12 જાન્યુઆરીની બોર્ડની મિટીંગમાં TCS કંપનીના શેર્સ બાયબેક કરે તેવી સંભાવના
- Team Vibrant Udyog
- Jan 8, 2022
- 2 min read

ડિસેમ્બર 2020માં કંપનીએ રૂા. 16000 કરોડના શેર્સ બાયબેક કર્યા હતા
ટાટા કન્સલ્ટન્સી સર્વિસિસના બોર્ડની આગામી 12મી જાન્યુઆરીએ મળનારી બેઠકમાં કંપનીના શેર્સનું બાયબેક કરવાનું આયોજન કરવામાં આવશે તેવું જાણવા મળી રહ્યું છે. આ સાથે જ આ ચોથીવાર કંપની તેના શેર્સ બાયબેક કરે તેવી સંભાવના છે. ડિસેમ્બર 2020ની 18મી ડિસેમ્બરે છેલ્લે કંપનીએ બાયબેક કર્યા હતા. તે વખતે રૂ. 16,000 કરોડના શેર્સ બાયબેક કર્યા હતા. પહેલી જાન્યુઆરી 2021 સુધી બાયબેકની આ સ્કીમ ચાલુ રાખી હતી. આ પૂર્વે 2017 અને 2018માં પણ ટીસીએસએ બાયબેક કર્યા હતા. આમ આ વખતે કંપની ચોથીવાર બાયબેક કરશે.
કંપનીની ભરપાઈ થયેલી મૂડી અને કેશ રિઝર્વ (પડી રહેલી રોકડના)ની બાદબાકી કર્યા પછીના 25 ટકા કે તેનાથી ઓછા મૂલ્યના શેર્સનું કંપની બાયબેક કરી શકે છે. સિક્યોરીટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયાના નિયંત્રણ મુજબ કંપની મહત્તમ 25 ટકા શેર્સ બાયબેક કરી શકે છે. ટીસીએસના મેનેજમેન્ટે ગઈકાલે જ આ બાબતનો નિર્દેશ આપ્યો છે. જોકે બાયબેક અંગેની વધુ વિગતોની ગઈકાલે તેણે જાહેરાત કરી નહોતી.

ટાટા કન્સલ્ટન્સી સર્વિસિસના બોર્ડની મિટિંગ 12મી જાન્યુઆરીએ મળવાની છે. ઓક્ટોબર-ડિસેમ્બર 2021ના ત્રિમાસિક ગાળાના પરિણામોની પણ આ જ દિવસો જાહેરાત કરવામાં આવશે. બોર્ડ મિટીંગમાં શેરહોલ્ડર્સના ત્રીજું વચગાળાનું ડિવિડંડ આપવાની પણ ટીસીએસ જાહેરાત કરે તેવી સંભાવના છે. ઇન્ફોર્મેશન ટેકનોલોજીના ક્ષેત્રની ઇન્ફોસિસ અને વિપ્રો જેવી અન્ય કંપનીઓ તેમના ચોપડામાંથી વધારાની રોકડ વધી જતાં શેર્સ બાયબેક કર્યા હતા. ઇન્ફોસિસે 5.58 કરોડ શેર્સ બાયબેક કર્યા હતા. તેને માટે રૂ. 9200 કરોડનો ખર્ચે બાયબેકની ઓફર મૂકી હતી. વિપ્રોએ પણ જાન્યુઆરી 2020માં રૂ. 9500 કરોડના ખર્ચે બાયબેક કર્યું હતું.
ટીસીએસ 2017ની સાલથી બાયબેક પણ કરે છે અને તેના શેરહોલ્ડર્સને નિયમિત ડિવિડંડ પણ આપે જ છે. ટીસીએસ પાસે સપ્ટેમ્બર 2021ના અંતની સ્થિતિએ અંદાજે રૂ. 48,840 કરોડ જેટલું રિઝર્વ ફંડ અને શેરહોલ્ડર ફંડ રૂ. 99,077 કરોડનું છે. શુક્રવારે બજાર બંધ રહ્યું ત્યારે ટીસીએસનો શેર રૂ.3854.85ના ભાવે બંધ આવ્યો હતો.
コメント