• 27 October, 2026 - 2:05 PM

હોસ્પિટલના બિલિંગમાં પારદર્શકતા માટે BIS ધોરણો ફરજિયાત લાગુ કરો

હોસ્પિટલના બિલિંગમાં પારદર્શકતા માટે BIS ધોરણો ફરજિયાત લાગુ કરો

હોસ્પિટલો, ક્લિનિક્સ અને ડાયગ્નોસ્ટિક સેન્ટરોએ દર્દીને આપવાના બિલમાં દરેક ખર્ચનો સ્પષ્ટ ઉલ્લેખ કરવો પડશે. પેકેજમાં કઈ બાબતો સામેલ છે અને કઈ નથી, તે અગાઉથી સ્પષ્ટ જણાવવું પડશે

ભારતમાં દર્દીઓ દ્વારા કરવામાં આવતા આરોગ્યસંભાળ ખર્ચમાં પારદર્શકતા અને સ્પષ્ટતા લાવવા માટે બ્યુરો ઓફ ઇન્ડિયન સ્ટેન્ડર્ડ્સ-BIS દ્વારા તૈયાર કરવામાં આવેલા હોસ્પિટલ બિલિંગના ધોરણો (IS 19493:2025)ને દેશભરમાં ફરજિયાત લાગુ કરવાની માગણી નાગરિક સમાજ સંગઠનો અને નિષ્ણાતો દ્વારા ભારપૂર્વક માંગ કરવામાં આવી રહી છે. વર્ષ 2025ના અંતમાં રજૂ કરાયેલું આ ધોરણ હાલમાં મરજીયાત  છે, જેને ફરજિયાત કાયદાકીય નિયમ બનાવવાની રજૂઆત કરવામાં આવી છે. આ માગણી કરવા પાછળનો મૂળભૂત ઉદ્દેશ હોસ્પિટલ્સને આડેધડ બિલિંગ કરતા રોકવાનો અને દરદીઓના સ્વજનોને ઉઘાડી લૂંટથી પણ બચાવવાનો છે. 

આ નિર્ણય અમલી બનવાથી સામાન્ય લોકો (દર્દીઓ અને તેમના સગાં) ને હોસ્પિટલમાં લેવાતા દરેક ચાર્જ (રૂમ ભાડું, કન્સલ્ટેશન, દવાઓ, સર્જિકલ પ્રક્રિયાઓ)નો આઈટેમાઈઝ્ડ (આઈટમ વાઈઝ) હિસાબ મળશે, જેનાથી અણધાર્યા આર્થિક બોજ અને હોસ્પિટલ-વીમા કંપનીઓ સાથે થતા વિવાદોમાં મોટો ઘટાડો થશે. બીજી તરફ, હોસ્પિટલો અને ક્લિનિક્સ પર બિલિંગ પદ્ધતિને ડિજિટલ તેમજ ભૌતિક રૂપે સમાન  બનાવવાનું કાનૂની દબાણ આવશે અને તેમણે દરોનું બોર્ડ પણ દર્દીઓ જોઈ શકે તે રીતે પ્રદર્શિત કરવું પડશે.

  1. બિલિંગનું ધોરણ IS 19493:2025 અને આઈટેમાઈઝ્ડ બ્રેકડાઉન:

    BIS દ્વારા નિર્ધારિત IS 19493:2025 મુજબ, હોસ્પિટલો, ક્લિનિક્સ અને ડાયગ્નોસ્ટિક સેન્ટરોએ દર્દીને આપવાના બિલમાં દરેક ખર્ચનો સ્પષ્ટ ઉલ્લેખ કરવો પડશે. પેકેજમાં કઈ બાબતો સામેલ છે અને કઈ નથી, તે અગાઉથી સ્પષ્ટ જણાવવું પડશે. આ નિયમ સીધી રીતે ભાવ અટકાવી ન શકે પરંતુ અતિશય અને ગેરવ્યાજબી ચાર્જ વસૂલવાની પદ્ધતિ પર લગામ લગાવશે.

  2. ગ્રીવન્સ રેડ્રેસલ (ફરિયાદ નિવારણ) ધોરણ – IS 16677:

    એઆઈડીએએન (AIDAN) ના સહ-સંયોજક માલિની એસોલાના જણાવ્યા મુજબ વર્ષ 2024માં સુધારેલા BIS ના IS 16677 ધોરણને પણ હોસ્પિટલોમાં લાગુ કરવાની જરૂર છે. હાલમાં હોસ્પિટલોમાં દર્દીઓ માટે ફરિયાદ નિવારણ વ્યવસ્થા કાં તો અસ્તિત્વમાં નથી અથવા દર્દીઓની વિરુદ્ધમાં હોય છે.

  3. રેટ લિસ્ટનું પ્રદર્શન: ક્લિનિકલ એસ્ટેબ્લિશમેન્ટ્સ રૂલ્સ, 2012ના નિયમ 9 મુજબ, દરેક તબીબી સંસ્થાએ પૂરી પાડવામાં આવતી સેવાઓ અને સુવિધાઓના દર સ્થાનિક ભાષા અને અંગ્રેજીમાં સ્પષ્ટ દેખાય તે રીતે દર્શાવવા ફરજિયાત છે.
  4. કેન્દ્રીય આરોગ્ય સચિવનો પત્ર અને રાજ્યોની ભૂમિકા: કેન્દ્રીય આરોગ્ય સચિવ પુણ્ય સલિલા શ્રીવાસ્તવે તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના મુખ્ય સચિવોને પત્ર લખીને હોસ્પિટલોમાં દર પત્રક પ્રદર્શિત થાય તે ચકાસવા સૂચના આપી છે. જોકે, નિષ્ણાતોનું માનવું છે કે માત્ર સલાહ પુરતી નથી; કેન્દ્ર સરકારે દરની રેન્જ નક્કી કરવી પડશે અને કાયદાનું કડક પાલન કરાવવું પડશે.

