ઇન્વેસ્ટર્સ મ્યુચ્યુઅલ ફંડના ડાયરેક્ટ પ્લાન ખરીદીને એજન્ટનું કમિશન બચાવી શકશે

ઇન્વેસ્ટર્સ મ્યુચ્યુઅલ ફંડના ડાયરેક્ટ પ્લાન ખરીદીને એજન્ટનું કમિશન બચાવી શકશે
સેબી દ્વારા મ્યુચ્યુઅલ ફંડ રોકાણકારોના હિતમાં એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. 1 નવેમ્બર 2026થી તમામ એસેટ મેનેજમેન્ટ કંપનીઓના ડિજિટલ પ્લેટફોર્મ (વેબસાઇટ અને મોબાઇલ એપ) પર ‘ડાયરેક્ટ પ્લાન’ને બાય ડિફોલ્ટ વિકલ્પ તરીકે દર્શાવવામાં આવશે. આ નિર્ણયથી સામાન્ય રોકાણકારોને સીધો નાણાકીય ફાયદો થશે, કારણ કે ડાયરેક્ટ પ્લાનમાં ડિસ્ટ્રિબ્યુટરનું કમિશન હોતું નથી, જેના કારણે તેનો એક્સપેન્સ રેશિયો-ખર્ચ ઓછો રહે છે અને રોકાણકારોને લાંબા ગાળે વધુ રિટર્ન-વળતર મળે છે. જો કોઈ રોકાણકાર ‘રેગ્યુલર પ્લાન’ પસંદ કરશે, તો તેમને તે પ્લાન સાથે જોડાયેલા ઊંચા ખર્ચ અગાઉથી સ્પષ્ટ જાણ કરવામાં આવશે. સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયાએ લીધેલો આ એક અત્યંત મોટો નિર્ણય છે.
હવે ડાયરેક્ટ પ્લાન ડિફોલ્ટ ઓપ્શન બનશે, રોકાણકારોને થશે સીધો ફાયદો
બજાર નિયામક સેબીના ચેરમેન તુહિન કાંત પાંડેએ NDTV પ્રોફિટ ઇગ્નાઇટ દિવાળી ઇવેન્ટ દરમિયાન રોકાણકારો માટે અનેક સુધારાઓની જાહેરાત કરી છે. 1 નવેમ્બર 2026થી એએમસી (AMC) પ્લેટફોર્મ્સ પર ડાયરેક્ટ પ્લાન ડિફોલ્ટ વિકલ્પ રહેશે. ડાયરેક્ટ અને રેગ્યુલર પ્લાન બંને એક જ સ્કીમમાં રોકાણ કરે છે અને સમાન પોર્ટફોલિયો સ્ટ્રેટેજી ફોલો કરે છે. બંને વચ્ચે મુખ્ય તફાવત માત્ર ખર્ચનો જ છે. ડાયરેક્ટ પ્લાનમાં કોઈ ડિસ્ટ્રિબ્યુટર કમિશન ચૂકવવાનું હોતું નથી, જેથી તેનો એક્સપેન્સ રેશિયો ઓછો હોય છે. રેગ્યુલર પ્લાન્સ પણ ઉપલબ્ધ રહેશે અને રોકાણકારો ડિસ્ટ્રિબ્યુટર્સ દ્વારા ખરીદી શકશે, પરંતુ આ ફેરફારથી રોકાણ કરતી વખતે જ ખર્ચનો આ તફાવત રોકાણકારની સામે સ્પષ્ટપણે દેખાશે.
સેબીની 4 મુખ્ય પ્રાથમિકતાઓ
સેબી ચેરમેને જણાવ્યું હતું કે નિયામક હાલ 4 મુખ્ય ક્ષેત્રો પર કામ કરી રહ્યું છે. એક, સરળ નિયમો તૈયાર કરવામાં આવી રહ્યા છે. બીજું, મૂડી બજારને વધુ ઊંડું બનાવવાનું ધ્યેય રાખવામાં આવ્યું છે. ત્રીજું, મજબૂત ગવર્નન્સ અને રોકાણકાર સુરક્ષા પર ફોકસ કરવામાં આવશે. ચાર, સુપરવિઝનમાં ટેકનોલોજીનો વ્યાપક ઉપયોગ વધારવામાં આવશે.
