મળો સેંકડો ગુજરાતીઓનું કેનેડા જવાનું સપનું સાકાર કરી આપનાર વિઝા નિષ્ણાંત ભરત પંચાલને
- Team Vibrant Udyog
- Jun 16, 2021
- 4 min read
Updated: Jul 5, 2021
કેનેડા સ્ટુડન્ટ વિઝા પર જવું હોય તો કેટલો ખર્ચ થાય? શું બાળકોને એકલા મોકલવા હોય તો આ દેશ સુરક્ષિત છે? અભ્યાસ પછી કમાણીની તકો કેવી? વિઝા નિષ્ણાંત પાસેથી મેળવો તમારી દરેક મૂંઝવણના જવાબ

કેનેડા, ઑસ્ટ્રેલિયા, ન્યુઝીલેન્ડ કે પછી અમેરિકા, વિશ્વનો ભાગ્યે જ કોઈ એવો દેશ હશે જેમાં ગુજરાતીઓ નહિ વસ્યા હોય. ગુજરાતીઓએ વિશ્વના જુદા જુદા દેશમાં વસીને, આગવી સૂઝબૂઝથી નોકરી, ધંધો કે વેપાર વિકસાવીને નામના કમાઈ છે. પરંતુ વિદેશ જવા માટે વિઝા મેળવવા એ કોઈના પણ માટે લોઢાના ચણા ચાવવા જેવું અઘરું કામ છે. આવા અનેક ગુજરાતીઓને સપનું સાકાર કરવામાં મદદ કરી છે 25 વર્ષથી એજ્યુકેશન ક્ષેત્રે કાર્યશીલ ભરત પંચાલે. ભરત પંચાલનું સચોટ માર્ગદર્શન મળે પછી કેનેડાના સ્ટુડન્ટ કે પી.આર વિઝા મેળવવાના રસ્તે આવતા તમામ વિઘ્નો દૂર થઈ જ જાય છે. એક સમયે અમેરિકા જવા તત્પર ગુજરાતીઓનો ઢોળાવ છેલ્લા થોડા વર્ષથી કેનેડા તરફ વધી ગયો છે. આ પાછળનું કારણ જણાવતા ભરત પંચાલ જણાવે છે કે, "ભણ્યા પછી પી.આર (પરમેનન્ટ રેસિડન્ટ) વિઝા આપતા હોય, ક્રાઈમ રેટ ઓછો હોય અને નોકરી ધંધાની વિપુલ તકો હોય તેવા દેશમાં ભણવા જવાનું કે કાયમી ધોરણે વસવાનું લોકો વધુ પસંદ કરે છે. હાલ કેનેડા, ઓસ્ટ્રેલિયા અને ન્યુઝીલેન્ડ આ ત્રણ શ્રેષ્ઠ દેશો છે જે વિદ્યાર્થીઓને અભ્યાસ બાદ પી.આર વિઝા આપે છે. તેમાંય કેનેડા એકમાત્ર એવો દેશ છે જે અભ્યાસ બાદ સૌથી વધુ ત્રણ વર્ષ માટે વર્ક પરમિટ આપે છે અને આસાનીથી પી.આર પણ આપે છે." આ કારણે વિપુલ સંખ્યામાં ગુજરાતીઓ કેનેડા તરફ આકર્ષાયા છે. કેનેડામાં ગુજરાતીઓની સારી એવી વસ્તી છે. કેનેડામાં વસેલા 20 લાખ ભારતીયોમાંથી 5 લાખ તો ફક્ત ગુજરાતીઓ જ છે. ભારત કરતા વિસ્તારમાં લગભગ અઢી ગણા મોટા આ દેશમાં વસ્તી પાંખી હોવાથી બેરોજગારી નહિંવત્ છે. ઉલ્ટું, આ દેશમાં કુશળતા ધરાવનાર લોકોની તાતી જરૂર છે અને 8 લાખ જેટલી જગ્યા નોકરી માટે ખાલી છે. ત્યાંની સરકારે 130 દેશના લોકો માટે પોતાના દરવાજા ખોલી નાંખ્યા છે. 2020થી 2022 સુધી કેનેડાની સરકાર 10 લાખ લોકોને પી.આર આપવાનો ટાર્ગેટ ધરાવે છે. ત્યાંના પગાર ધોરણ અનુસાર લઘુત્તમ 1 કલાકના 11થી 15 કેનેડિયન ડોલર જેટલું વેતન મળે છે. સ્ટુડન્ટ વિઝા પર જનાર વિદ્યાર્થીઓને ભણવાની સાથે કાયદેસર રીતે અઠવાડિયે 20 કલાક નોકરી કરવાની પરવાનગી મળે છે. કેનેડા જવાનો વિચાર હોય તો 12મા ધોરણના અભ્યાસ પછી જ વિદ્યાર્થીએ આયોજન કરવું જોઈએ તેવી સલાહ વિઝા એક્સપર્ટ ભરત પંચાલ આપે છે. તેઓ કહે છે, " કેનેડામાં એવા ઘણા કોર્સ છે જેમાં ભારતીય વિદ્યાર્થીઓએ ગ્રેજ્યુએશન પૂરું કર્યું હોવા છતાં કેનેડામાં ધોરણ 12 પછીથી જ અભ્યાસ શરૂ કરવો પડતો હોય છે. આથી કૉલેજ પછી પ્લાનિંગ કરવા કરતા અહીં ધોરણ 12નો અભ્યાસ પતે પછી જ કેનેડા જવું હિતાવહ છે." ધોરણ 12 પછી 16-17 વર્ષની દીકરીને એકલી કેનેડા ભણવા મોકલવાની થાય તો કોઈપણ માતા-પિતાને તેની સુરક્ષાની ચિંતા થાય તે સ્વાભાવિક છે. 