ઓક્ટોબર ૨૦૨૬માં દેશના ગ્રોસ જીએસટી કલેક્શનમાં ૨૨.૯ ટકાનો ઉછાળો

ઓક્ટોબર ૨૦૨૬માં દેશના ગ્રોસ જીએસટી કલેક્શનમાં ૨૨.૯ ટકાનો ઉછાળો
ભારતનું કલેક્શન ₹૨.૩૧ લાખ કરોડ, જ્યારે ગુજરાતનું કલેક્શન ૧૬% વધીને ₹૧૩,૫૧૬ કરોડ નોંધાયું
ભારતની ઓક્ટોબર ૨૦૨૬ની ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સની કુલ આવક રૂ. ૨.૩૧ લાખ કરોડની થઈ છે, જે ઓક્ટોબર 2025ની સરખામણીએ ૨૨.૯ ટકાનો નોંધપાત્ર વધારો દર્શાવે છે. આ જ સમયગાળા દરમિયાન પશ્ચિમ ભારતના ઔદ્યોગિક રીતે અગ્રણી ગુજરાતના ઓક્ટોબર 2026ના જીએસટી કલેક્શનમાં ૧૬ ટકાનો વધારો થયો છે. ગુજરાતની ઓક્ટોબર 2026ની જીએસટીની આવક રૂ. ૧૩,૫૧૬ કરોડ થઈ છે.
ચાલુ નાણાકીય વર્ષના પ્રથમ સાત મહિના એટલે કે એપ્રિલ-ઓક્ટોબર 2026નું ભારતનું જીએસટીનું કલેક્શન રૂ. ૧૪.૭૮ લાખ કરોડ રહ્યું છે, જે વાર્ષિક ધોરણે ૧૩.૨ ટકાનો વૃદ્ધિ દર દર્શાવે છે. ગ્રોસ સ્થાનિક મહેસૂલ ઓક્ટોબરમાં ૧૫.૮ ટકા વધીને રૂ. ૧.૫૯ લાખ કરોડ થયું છે, જ્યારે આયાતમાંથી મળતું મહેસૂલ ૪૨.૨ ટકાના ઉછાળા સાથે રૂ.૭૨,૨૪૬ કરોડ પર પહોંચી ગયું છે.
મહિના દરમિયાન રિફંડ વાર્ષિક ધોરણે ૬.૫ ટકા વધીને રૂ. ૨૭,૯૩૪ કરોડ થયા છે. ઓક્ટોબરના કલેક્શનમાં, સેન્ટ્રલ જીએસટીનો ફાળો રૂ. ૪૨,૯૩૫ કરોડ, સ્ટેટ જીએસટીનો ફાળો રૂ.૫૧,૩૪૦ કરોડ, જ્યારે ઇન્ટીગ્રેટેડ જીએસટી રૂ. ૧.૩૭ લાખ કરોડ રહ્યું છે. રિફંડ એડજસ્ટ કર્યા પછીનું કુલ નેટ જીએસટી મહેસૂલ ૨૫.૬ ટકા વધીને રૂ. ૨.૦૩ લાખ કરોડ થયું છે. નેટ સ્થાનિક મહેસૂલ ૧૬.૪ ટકા વધીને રૂ. ૧.૪૫ લાખ કરોડ થયું છે, જ્યારે આયાતમાંથી મળતું નેટ મહેસૂલ ૫૬.૨ ટકા વધીને રૂ. ૫૮,૩૧૯ કરોડ નોંધાયું છે.
