જીએસટી એક્ટની કલમ 50માં બજેટના માધ્યમથી સુધારો કરીને વેપારીઓને ફાયદો કરાવ્યો
- Team Vibrant Udyog
- Feb 3, 2022
- 2 min read

કાયદેસર કરતાં વધુ ઇનપુટ ટેક્સ ક્રેડિટ લીધા બાદ વાપરી ન હોય તો વ્યાજ નહિ આપવું પડે
નાણાં મંત્રી નિર્મલા સીતારમણે સંસદમાં રજૂ કરેલા બજેટમાં સેન્ટ્રલ ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સની કલમ ૫૦માં સુધારો કરીને વેપારીઓ ઇન્વોઈસ બનાવે ત્યારે તેમાં ઇનપુટ ટેક્સ ક્રેડિટ રૂ. ૧૦૦ની લેવાની થતી હોય અને શરતચૂકથી ૧૫૦ લઈ લે તો તે ઇનપુટ ટેક્સ ક્રેડિટ તેના ખાતામાં જમા થઈ જાય છે, પરંતુ જો તે ઇનપુટ ટેક્સ ક્રેડિટનો ઉપયોગ જ તે વેપારીએ ન કર્યો હોય તો વેપારી ભૂલથી લીધેલી વધારાની ઇનપુટ ટેક્સ ક્રેડિટની રકમ પર કોઈ જ વ્યાજ લેવામાં આવશે નહિ. જૂની વ્યવસ્થા હેઠળ કેટલાક અધિકારીઓ તે વેપારીએ લીધેલી વધારાની ટેક્સ ક્રેડિટ ન વાપરી હોય તો પણ તેના પર ૧૮ ટકાનો વ્યાજ લગાવી વસૂલી કરતા હતા. અધિકારીઓના આ જક્કી વલણને પરિણામે વેપારીઓની હાલાકી વધતી હતી. પરંતુ નાણાં મંત્રીએ કરેલી નવી જોગવાઈને પરિણામે તે વેપારી હવે વધારાની ક્રેડિટની રકમ પરત કરી શકશે. તેમ જ તેણે તે રકમનો જીએસટી ચૂકવવા માટે ઉપયોગ નહિ કર્યો હોય તો તેના પર કોઈ જ વ્યાજ પણ લાગુ પડશે નહિ.
ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ એક્ટની કલમ ૧૦ (એ)માં પણ સુધારો કરવામાં આવ્યો છે. આ સુધારો કરીને સીજીએસટી (સેન્ટ્રલ જીએસટી)ના લેજરમાં પડેલી ઇનપુટ ટેક્સ ક્રેડિટના નાણાંનો ઉપયોગ વેપારી તેની કોઈપણ બ્રાન્ચના કામ માટે તબદિલ કરી શકશે. તેમ જ સીજીએસટીની ક્રેડિટનો ઉપયોગ એસજીએસટી જમા કરવા માટે, આઈજીએસટી જમા કરવા માટે, પેનલ્ટી કે ઇન્ટરેસ્ટ ભરવા માટે પણ કરી શકશે. જોકે એક જ પાન નંબર ધરાવતી કંપનીઓ તેની અન્ય રાજ્યની બ્રાન્ચ માટે તેનો ઉપયોગ કરી શકશે. અલગ પાનકાર્ડ ધરાવતી કંપનીઓ એક બીજા માટે તેનો ઉપયોગ કરી શકશે નહિ.
જીએસટીનો કાયદો અમલમાં આવ્યો ત્યારથી નવો સુધારો અમલમાં મૂકતા ભૂતકાળમાં ચૂકવેલા વ્યાજનું રિફંડ મળશે
નાણ મંત્રી નિર્મલા સીતારામને મંગળવાર પહેલી ફેબ્રુઆરીએ રજૂ કરેલા બજેટના માધ્યમથી માલ વેચનાર વેપારી દ્વારા લેવામાં આવેલા જીએસટીની રકમ જમા કરાવવામાં આવે તે પછી જ તેમાંથી કેટલી રકમનો ઉપયોગ કરવો તેની સૂચના માલ ખરીદનાર વેપારીને આપવામાં આવશે. વેપારીને આપેલી સૂચનાથી વધુ ઇનપુટ ટેક્સ ક્રેડિટનો ઉપયોગ કરી શકશે નહિ. આ જોગવાઈ સાથે જે વેપારીઓએ સતત ત્રણ રિટર્ન ફાઈલ ન કર્યા હોય તેમના જીએસટી નંબર રદ કરવાની પણ જોગવાઈ કરવામાં આવી છે. પરંતુ લમસમના વિકલ્પનો આશરો લેનારા વેપારીઓ વર્ષમાં એક જ વાર રિટર્ન ફાઈલ કરતાં હોય છે. તેથી લમસમનો વિકલ્પ લેનાર વેપારી રિટર્ન ભરવાનો સમય આવ્યા પછી ત્રણ મહિના સુધી રિટર્ન ફાઈલ ન કરે તો તેવા સંજોગમાં તેનો જીએસટી નંબર રદ કરી દેવામાં આવશે. તેને સતત ત્રણવાર રિટર્ન ન ફાઈલ કરવાનો નિયમ લાગુ કરવામાં આવે તો તેનો જીએસટી નંબર રદ થવામાં ત્રણ વર્ષ લાગી જાય તેવી સ્થિતિ છે. તેથી તેઓ રિટર્ન ભરવાની નિશ્ચિત તારીખ પછી ત્રણ મહિના સુધી રિટર્ન ફાઈલ ન કરે તો તેમને નંબર રદ કરી દેવાનું પ્રાવધાન બજેટના માધ્યમથી કરવામાં આવ્યું છે.
コメント