25 વર્ષના અનુભવી ભરત પંચાલ શંકાનું સમાધાન આપતા કહે છે કે, "કેનેડા સ્ત્રીઓ અને વૃદ્ધો માટે ખૂબ જ સલામત દેશ છે. ત્યાંના કડક કાયદા કાનૂનને કારણે ગુનાના બનાવો બહુ જ ઓછા બને છે. ત્યાં અસલામતી જેવો કોઈ શબ્દ જ અસ્તિત્વમાં નથી." કેનેડા ભણી-ગણીને સ્થાયી થવાનો વિચાર તો ગમી જાય તેવો છે પરંતુ તેની પાછળ ખર્ચ કેટલો થાય એ પ્રશ્ન કોઈના પણ મનમાં ઉદભવે એ સ્વાભાવિક છે. આ અંગે સચોટ માર્ગદર્શન ભરત પંચાલ પાસેથી મળી રહે છે. સ્ટુડન્ટ વિઝા પર કેનેડા જવું હોય તો અંદાજે રૂ. 15થી 16 લાખનો ખર્ચ થાય છે. કોર્સના પ્રકારના આધારે બેન્કમાંથી રૂ. 30 લાખ સુધીની લોન પણ મળે છે. સારી વાત એ છે કે તમારો અભ્યાસ પૂરો થાય પછી 10થી 15 વર્ષના સમયગાળામાં આ લોન પૂરી કરવાની હોય છે જેથી આર્થિક ભારણ લાગતું નથી. 12મા ધોરણમાં 65 ટકાથી વધારે આવ્યા હોય અને પરિવારની આવક રૂ. 4.50 લાખ કરતા ઓછી હોય તેવા વિદ્યાર્થીઓને ગુજરાત સરકાર રૂ. 15 લાખ સુધીની લોન આપે છે. જો કે કેનેડાના પી.આર કે સ્ટુડન્ટ વિઝા મેળવવા માટે અમુક લાયકાત કેળવવી અનિવાર્ય છે. 12મા ધોરણ પછી કેનેડા જવા માટે IELTSના દરેક મોડ્યુલમાં ઓછામાં ઓછા 6 બેન્ડ મેળવવા જરૂરી છે. બેચલર પૂરુ કર્યા પછી કેનેડા જવું હોય તો કુલ 6.5 બેન્ડ અને દરેક મોડ્યુલમાં ઓછામાં ઓછા 6 બેન્ડ મેળવવા આવશ્યક છે. ઘણા વિદ્યાર્થીઓ અંગ્રેજી ન આવડતું હોય તો પણ આડા અવળા રસ્તા અપનાવીને વિદેશ જવા હવાતિયા મારે છે. આવા લોકોને સલાહ આપતા ભરત પંચાલ કહે છે, "અંગ્રેજી ન આવડતું હોય તેવા વિદ્યાર્થીએ વિદેશ જવું ન જોઈએ કારણ કે ત્યાં સારી નોકરી કરવા માટે અંગ્રેજીનું જ્ઞાન જરૂરી છે. IELTS વિના વિદેશ જનાર લોકોને ભાગે ફક્ત મજૂરીનું જ કામ આવે છે. જો પરીક્ષા પાસ કરીને વિદેશ ગયા હશો તો સારી રીતે ભણીને સારી નોકરીની તકો પણ મળશે અને તેના આધારે ભવિષ્યમાં પી.આર પણ મળી શકશે." કેનેડાના પી.આર મેળવ્યા પછી ત્યાં ભણવું વધુ આસાન છે. પી.આર ધરાવનાર લોકોને કોલેજના અભ્યાસ માટે ત્યાંની સરકાર 66 ટકા ફી માફી આપે છે. બાકીની 34 ટકા ફી ભરવા પણ કેનેડા સરકાર વગર વ્યાજે લોન આપે છે જે અભ્યાસ પૂરો થાય પછી અનુકૂળતાએ પરત કરવાના હોય છે. પી.આર મેળવનાર લોકોને કેનેડાની સરકાર એટલા બધા લાભ આપે છે કે કોઈને પણ કેનેડા સ્થાયી થવાનું મન થઈ જાય. ભરત પંચાલ જણાવે છે, "એક વખત પી.આર મળી જાય પછી મેડિકલનો ખર્ચ, બાળકો 12મા ધોરણ સુધી ભણે તેનો ખર્ચ સરકાર ભોગવે છે. તમારે બિઝનેસ શરૂ કરવો હોય તો પણ કેનેડાની સરકાર સારો એવો સપોર્ટ કરે છે અને સામાન્ય વ્યાજે લોન આપે છે." ઓછી વસ્તી, ઉચ્ચ જીવનધોરણ, સારુ શિક્ષણ અને સારી કમાણી. સારુ જીવન જીવવા બીજું શું જોઈએ? આથી જ કેનેડા સ્થાયી થવાનો ક્રેઝ નજીકના ભવિષ્યમાં ઓસરે તેવા કોઈ અણસાર દેખાતા નથી. કેનેડા સ્થાયી થવાનું સપનું જોતા ઉંઝા, વિસનગર, પાટણ, મહેસાણા અને પાલનપુર જેવા નાના શહેરોના અનેક યુવાનોને કેનેડાના વિઝા મેળવવામાં વિઝા એક્સપર્ટ ભરત પંચાલે મદદ કરી છે.
Comments