મુખ્ય રાજ્યોમાં, મહારાષ્ટ્રે ઓક્ટોબરમાં રૂ. ૩૫,૧૫૦ કરોડ સાથે સૌથી વધુ જીએસટીની આવક કરી છે, જે ગયા વર્ષના રૂ. ૩૧,૦૧૩ કરોડથી ૧૩ ટકા વધુ છે. કર્ણાટક ૧૮ ટકાના વૃદ્ધિ દર અને રૂ. ૧૫,૯૨૨ કરોડના કલેક્શન સાથે બીજા સ્થાને રહ્યું છે, જ્યારે ગુજરાત રૂ. ૧૩,૫૧૬ કરોડ સાથે ત્રીજા સ્થાને છે. ઉત્તર પ્રદેશમાં ઓક્ટોબરમાં જીએસટી મહેસૂલમાં ૨૪ ટકાનો વધારો નોંધાયો છે અને તે રૂ. ૮,૨૮૩ કરોડથી વધીને રૂ. ૧૦,૨૩૫ કરોડ થયું છે. હરિયાણાનું કલેક્શન ૧૭ ટકા વધીને રૂ. ૧૧,૫૨૯ કરોડ થયું છે, જ્યારે દિલ્હીમાં ૧૦ ટકાના વધારા સાથે રૂ. ૯,૨૯૮ કરોડ નોંધાયા છે. પંજાબનું જીએસટી મહેસૂલ ૨૫% વધીને રૂ. ૨,૮૫૬ કરોડ થયું છે.
મોટા રાજ્યોમાં આસામમાં સૌથી વધુ વૃદ્ધિ જોવા મળી છે, જ્યાં વાર્ષિક ધોરણે જીએસટી કલેક્શન ૪૭% વધીને ₹૧,૩૧૫ કરોડથી ₹૧,૯૩૪ કરોડ પર પહોંચ્યું છે. ઝારખંડમાં ૩૧% ના વધારા સાથે ₹૨,૮૨૧ કરોડ અને મધ્ય પ્રદેશમાં ૨૯% ના વધારા સાથે ₹૩,૭૬૮ કરોડનું કલેક્શન થયું છે.
કેરળમાં જીએસટી મહેસૂલમાં ૨૩ ટકાનો વધારો થતાં રૂ. ૩,૪૮૬ કરોડ નોંધાયા છે, જ્યારે પશ્ચિમ બંગાળનું કલેક્શન ૧૭ ટકા વધીને રૂ. ૬,૦૫૫ કરોડ થયું છે. તેલંગાણામાં ૧૪ ટકાના વધારા સાથે રૂ. ૫,૯૫૮ કરોડ અને આંધ્ર પ્રદેશમાં ૨૪ ટકાના વધારા સાથે રૂ. ૪,૩૦૭ કરોડ આવક થઈ છે. કેટલાક રાજ્યોમાં ઓક્ટોબર દરમિયાન જીએસટી કલેક્શનમાં ઘટાડો પણ જોવા મળ્યો છે. સિક્કિમમાં સૌથી મોટો ૨૮ ટકાનો ઘટાડો થતાં મહેસૂલ રૂ. ૨૨૧ કરોડ રહ્યું છે. લડાખમાં કલેક્શન ૨૦ ટકા ઘટીને રૂ. ૬૩ કરોડ, જ્યારે પુડુચેરીમાં ૭ ટકાનો ઘટાડો નોંધાતા રૂ.૧૭૯ કરોડ રહ્યું છે. હિમાચલ પ્રદેશમાં બે ટકાનો નજીવો ઘટાડો થઈને રૂ. ૭૦૪ કરોડ નોંધાયા છે.
તમિલનાડુનું જીએસટી મહેસૂલ વાર્ષિક ધોરણે ૩ ટકા વધીને રૂ.૧૧,૬૬૧ કરોડ થયું છે, જ્યારે ઓડિશાનું કલેક્શન ૧૦ ટકા વધીને રૂ. ૪,૭૪૪ કરોડ નોંધાયું છે. રાજસ્થાનમાં ૧૬ ટકાના વધારા સાથે રૂ. ૪,૯૩૭ કરોડ અને બિહારના મહેસૂલમાં ૨૪ ટકાના વધારા સાથે રૂ. ૧,૮૨૭ કરોડનું થયું છે.
