FCIમાં અનાજના સ્ટોરેજ અને વિતરણ સિસ્ટમનો ખર્ચ ઘટાડવાનું આયોજન કરાયું
- Team Vibrant Udyog
- Jan 24, 2022
- 2 min read

ખાદ્યાન્નનો સ્ટોરેજ ખર્ચ ઘટાડવા અનાજના સગ્રહિત જથ્થાનું ઓનલાઈન ટ્રેકિંગ કરાશે ખાદ્યાન્નના જથ્થોનો સ્ટોરેજ ખર્ચ ઘટાડવા માટે એપ્રિલ 2022થી સરકારે અનાજનું ઓનલાઈન ટ્રેકિંગ કરવાની સિસ્ટમ લાગુ કરવાનું આયોજન પહેલી એપ્રિલથી અમલમાં મૂકાશે
અનાજ સંગ્રહ કરવા પાછળ કરવો પડતો ખર્ચ ઘટે અને તેની હેરફેર અને વિતરણની વ્યવસ્થા ઓછી ખર્ચાળ બને તે માટે સરકાર ડિજિટલ સિસ્ટમને અમલમાં મૂકીને ફૂડ કોર્પોરેશન ઓફ ઇન્ડિયાના ગોદામોમાં જે તે ક્ષણે ચોખા, ઘઉંનો કેટલો જથ્થો પડ્યો છે તેની વિગતો આપી શકશે. પહેલી એપ્રિલ 2022થી આ નવી વ્યવસ્થા અમલમાં મૂકવામાં આવશે. ટાર્ગેટેડ જાહેર વિતરણ વ્યવસ્થા (ટીડીપીએસ) હેઠળ અનાજનું વિતરણ, હેરફેર અને સંગ્રહ ઓછો ખર્ચાળ બને તે માટે આ વ્યવસ્થા કરવામાં આવી રહી છે. આ માટે રેશનકાર્ડના ડિજિટાઈઝેશનની, રેશનકાર્ડને આધારકાર્ડ સાથે લિન્ક કરવાની અને વાજબી ભાવની દુકાનોમાં ઇલેક્ટ્રોનિક પોઈન્ટ ઓફ સેલ ચાલુ કરવાનું પણ આયોજન કરવામાં આવ્યું છે. સરકારના આંકડાઓ મુજબ 23.5 કરોડ રેશનકાર્ડ છે. રેશનકાર્ડના ડિજિટાઈઝેશનની મદદથી છેલ્લા આઠથી નવ વર્ષમાં 4.74 કરોડ બોગસ રેશનકાર્ડ રદ કરી દેવામાં આવ્યા છે. નેશનલ ફૂડ સિક્યોરિટી એક્ટ હેઠળ કરવામાં આવેલી વ્યવસ્થા મુજબ આ તેના થકી દેશના 80 કરોડ લોકો વાજબી ભાવની દુકાનમાંથી અનાજ મેળવે છે. અત્યાર સુધી 93 ટકા રેશનકાર્ડને આધારકાર્ડ સાથે લિન્ક કરી દેવામાં આવ્યા છે. આમ ઓનલાઈન સ્ટોરેજ મેનેજમેન્ટની સિસ્ટમ અનાજના વિતરણની વ્યવસ્થાનો મહત્તમ લોકોને લાભ મળે તેવી વ્યવસ્થા ઊભી કરશ. તેમ જ અનાજને સંગ્રહ કરવાનો ખર્ચ પણ ઘટાડશે. તેનાથી અનાજના વિતરણમાં થતી ગેરરીતિઓ પણ અંકુશમાં આવી જશે. ફૂડ કોર્પોરેશન ઓફ ઇન્ડિયાના કયા ગોદામમાં કેટલું અનાજ પડેલું છે અને તેનું વિતરણ કોને કરવામાં આવી રહ્યું છે તે અંગેની તમામ માહિતી તેના થકી મળતી થઈ જશે. તેમ થતાં ગોદામ સંચાલકો અને જાહેર વિતરણ વ્યવસ્થાની દુકાનના માલિકો દ્વારા આચરવામાં આવતી ગેરરીતિઓ પર પણ પડદો પડી જશે. આ સિસ્ટમમાં દરેક રાજ્ય સરકારને પણ જોડી દેવામાં આવશે. આ સિસ્ટમ રાજ્ય સરકારના આહાર અને જાહેર વિતરણ વ્યવસ્થા વિભાગના સહયોગમાં જ તૈયાર કરવામાં આવેલી છે. તેનાથી ફૂડ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા, સેન્ટ્રલ વેરહાઉસિંગ કોર્પોરેશન અને સ્ટેટ વેરહાઉસિંગ કોર્પોરેસનના પ્રત્યેક ગોદામમાં અન્નનો કેટલો જથ્થો પડ્યો છે તેની માહિતી મળી જશે. દર વર્ષે પ્રોક્યોર-પ્રાપ્ત કરવામાં આવેલા જથ્થાના વર્ષ, તેની ક્વોલિટી અને કઈ ટ્રક થકી કેટલો માલ કયા ગોદામમાં મોકલવામાં આવેલો છે તેની વિગતો મળતી થઈ જશે. તેમ જ પ્રાપ્ત કરેલો કયો જથ્થો જે તે ક્ષણે કયા ગોદામ તરફ જઈ રહ્યો છે તેની વિગતો પણ મળી જશે. ગુજરાત, આન્ધ્રપ્રદેશ, બિહાર, છત્તીસગઢ, હરિયાણા, કર્ણાટક, કેરળ મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, ઓરિસ્સા, પંજાબ, તામિલનાડુ, તેલંગણા,ત્રિપુરા, ઉત્તરાખંડ અને પશ્ચિમ બંગાળ 15મી માર્ચ 2022થી આ વ્યવસ્થાનો અમલ કરવાને મુદ્દે સહમતી આપી ચૂક્યા છે. આ તમામ રાજ્યો ટૂંક સમયમાં આ વ્યવસ્થા સાથે જોડાઈ જશે. તેનાથી વધુમાં વધુ લોકોને આ વ્યવસ્થાનો લાભ મળતો થશે. ફૂડ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા અને રાજ્ય સરકારની એજન્સીઓ પાસે દરેક ક્ષણે પાસે 5.50થી 6.50 કરોડ ટન અનાજનો જથ્થો હોય જ છે. સરકાર લઘુત્તમ ટેકાના ભાવથી ડાંગર અને ઘઉંની ખરીદી કરશે તો કયા ખેડૂત પાસેથી કેટલી ખરીદી કરી અને તેમની પાસે જમીન કેટલી છે તેનો રેકોર્ડ પણ આપોઆપ જ ઊભો થઈ જશે અને વધુમાં વધુ ખેડૂતો લઘુત્તમ ટેકાના ભાવની વ્યવસ્થાનો લાભ લઈ શકશે. વેપારીઓ જૂની સિસ્ટમનો ખેડૂત તરીકે ખોટો લાભ ઊઠાવી જતાં હતા તેના પર અંકુશ આવી જવાની સંભાવના છે. જમીનના રેકોર્ડ પ્રમાણે અનાજ પ્રાપ્ત કરવાની વ્યવસ્થા પહેલી ઓક્ટોબર 2021થી અમલમાં મૂકવામાં આવેલી છે. હવે ખેડૂતોને ઓનલાઈન પેમેન્ટ કરવાની સિસ્ટમ પણ સરકાર લાવી રહી છે. આ પેમેન્ટ ખેડૂતને જ કરાયું છે કે કેમ તેનું જે તે ક્ષણે ટ્રેકિંગ પણ કરી શકાશે.
Commentaires