ઇન્ફોસિસની સ્ક્રિપમાં ઇન્સાઈડર ટ્રેડિંગ થયું હતુંઃ સેબી
- Team Vibrant Udyog
- Dec 15, 2021
- 2 min read

વેનગાર્ડ સાથે 150 કરોડ ડૉલરના થયેલા સોદાની વિગતો જાણી લીધા પછી ઇન્ફોસિસના રામિત ચૌધરીએ તે માહિતી વિપ્રોના કેયૂર મણિયારને આપી અને કેયૂરે એફ એન્ડ ઓમાં મોટા સોદા કર્યા.

ઇન્ફોસિસની સ્ક્રિપમાં ઇન્સાઈડર ટ્રેડિંગ થયું હોવાની વાતને સમર્થન આપતો ઓર્ડર સિક્યોરિટિઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયાએ કર્યો છે. ઇન્ફોસિસ સાથે સંકળાયેલા કર્મચારીએ અને ઇન્ફોસિસ સાથે સંકળાયેલા કર્મચારીના વિપ્રો લિમિટેડમાં કામ કરતાં કર્મચારીએ મળીને ઇન્સાઈડર ટ્રેડિંગ કર્યું હોવાનું જણાવવામાં આવ્યું છે. સેબીના ઓર્ડરમાં જણાવવામાં આવ્યું છે કે રામિત ચૌધરી અને કેયૂર મણિયારે આ કેસની તપાસ પૂર્ણ ન થાય ત્યાં સુધી સિક્યોરિટીઝ માર્કેટમાં સીધા કોઈ જ કામકાજ કરવા જોઈએ નહિ. ગત સપ્ટેમ્બરમાં આપવામાં આવેલા વચગાળાના ઓર્ડરમાં તેમને શેરબજારમાં સીધા કામકાજ કરતાં રોકવાનો અને શેરબજારમાં કામકાજ કરીને ગેરકાયદે કમાયેલા રૂ. 2.62 કરોડ જપ્ત કરી લેવાનો આદેશ આપ્યો હતો. સેબીના તપાસ અહેવાલમાં જણાવવામાં આવ્યું હતું કે રામિત ચૌધરી ઇન્ફોસિસની ગ્રુપ કંપનીના કર્મચારી હતો. તેને ડિજિટલ ટ્રાન્સફોર્મેશન અને બિઝનેસ પ્રોસેસ આઉટ સોર્સિંગ માટે વેનગાર્ડ અને ઇન્ફોસિસ વચ્ચે થયેલા 150 કરોડ ડૉલરના સોદાની જાણકારી હતી. યુઝર પ્રોગ્રામ સ્વિચ ઇન્ડિકેટર-યુપીએસઆઈના માધ્યમથી તેને આ અંગેની જાણકારી મળી હતી. જૂન 29, 2020 અન જુલાઈ 14 2020ના ગાળાની આ માહિતી હતી. રામિત ચૌધરીએ આ માહિતી વિપ્રોના કેયૂર મણિયારને પહોંચાડી દીધી હતી. કેયૂર મણિયાર ભૂતકાળમાં રામિત ચૌધરી સાથે કામ કરતો હતો. આ રીતે ઇન્ફોસિસની સ્ક્રિપમાં સોદા કરવામાં તેણે કેયૂરને મદદ કરી હતી. રામિત ચૌધરી ઇન્ફોસિસમાં સોલ્યુશન ડિઝાઈનના વડા તરીકે કામ કરતો હતો. વેનગાર્ડ સાથે થયેલા અને થનારા સોદા અંગેની જાણકારી સીધી કે આડકતરી રીતે તેની પાસે હતી. તેને યુપીએસઆઈનું એક્સેસ પણ હોવાની અપેક્ષા હતા. પરિણામે ઇન્ફોસિસના શેર્સમાં સોદા વધવા માંડતા સેબીની એલર્ટ સિસ્ટમે એલાર્મ વગાડી દીધું હતું. વેનગાર્ડ સાથે થયેલા મોટી રકમના ડીલના સંદર્ભમાં આ સોદાઓ પડી રહ્યા હોવાનો અંદાજ આવી ગયો હતો. વેનગાર્ડ સાથે વ્યૂહાત્મક ભાગીદારી માટેનો આ સોદો હતો. વેનગાર્ડના સોદા અંગેની જાહેરાત થાય તે અગાઉ જ કેયૂર મણિયારે ઇન્ફોસિસના એફ એન્ડ ઓ- ફ્યુચર એન્ડ ઓપ્શન સેગમેન્ટમાં ટ્રેડિંગ કર્યું હતું. વેનગાર્ડ સાથેના સોદાની જાહેરાત થઈ ગયા બાદ કેયૂર મણિયારે તેની પોઝિશન સરખી કરી લીધી હતી. બીજા શબ્દોમાં કહીએ તો લેવાલી અને વેચવાલીના બધાં જ સોદાઓ સરભર કરી દીધા હતા. આ રીતે ટ્રેડિંગ કરીને તેણે મહત્તમ કમાણી કરી લીધી હતી.
Comments