બ્યુરો ઓફ ઇન્ડિયન સ્ટેન્ડર્ડ્સ (BIS) દ્વારા નિર્ધારિત હોસ્પિટલ બિલિંગના ૧૦ મુખ્ય મુદ્દાઓ

૧. સમાન અને માનક બિલિંગ ફોર્મેટ (IS 19493:2025): બ્યુરો ઓફ ઇન્ડિયન સ્ટેન્ડર્ડ્સ (BIS) દ્વારા હેલ્થકેર સેવસીઝ માટે જારી કરવામાં આવેલા ધોરણ IS 19493:2025 હેઠળ દેશભરની હોસ્પિટલોમાં એકસમાન, સ્પષ્ટ અને સુવાચ્ય બિલિંગ ફોર્મેટ લાગુ કરવા માટેની ભલામણ કરવામાં આવી છે.

૨. આઈટેમાઈઝ્ડ બ્રેકડાઉન (Itemised Breakdown): હોસ્પિટલો, ક્લિનિક્સ અને ડાયગ્નોસ્ટિક સેન્ટરોએ દર્દીને આપવાના બિલમાં દરેક ખર્ચનો અલગ અને સ્પષ્ટ ઉલ્લેખ કરવાનો રહેશે, જેથી તમામ ચાર્જની પારદર્શક માહિતી મળી રહે.

૩. ચોક્કસ કેટેગરી મુજબ ખર્ચનું વર્ગીકરણ: બિલની અંદર રૂમ ભાડું (Room Rent), ડૉક્ટરની વિઝિટ/કન્સલ્ટેશન, પ્રોસિજર્સ, લેબ ટેસ્ટ્સ (Investigations), ફાર્મસી અને અન્ય પરચૂરણ ખર્ચના આંકડા અલગ-અલગ દર્શાવવાના રહેશે.

૪. દવાઓ અને કન્ઝ્યુમેબલ્સની વિગતવાર માહિતી: બિલમાં ઉપયોગમાં લેવાયેલી દવાઓ અને સર્જિકલ કન્ઝ્યુમેબલ્સનું નામ, જથ્થો, એકમ દીઠ કિંમત, બેચ નંબર અને એક્સપાયરી ડેટ જેવી વિગતો સ્પષ્ટપણે દર્શાવવાની રહેશે.

૫. પેકેજની શરતોની સ્પષ્ટતા: જો કોઈ સારવાર પેકેજ અંતર્ગત કરવામાં આવતી હોય, તો તે પેકેજમાં કઈ બાબતો સામેલ છે (Included) અને કઈ બાબતો બાકી કે વધારાની છે (Excluded), તેની સ્પષ્ટતા અગાઉથી જ દર્દીને આપવાની રહેશે.

૬. ડિજિટલ અને ભૌતિક સ્વરૂપની સુસંગતતા: આ ધોરણો મુજબ હોસ્પિટલોએ બિલિંગ પદ્ધતિને ભૌતિક (Physical) તેમજ ડિજિટલ (Digital) એમ બંને પ્રકારે એકસરખી અને પારદર્શક રાખવાની રહેશે.

૭. વીમા અને ચુકવણીની સ્પષ્ટ વિગતો: બિલમાં કુલ રકમ, ડિસ્કાઉન્ટ, લાગુ પડતા ટેક્સ, અગાઉ ચૂકવેલી એડવાન્સ રકમ, ફાઇનલ ચૂકવવાની બાકી રકમ અને ચુકવણીના મોડની સાથે વીમા ક્લેમ મંજૂરી કે સેટલમેન્ટની માહિતી પણ અગાઉથી દર્શાવવાની રહેશે.

૮. સહી અને સત્તાવાર સ્વીકૃતિ: બિલમાં હોસ્પિટલના અધિકૃત હસ્તાક્ષરની સાથેસાથે દર્દી અથવા તેના પરિવારજનની સ્વીકૃતિ (Acknowledgement) માટેનું યોગ્ય સ્થાન હોવું જરૂરી છે, જેથી ભવિષ્યમાં નાણાકીય વિવાદો નિવારી શકાય.

૯. ફરિયાદ નિવારણ વ્યવસ્થા (Grievance Redressal – IS 16677): બિલિંગ કે સારવાર સંબંધિત પારદર્શકતા અને વિવાદોના ઉકેલ માટે BIS ના સંબંધિત ધોરણો (જેમ કે IS 16677) હેઠળ હોસ્પિટલોમાં યોગ્ય અને સક્રિય ફરિયાદ નિવારણ વ્યવસ્થા હોવી અનિવાર્ય છે.

૧૦. દર પત્રકનું જાહેરમાં પ્રદર્શન: ક્લિનિકલ એસ્ટેબ્લિશમેન્ટ્સ રૂલ્સ તેમજ BIS ની માર્ગદર્શિકા અંતર્ગત હોસ્પિટલો અને તબીબી સંસ્થાઓએ પોતાની સેવાઓ અને સુવિધાઓના દર સ્થાનિક ભાષા તથા અંગ્રેજીમાં દર્દીઓ જોઈ શકે તે રીતે પ્રદર્શિત કરવા ફરજિયાત છે.

Read Previous

કેન્સરની દવાઓ પર NPPAના નવા દર નિયંત્રણ બાદ ફાર્મા ક્ષેત્રમાં સંકટ: કંપનીઓનું બહાનું કે વાસ્તવિકતા?

Read Next

આજે શેરબજારમાં શું કરી શકાય?

Most Popular