જાણવું જરૂરી છેઃ ક્રિપ્ટો કોઈન અને ક્રિપ્ટો ટોકન વચ્ચે શું તફાવત છે?
- Team Vibrant Udyog
- Feb 8, 2022
- 3 min read

ક્રિપ્ટોકરન્સી શબ્દ હવે બધાના મોઢે રમતો થઈ ગયો છે. વિશ્વભરમાંથી હવે વધુને વધુ રોકાણકારો ક્રિપ્ટોકરન્સી તરફ આકર્ષાઈ રહ્યા છે. ક્રિપ્ટોકરન્સીની દુનિયા થોડી અટપટી છે અને તેમાં પડતા પહેલા તેની સમજણ મેળવવી જરૂરી છે. જેમ કે, ઘણા ઈન્વેસ્ટર્સ એ જ નથી જાણતા કે ક્રિપ્ટો કોઈન અને ક્રિપ્ટો ટોકન એ બે જુદી જુદી વસ્તુ છે. ઘણાને તો એ પણ નથી ખબર હોતી કે તેમણે ક્રિપ્ટો કોઈનમાં રોકાણ કર્યું છે કે ક્રિપ્ટો ટોકનમાં.
ક્રિપ્ટો કોઈન અને ક્રિપ્ટો ટોકન એ બે જુદી વસ્તુ છે. બંનેનો ઉપયોગ જુદી જુદી રીતે થાય છે. ક્રિપ્ટો ટોકનથી તમે અમુક ચીજો કરી શકશો જે કોઈનથી નહિ કરી શકો. એ જ રીતે, અમુક પ્લેટફોર્મ ફક્ત ક્રિપ્ટો કોઈન જ સ્વીકારે છે, ટોકન નહિ. આથી જ ક્રિપ્ટોના ઈન્વેસ્ટર તરીકે એ બંનેમાં શું ભેદ છે એ તમારે જાણવું જોઈએ.
શું વધારે સારુ છે- ક્રિપ્ટો કોઈન કે ટોકન?
નિષ્ણાંતોના મતે તમારે ક્રિપ્ટો કરન્સીથી પ્રોડક્ટ ખરીદવી હોય તો કોઈન સારા પડે છે. પરંતુ જો તમારો આશય ક્રિપ્ટોથી કોઈ સર્વિસ મેળવવાનો હોય તો ટોકન ઉપયોગી છે. ક્રિપ્ટો કોઈનની પોતાની અલગ બ્લોકચેઈન હોય છે. ટોકન જે બ્લોકચેઈન અસ્તિત્વમાં છે તેના પર જ બનાવવામાં આવે છે. આ બંને ડિજિટલ એસેટ જ છે અને બંનેના ઉપયોગ જુદા જુદા છે.
ક્રિપ્ટો કોઈન શું છે?
બિટકોઈન એ સૌપ્રથમ ક્રિપ્ટો કોઈન હતો. ક્રિપ્ટો કોઈનની પોતાની બ્લોકચેઈન હોય છે. આ બ્લોકચેઈન તેના કોઈનને લગતા બધા જ ટ્રાન્ઝેક્શનનો રેકોર્ડ રાખે છે.
દાખલા તરીકે, ઈથરના બધા જ ટ્રાન્ઝેક્શન ઈથિરિયમ બ્લોકચેઈન પર થાય છે. આ ટ્રાન્ઝેક્શન ફક્ત અને ફક્ત ઈથિરિયમ નેટવર્કના સભ્યો જ કરી શકે છે. ઈથરનું ટ્રાન્ઝેક્શન ઈથિરિયમ બ્લોકચેઈન પર થાય છે જ્યારે બિટકોઈનના ટ્રાન્ઝેક્શન બિટકોઈનની પોતાની બ્લોકચેઈન પર થાય છે. કેટલા કોઈનનું માઈનિંગ થયું, કેટલાનું ટ્રાન્ઝેક્શન થયું, તે તમામનો રેકોર્ડ એક અલગોરિધમના મારફતે જાળવવામાં આવે છે.
આ પ્રક્રિયા ઘણી અટપટી છે. ક્રિપ્ટો કોઈન બનાવવા માટે તેની અલગ બ્લોકચેઈન ઊભી કરવી પડે છે. આ કારણે ક્રિપ્ટો કોઈન્સની સંખ્યા મર્યાદિત છે.
પૈસાને રિપ્લેસ કરવા બનાવાયા હતા ક્રિપ્ટો કોઈનઃ
બિટકોઈનનો આશય પૈસા એટલે કે કરન્સીને રિપ્લેસ કરવાનો હતો. પરંતુ હજુ સુધી એ શક્ય બની શક્યું નથી. નજીકના ભવિષ્યમાં પણ આવું થવાના કોઈ લક્ષણ દેખાતા નથી. એક બાજુ બિટકોઈન પારદર્શિતા લાવવાની વાત કરતો હતો, તો બીજી બાજુ તે કેવી રીતે ઉદભવે છે, તેની સાથે કયા લોકો સંકળાયેલા છે તે અંગે સંપૂર્ણ ગુપ્તતા જાળવવામાં આવી હતી. આ જ કારણે ઈથિરિયમ, સોલાના, કાર્ડાનો જેવા બીજા કોઈન્સ અસ્તિત્વમાં આવ્યા.
