ખેડૂત કાયદાના સુધારા ગુજરાતે પાછા ન ખેંચતા 16 એપીએમસીને પગાર કરવાના ફાંફા
- Team Vibrant Udyog
- Apr 9, 2022
- 3 min read

કેન્દ્ર સરકારે કૃષિને લગતા ત્રણ કાયદાઓ સામે સિંઘુ બોર્ડર પર નવ મહિનાથી વધુ લાંબા સમય સુધી દેખાવો થયા તેને પરિણામે કેન્દ્ર સરકારે કાયદા પાછા ખેંચી લીધા, પંરતુ આ ત્રણ કાયદાના અનુસંધાનમાં ગુજરાત રાજ્યની સરકારે એ.પી.એમ.સી. એક્ટમાં કરેલા સુધારા પરત ન ખેંચ્યા હોવાથી ગુજરાતની 17 એપીએમસીની હાલત એટલી ખરાબ થઈ ગઈ છે કે કર્મચારીઓના પગાર કરવાના પણ ફાંફા પડી ગયા છે. બીજી એકવીસ એપીએમસીના કર્મચારીઓના પગાર હવે ગમે ત્યારે બંધ થઈ જવાની સંભાવના છે.
ગુજરાતમાં કુલ 309 એપીએમસી અને તેને સંલગ્ન સંસ્થાઓ છે. તેમાંથી 40થી 50 ટકા એપીએમસીના આર્થિક હાલત અત્યંત ખરાબ થઈ ગઈ છે. હવે ટૂંક સમયમાં જે એપીએમસીના કર્મચારીઓના પગાર બંધ થવાની દહેશત છે તેમાં માંડવી-કચ્છ, મહુધા, બગસરા, લીલીટામોટા, કુતીયાણા, સોજિત્રા, કોટડાસાંગાણી, જંબુસર, ઝઘડિયા, ખાંભા, પોરબંદર, દામનગર, કેશોદ, સૂત્રાપાડા, લાઠી, આમોદ, ભરૂચ, રાજપીપળા, ગરુડેશ્વર, ડેડિયાપાડા અને સેલાંબા એપીએમસીનો સમાવેશ થાય છે.
ગુજરાતે એપીએમસી એક્ટમાં સુધારો કર્યો તે પછી કોસંબા, નિઝર, નડિઆદ, સોનગઢ, દેવગઢબારિયા, મહુવા (સુરત), વલસાડ, ખેડબ્રહ્મા, ધરમપુર, વાઘોડિયા, લૂણાવાડા, ડેસર, ડેડીયાપડા, બાવળો, બારડોલી, સંતરામપુર અને ઉમરપાડા એપીએમસીનો સમાવેશ થાય છે.
કેન્દ્ર સરકારે કૃષિ કાયદામાં ફેરફાર કરીને એપીએમસીની બહાર માલ વેચાય તો તેના પર એપીએમસીના સત્તાવાળાઓ સેસ ન લઈ શકે તેવી જોગવાઈ કરેલી હોવાથી ખેડૂતો હવે એપીએમસીની બહાર માલ વેચતા થઈ ગયા છે અને એપીએમસીને થતી સેસની આવકમાં અંદાજે 40 ટકાથી વધુના ગાબડાં પડી ગયા છે. કર્મચારીઓને પગાર ન ચૂકવી શકનારી એપીએમસીમાં સોનગઢ, કડાણા, કઠલાલ, ધારી, ઉમરેઠ, વંથલી, ધરમપુર, માંગરોળ(જૂનાગઢ) માણાવદર, ગારિયાધાર, ખેડા, વિજયનગર, સંતરામપુર, સિહોર, તિલકવાડા અને ઉમરપાડીની એપીએમસીનો સમાવેશ થાય છે.
તદુપરાંત ધારી, હાસોટ, માંડવી (કચ્છ), વલસાડ, ખંભાત, બગસરા, લીલીયામોટા, માતર, જંબુસર અને આમોદ એપીએમસીએ તેના કર્મચારીઓના પગારમાં ઘટાડો કરવાની ફરજ પડી હછે. આ જ રીતે કુતિયાણા, ધારી, ધ્રોલ, જોડિયા અને સિહોરનો સમાવેશ થાય છે. બીજીતરફ માર્કેટ ફીની આવક બંધ થઈ હોવા છતાંય જૂના ભંડોળનો ઉપયોગ કરીને પગાર કરતી બજાર સમિતિઓમાં લીલીયા મોટા, સોજિત્રા, કોટાસાંગાણી, નડિઆદ, જંબુસર, ઝઘડિયા, ખાંભા, દામનગર, કેશોદ, ભરૂચ, રાજપીપળા, ગરૂડેશ્વર, ડેડિયાપાડા, કોસંબા અને સેલંબાનો સમાવેશ થાય છે.
