top of page

અદાણી-વિલ્માર પબ્લિક ઇશ્યૂમાં રૂ. 218-230ના પ્રાઈસ બેન્ડમાં શેર્સ ઓફર કરશે

  • Team Vibrant Udyog
  • Jan 22, 2022
  • 2 min read


મિનિમમ 65 ઇક્વિટી શેર્સ અને તેના ગુણાકારમાં અરજી કરવી પડશેઃ ઓઈલના બિઝનેસમાં વરસે છથી સાત ટકાનો વિકાસ દર

ખાદ્યતેલના ક્ષેત્રનિ અગ્રણી કંપની અદાણી વિલ્મારે 27મી જાન્યુઆરીએ ખુલી રહેલા તેના પબ્લિક ઇશ્યૂમાં રૂ. 218-230ની પ્રાઈસ બેન્ડમાં શેર્સ ઓફર કરવાની જાહેરાત કરી છે. કંપનીએ મિનિમમ 65 શેર્સની અને ત્યારબાદ 65ના ગુણાકારમાં અરજીઓ મંગાવવાની જાહેરાત કરી છે. 31મી જાન્યુઆરીએ કંપનીનો પબ્લિક ઇશ્યૂ બંધ કરવામાં આવશે. પબ્લિક ઇશ્યૂના માધ્યમથી કંપની કુલ રૂ. 3600 કરોડ ઊભા કરવાનો ઇરાદો ધરાવે છે. આમ તો કંપની રૂ. 4500 કરોડનો પબ્લિક ઇશ્યૂ લાવવા માગતી હતી, પરંતુ કંપનીએ તેના પબ્લિક ઇશ્યૂની સાઈઝ ઘટાડીને રૂા. 3600 કરોડ કરવાનું નક્કી કર્યું છે. ઓગસ્ટ 2021માં ફાઈલ કરવામાં આવેલા રેડ હેરિંગ પ્રોસ્પેક્ટસમાં કંપનીએ રૂ. 4500 કરોડનો પબ્લિક ઇશ્યૂ લાવવાની જાહેરાત કરી હતી. પબ્લિક ઇશ્યૂને વધુ અસરકારક અને આશાવાદી બનાવવા માટે રૂ. 4500 કરોડથી ઘટાડીને રૂ. 3600 કરોડનો કરવામાં આવ્યો હોવાનું કંપનીના મેનેજમેન્ટ એક પત્રકાર પરિષદમાં જણાવ્યું છે. રેડ હેરિંગ પ્રોસ્પેક્ટસ ફાઈલ કર્યા પછી કંપની પબ્લિક ઇશ્યૂના કદમાં વધારો કે ઘટાડો કરી શકે છે.



એન્કર ઇન્વેસ્ટર્સને 25મી જાન્યુઆરીથી શેર્સની ઓફર કરવામાં આવશે. એન્કર ઇન્વેસ્ટર્સમાં ક્વોલિફાઈડ ઇન્સ્ટિટ્યૂશન બાયર્સ (ક્યૂઆઈબી)નો સમાવેશ થાય છે. તેઓ સામાન્ય રીતે રૂ. 10 કરોડથી વધુના મૂલ્યની અરજીઓ કરતાં હોય છે. બુકબિલ્ડિંગની પ્રક્રિયાથી તેઓ આ અરજી કરતાં હોય છે. તેમની ઓફર પ્રાઈસ અલગથી નક્કી કરવામાં આવે છે. ક્યૂઆઈબી કેટેગરીમાં ઓફર કરવામાં આવતા શેર્સમાંથી 60 ટકા શેર્સ એન્કર ઇન્વેસ્ટર્સને ઓફર કરવામાં આવે છે. કંપનીના પ્રમોટર્સ તેમનું હોલ્ડિંગ ઘટાડવાના નથી. કંપનીને પબ્લિક ઇશ્યૂ થકી મળનારા નાણાંનો ઉપયોગ તેનું દેવું ચૂકવી દેવા, મૂડીખર્ચ કરવા માટે તથા અન્ય કંપનીઓને હસ્તગત કરવા માટે અને કંપનીનું દેવું ચૂકવી દેવા માટે કરશે. કંપની તેના કર્મચારીઓને રૂ. 107 કરોડના મૂલ્યના શેર્સ ઓફર કરશે. પબ્લિક ઇશ્યૂમાં જાહેર કરેલા ભાવથી શેરદીઠ રૂા. 21નું કન્સેશન આપીને આ શેર્સ ઓફર કરવામાં આવશે. આ સાથે જ અદાણી વિલ્માર શેરબજારમાં લિસ્ટ થનારી અદાણી ગ્રુપની સાતમી કંપની બનશે. અગાઉ અદાણી એન્ટરપ્રાઈસ, અદાણી ટ્રાન્સમિશન, અદાણી ગ્રીન એનર્જી, અદાણી પાવર, અદાણી પોર્ટ્સ અને અદાણી ટોટલ ગેસનું લિસ્ટિંગ થઈ ચૂક્યું છે. કંપની હિન્દુસ્તાન યુનિલીવર, મેરિકો અને આ સેક્ટરની અન્ય કંપનીઓ તરફથી હરીફાઈનો સામનો કરી રહી છે. અદાણી ગ્રુપની આ કંપની તેલ, ચોખા, ઘઉંનો લોટ સહિતના અન્ય પ્રોડક્ટ્સનું વેચાણ કરે છે. તેનું ફોર્ચુન બહુ જ જાણીતી બ્રાન્ડ છે. 2021-22ના નાણાંકીય વર્ષમાં કંપનીએ રૂ. 37,195 કરોડની આવક કરી છે. તેમાં કંપનીનો ચોખ્ખો નફો રૂા. 727 કરોડનો છે. કંપનીનું કહેવું છે કે તેનો ફૂડ બિઝનેસ વરસે અંદાજે 20થી 25 ટકાના દરે વિકસી રહ્યો છે. તેમાંય ખાદ્ય તેલનો બિઝનેસ સરેરાશ 6થી 7 ટકાના દરે વધી રહ્યો છે. અત્યારે ફુગાવો વધ્યો હોવાથી કંપનીના કામકાજમાં વધારો થવાની ધારણા છે.

Comments


Related Post

ad-space-placeholder-300x250-300x250.png
bottom of page