નિયમોનું સરળીકરણ અને પ્રોસેસમાં ઝડપ
લિસ્ટિંગ અને ડિસ્ક્લોઝર નિયમોની સમીક્ષા થઈ રહી છે તથા મ્યુચ્યુઅલ ફંડ વ્યવહારો માટે નેટ સેટલમેન્ટ તપાસાઈ રહ્યું છે. REIT અને InvITના લિસ્ટિંગ સમયગાળાને ઇક્વિટી સમાન બનાવવાની યોજના છે. તેમ જ પબ્લિક ઇશ્યૂ- આઈપીઓ અને એફપીઓ, મેઇનબોર્ડ આઈપીઓ અને એફપીઓ તથા નાના અને મધ્યમ ઉદ્યોગો માટેના આઈપીઓ તથા ઇનોવેટર્સ ગ્રોથ પ્લેટફોર્મની સમીક્ષા કરી નવી કંપનીઓ માટે પબ્લિક કેપિટલ સરળ બનાવવાના પ્રયાસો ચાલુ છે. કંપનીઓ હવે IPO બંધ થયાના 3 કાર્યકારી દિવસોમાં લિસ્ટ થઈ શકે છે. GARUDA ફ્રેમવર્ક હેઠળ 140થી વધુ AIF સ્કીમ્સ પ્રોસેસ કરવામાં આવી છે.
FPIs માટે પ્રક્રિયા સરળ બનશે
વિદેશી પોર્ટફોલિયો રોકાણકારો માટે બેંક ખાતાઓના કેવાયસી-તમારાગ ગ્રાહકને ઓળખોના દસ્તાવેજોના સ્વિફ્ટ આધારિત સર્ટિફિકેશન માટે સેબી રીઝર્વ બેન્ક સાથે કામ કરી રહ્યું છે. ડિજિટલ વર્કફ્લો દ્વારા એફપીઆઈ ઓનબોર્ડિંગ સમય મહિનાઓથી ઘટાડીને માત્ર 5 બિઝનેસ દિવસ કરવાનો લક્ષ્યાંક છે. સ્વાગત એફઆઈ સિંગલ-વિન્ડો રૂટ દ્વારા 585 એફપીઆઈ જોડાયા છે, જે કુલ એફપીઆઈની એયુયસીના 15 ટકા જેટલો હિસ્સો ધરાવે છે.
ટેકનોલોજી અને AIનો ઉપયોગ
-
સુરક્ષા અને દેખરેખ: મ્યુચ્યુઅલ ફંડ અને ડિસ્ટ્રિબ્યુટર્સની જાહેરાતો ચકાસવા માટે સેબીનું AI ટૂલ ‘Radar’ હવે અન્ય મધ્યસ્થીઓ માટે પણ વિસ્તૃત કરાશે.
-
ફ્રોડ રોકવા માટે ટૂલ્સ: સેબીનું ઇન-હાઉસ AI ટૂલ ‘Sudarshan’ સોશિયલ મીડિયા પરથી ભ્રામક કન્ટેન્ટ હટાવવામાં મદદ કરે છે, જેણે 2.2 લાખથી વધુ ભ્રામક કન્ટેન્ટ ફ્લેગ કર્યા છે.
-
ડિબેન્ચર ટ્રસ્ટીઓ અને ક્રેડિટ રેટિંગ એજન્સીઓના ડિસ્ક્લોઝર પર નજર રાખી કોર્પોરેટ ડેટ ડિફોલ્ટના સંકેતો અગાઉથી મેળવવા માટે નવા ટૂલનું પાઇલટ ટેસ્ટિંગ ચાલી રહ્યું છે.
બજારની વર્તમાન સ્થિતિ અને જાગરૂકતા
સેબીના ડેટા અનુસાર, ભારતીય ઇક્વિટી માર્કેટ કેપિટલાઇઝેશન આશરે રૂ. 470 લાખ કરોડ, કોર્પોરેટ બોન્ડ્સ રૂ. 61 લાખ કરોડ અને મ્યુચ્યુઅલ ફંડ એસેટ્સ રૂ. 83 લાખ કરોડ પર પહોંચી છે. દેશમાં 15 કરોડથી વધુ અનિવાર્ય સેક્યુરિટીઝ માર્કેટ રોકાણકારો છે. જોકે, 63 ટકા પરિવારો માર્કેટ પ્રોડક્ટ્સ વિશે જાણે છે પરંતુ માત્ર 9.5 ટકા જ ભાગ લે છે, જેને ધ્યાનમાં રાખીને 5 ઓક્ટોબરથી શરૂ થયેલ ‘પ્રોજેક્ટ જાગરૂક’ અભિયાન 11 પ્રાદેશિક ભાષાઓમાં ચલાવવામાં આવી રહ્યું છે.