2021માં બિટકોઈનને લેટિન અમેરિકન દેશ એલ સાલ્વાડોરની ડોલરની સાથે જ સત્તાવાર કરન્સી બનાવવામાં આવી છે. પરંતુ હાલ સુધી વિશ્વના કોઈ પ્રમુખ દેશ કે સંસ્થાએ તેને પ્રમાણિત કર્યો નથી.
ક્રિપ્ટો કોઈનનું માઈનિંગ શક્ય છેઃ
ક્રિપ્ટો કોઈનનું માઈનિંગ થઈ શકે છે. વિશ્વમાં મહત્તમ 21 મિલિયન બિટકોઈન જ માઈન કરી શકાય તેમ છે અને તેમાંથી 90 ટકાનું માઈનિંગ થઈ ચૂક્યું છે. આ કારણે બિટકોઈનનું માઈનિંગ હવે ખૂબ અઘરુ બની ગયું છે.
ક્રિપ્ટો ટોકન શું છે?
ક્રિપ્ટો કોઈન અને ક્રિપ્ટો ટોકન વચ્ચે પહેલો મોટો તફાવત એ છે કે ક્રિપ્ટો ટોકનની પોતાની કોઈ બ્લોકચેઈન હોતી નથી. તેઓ ક્રિપ્ટો કોઈનની બ્લોકચેઈન પર ઓપરેટ કરે છે. દાખલા તરીકે, ઈથિરિયમ બ્લોકચેઈન પર ઘણા ટોકન ચાલે છે. અમેરિકી ડોલર જેટલી જ કિંમત ધરાવતો સ્ટેબલકોઈન પણ ક્રિપ્ટો ટોકનની શ્રેણીમાં જ આવે છે.
જો ક્રિપ્ટો કોઈન એ રૂપિયા છે તો ક્રિપ્ટો ટોકન એ એસેટ કે શેર્સ છે.
ક્રિપ્ટો કોઈનનું ટ્રાન્ઝેક્શન બ્લોકચેઈનના માધ્યમથી થાય છે જ્યારે ટોકન્સની આપ-લે સ્માર્ટ કોન્ટ્રેક્ટ એટલે કે જાત જાતના કોડ્સ આધારિત થાય છે. દરેક બ્લોકચેઈન એક કરતા વધારે સ્માર્ટ કોન્ટ્રેક્ટનો ઉપયોગ કરે છે. ક્રિપ્ટો કોઈન કરતા ક્રિપ્ટો ટોકન બનાવવા સરળ છે. એક બ્લોકચેઈન આવા હજારો ટોકનને ઓપરેટ કરવા સક્ષમ છે. ઉદાહરણ આપીને વાત કરીએ તો ઈથિરિયમ બ્લોકચેઈન પર Maker, Bat, Tether જેવા અનેક કોઈન્સ ઓપરેટ કરે છે. જ્યારે તમે ટોકન એક્સચેન્જ કરો ત્યારે તે એક વ્યક્તિ પાસેથી બીજી વ્યક્તિ પાસે જાય છે. સમજી લો કે તમે તમારા નામે કાર ખરીદી તો એ કારનું ટાઈટલ એ તમારુ ટોકન છે. હવે તમે જ્યારે આ કાર વેચશો, ત્યારે એ કારની વેલ્યુ બીજી વ્યક્તિને મળશે અને તમારુ ટાઈટલ એના નામે ટ્રાન્સફર થશે. એ ટાઈટલથી તમે કશું ખરીદી શકતા નથી. આ જ રીતે તમે ક્રિપ્ટો ટોકનનું ટ્રાન્ઝેક્શન કરો ત્યારે એની ઓનરશિપ એક વ્યક્તિ પાસેથી બીજા પાસે જાય છે. જ્યારે ક્રિપ્ટો કોઈનમાં આવું ટ્રાન્ઝેક્શન થતું નથી, પૈસા સીધા એકાઉન્ટમાં ટ્રાન્સફર થઈ જાયછે. ક્રિપ્ટો કોઈન ટ્રાન્ઝેક્શન એ બેન્ક ટ્રાન્સફર જેવા છે. તમે ક્રિપ્ટો કોઈન્સથી ટોકન ખરીદી શકો છો. ટોકનનો માઈનસ પોઈન્ટ એ છે કે તેની લિક્વિડિટી કોઈન કરતા ઓછી છે અને તેની અમુક મર્યાદા છે. ઇન્વેસ્ટરે શું કરવું જોઈએ? નિષ્ણાંતોના મતે ટોકનમાં રોકાણ કરવું વધુ ફાયદાકારક છે. તેની ડિમાન્ડ વધતી જ રહેવાનો નિષ્ણાંતોનો અંદાજ છે. વળી, તે વધુ સંખ્યામાં નિર્મિત થઈ શકે છે.
Comments