મ્યુચ્યુઅલ ફંડમાં બોનસ, ડિવિડંડ સ્ટ્રીપિંગની યુક્તિને અસરહીન બનાવી
- Team Vibrant Udyog
- Feb 4, 2022
- 2 min read

નાણાં મંત્રી નિર્મલા સીતારમણે પહેલી ફેબ્રુઆરીએ રજૂ કરેલા બજેટના માધ્યમથી બોનસ અને ડિવિડંડ સ્ટ્રીપિંગને બજેટના માધ્યમથી ગેરકાયદેસર ઠેરવી દેવાનો નિર્ણય કર્યો છે. બજેટના માધ્યમથી રિયલ એસ્ટેટ ઇન્વેસ્ટમેન્ટ ટ્રસ્ટ ફંડ, ઓલ્ટરનેટ ઇન્વેસ્ટમેન્ટ ફંડ, ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઇન્વેસ્ટમેન્ટ ટ્રસ્ટ માટે નવી જોગવાઈ અમલમાં મૂકી દીધી છે. આ માટે કલમ 94માં ફેરફાર કરવામાં આવ્યો છે.
રિયલ એસ્ટેટ ઇન્વેસ્ટમેન્ટ ટ્રસ્ટ ફંડ, ઓલ્ટરનેટ ઇન્વેસ્ટમેન્ટ ફંડ, ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઇન્વેસ્ટમેન્ટ ટ્રસ્ટ માટે નવી જોગવાઈ કરી
બજેટમાં કરવામાં આવેલી નવી જોગવાઈ અંગે સમજૂતી આપતા એડવોકેટ મૃદંગ વકીલનું કહેવું છે કે, "દસ રૂપિયાનું ઇન્વેસ્ટમેન્ટ રિયલ એસ્ટેટ ઇન્વેસ્ટમેન્ટ ટ્રસ્ટ ફંડ કરવામાં આવ્યું હોય અને ત્રણ મહિના બાદ તેનો ભાવ રૂ. 12 થશે ત્યારે મ્યુચ્યુઅલ ફંડ તેના પર રૂ. 3 ડિવિડંડ પેટે આપશે. તેથી ડિવિડન્ડ આપ્યા પછી યુનિટનું મૂલ્ય ફરીથી ત્રણ રૂપિયા ઘટીને રૂ. 9 થઈ જશે. આ તબક્કે તે યુનિટ વેચી દઈને ટૂંકા ગાળામાં તેણે રૂ. 1નો લોસ કર્યો હોવાનું દર્શાવી દે છે. વાસ્તવમાં તેના આ ઇન્વેસ્ટમેન્ટ પર મળેલા ડિવિડંડની ગણતરી કરવામાં આવે તો તેણે રૂ. 1નો લૉસ નહિ, પરંતુ રૂ.2નો નફો કરેલો છે. તેમ છતાંય રૂ. 1ના લૉસને તેઓ અન્ય ઇન્વેસ્ટમેન્ટમાં કેરાલ નફા સામે સેટ ઓફ કરી લે છે. અને ટેક્સ ભરવાની જવાબદારી ઓછી કરી લે છે. પરિણામે સરકારને ટેક્સની આવક ઓછી થાય છે."
ખોટી રીતે લૉસ બતાવી સેટ ઓફ લેવાની યુક્તિ અજમાવતા ઇન્વેસ્ટમેન્ટ ફંડના રોકાણકારો પર બ્રેક લગાવી
નિયમ મુજબ આ રીતે કરેલા ઇન્વેસ્ટમેન્ટ અને તેના વેચાણ પર ઇન્વેસ્ટરે નફો કર્યો હોવાનું ગણાતું નથી. તેથી તેને માથે ટેક્સ ભરવાની કોઈ જ જવાબદારી આવતી નથી. બીજીતરફ મૂડીમાં ઘસારો લાગ્યો હોવાનું તે દર્શાવે છે. તેથી
કેપિટલ ગેઈન ટેક્સની આવક સામે તે લૉસને સેટઓફ કરી લે છે. આમ અત્યાર સુધી જે છીંડાંનો રોકાણકારો લાભ ઊઠાવતા હતા તેને પૂરી દેવાની કવાયત આ જોગવાઈના માધ્યમથી કરવામાં આવી છે.
નાણાં મંત્રી નિર્મલા સીતારમણે મ્યુચ્યુઅલ ફંડ અને ઇન્વેસ્ટર્સની આ યુક્તિ પર પડદો પાડી દીધો છે. આમ રિયલ એસ્ટેટ ઇન્વેસ્ટમેન્ટ ટ્રસ્ટ ફંડ, ઓલ્ટરનેટ ઇન્વેસ્ટમેન્ટ ફંડ, ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઇન્વેસ્ટમેન્ટ ટ્રસ્ટમાં રોકાણ કરનારાઓ ખોટી રીતે લૉસ બતાવીને તે લૉસને નફા સામે સેટઓફ કરી લેવાની યુક્તિનો આશરો લેતા હતા. તેને ટેકનિકલ ભાષામાં ડિવિડંડ અને બોનસ ટ્રિપિંગ તરીકે ઓળખાવવામાં આવે છે. આ છીંડાંને પૂરી દેવા માટે સરકારે કલમ 94માં ફેરફાર કર્યો છે. પહેલી એપ્રિલ 2023થી નવો સુધારો અમલમાં આવશે.
Comments