કહેવું છે.