સેસની આવક ઘટી જતાં ગુજરાતની 40થી 50 ટકા એપીએમસીની હાલત કફોડી થઈ
પંદરમી નવેમ્બર 2021 પછી ભારત સરકારે કૃષિકારોને માટે ઘડેલા ત્રણેય કાયદા પાછા ખેંચી લીધા હતા. કાયદો ઘડ્યાના એક વર્ષ સુધી ખેડૂતોએ સિંઘુ બોર્ડર પર સરકાર વિરોધી દેખાવો કરવાનું ચાલુ રાખતા કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકારને આ સુધારાઓ પાછા ખેંચવાની ફરજ પડી હતી. રાષ્ટ્રજોગું પ્રવચન કરીને પ્રધાનમંત્રીએ આ કાયદા પાછા ખેંચ્યા હતા. આ ત્રણ કાયદાઓમાં ફાર્મર્સ પ્રોડ્યુસ ટ્રેડ એન્ડ કોમર્સ (પ્રમોશન એન્ડ ફેસિલિટેશન) એક્ટ, ધ ફાર્મર્સ (એમ્પાવરમેન્ટ એન્ડ પ્રોટેક્શન) એગ્રીમેન્ટ ઓફ પ્રાઈસ એસ્યોરન્સ એન્ડ ફાર્મ સર્વિસિસ એક્ટ અને એસેન્શિયલ કોમોડિટીઝ એક્ટનો સમાવેશ થાય છે. ફાર્મર્સ પ્રોડ્યુસ ટ્રેડ એન્ડ કોમર્સ એક્ટ હેઠળ ઊભી કરાયેલી વ્યવસ્થા હેઠળ ખેડૂતો અને વેપારીઓ પરસ્પર સહમત થયા હોય તેવા ભાવે એપીએમસીની બહાર ખેડૂતોને તેમની ઉપજ વેચવાની તક આપવામાં આવી હતી. આ માલ ખરીદનાર વેપારી લાઇસન્સ ધારક હોવો જરૂરી છે. ફાર્મર્સ (એમ્પાવર્ડમેન્ટ એન્ડ પ્રોટેક્શન) એગ્રીમેન્ટ ઓફ પ્રાઈસ એસ્યોરન્સ એન્ડ ફાર્મ સર્વિસ એક્ટમાં ખેડૂતોને કોન્ટ્રાક્ટ ફાર્મિંગ કરવાની અને તેમના ઉત્પાદનો મુક્ત રીતે વેચવાની જોગવાઈ કરવામાં આવી હતી. ધ એસેન્શિયલ કોમોડિટીઝ (એમેન્ડમેન્ટ) એક્ટ થકી તે વખતના આવશ્યક ચીજવસ્તુ ધારામાં સુધારો કરવામાં આવ્યો હતો. આ કાયદાની મદદથી અનાજ, કઠોળ, ખાદ્યતેલ અને કાંદનો વેપાર અસાધારણ સંજોગો(ક્રાઈસિસ)ને બાદ કરાં મુક્તપણે કરવાની છૂટ આપવામાં આવી હતી. ખેડૂતોની આવકમાં વધારો થાય તે માટે આ કાયદામાં સુધારો કરવામાં આવ્યો હોવાનો કેન્દ્ર સરકારે દાવો કર્યો હતો. જોકે ખેડૂતોને ગળે આ વાત ન ઉતરતા અને સિંઘું બોર્ડર પર તેમણે દેખાવો ચાલુ રાખતા નરેન્દ્ર મોદીને કાયદાઓ પાછા ખેંચવાની ફરજ પડી હતી.
ખેડૂતોને રદ થયેલા કાયદા સામે વાંધો શું હતો?
વેપારી અને ખેડૂત વચ્ચે વિવાદ થાય તો ન્યાય તોળવાનો અધિકાર કલેક્ટરને આપી દેવામાં આવ્યો હતો. ડિસ્ટ્રીક્ટ મેજિસ્ટ્રેટ પાસે જ જવાની છૂટ આપી હતી. અન્ય કોર્ટના રસ્તાઓ બંધ કરી દીધા હતા. તેથી વરસોના વરસ સુધી ચૂકાદા ન આવે તેવી દહેશત ખેડૂતોને હતી. તેની સામે ખેડૂતોની લાગણી એવી હતી કે ખરીદનાર પાર્ટી હાજર ન થાય તો મુદત પર મુદત પડ્યા જ કરે. પાર્ટિ 90 દિવસ ન આવે તો ખેડૂત સાચો છે તેમ માની ચૂકાદો આપી દેવો તેવી ખેડૂતોની માગણી હતી. બીજું ખેડૂત જે વિસ્તારમાં ખેતી કરતો હોય તે જ કાર્યક્ષેત્રમાં કેસ થાય તેવી જોગવાઈ કરવાની માગણી કરી હતી. કર્ણાટકનો વેપારી ગુજરાતમાં આવી માલ ખરીદી જાય અને પેમેન્ટનો વિવાદ થાય તો ખેડૂતોએ કર્ણાટક જઈને કેસ લડવાની નોબત ન આવવી જોઈએ તેવી ખેડૂતોની લાગણી હતી. વેપારીઓ પર સ્ટોકનો અંકુશ આવ્યો હતો. પરંતુ ખેડૂતને નામે વેપારી સંગ્રહ કરે તો બેફામ મોંઘવારી થવાની દહેશત છે. ઓઈલ મિલ સહિતની દરેક શાકભાજી અને ચીજવસ્તુઓના ભાવ અત્યારે ફાટફાટ થઈ રહ્યા છે. ખાનગી ક્ષેત્રની ખેતીમાં એન્ટ્રીથી લાંબે ગાળે ખેડૂતોને સારા ભાવ મળશે તેવા સરકારના ગણિત હતા. ખેડૂતો માનતા હતા કે ખાનગી પાર્ટીઓ આરંભના ત્રણ વર્ષ સારા ભાવ આપે તે પછી ખેડૂતને મનફાવે તે ભાવ આપીને લૂંટી શકે છે. બનાસકાંઠાના ખેડૂતોને બટાકાની ખેતીમાં આ અનુભવ થયેલા છે.
Comments